૩. સહિષ્ણુતા અપનાવો

સહિષ્ણુતા અપનાવો
સંસારમાં અનેક પ્રકારના માણસો છે અને એમાં બધાંના સ્વભાવ, રુચિ, પ્રકૃતિ વગેરે અલગ અલગ છે. કેટલીક વ્યક્તિઓના ગુણધર્મ એક્બીજાથી વિરોધી હોય છે, પરિણામે તેઓ ઘણી વાર ટકરાઈ જાય છે અને કષ્ટો સહન કરવાં પડે છે. આ સ્થિતિને ટાળવાનો એક માત્ર ઉપાય છે સહિષ્ણુતા. આપણે સહનશીલ બનીએ અને સ્વભાવની પ્રતિકૂળતાઓ અને માણસની પ્રતિકૂળ ભાવનાઓને શાંતિપૂર્વક સહન કરવાની ટેવ પાડીએ તો સંસારમાં સુખપૂર્વક જીવન પસાર કરી શકીએ.


આપણા ઋષિમુનિઓએ પણ સહિષ્ણુતાને માણસની આધ્યાત્મિક ઉન્નતિને માટે જરૂરી જ નહીં, અનિવાર્ય માની છે. અસહિષ્ણુ વ્યક્તિ ક્યારેય પોતાની ઉન્નતિ સાધી શકતી નથી. આધ્યાત્મિક જીવનની વાત છોડી દો, વ્યાવહારિક જીવનમાં પણ સહનશીલ બનવાની નિતાંત આવશ્યકતા છે. એના વિના જીવન, સુખપૂર્વક વિતાવી શકાતું નથી. પ્રકૃતિ પણ આપણને સહિષ્ણુતાનો પાઠ ભણાવે છે. ગરમી, ઠંડી, વરસાદ, ભૂખ, તરસ, નિદ્રા વગેરેના આવેગ પ્રકૃતિ દ્વારા નિર્મિત કરાયા છે જેમને ઈચ્છા કે અનિચ્છાએ પણ સહન કર્યા વગર આપણો નિર્વાહ થતો નથી. તેથી આપણે આ બધી પ્રતિકૂળતાઓને સ્વેચ્છાએ સહન કરવાની ટેવ પાડવી જોઇએ.
આગળ કહ્યું તેમ બધા માણસોના આચાર, વિચાર, સ્વભાવ, રુચિ વગેરેમાં ભેદ હોય છે, પરંતુ આચાર વિચારમાં મતભેદ હોવા છતાં પણ આપણે કોઈની સાથે દ્વેષભાવ રાખવો જોઇએ નહીં. આપણે એવું ક્યારેય વિચારવું જોઇએ નહીં કે આપણા જ આચારવિચાર બધાથી શ્રેષ્ઠ છે, બીજા બધા ખોટા માર્ગે જઇ રહ્યા છે. આ પ્રકારની ભાવના આપણા અહંકારની સૂચક અને પોષક કહેવાશે. બીજી વ્યક્તિઓના વિચારોમાં પણ થોડી સચ્ચાઈ હોવી જોઇએ એવું માનીને આપણે નમ્રતાપૂર્વક એમને સહી લેવાની ક્ષમતા પ્રાપ્ત કરવી જોઇએ. તદુપરાંત કોઈ માણસ કોઈક કારણસર અથવા અજાણતાં આપણને કુટુવચન કહે, ગાળો ભાંડે કે ટોણો મારે તો એના પ્રતિ ક્ષમાભાવ દર્શાવી એને આપણે સહન કરવા જોઇએ. ક્ષમાભાવના પ્રભાવે દયમાં આધ્યાત્મિક પ્રકાશનો ઉદય થાય છે અને શાંતિની માત્રા વધે છે. જે માણસ એવું વિચારે છે કે અમુક વ્યક્તિએ એનું અપમાન કર્યું. અનાદર કર્યો અથવા એને કોઇ રીતે દુ:ખી કર્યો તેથી એનો બદલો વાળવો જોઇએ, તે માણસ સ્વપ્નમાં પણ માનસિક શાંતિ મેળવી શકતો નથી કે આધ્યાત્મિક માર્ગે અગ્રેસર થઈ શકતો નથી. જેનામાં પ્રતિહિંસાની ભાવના ભરી છે, જે બદલાની ભાવનાને કારણે અસ્થિર અને ક્ષુબ્ધ છે, એવા વિચારગ્રસ્ત હૃદયમાં સાચી શાંતિ કેવી રીતે રહી શકે ?
દુષ્ટ, દુરાચારી, ઉચ્છૃંખલ, અનાચારી, આતંકવાદીઓને સુધારવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. એમની ઉપેક્ષા કરવાથી કે ક્ષમા કરવાથી તેઓ વધુ ઉચ્છૃંખલ બની જાય છે અને પોતાની સફળતા ઉપર મદાંધ થઈ એમની દુષ્ટતાને વધારી શકે છે. એટલા માટે એમનો પ્રતિરોધ કરવા માટે રાજ્સત્તા, સામાજિક સહયોગ અથવા વ્યક્તિગત સંઘર્ષનો માર્ગ અપનાવવો પડે છે. આ કઠિન કાર્ય કરતી વખતે પણ રોગીની ચિકિત્સા કરતા હોઈએ તેમ ઉદાત્ત ભાવના મનમાં રાખવી જોઇએ. ધૃણા અને દ્વેષ, પાપોનો કરવો જોઇએ, પાપી પ્રત્યે નહીં. ગંદકી સાફ કરતા હોઇએ તેવા સ્વચ્છ ભાવથી પણ અનીતિનો પ્રતિરોધ કરી શકાય છે. આ ઉપાયને ગાંધીજીએ એક વ્યાપક આંદોલન રૂપે શરૂ કર્યો હતો અને એ શકિત દ્વારા એમણે બ્રિટિશ સરકાર જેવા શક્તિશાળી શત્રુને પરાસ્ત કરવામાં સફળતા મેળવી હતી.

ઘૃણા અને શત્રુતા, અસહિષ્ણુતા અને વિક્ષોભના ભાવો જેટલી હાનિ પ્રતિપક્ષીને પહોંચાડે છે એના કરતાં વધુ નુકસાન તે પોતાને કરે છે. આગ જ્યાં રહે છે તેને પહેલાં સળગાવે છે. દુર્ભાવ રાખનાર માણસ જેવા પ્રત્યે દુર્ભાવ રાખે છે એને જેટલું નુકસાન થાય છે તેના કરતાં વધારે નુકસાન પોતે વેઠે છે. તેથી સંઘર્ષ પણ જો જરૂરી હોય તો ઉદારતા અને સહિષ્ણુતાની ભાવનાઓ સાથે જ કરવો જોઇએ.

આપણે સહિષ્ણુતાથી જ આત્મિક ઉન્નતિ કરી શકીએ છીએ. ઇશ્વર આપણી પરીક્ષા કરવા માટે જ પ્રતિકૂળતાઓ અને કઠણાઈઓને આપણી સામે ઉપસ્થિત કરે છે. તેથી આપણે પ્રતિકૂળતાઓને જોઈને ગભરાઈએ નહીં, પરંતુ હિંમતની સાથે આનંદપૂર્વક એમને સહન કરવાની ટેવ પાડીએ. આપણને મુશ્કેલીઓની વચ્ચે રહેવામાં, એમને સહર્ષ ઝીલવામાં આનંદ આવવો જોઇએ. જે વ્યક્તિ કષ્ટ, અપમાન, પીડા, દુઃખ, હાનિ, વિયોગને હસતી જઈ સહી શકે છે તે જ સાચી સહિષ્ણુ છે તે જ સાચી આધ્યાત્મિક છે અને તે જ સાચી ઇશ્વર પરાયણ છે. આપણે કોઇનાં દુર્વચનો સાભળીને ક્રોધ કરવો જોઇએ નહીં. બલકે, એ વ્યક્તિને અશાંત અને દયાપાત્ર સમજીને એની પ્રત્યે ક્ષમાભાવ દર્શાવવો જોઇએ. આપણે આપણા આત્મસ્વરૂપનું સ્મરણ કરતા જઈ માન-અપમાન, સુખદુ:ખ, હાનિલાભ અને સંયોગવિયોગમાં હંમેશાં સમબુદ્ધિ રાખીએ અને ક્રોધને પોતાનો મહાન શત્રુ માની એનાથી અલગ રહીએ તો જ આપણું જીવન સુખી બની શકશે. બદલો લેવાની કે પ્રતિહિંસાની શક્તિ ન હોવાથી અનિચ્છાએ પણ સહન કરી લેવું એ કંઈ સાચી સહિષ્ણુતા નથી. જો મનમાં પ્રતિહિંસાની ભાવના રહી જશે તો સહિષ્ણુતા એ સહિષ્ણુતા નહીં, દુર્બલતા કે કાયરતા જ હશે અને પ્રતિહિંસાની ભાવના અંદર ને અંદર આપણા ચિત્તને ઝેરીલું બનાવી દેશે. આ રીતે વિચારયુક્ત ચિત્તમાં વેરભાવ એનું ઘર કરી લે છે, જેને કારણે ચિત્તની બધી જ શુભવૃત્તિઓનો નાશ થાય છે. એ અટલ સત્ય છે કે હિંસાને પ્રતિહિંસાથી નષ્ટ નથી કરી શકાતી, એને પ્રેમ, સહિષ્ણુતા અને ક્ષમા દ્વારા જ જીતી શકાય છે. જ્યારે પ્રતિહિંસા ઘૂંટણિયે પડી જાય છે, ત્યારે ક્ષમા અને પ્રેમ સફળ થાય છે, આ અનુભવજન્ય સત્ય છે.
વધુ દુ:ખ અને સંતાપની વાત તો એ છે કે જે ધર્મ આપણને પ્રેમ સહિષ્ણુતા, દયા, ક્ષમા, કરુણા, અને મૈત્રીના પાઠ ભણાવે છે, એ ધર્મને લઈને જ આપણે અંદર અંદર વિરોધ, નિંદા અને ધોર અસહિષ્ણુતાનું વાતાવરણ બનાવી રહ્યા છીએ. જે ધર્મ મનુષ્યને શાંતિ આપવા માટે બનાવવામાં આવ્યા હતા તે ધર્મ જ અંદરઅંદર લડાઇને અશાંતિનાં કારણ બની બેઠા છે. આજે પાણીમાં જ આગ લાગી છે. આપણે આપણા ઊંચા આદર્શ પરથી પતનના ઊંડા ખાડામાં પડી રહ્યા છીએ અને તે પણ પવિત્ર એવા ધર્મના નામ પર કેવી લજજાજનક વાત છે ! આજે પ્રત્યેક પરિવાર, સંસ્થા, સંગઠન અને સમાજમાં અસહિષ્ણુતા, જૂથબંધી, ફાટ-ફૂટ, ઇર્ષા, દ્વેષ વગેરે દુર્ગુણોની બોલબાલા છે. જેનાથી આપણું વ્યક્તિગત અને પારિવારિક જીવન જ છિન્ન-ભિન્ન અને અશાંત બની ગયું છે એટલું જ નહીં, બલકે આપણું રાષ્ટ્રીયજીવન પણ પાયમાલ થઇ ગયું છે. બધાના હૃદયમાં, મગજમાં ઘોર અસહિષ્ણુતાનું તાંડવ ચાલી રહ્યું છે, જેને કારણે આપણે આ સ્વર્ગસમાન વસુધરાને ઘોર નરકકુંડ બનાવી દીધી છે. સૌથી વધારે આશ્ચર્ય તો એ છે, કે અસહિષ્ણુતાના વિપરિત પરિણામોને જોવા છતાં હજુ સુધી આપણી આંખો ખુલતી નથી. આપણે એવું જરા પણ વિચારતા નથી કે આ ક્ષણભંગુર નાર દેહ શું આ કલહ અને ઈર્ષ્યાના અગ્નિમાં બાળી નાખવા માટે છે? શું આ દેવદુર્લભ માનવશરીર કે જે અનેક પૂર્વજન્મોના પુણ્યથી પ્રાપ્ત થયું છે તેને આવા શુદ્ર ઝઘડાઓમાં લગાડીને આખું જીવન અશાંતિમાં જ વ્યતીત કરવાનું છે ? શા માટે આપણે જીવનની આ અમૂલ્ય નિધિનો આવો દુરુપયોગ કરી રહ્યા છીએ? શા માટે આપણે આનંદમય સંસારને, આ પ્રેમના નંદનવનને અસહિષ્ણુતાની જવાળાઓથી સળગાવીને રાખ કરી રહ્યા છીએ?
સહિષ્ણુતાનું જ બીજું નામ તપ છે. જો કોઇ પ્રશંસા કરે તો ફૂલાઈને ફાળકો થવું નહીં અને જો કોઈ ગાળો દે તો ગુસ્સાથી લાલ થઈ જવું નહીં. બંને અવસ્થાઓમાં એક સમાન રહેવું એ છે સાચી સહિષ્ણુતા. જેનામાં આ સહન શક્તિ હોય છે એના જીવનમાં એક અનોખી મીઠાશ, અપૂર્વ શાંતિ, અદ્ભૂત સંતોષ અને એક દિવ્ય અનુભૂતિનો સંચાર થાય છે જે ખરાબમાં ખરાબ વ્યક્તિઓને બદલી નાખે છે. સહનશીલતામાં એવી જાદુઈ શક્તિ છે. મહાત્મા સુકરાતનું નામ તો તમે સાભળ્યુ હશે તેઓ ઉંચા પ્રકારના સંતપુરુષ હતા, પરંતુ દુર્ભાગ્યે એમનો વિવાહ એવી એક સ્ત્રી સાથે થયો જે ખૂબ જ ઝઘડાળુ હતી. તે હંમેશા ગુસ્સામાં રહેતી હતી. ગાળ વિના ક્યારેય સીધી રીતે વાત કરતી નહોતી. સુકરાતના શિષ્યોએ ઘણી વાર – ‘ગુરુજી ! આ કેવા સંકટ જોડે આપનો પનારો પડયો છે. એને છોડો અમે આપનું બીજું લગ્ન કરાવી આપીએ” ત્યારે સુકરાત કહેતા – “આ મારી પરીક્ષાનું સાધન છે. આ મારી સહિષ્ણુતાની પરીક્ષાઓ છે કે મેં ક્રોધ ઉપર જીત મેળવી છે કે નહીં ?

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: