૫. મર્યાદાઓનું પાલન કરો
June 30, 2022 Leave a comment
મર્યાદાઓનું પાલન કરો
પ્રત્યેક માણસમાં એક મૌલિક ઇચ્છા કામ કરે છે અને તે છે સુખ-શાંતિની ઇચ્છા. પોતાના સુખની ઇચ્છા થવી એ માણસની મૌલિક વૃત્તિ છે. માનવજીવનમાં સુખ-પ્રાપ્તિની આ ઇચ્છા બે પ્રકારે વ્યક્ત થાય છે. એક પ્રકારના માણસો સ્વયં પોતાની જાતને કેન્દ્રમાં રાખી જે રીતે સુખ, આનંદ મેળવી શકાય એને માટે પ્રયત્ન કરે છે. જાતજાતની સામગ્રી એકત્રિત કરે છે. એશઆરામના કેટલાક માર્ગ શોધી કાઢે છે અને એમના ઉદ્દેશમાં થોડા સફળ પણ થાય છે. આ પ્રકારના લોકોની સામે કે જેઓ પોતાના જ સુખમાં કેન્દ્રિત રહે છે. બીજાઓની સ્થિતિનું કંઇ મહત્વ હોતું નથી. એમના સુખોપભોગને કારણે બીજાઓને માટે ઊભા થતા કષ્ટનું પણ એમને કોઈ મહત્ત્વ હોતું નથી.
બીજા પ્રકારના માણસો જીવનમાં ઉપલબ્ધ સુખનો બીજાઓ માટે ત્યાગ કરે છે. બીજાઓને સુખી બનાવવામાં જ એમને સુખ મળે છે, આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે. સુખી હોવાનું આ બીજું રૂપ છે. એને માટે માણસ જીવનમાં એ આદર્શોને સ્વીકારે છે જે બધાને સારા લાગે, જેમનાથી બધાંને સુખ મળે. પોતાનું પ્રત્યેક કાર્ય, આચરણનું મૂલ્યાંકન તે વ્યક્તિગત રીતે ન કરતાં સમષ્ટિગત સ્તરે કરે છે. બીજાઓને પોતાની જેમ જુએ છે. પોતાનું મૂલ્યાંકન પણ એ રીતે જ કરે છે જેવું બીજાનું કરે છે. પોતાનું આચરણ, સ્વભાવ, વૃત્તિઓનો સુધાર પણ એવી રીતે જ કરે છે જેવું તે બીજાંઓ પાસેથી ઈચ્છે છે.
આ સ્વરૂપ માણસમાં નૈતિકતા અને ધર્મવ્યવસ્થાનો મૂલાધાર છે, જેમાં જીવનનો આધાર વ્યક્તિગત નહીં, પરંતુ સમષ્ટિગત હોય છે. આ જ સમાજ વ્યવસ્થાની આધારશિલા છે. આ સહયોગ સહ- અસ્તિત્વ, સંગઠન, આત્મીયતા માનવતાના વિકાસનું કેન્દ્રબિંદુ છે. એનાથી ઉલટું, વ્યક્તિગત લાભનો અનુચિત સ્વાર્થભાવ જ અનૈતિકતા અને અધાર્મિકતા છે અને મનુષ્ય તથા સમાજના વિકાસની ગતિનો અવરોધક છે. મનુષ્યના પોતાના જીવનમાં રોગ, શોક, કલેશનું કારણ પણ તે છે.
મનુષ્યની નૈતિક સીમાઓ એની સફળતાની સીમાઓ છે. એ એટલું સ્પષ્ટ સત્ય છે કે કોઈ વ્યક્તિના નૈતિક સ્તરને જાણીને એની સફળતા અથવા અસફળતાનું સાચેસાચું પરિણામ એવી રીતે બનાવી શકાય જેમ ગણિતના સિદ્ધાંતોને આધારે કોઇ સવાલનો જવાબ આપી શકાય છે, જેવી રીતે આકાશમાં ફેંકેલી વસ્તુનું જમીન પર પાછા આવવું એ સત્ય છે તેમ સારું કે ખોટું કર્મ પણ પાછું વળીને કર્તા પર આવે છે. પ્રત્યેક અનૈતિક કાર્ય પરાજય, અસફળતા, લક્ષ્યથી જવામાં પરિણમે છે. એનાથી ઊલટું પ્રત્યેક નૈતિક કાર્ય, સમૃદ્ધિ, સફળતા અને લક્ષ્યપ્રાપ્તિના સુંદર ભવનનું નિર્માણ કરે છે. કોઇ પણ વ્યક્તિ, પરિવાર, સમાજ કે રાષ્ટ્રનું ઉત્થાન એની નૈતિક શક્તિ અને જ્ઞાનના વિકાસથી જ થાય છે. એનાથી ઊલટું, નૈતિક પતન જ પરાભવનું પતનનું મુખ્ય કારણ છ. અનૈતિકતા એ જ વિનાશનું બીજું નામ છે. નૈતિકતા સર્વત્ર નિર્માત્રી, ધાત્રીનું કામ કરે છે.
કોઈ પણ ખરાબ કામ કરતી વખતે માણસનું હૃદય ધક્-ધક્ કરવા લાગે છે. રક્તસંચાર વધી જાય છે. એના પગ લથડવા લાગે છે. શરીરમાં પસીનો છૂટી જાય છે. એવું લાગે છે કે જાણે કોઇ રોકી રહ્યું છે. કોઈ પણ ખરાબ કામ કરતાં આત્મા ધિક્કારવા લાગે છે. મનુષ્યનું મન આત્મગ્લાનિ, પાશ્ચાત્તાપમાં ડૂબી જાય છે. આ બધુ નૈતિકભાવોને કારણે જ થાય છે જે એની અંદર અંતઃકરણમાં રહેલા છે. આ નૈતિકતાનો ભાવ મનુષ્યના બાહ્મમનની વસ્તુ નથી. નૈતિકતાના અવાજને તર્ક, બુદ્ધિ, ચાતુર્ય શાંત કરી શકતાં નથી. નૈતિકતા માણસની ચેતનાનું અંગ છે, જે કોઇ કૃત્રિમ પ્રયત્નનું પરિણામ નહીં, પરંતુ જીવાત્માના એક લાંબા સમયનો સંસ્કાર, અભ્યાસ અને સૃષ્ટિમાં કામ કરી રહેવા દૈવી વિધાનનો વ્યાપક નિયમ છે.
નૈતિકતાની અવહેલના કરવાથી સામાજિક અથવા રાજનૈતિક ન્યાય વ્યવસ્થા અનુસાર માણસને વિભિન્ન રુપોમાં દંડ મળે છે. સરકાર અને સમાજના દંડથી માસ કોઈક રીતે બચી શકે છે, પરંતુ નિયતિના વિધાનથી બચી શકતો નથી. એનો નિર્ણાયક ક્યાંય બહાર નથી, સ્વયં મનુષ્યની અંદર વિધમાન હોય છે. એની ચારેય બાજુ અને સર્વત્ર હોય છે. આંતરિક અથવા બાહ્ય પરિસ્થિતિની ગૂંચો-વિપરીતતાઓમાં જે ક્લેશ, કષ્ટ તેમજ દુ:ખદ અનુભૂતિઓ થાય છે તે ઉપર કહેલા બંને પ્રકારના બાહ્ય દંડોથી પણ વધુ કષ્ટદાયક છે.
નૈતિકભાવ, અંતરાત્માના અવાજની વિરુદ્ધ આચરણ કરવાથી માણસને આત્મા વિચારવા લાગે છે જેનાથી માનસિક શક્તિઓ, ઇચ્છાશક્તિ નિર્બળ થવા લાગે છે અને માણસ ગરીબ બની જાય છે. આંતરિક જીવનની જ છાયા, માણસના બાહ્યજીવન ઉપર પડે છે. આ રીતે આંતર-બાહ્ય બધી રીતે માણસ દીનહીન બની જાય છે.
માણસ પોતાની ચાલાકી, શબ્દચાતુર્ય અને વિવિધ પ્રયત્નો દ્વારા પોતાનાં અનૈતિક કાર્યોને છુપાવવાનો અસફળ પ્રયાસ કરે છે. બાહ્ય જગતમાં તે સફળ થાય પણ ખરો, પરંતુ પરમાત્માને છેતરી શકતો નથી. કેટલીક વાર માણસ પોતાની ધર્મ-બુદ્ધિ, નૈતિક અવાજને દબાવવા, પાપને ભૂલવા માટે મનગમતા તર્ક અને વિચારોનું અવલંબન લે છે અને પોતાના આચરણોના ઔચિત્યને સિદ્ધ કરીને મનમાં સંતુષ્ટ થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ નિયતિનો નિયમ બીજી જ રીતે પાપનો દંડ અને એના પ્રકાશિત થવાનો માર્ગ ઊભો કરે છે.
સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં દુ:ખ, શોક, હાનિ, પીડા, ક્લેશની આડમાં માણસનાં અનૈતિક કાર્યોનું પરિણામ મળે છે. બીજાંઓની ઊંધ હરામ કરનાર ચેનથી સૂઇ શકતા નથી. ચોર, લૂંટારા, ઝૂંડા તસ્કરને ઘેર વસાવીને સુખ શાંતિનું જીવન પસાર કરતા જોયા નથી. આજે નહીં તો કાલે, મોડું વહેલું અનૈતિકતાનું પરિણામ દુ:ખદાયી અને વિનાશકારી જ હોય છે.
વ્યક્તિત્વનો આધારસ્તંભ નૈતિકતા છે. એના સહારે જ સમૃદ્ધિ આવે છે. નૈતિક આદર્શોની પ્રાપ્તિ જ સમૃદ્ધિ, વિકાસયુક્ત જીવનના સત્યની પ્રાપ્તિ છે. એના દ્વારા જ મનુષ્ય આનંદ, સ્વાતંત્ર્ય, શક્તિ, સાહસ પ્રાપ્ત કરે છે.
જો માણસ નૈતિક સિદ્ધાંતો અનુસાર કાર્ય કરતો રહે તો જીવનમાં આવનારી અનિશ્ચિત ઘટનાઓ, તોફાન, ગૂંચવણ ભરેલી સમસ્યાઓમાં પણ સંપૂર્ણ સુરક્ષા, શાંતિ, વિશ્વાસની સાથે જીવનમાં સમૃદ્ધિ, વિકાસ, પ્રાપ્ત કરી શકે છે.
રેલગાડીના એંજિનમાં વિશેષ શક્તિ હોય છે. એ એના માર્ગમાંથી ઉથલી પડે તો અનર્થ ઉત્પન્ન થઇ શકે છે. એથી જમીન ઉપર બે પાટા નાખવામાં આવે છે અને એંજિનને એની પર ચાલતા રહેવાની વ્યવસ્થા બનાવવામાં આવી છે. વીજળીમાં બહુ શક્તિ હોય છે. એ શક્તિ આમ તેમ વિખરાઈ જાય નહીં તે માટે એનું નિયંત્રણ રાખવું આવશ્યક છે. આ ઉદ્દેશની પૂર્તિ માટે એવો પ્રબંધ કરાયો છે કે વિજળી તારમાં થઈને જ પ્રવાહિત થાય અને એ તાર પણ ઉપરથી ઢંકાયેલા રહે. નહેરમાં પાણીની તેજ ધારા વહે છે. એ પાણીને નિયંત્રણમાં રાખવામાં આવે નહીં તો ગામના ગામ ડૂબી શકે છે. આ ખતરાની સુરક્ષા માટે નહેરના બંને કિનારા ખાસ્સા પહોળા અને મજબૂત બનાવવામાં આવે છે. દરેક શક્તિશાળી તત્ત્વ ઉપર નિયંત્રણ આવશ્યક બને છે. અનિયંત્રિત રહેવા દેવાથી શક્તિશાળી વસ્તુઓ અનર્થ જ પેદા કરે છે. મનુષ્યને જો પરમાત્માએ અનિયંત્રિત રાખ્યો હોત, એની ઉપર ધર્મ, ર્કાવ્યોનું ઉત્તરદાયિત્વ રાખ્યું હોત નહીં તો ચોક્કસ માનવ પ્રાણી આ સૃષ્ટિનું સૌથી ભયંકર, બધાં કરતાં અનર્થકારી પ્રાણી સિદ્ધ થયું હોત.
અશકત અથવા સ્વલ્પ શક્તિવાળા પદાર્થ કે જીવ અનિયંત્રિત રહી શકે છે. કેમકે એમના દ્વારા હાનિની સંભાવના બહુ ઓછી રહે છે. જેમને તેઓ હાનિ કરી શકે છે. તેમને એમની સુરક્ષા માટે આવશ્યક શક્તિ મળી હોય છે તેથી એ સ્વચ્છંદતામાં નિયંત્રણ અને સમતુલાનો એક નિયમ કામ કરતો રહે છે. કીડી, મંકોડા, માખી, મચ્છર, કુતરું, બિલાડી વગેરે નાના જીવો પર કોઈ બંધન હોતાં નથી. પરંતુ બળદ, ઘોડો, ઊંટ, હાથી વગેરે જાનવરોને નાકની નાથ, લગામ, અકુંશ વગેરેને આધારે નિયંત્રણમાં રાખવામાં આવે છે. જો એ પ્રતિબંધ હોય નહીં તો તે શક્તિશાળી જાનવર લાભકારક થવાને બદલે હાનિજનક બને છે.
અનિયંત્રિત માણસ કેટલો ધાતક હોઈ શકે છે એની ક્લ્પના માત્રથી જ કંપારી છૂટે છે. જે અસુરો, દાનવો, દસ્યુઓ, દુરાત્માઓનાં કુકૃત્યોથી માનવ સભ્યતા કલંક્તિ થતી રહી છે. તે ચહેરાથી તો મનુષ્ય જ હતા, પરંતુ એમણે સ્વેચ્છાચાર અપનાવ્યો, મર્યાદાઓને તોડી ધર્મનો વિચાર ન કર્યો કે કર્તવ્યનો વિચાર ન કર્યો. શક્તિઓના મદમાં એમને જે સૂઝ્યું, જેમાં લાભ જોયો તે જ કરતા રહ્યા. પરિણામે એમનું જીવન બધી રીતે ધૃણિત અને નિકૃષ્ટ બન્યું. એમનાથી અસંખ્યોને નુકસાન થયું અને સમાજની શાંતિ વ્યવસ્થામાં ભારે હલચલ થતી રહી. અસુરતાનો અર્થ જ ઉચ્છૃંખલતા છે.
મર્યાદાઓનું ઉલ્લંધન કરવાની ઘટનાઓ દુર્ધટનાઓ કહેવાય છે. એને પરિણામે સર્વત્ર શોભ જ ઉત્પન્ન થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, પૃથ્વી બધાં એમની નિયત કક્ષામાં અને ધરી પર ફરે છે. એક બીજાની સાથે આકર્ષણ શક્તિમાં બંધાયેલાં રહે છે અને એક નિયત વ્યવસ્થાને અનુરુપ પોતાનો કાર્યક્રમ નિયત રીતે કર્યા કરે છે. જો તેઓ નિયત નિયંત્રણને તોડીને સ્વેચ્છાચાર વર્તવાની ચેષ્ટા કરે તો એનું પરિણામ પ્રલય જ હોઈ શકે છે. આ ગ્રહો માર્ગમાંથી ભટકી જાય તો એક બીજા સાથે ટકરાઈને વિનાશ સર્જી દે. માણસ પણ પોતાના કર્તવ્યમાર્ગથી ચલિત થાય તો પોતાનો જ નહીં, બીજા અનેકોનો નાશ કરે છે.
પરમાત્માએ દરેક મનુષ્યને અંતરાત્મામાં એક માર્ગદર્શક ચેતનાની પ્રતિષ્ઠા કરી છે જે એને ઉચિત કર્મ કરવાની પ્રેરણા અને અનુચિત કર્મ કરતાં ધિક્કારતી રહે છે. કર્તવ્યપાલનનાં કાર્ય તે ધર્મ અથવા પુણ્ય કહેવાય છે, જે કર્તાને તત્ક્ષણ પ્રસન્નતા અને શાંતિનો અનુભવ કરાવે છે. એનાથી ઊલટું, જો સ્વેચ્છાચારે વર્તવામાં આવે, ધર્મ-મર્યાદાઓને તોડવામાં આવે, સ્વાર્થ માટે અનીતિનું આચરણ કરવામાં આવે, તો અંતરાત્મામાં લજજા, સંકોચ, પશ્ચાત્તાપ, ભય અને ગ્લાનિનો ભાવ ઉત્પન્ન થશે. અંદર ને અંદર અશાતિ રહેશે અને એવું લાગશે જાણે પોતાનો અંતરાત્મા જ એને ધિક્કારી રહ્યો છે. આ આત્મવંચના પીડાને ભુલાવવા માટે અપરાધી પ્રવૃતિવાળા લોકો નશાબાજીનો આશ્રય લે છે. છતાં પણ ચેન ક્યાંથી ? પાપવૃત્તિઓ સળગતા અગ્નિ જેવી છે, જયાં એમને જગા મળે ત્યાં પહેલાં બળતરા જન્માવે છે.
શરીરમાં ક્ષય, દમ, કોઢ, લક્વો વગેરે રોગ થઈ જવાથી સ્વાસ્થ્ય શિથીલ થઈ જાય છે. અશાંતિ અને બેચેની થાય છે. રોગી શરીર વડે માણસ કંઈ કરી શકતો નથી. ઘરવાળાં હેરાન થાય છે, આર્થિક સ્થિતિ બગડે છે અને જો રોગોની સ્થિતિ સુધરે નહીં તો જીવન ભારરૂપ થઈ જાય છે. શરીરની જેમ જ મનમાં પણ કેટલાક રોગો ઉત્પન્ન થાય છે. અને તે માનસિક સ્વસ્થતાને શિથિલ કરી નાખે છે. આત્મવંચના સૌથી મોટો માનસિક વ્યાધિ છે. જેનું મન એનાં દુષ્કર્મો માટે પોતાને ધિક્કારતું રહેશે તે ક્યારેય આંતરિક દૃષ્ટિથી સશકત રહી શકશે નહીં અને અનેક માનસિક દોષ દુર્ગુણ તેને ઘેરી લેશે અને ધીરે ધીરે અનેક મનોવિકારોથી ગ્રસ્ત થઇ જશે.
અનિદ્રા, દુઃસ્વપ્ન, ચિડિયાપણું, આવેશ, ઉત્તેજના, ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા, આશંકા, સંશય, અવિશ્વાસ, આળસ, નિરાશા વગેરે કેટલાક માનસિક રોગ આત્મવંચનાની વ્યથાથી પીડિત માણસને થાય છે. પાપ કર્મોને માટે પોતાનો અંતરાત્મા જેને ધિક્કારે છે તે માણસ સૂતાં જાગતાં ક્યારેય ચેન મેળવી શકતો નથી. દમ અને પીડાકારી રોગોની જેમ પાપીને પણ રાતમાં કે દિવસમાં ક્યારેય ચેન પડતું નથી. અંદર અને અંદર પોતે જ પોતાની શાતિને ઓછી કરતો રહે છે.
મર્યાદાઓનું ઉલ્લંધન કરીને લોકો તાત્કાલિક માટે થોડો લાભ ઊઠાવી લે છે. દૂરગામી પરિણામોનો વિચાર્યા વગર લોકો તરતના લાભને જ વિચારે છે. કુટિલતાથી ધન કમાવું, દંભથી અહંકાર વધારવો, અને અનુપયુક્ત ભોગો ભોગવવા વડે જે ક્ષણિક સુખ મળે છે તે પરિણામે દુ:ખ બનીને સામે આવે છે. માનસિક સ્વાસ્થ્યનો નાશ કરવામાં અને આધ્યાત્મિક વિશેષતાઓનો અંત લાવવામાં સૌથી મોટું કારણ આત્મવંચના છે. કરા પડવાથી જેવી રીતે ખેતી-પાકનો નાશ થઈ જાય છે. તેવી રીતે આત્મવંચનાના આઘાતો લાગતા રહેવાથી મન અને અંત:કરણનાં બધાં જ શ્રેષ્ઠ તત્વો નાશ પામે છે અને એવો માણસ પ્રેત-પિશાચો જેવી સ્મશાન મનોભૂમિ લઇને નિરંતર વિક્ષુબ્ધ બની ફરતો રહે છે.
ધર્મ કર્તવ્યોની મર્યાદાઓને તોડનાર ઉચ્છૃંખલ, કુમાર્ગગામી માણસની ગતિવિધિઓને રોક્વાને માટે એમને શિક્ષા કરવા સમાજ અને શાસન તરફથી જે પ્રતિરોધાત્મક વ્યવસ્થા થઈ છે એનાથી સર્વથા બચવું સંભવ નથી. ધૂર્તતાના બળે આજે કેટલાક અપરાધી પ્રવૃત્તિ આચસ્નારા લોકો સામાજિક ધિક્કારથી અને કાનૂની દંડથી બચી જવામાં સફળ થતા રહે છે, પરંતુ આ ચાલ હંમેશાં સફળ જ થશે એવું નથી. અસત્યનું આવરણ અંતે તો ફાટે જ છે અને અનીતિને અપનાવનારની સામે નીં તો પાછળથી તો નિંદા થાય જ છે. જનમાનસમાં વ્યાપ્ત ઘૃણાનો સૂક્ષ્મ પ્રભાવ એ માણસ પર અદ્રશ્ય રૂપે પડે છે જેને કારણે અહિતકર પરિણામો જ આવે છે. રાજદંડથી બચવા માટે આવા લોકો લાંચરુશ્વતમાં ખર્ચ કરે છે. નિરંતર ડરેલા અને દબાયેલા રહે છે. એમને કોઈ સાચો મિત્ર હોતો નથી. જે લોકો એમનાથી લાભ મેળવે છે તેઓ અંદરથી તો ધૃણા કરે છે અને સમય આવ્યે શત્રુ બની જાય છે. જેને આત્મા ધિક્કારે એને વહેલા મોડા સૌ કોઈ ધિક્કારનાર બની જાય છે. આવા ધિકકારો એકત્રિત કરીને જો કોઇ મનુષ્ય જીવિત રહ્યો તો એનું જીવવું ન જીવવા બરાબર જ છે.
નિયંત્રણમાં રહેવું આવશ્યક છે. મનુષ્ય માટે એ જ ચિત છે કે એ ઇશ્વરીય મર્યાદાઓનું પાલન કરે, પોતાના ઉત્તરદાયિત્વને સમજે અને કર્તવ્યો નિભાવે. નીતિ, સદાચાર અને ધર્મનું પાલન કરતાં સીમિત લાભમાં સંતોષ માનવો પડે છે, ગરીબી અને સાદાઈથી જીવન વિતાવવું પડે છે પણ એમાં ચેન વધુ છે. અનીતિ અપનાવીને વધુ ધન એકત્રિત કરી લેવાનું સંભવ છે પણ એવું ધન પોતાની સાથે એટલા ઉપદ્રવ લઈને આવે છે કે એને પહોંચી વળવાનું ભારે ત્રાસદાયક સિદ્ધ થાય છે. દંભ અને અહંકારનું પ્રદર્શન કરીને લોકો ઉપર જે રોફ જમાવવામાં આવે છે એનાથી આતંક અને કુતુહલ થાય પણ શ્રદ્ધા અને પ્રતિષ્ઠાનું દર્શન દુર્લભ રહે છે. વિલાસિતા અને વાસનાનો અયોગ્ય રીતે ભોગ ભોગવનારું આપણુ શરીર માનસિક અને સામાજિક સમતુલા નષ્ટ કરીને ખોખલું જ બની જાય છે. પરલોક અને પુનર્જન્મને અંધકારમય બનાવી, આત્માને અસંતુષ્ટ અને પરમાત્માને અપ્રસન્ન રાખીને ક્ષણિક સુખ માટે અનીતિનો માર્ગ અપનાવવાને કોઈ પણ દૃષ્ટિએ દૂરદર્શિતા શ્રી શકાય નહીં.
બુદ્ધિમત્તા એમાં જ છે કે આપણે ધર્મ-કર્તવ્ય પાલનનું મહત્વ સમજી સદાચારની મર્યાદાઓનું ઉલ્લંધન કરીએ નહીં. સ્વયં શાંતિપૂર્વક જીવો અને બીજાને સુખપૂર્વક જીવવા દો. આ સઘળું નિયંત્રણની નીતિને અપનાવવાથી જ સંભવિત થઈ શકે છે. કર્તવ્ય અને ધર્મનો અંકુશ પરમાત્માએ આપણા પર એટલા માટે મૂક્યો છે કે સન્માર્ગથી ભટકીએ નહીં. આ નિયંત્રણોને તોડવાની ચેષ્ટાની આપણા માટે અને બીજા માટે મોટી આપત્તિને આમંત્રિત કરવાની મૂર્ખતામાં જ ગણના થશે.
પ્રતિભાવો