શું ધન દુઃખનું કારણ બની શકે ? | GP-4. ધનનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
June 29, 2022 Leave a comment
શું ધન દુઃખનું કારણ બની શકે ?
આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયમાં સંસારના મોટા ભાગના લોકોએ ધનના વાસ્તવિક સ્થાનને ભૂલી જઈને તેને ખૂબ ઊંચા સ્થાને બેસાડી દીધું છે. ધનનું મહત્વ ખૂબ ઊંચું આંકી દીધું છે. આજે ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં તો આપણને લાગે છે કે માનવજીવનનો સૌથી મોટો શત્રુ ધન જ છે અને તેનો સ્વીકાર કરવો જ રહ્યો. ઈસુ ખ્રિસ્ત એ સાચે જ કહ્યું છે, “ ધનવાનને સ્વર્ગમાં પ્રવેશ મળવો અસંભવ છે. ” આનો અર્થ એ થયો કે ધન મનુષ્યને એટલો આંધળો બનાવી દે છે કે, તે સંસારનાં તમામ કાર્યોથી પતિત થાય છે. ધનનો ઉપયોગ લોકસેવામાં થાય, તેમાં જ તેનું મહત્વ છે, નહિ તો ધનના જેટલું અનર્થકારી બીજું કશું જ ન હોઈ શકે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે –
સ્તેયં હિંસાનુતં દંભઃ કામઃ ક્રોધઃ સ્મયો મદઃ | ભેદોઃ વૈરમવિશ્વાસઃ સંસ્પર્ધા વ્યસનાનિ ચ ||
એ તે પંચદશાનર્થા હ્યર્થમૂલા મતા નૃણામ્ | તસ્માદનર્થમર્થાખ્યં, શ્રેયોઅવ્રર્થી દૂરતસ્ત્યજેત્ ||
( ૧૧ / ૨૩ / ૧૮-૧૯ ).
“ધનથી જ માનવમાં આ પંદર અનર્થો જન્મે છે – ચોરી, હિંસા, જૂઠ, દંભ, કામ, ક્રોધ, ગર્વ, મદ, ભેદબુદ્ધિ, વેર, અવિશ્વાસ, સ્પર્ધા, લંપટતા, જુગાર તથા દારૂ. આથી કલ્યાણકારી પુરુષે તો અર્થ નામધારી – અનર્થનો દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ”
આજે સંસારમાં ખૂબ જ ઓછા લોકોને સુખી કહી શકાય તેમ છે. ભૂતકાળમાં આપણું જીવન ફક્ત રોટલો કમાવા પાછળ વ્યતીત થયું. હવેનો સમય આપણે સમાજમાં આપણું સ્થાન પ્રાપ્ત કરવા માટે વાપરવો જોઈએ. ફક્ત ધન અને સમૃદ્ધિ જ જીવનનું લક્ષ્ય નહિ હોવું જોઈએ. આપણને બધાંને એ પ્રેરણા થવી જોઈએ કે આપણું જીવન પ્રકૃતિથી વધુને વધુ નજીક હોવું જોઈએ, તેમ જ તર્ક અને બુદ્ધિથી દૂર ન હોવું જોઈએ. આપણી જાતને કામ કરવાનો આદર્શ સમજી જીવન જીવવું જોઈએ. આ આદર્શ પેટ માટેનો ધંધો નહિ, પણ સેવા હોવી જોઈએ. સર્વકલ્યાણ, સમાજસેવા, સામાજિક જીવન તથા શિક્ષણ આપણું કાર્યક્ષેત્ર બનવું જોઈએ. આપણે એવા યુગની કલ્પના કરવી જોઈએ કે આપણું જીવન ફક્ત આજીવિકા – ઉપાર્જન જ ન બની રહેવું જોઈએ. જીવન ફક્ત અર્થશાસ્ત્રો કે પ્રતિસ્પર્ધાની વસ્તુ ન બની જાય. વેપારના નિયમો બદલાઈ જાય. એક કામને કરનારી અનેક વ્યક્તિ હોય અને અનેક વ્યક્તિઓ એક કામ પણ કરી શકે. માલિક અને નોકર વચ્ચે શ્રમના કલાકો અંગેની માથાકૂટ ન રહે. મનુષ્ય ફક્ત મનુષ્ય જ નથી, તેનો આત્મા પણ છે, તેનો દેવતા પણ છે. અરે, એટલું જ નહિ તે તેનું આલોક અને પરલોક પણ છે.
જો આપણે આપણા તથા બીજાઓના હ્રદયમાં પેસીને આ બધું સમજી લઈએ, તો આપણું જીવન કેટલું સુખી બની જાય ! પણ દુઃખની વાત એ છે કે આજે આપણે આવું કેમ નથી કરતા ? આનું
કારણ ધન છે. ધનની દુનિયામાં નિર્ધનનું વ્યક્તિત્વ સમાપ્ત થઈ જાય છે. જ્યાં સુધી પોતાના વ્યક્તિત્વના વિકાસની તક ન મળે,ત્યાં સુધી આદમી સુખી થઈ શકતો નથી, આ સભ્યતા વ્યક્તિત્વના વિકાસને રોકે છે. વિકસિત થયા વિના તેને સુખ નથી મળતું. બીજાને ઘસવા કરતાં પોતાની જાતે જ ઘસાવાથી સુખ પ્રાપ્ત થાય છે, ત્યાગ વિના સુખની સંભાવના જ નથી, આ સુખ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે આપણે દરેક કાર્ય બીજાની મદદ માટે છે એવા ભાવથી કરીએ, પછી ભલે ને આપણે આપણી ઇચ્છાઓનું દમન કરવું પડે. સુખનું સૌથી મોટું સાધન નિઃસ્વાર્થ સેવા જ છે,
પૈસાના સૌથી મોટા પૂજારી યહૂદીઓને માનવામાં આવે છે, પરંતુ હવે તો યહૂદી સમાજમાં પણ ધન વિરુદ્ધનું અભિયાન શરૂ થયું છે, ‘ જેરૂસલેમ મિત્ર સંઘ ‘ ની તરફથી એક ’ ચૂઝ ’ એટલે ‘ પસંદ કરેલો ’ નામનું પુસ્તક પ્રગટ થયું છે. તેનું લક્ષ્ય છે, તમે ઈશ્વર તથા શેતાન બંનેની ઉપાસના એક સાથે કરી શકો નહિ, આ પુસ્તકના લેખક શ્રી આર્થર ઈ. જોન્સનું કહેવું છે કે, કોણ જાણે કેવી ખરાબ પળમાં સંસારમાં પૈસા આવ્યો, જેથી આજે આપણા ઉપર તેણે પોતાનો અધિકાર જમાવી દીધો. આપણે તેના ગુલામ બની ગયા. જો હું એમ કહું કે સંસારની સમૃદ્ધિમાં સૌથી મોટી બાધા પૈસા છે, તો જૂના લોકો ચક્તિ થઈ જશે. પરંતુ આજે સંસારમાં જે કોઈ દુઃખ, દર્દ, પીડા છે તે આ નીચ દેવતાને લીધે છે. ખાદ્ય સામગ્રી, રોગ, આધિ, વ્યાધિ અને ઉપાધિ- આ બધાનું મૂળ કારણ પૈસો છે, કારણ કે સુખની તમામ વસ્તુઓ તે વડે જ મેળવી શકાય છે. આથી જ સંસારમાં આટલું કષ્ટ છે. જેટલો સમય ઉપભોગની વસ્તુઓના પેદા કરવામાં જાય છે, તેના કરતાં અનેક ગણો સમય એ વસ્તુઓના વિક્રયના સોદામાં જાય છે. વેપારની દુનિયામાં એવા કરોડો સ્ત્રી – પુરુષો છે, જેઓ ઉત્પાદનના નામે કશું જ કરતા નથી.
ઉપાધિ એ છે કે લોકો એકબીજાને પ્રેમ નથી કરતા. મેળવવાની જે સ્વાર્થી ભાવના છે, તેની જગ્યાએ આપવાની ભાવના થઈ જાય, તો દરેક વસ્તુનું આર્થિક મહત્વ સમાપ્ત થઈ જાય. આજે લાખો માણસો હિસાબ – કિતાબ રાખવાના અને લખવાના કાર્યમાં પરેશાન થાય છે તથા લાખો માણસો લશ્કર, પલટન તથા પોલીસમાં હિસાબ – કિતાબ રાખનારાઓની તથા તેમના ખજાનાની રક્ષા કરવા માટે રોકવામાં આવેલા છે. રૂપિયાના કારણે જ જેલ તથા પોલીસની જરૂર રહે છે. જો આજ માણસો સ્વયં ઉત્પાદનના કામમાં લાગી જાય તથા પોતાના ઉત્પાદનનું આર્થિક મૂલ્ય પ્રાપ્ત કરવાને બદલે ફક્ત શરીર સુખ જ પ્રાપ્ત કરે તો દુનિયા કેટલી બધી સુખી બની જાય ! આજે દુનિયામાં અખૂટ સંપત્તિ તિજોરીઓમાં, બેંક તથા વીમા કંપનીઓનાં વિશાળ મકાનોમાં, લશ્કરી, પોલીસ, જેલ તથા રક્ષકોના સમૂહમાં લાગેલી છે. જો આ બધી સંપત્તિ અને તેની વધતી જતી માયાજાળ સંસારના લોકોનું પેટ ભરવા માટે ખર્ચવામાં આવતી હોત તો ન જાણે આ દુનિયા કેવી હોત ! દવાખાનાઓમાં લાખો સ્ત્રી – પુરુષો યા તો રૂપિયાના ભારથી કે તેના અભાવથી બીમાર પડેલા છે. લાખો સ્ત્રી પુરુષો ધન મેળવવા માટે જેલ ભોગવી રહ્યા છે.આજે લગભગ દરેક પરિવારમાં આનો ઝઘડો છે. માલિક તથા નોકર વચ્ચે આનો ઝઘડો છે. જો ધનની મર્યાદા ન હોત તો આ સંસાર કેટલો મર્યાદિત થઈ જાત !
જો કે એ પણ એટલું જ સાચું છે કે આ સંસારમાંથી પૈસા એકદમ જતા રહે તે અશક્ય છે, અસંભવ છે. પરંતુ પૈસાનો વિકાસ, તેનું મહત્વ તથા તેના સામ્રાજયને જરૂર રોકી શકાય. આ માટે આપણે આપણો મોહ ત્યાગવો પડશે, સ્વાર્થના સ્થાને પરમાર્થ, સમૃદ્ધિનાં જૂઠા સપનાંની જગ્યાએ ત્યાગ તથા ભાગ્યના સ્થાને ભગવાનનું શરણું લેવાનું રહેશે. જો આવું નહિ કરીએ તો આજની હાયવોયે આપણું જીવન સુખ નષ્ટ કરી નાખ્યું છે, અને હવે આપણા આત્માનો પણ વિનાશ કરશે. આપણે બધું ગુમાવીને પણ આપણા આત્માને બચાવવો છે.
પ્રતિભાવો