નારી ધર્મનો પ્રાચીન આદર્શ | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા
June 30, 2022 Leave a comment
નારીધર્મનો પ્રાચીન આદર્શ
સત્રાજિતની પુત્રી અને ભગવાન શ્રીકૃષ્ણની અર્ધાંગિની સત્યભામાએ દ્રૌપદીને પ્રશ્ન કર્યો, “હે દ્રૌપદી ! તું શક્તિશાળી પાંડવપુત્રો પર કેવી રીતે શાસન કરે છે ? તેઓ કેવી રીતે તારી આજ્ઞાનું પાલન કરે છે ? તારી ઉપર ક્યારેય ગુસ્સે થતા નથી ? તારી ઈચ્છાઓને પૂર્ણ કરવા હંમેશાં તત્પર હોય છે તેનું મને કારણ બતાવ.’’
દ્રૌપદીએ જવાબ આપ્યો, “હે સત્યભામા ! પાંડુપુત્રો પ્રત્યેના મારા વ્યવહારને સાંભળ. હું મારી ઈચ્છા, વાસના તથા અહંકારને વશમાં રાખી ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી એમની સેવા કરું છું. હું કોઈ અહંકારની ભાવનાથી એમની સાથે વ્યવહાર કરતી નથી.
હું ખરાબ અને અસત્ય બોલતી નથી. મારું હૃદય ક્યારેય કોઈ સુંદર, ધનવાન કે આકર્ષક યુવક પર મોહિત થતું નથી. હું જ્યાં સુધી મારા પતિ સ્નાન ન કરે ત્યાં સુધી સ્નાન કરતી નથી, તેમના પહેલાં ભોજન કે આરામ પણ કરતી નથી, તેમ જ જ્યાં સુધી અમારા બધા જ સેવકો અને અનુગામીઓ સ્નાન, ભોજન અને આરામ ન કરે ત્યાં સુધી હું નિદ્રા લેતી નથી. જ્યારે મારા પતિ કાર્યક્ષેત્ર, વન કે નગરમાંથી પાછા ફરે છે તે વખતે હું ઊઠીને તેમનું સ્વાગત કરી પાણી પાઉં છું.
હું મારા ઘરનો સામાન અને ભોજન હંમેશાં સ્વચ્છ અને વ્યવસ્થિત રાખું છું. ધ્યાન રાખીને ભોજન બનાવી સમયસર પીરસું છું. હું ક્યારેય પણ આકરા શબ્દો બોલતી નથી. કદી પણ ખરાબ સ્ત્રીઓનું અનુકરણ કરતી નથી.
હું એ જ કરું છું, જે તેમને પ્રિય અને સુખકર હોય. ક્યારેય પણ આળસ-પ્રમાદ કરતી નથી. હર્ષના પ્રસંગ સિવાય હસતી નથી. હું બારણે બેસી સમય બરબાદ કરતી નથી. જ્યારે મારે બીજાં કામો કરવાનાં હોય છે તે સમયે હું રમતમાં કે બગીચામાં નિરર્થક રોકાતી નથી.
જોરજોરથી હસવું, વધુ પડતી લાગણીશીલતા અને બીજી આવા પ્રકારની ન ગમતી બાબતોથી પોતાને દૂર રાખી હંમેશાં પતિસેવામાં ન વ્યસ્ત રહું છું. પતિનો વિયોગ મારાથી ક્યારેય સહન થતો નથી. જ્યારે પણ મારા પતિ મને મૂકીને બહાર જાય છે ત્યારે હું સુગંધિત ફૂલો અને રંગ રાગ છોડીને કઠોર તપસ્યામાં જીવન પસાર કરું છું. મારી ઈચ્છા અનિચ્છા, મારા પતિની ઈચ્છા અનિચ્છા જ છે અને તેમની જરૂરિયાતો પ્રમાણે તેમાં મારો સમાવેશ કરું છું. હું અંતઃકરણથી મારા પતિની ભલાઈ ઈચ્છું છું. હું સંબંધીઓ, મહેમાનો, અતિથિ, દાન, દેવપૂજા અને પિતૃપૂજાના વિષયમાં મારી સાસુએ આપેલી શિખામણનું હંમેશાં સંપૂર્ણ પાલન કરું છું. મારા પતિની સાથે ખૂબ નમ્રતા અને આદરપૂર્ણ વ્યવહાર કરું છું. પતિસેવા માટે વ્યવહારમાં નક્કી કરેલા નિયમોમાંથી જરા પણ ડગતી નથી. હું માનું છું કે પતિસેવા એ જ નારી માટે સર્વોત્તમ છે. સ્ત્રીનો ભગવાન પતિ જ છે. તે જ તેના શરણ માટેની એક જગ્યા છે. આ સિવાય તેના માટે બીજું કોઈ શરણ નથી. આવા સમયે પત્ની એવું કાર્ય કેવી રીતે કરી શકે કે જે તેના પતિને અપ્રિય અને અરુચિકર હોય ?
મારા પતિ મારા પથદર્શક છે. હું ક્યારેય પણ મારી સાસુની ટીકા કરતી નથી. હું કદી સૂઈ જવા, જમવા કે શણગાર કરવામાં મારા પતિની ઈચ્છા વિરુદ્ધ જતી નથી. હું મારાં કામ સંપૂર્ણ એકચિત્તથી ઉત્સાહપૂર્વક કરું છું.
હું મારા ગુરુની સેવા અત્યંત નમ્રતાપૂર્વક કરું છું. તેથી જ મારા પતિ મારા ઉપર ખુશ રહે છે. હું મારાં સાસુની સેવા હંમેશાં ખૂબ આદર અને નમ્રતાપૂર્વક કરું છું. હું તેમના ખાવાપીવા તથા કપડાં વગેરેનું જાતે ધ્યાન રાખું છું. મેં ખાવાપીવા, કપડાં અને ઘરેણાંની બાબતમાં મારાં સાસુ પાસેથી વધારે મેળવવાની ઈચ્છા ક્યારેય રાખી નથી. હું તેમનું ખૂબ જ સન્માન કરું છું. મહારાજ યુધિષ્ઠિરના રાજભવનમાં વેદપાઠ કરતા બ્રાહ્મણોની હું ભોજન, પાણી તથા વસ્ત્ર વડે પૂજા કરું છું. હું બધી જ સેવિકાઓની મુશ્કેલીઓ સાંભળી તેના ઉકેલ માટે પ્રયત્ન કરી તેમને સંતોષ આપવાનો પ્રયત્ન કરું છું.
હું તેમના પાલન માટેના યોગ્ય નિયમો બનાવું છું. હું અતિથિઓની ભક્તિભાવપૂર્વક સેવા કરું છું. સૌ પહેલાં પથારીમાંથી જાગું છું અને સૌથી છેલ્લી સૂઈ જાઉં છું.
હે સત્યભામા ! આ મારો વ્યવહાર અને અભ્યાસ છે, જેને કારણે મારા પતિ મારા આશાંકિત છે. હવે હું તમને પોતાના પતિને આકર્ષિત કરવાનો ઉપાય બતાવીશ. સંસારમાં એવા કોઈ દેવતા નથી, જે પતિની બરાબરી કરી શકે. જો પતિ તારાથી પ્રસન્ન હશે તો તારા ઐશ્વર્યની કોઈ સીમા નહીં રહે અને જો નારાજ હશે તો તું બધું જ ગુમાવી દઈશ. તું તારા પતિ પાસેથી વસ્ત્ર, અલંકાર, કીર્તિ અને છેલ્લે સ્વર્ગ પણ મેળવી શકે છે. જે સ્ત્રી પતિવ્રતા, પ્રેમને જાણનાર તથા કર્તવ્યપરાયણ હોય છે તેના માટે સુખ તો એક પ્રકારનો જન્મસિદ્ધ અધિકાર હોય છે. તેને દુઃખ કે મુશ્કેલીઓનો કદાચ સામનો કરવો પડે, તો તે અલ્પ સમય માટે અને માયાવી હોય છે. આ માટે સદૈવ પ્રેમ અને ભક્તિથી કૃષ્ણની ઉપાસના કરો. સેવા માટે સદા તત્પર રહી પતિના સુખનું જ ધ્યાન રાખો. તે તમારો ભક્ત બની જશે અને વિચારશે કે મારી પત્ની ખરેખર મને જ પ્રેમ કરે છે. હું પણ તેને સમર્થન આપું. બારણા ઉપર જેવો પતિનો અવાજ સાંભળો કે તરત જ ઊભા થઈ તેમની સેવા માટે હસતા મુખે તૈયાર રહેવું. તે ઓરડામાં પ્રવેશ કરે કે તરત જ તેમને આસન અને પગ ધોવા પાણી આપવું. જ્યારે તે કોઈ દાસીને કોઈ કામ માટે બોલાવે ત્યારે તારે પોતે જ જઈને તે કામ કરવું. કૃષ્ણને એવી અનુભૂતિ થવી જોઈએ કે અંતઃકરણથી તું તેમની પૂજા કરે છે. સદાય પોતાના પતિનું સારું ઈચ્છવું, તેમને જે ભાવતું હોય તે જ જમવા આપવું. તારા પતિ ઉપર જે દ્વેષ રાખતું હોય તેની સાથે બેસવું નહીં. પતિની હાજરીમાં ક્યારેય ગુસ્સે થવું નહીં. મૌન ધારણ કરી પોતાના મનને શાંતિ આપવી. માત્ર તેવી જ સ્ત્રીઓની મિત્રતા રાખવી, જે પતિભક્ત હોય, જે ઉચ્ચ કુળની, નિષ્પાપી તથા ગુણિયલ અને શ્રેષ્ઠ ચારિત્ર્યની હોય. તારે સ્વાર્થી અને ખરાબ સ્વભાવની સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ.
આ રીતનું આચરણ પ્રશંસનીય હોય છે. તે જ સમૃદ્ધિ, પ્રસિદ્ધિ અને સુખનું દ્વાર ખોલે છે. તેથી જ પોતાના પતિની પ્રેમ, વિશ્વાસ અને ભક્તિભાવથી પૂજા કરો.”
આ વખતે સત્યભામાએ દ્રૌપદીને પ્રેમથી ભેટીને કહ્યું, “હે પવિત્ર ! તું પૃથ્વી ઉપર તારા પતિની સાથે શાંતિ ભોગવીશ. તારા પુત્ર દ્વારિકામાં આનંદમાં છે, તું શુભ ચિહ્નોથી શોભે છે. તું કદી પણ વધુ સમય સુધી દુર્ભાગી નહીં બને. મેં તારી પ્રાણપ્રેરક વાતોથી ખૂબ જ લાભ મેળવ્યો. તારી વાતો સબુદ્ધિ અને ઉચ્ચ વિચારોની ખાણ છે. પ્રિય દ્રૌપદી, હું સદૈવ આનંદિત રહે.’’
આ શબ્દો કહેતી સત્યભામા રથ ઉપર બેસી ગઈ અને ભગવાન શ્રીકૃષ્ણની સાથે તે પોતાના નગર તરફ ગઈ.
(વન પર્વ અ. ૨૩૨-૨૩૩)
આપણી પવિત્ર માતૃભૂમિ ભારતવર્ષે સુલભા, ગાર્ગી, મદાલસા
વગેરે સાધુનારીઓ; સીતા, સાવિત્રી, અનુસૂયા તથા નલયાની વગેરે
પતિવ્રતાઓ તથા મીરાં જેવી ભક્તનારીઓ અને મહારાણી ચુડાલાની જેવી યોગી નારીઓને જન્મ આપ્યો છે. આ ઈતિહાસમાં હજારો જાણીતાં અજાણ્યાં નામો પૈકી આ તો થોડાંક જ છે. આધુનિક નારીસમાજે તેમનામાંથી પ્રેરણા લેવી જોઈએ.
તેમણે તેમના જેવું જીવન ગુજા૨વું જોઈએ અને ભૌતિક ભપકાથી
દૂર રહેવું જોઈએ. કોઈ વ્યસની, વિલાસી નારી સાચી સ્વાધીનતાને સમજતી નથી.
જ્યાં ત્યાં રખડવું, કર્તવ્યહીન બનવું, મનફાવે તેવું કરવું, બધું જ ખાવુંપીવું, ગાડીઓમાં ફરવું અથવા પશ્ચિમનું આંધળું અનુકરણ કરવું તે સ્વતંત્રતા નથી. સતીત્વ સ્ત્રીનો શ્રેષ્ઠ અલંકાર છે. સતીત્વનું ઉલ્લંઘન કરી સામાન્ય મનુષ્યની માફક વર્તન કરીને નારી પોતાની કોમળતા, બુદ્ધિમત્તા, પ્રતાપ અને સૌંદર્યનો નાશ કરે છે.
સ્ત્રીઓ કોઈ પણ રીતે પુરુષથી ઊતરતી નથી. તેઓ શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવે છે. સ્વભાવથી ધૈર્યવાન, સહનશીલ તથા ભક્તિભાવવાળી હોય છે. તે પુરુષ કરતાં સારા ગુણો તથા વધુ આત્મબળ ધરાવે છે. તેમનું દૈવીરૂપમાં સન્માન તથા આદર કરવો જોઈએ. આમ છતાંય તેઓ પોતાના પતિઓની આજ્ઞા પાળનારી હોવી જોઈએ. આ બધું તેમના પ્રતાપ, તેજ તથા પતિવ્રતધર્મને વધુ ઉ વળ કરશે.
પત્ની પુરુષની અર્ધાંગિની હોય છે. કોઈ યજ્ઞ અથવા ધાર્મિક કાર્ય તેમના વિના સફળ થતું નથી. તે પુરુષની જીવનસાથી છે. એવા દાખલા મળે છે કે કેટલીકવાર પત્ની ભક્તિ અને પવિત્રતાના લીધે પોતાના પતિની ગુરુ બની જાય છે. જો પુરુષ પોતાની પત્નીને પોતાની દાસી કે પોતાનાથી ઊતરતી સમજે કે સ્ત્રી માત્ર ભોજન બનાવવા તથા ભોગવિલાસ માટે છે, તો તે ખૂબ જ ખરાબ અને અક્ષમ્ય અપરાધ કરે છે.
સ્ત્રીઓને શિક્ષણ આપવું જોઈએ. સભ્ય નારીઓ સમાજ માટે આશીર્વચન જેવી હોય છે, પરંતુ વધુ પડતી સ્વાધીનતા તથા સ્વચ્છંદતાનું ફળ ખૂબ જ ખતરનાક હોય છે. આ માનવજીવન મહત્ત્વપૂર્ણ છે. મધ્યમ માર્ગ જ સર્વોત્તમ છે. કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ હોય છે. સ્ત્રીઓને ગીતા, ભાગવત, રામાયણ તથા અન્ય ધાર્મિક પવિત્ર ગ્રંથોનું જ્ઞાન હોવું જોઈએ. શરીર, આરોગ્યવિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, કૌટુંબિક કાર્યો, બાળશિક્ષણ, રસોઈ તથા સંતાનશાસ્ત્રનું પણ જ્ઞાન હોવું જોઈએ.
સ્ત્રીઓ કુદરતી રીતે જ સારી માતાઓ હોય છે. ભગવાનની રચનામાં તેમણે ઘણું મોટું કાર્ય કરવાનું હોય છે. દૈવી ઉપક્રમમાં આવું જ વિચાર્યું હતું. આ ઈશ્વરની ઈચ્છા છે. સ્ત્રીઓ પોતાના આગવા મનોવૈજ્ઞાનિક વિશિષ્ટ સ્વભાવ, સામર્થ્ય, ગુણ તથા સંસ્કાર ધરાવે છે. સમાજમાં નારી પોતાનું અલગ કાર્યક્ષેત્ર ધરાવે છે અને પુરુષનું કાર્યક્ષેત્ર પણ અલગ છે. તે પુરુષ સાથે હરીફાઈ કરી શકતી નથી, જે તેણે કરવી પણ ન જોઈએ. તેણે પુરુષનું કામ કરવું જોઈએ નહીં. જેઓ શિક્ષિત છે તેમને પોતાના ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ. માતાપિતાની ફરજ છે કે પોતાની દીકરીઓને યોગ્ય શિક્ષણ આપે. તે ખૂબ જ જરૂરી છે. સારી માતાઓનું સમાજમાં પૂજનીય સ્થાન હોય છે. સારી માતાઓ બધા માટે સન્માનનીય અને આદરણીય હોય છે. તે સમાજમાં અજોડ હોવાથી અપૂર્વ સ્થાન અને હોદ્દાની અધિકારી છે.
પ્રતિભાવો