ભારતીય નારીની મહાનતા | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા
June 30, 2022 Leave a comment
ભારતીય નારીની મહાનતા
કદાચ કાળક્રમે ભારતીય નારીઓના પ્રાચીન આદર્શ ઘણા ખરા ઓછા થઈ ગયા હોય, બદલાઈ ગયા હોય, તો પણ પ્રાચીન સંસ્કારોના લીધે આજે પણ એક સામાન્ય ભારતીય નારીમાં જે વિશેષતાઓ જણાય છે તે સંસારના બીજા કોઈ દેશની સ્ત્રીઓમાં મળવી અશક્ય છે. હજુ પણ ભારતીય નારીઓમાં જેટલું સતીત્વ, શ્રદ્ધા અને ત્યાગનો ભાવ જોવા મળે છે તેનું ઉદાહરણ કોઈ પણ દેશમાં મળવું મુશ્કેલ છે.
નાનપણથી જ નારીમાં ભોળપણ હોય છે. તેનામાં સહનશક્તિ, લજ્જા, ઉદારતા જેવા ગુણો સામાન્ય રીતે હોય છે અને તેની સાથે સાથે આત્મસમર્પણની ભાવના પણ હોય છે. એ જેને આત્મસમર્પણ કરે છે તેના દોષોને આખી જિંદગી સુધી ભગવાન શંકરની માફક પી જવાની કોશિશ કરે છે અને જેને પોતાના વાસ્તવિક દેવતા માને છે તેને તે પોતાના આત્માથી ક્યારેય પણ દૂર કરવા ઈચ્છતી નથી. સાથેસાથે આ આત્મસમર્પણ પછી તે પોતાના જીવનસાથીના દરેક કાર્યને જાણવા ઈચ્છે છે, ફક્ત ઘરનાં કાર્યોથી જ સંતોષ નથી માની લેતી. તે પોતાના પતિદેવ સંબંધી બહારનાં બધાં કાર્યોની ગણતરી કરે છે. આ બધું શા માટે ? એટલા માટે કે તે પોતાનું બધું જ સમર્પિત કરીને તેની અર્ધાંગિની બની ગઈ છે અને પોતાના બીજા અંગના વિષયમાં ચિંતા કરવી તે સ્વાભાવિક
રીતે તેનો અધિકાર છે. આ અધિકાર ન માનવો તે પુરુષોની ભૂલ હશે. આ રીતે નારી શરૂઆતથી જ પોતાના જીવનને પ્રગતિના માર્ગે લઈ જાય છે. સમય આવે ત્યારે તે ત્યાગ અને વિકાસ માટે ગમે તેવો ભોગ આપે છે. સંસારમાં પોતાના માટે તેનું કંઈ જ નથી. તેની પાસે જે કંઈ છે તે બીજાને માટે છે, અર્થાત્ પતિ, પરિવાર અને દેશ માટે છે. તેના યોગદાનની બાબતમાં તે ગર્ભધારણ કરે છે તે સૌથી મોટું ઉદાહરણ કહી શકાય, પરંતુ ગંભીરતાથી વિચારીએ તો તેનાથી તેને પોતાને શું મળે છે ? એ તો સમાજ અને દેશ માટેની મહાન ભેટ બની જાય છે.
તે પોતાનું લોહીમાંથી ગર્ભનું પોષણ કરે છે. નવ માસ સુધી બિનજરૂરી ભાર ઉઠાવે છે. ચક્કર, ઊબકા, અરુચિ વગેરેના પ્રકોપથી રાતદિવસ હેરાન થાય છે. ચાલતી વખતે એકદમ પડી જાય છે અને ક્યારેક તો પ્રસવની અસહ્ય પીડાથી અંતે જીવ પણ ગુમાવે છે. જો બાળક સારી રીતે જન્મે, તો પણ તે દેશ અને સમાજ માટે હોય છે, તેનું નહિ, કેમ કે મોટો થયા પછી તે પોતાની ઈચ્છા મુજબ આગળ વધે છે. તેનું શરીર ગર્ભના લીધે નબળું પડી જાય છે, તો તેને શું મળ્યું ? તે તો વીર્યનાં થોડાં બુંદ ગ્રહણ કરે છે અને તેની સાથે પોતાના શરીરના લોહીનાં હજારો બુંદને ભેળવીને સમાજ માટે સંતતિનું મહાન દાન કરે છે.
બાળક જન્મે છે ત્યારે તે મોતના મુખમાંથી નીકળી દુર્બળ શરીર સાથે અઠવાડિયાંઓ સુધી ખાટલા ઉપર સૂતી રહે છે, પીડાય છે, હેરાન પરેશાન થાય છે અને પોતાને અસમર્થ અનુભવતાં પથારીમાં ચુપચાપ સૂતી રહે છે. તે તો વિશ્વને એક મહાન દાન આપે છે. તેથી ગર્ભધારણ મહાન ત્યાગનું ઉદાહરણ બની શકે છે. આનાથી આગળ વિચારીએ તો નારીનું મહત્ત્વ ઘણું બધું વધી જાય છે. બાળકો મોટાં થાય છે અને તેમને ખુશ કરવા માટે બેટા, લાલા, વહાલા કહીને પ્રેમ વરસાવતી તે ખાવાપીવાનું પણ ભૂલી જાય છે. જો તેનું કુટુંબ ગરીબ હોય કે કોઈ કારણોસર તેના રસોડામાં ભોજન ઓછું હોય તો તે સમસ્ત પરિવારને જમાડીને પોતે ભૂખી સૂઈ જશે. કોઈને પોતાની બાબતમાં કંઈ સહન કરવું પડે કે ફરિયાદ કરવી પડે તેવું કદી તેના સ્વભાવમાં હોતું નથી. બીજા દિવસે સંજોગોવશાત્ જો પૂરતું ભોજન ન બને તો તે બધાંને જમાડીને ફરી ભૂખી રહી શકે છે, આવું કેમ ? શું તેને ભૂખ નહીં લાગતી હોય ? અન્ય લોકોને લાગે તેવી રીતે તેને પણ ભૂખ તો હેરાન કરે છે, તો પછી તે આવું શું કરવા કરે છે ? એટલા માટે કે તે બીજાને માટે પોતાનું બલિદાન આપવાનું નાનપણથી જ શીખી છે અને તે તેનો સ્વાભાવિક ગુણ બની ગયો છે.
જો કોઈવાર પતિદેવ કોઈ કારણસર ઘરેથી નારાજ થઈ ક્યાંક જતા રહ્યા હોય, તો કેટલીય રાત્રી સુધી બેસી રહી તેમના માટે રડતી રહે છે. પરસ્પર ઝઘડાના સમયે પતિની ભૂલ હોય, તો પણ પોતે જ માફી માગે છે. પતિ રિસાય ત્યારે તેને મનાવવા તેની પાછળ પાછળ કોણ ફરે છે ? કોણ પોતાની મર્યાદાના રક્ષણ માટે ચીમૂરની સ્ત્રીઓની માફક કૂવા અને નદીમાં કૂદીને બલિદાન આપે છે ? કોણ પોતાના અસ્તિત્વને ગુમાવીને જિંદગીભર બીજાના વશમાં રહેવાનું ખુશીથી સ્વીકારે છે ? રાત્રે બાર વાગ્યે પણ મહેમાન આવે ત્યારે કોણ પથારી અને આળસ છોડીને ઊંઘ આવતી હોય, તો પણ તેમની આગતા સ્વાગતાના કાર્યમાં લાગી જાય છે ?
આ બધા જ પ્રશ્નોનો એક જ જવાબ મળશે – ભારતીય નારી. ધર્મ અને સંસ્કૃતિના પ્રતીક સમાન ભારતીય નારી કોનું ધ્યાન નથી રાખતી ? તે દાનવને પણ પાવન, હત્યારાને પણ ધર્માત્મા અને નિર્દયને પણ દયાળુ બનાવે છે. તેનાં આંસુઓમાં ધર્મ છે, વર્તનમાં સંસ્કૃતિ છે અને હાસ્યમાં સુખનું રાજ્ય છે. માનવધર્મનું સાચા અર્થમાં માત્ર તે જ પાલન કરી શકે છે. મનુએ ધર્મનાં દશ લક્ષણ બતાવ્યાં છે.
કૃતિ – ક્ષમા દમોડસ્તેયં શૌચમિન્દ્રિયનિગ્રહઃ । ધીર્વિર્યઃ સત્યમક્રોધો દશકં ધર્મ લક્ષણમ્ ॥
આમાંથી દરેકને નારી કેવી રીતે નિભાવે છે તે ઉપર ટૂંકમાં નજર નાખવી યોગ્ય ગણાશે.
વિશ્વનો કોઈ પણ માનવ દશ લક્ષણયુક્ત ધર્મનું પૂર્ણરૂપથી ભાગ્યે જ પાલન કરી શકે. કદાચ કોઈ કરતો પણ હોય, તો તેને આવું કરવામાં અસીમ સાધના કરવી પડી હશે, પરંતુ નારીના જીવનમાં ઉપરની દસ વાતો સ્વાભાવિક બની ગઈ છે. તેના વગર તેને ચેન પડતું નથી. તે આ બાબતોનું સમ્રાઈથી પાલન કરીને સંસારની પથદર્શિકા બની ગઈ છે.
ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓમાં, મુશ્કેલીઓથી ઘેરાયેલી હોવા છતાં પણ ઘીરજથી પતિની અનુગામીની બની રહે છે. પતિ તેની સાથે ઘોરમાં ઘોર અત્યાચાર કરી નાખે છે, તેને ઢોરની જેમ ડંડાથી મારે છે, વેશ્યાગમન અને દારૂની આદતથી તેનું જીવન મુશ્કેલ બનાવી દે છે, તેનાં ઘરેણાં વેચીને જુગાર રમે છે, પરંતુ જ્યારે તેને ખરાબ સ્થિતિમાં ઘેર આવેલો જુએ છે ત્યારે તે બધું જ ભૂલીને સહાનુભૂતિપૂર્વક તેની સહાયતા માટે તત્પર રહે છે. પોતે વેઠેલી વેદનાઓના બદલામાં એક પણ શબ્દ પતિની વિરુદ્ધ બોલવાનું તેને ગમતું નથી. તે પોતાના દિલ અને સ્વભાવથી મજબૂર છે. કોમળતા છોડીને કઠોર બનવું તેને ગમતું નથી. તેનું સૌમ્ય હૃદય ક્ષમા સિવાય બીજું કંઈ જાણતું નથી. તે પોતે જ પૂર્ણ છે.
મનોનિગ્રહ વિશે તે તેના ઈન્દ્રિયસુખનો ત્યાગ તેની ઈચ્છા હોવા છતાં કરે છે. સારી ચીજો અને ભોજન પોતે ન જમતાં કુટુંબીજનોને જમાડવા, પોતાનું દુઃખ ભૂલીને બીજાના દુઃખમાં ભાગીદાર બનવું, ગુસ્સો કર્યા વગર સદાય સૌમ્ય રહેવું તે તેની મહાનતા છે.
પવિત્રતા અને ઈન્દ્રિયસંયમ માટે તેનું આચરણ પ્રતિદિન અનુસરવું જોઈએ, કુટુંબ, સાસુ અને પતિની સેવા કરવી, ઉદાર દિલથી પીડિતો અને દુઃખીઓને સહાય કરવી અને પોતાના સુખદુઃખની પરવા કર્યા સિવાય રાતદિવસ ઘરનાં કામોમાં પ્રવૃત્ત રહીને ‘ગૃહિણી’ પદની જવાબદારી નિભાવવાથી વધારે પવિત્ર ઈન્દ્રિયસંયમ બીજો કયો હોઈ શકે?
પ્રતિભાવો