નારીજાગૃતિ અને હાલની સામાજિક સ્થિતિ- ૬, Narini Mahanta Book in Gujarati
June 30, 2022 Leave a comment
નારીજાગૃતિ અને હાલની સામાજિક સ્થિતિ
એ સત્યનો તો કોઈનાથી ઈન્કાર થઈ શકે તેમ નથી કે પ્રાચીન ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ સંપૂર્ણપણે ઉચ્ચ અને સંતોષજનક હતી. આજે પણ આપણે ઊંચા ગર્વની સાથે વૈદિકકાળની વિદુષીઓ, બોદ્ધકાળની ધર્મપ્રચારિકાઓ અને મોગલકાળની વીરાંગનાઓનાં નામ લેતા રહીએ છીએ, પરંતુ એમાં શંકા નથી કે એક હજાર વર્ષની ગુલામીના ફળ સ્વરૂપે જેમ બીજા અનેક વિષયોમાં ભારતીય સમાજનું પતન થયું છે તેમ સ્ત્રીઓની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. હવે નવયુગનાં મંડાણ થતાં સમાજના હિતેચ્છુઓનું ધ્યાન આ ભૂલ સુધી પહોંચ્યું છે અને અનેક સ્ત્રીઓ પોતાનાં ખોટાં બંધનોને તોડવાનો પ્રયત્ન કરી રહી છે. એવી સ્ત્રીઓને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ. એક તો એ જે ભારતીય સંસ્કૃતિની ઉપાસક છે અને પતનકાળમાં ઉત્પન્ન થયેલી ખરાબ પ્રથાઓને દૂર કરીને નારીઓને પૂર્વકાળના ઉન્નત અને જવાબદાર આદર્શ તરફ લઈ જવા માગે છે. બીજા વિભાગમાં તેમની ગણતરી કરી શકાય છે કે જે પશ્રિમના શિક્ષણ અને આદર્શોથી આકર્ષાઈને ભારતીય મહિલાઓને સંપૂર્ણ સ્વતંત્ર અને પુરુષ સમોવડી બનાવવાની આગ્રહી છે. આ બીજો મત ત્યજવા યોગ્ય છે, પરંતુ પ્રથમ વિભાગવાળી વિદુષી નારીઓનો મત વિચારવા જેવો અને વધુ માનવા યોગ્ય છે. હવે પછી આપણે તેનું વિવેચન કરીશું.
આપણા પૂર્વજોએ સમાજની રચના એવી રીતે કરી છે કે કોઈ કોઈને પરાધીન ન બનાવી શકે, પ્રેમ અને કર્તવ્યનું બંધન એટલું મજબૂત છે કે મનુષ્ય એકબીજાની સાથે પોતાની સહજવૃત્તિના લીધે જોડાઈ જાય છે અને એકબીજા માટે મોટામાં મોટો ત્યાગ કરી શકે છે. પોતાની જાતને પણ જોખમમાં મૂકી શકે છે, પરંતુ નોકરાણી પાસે આવી અપેક્ષા ગમે તેટલો લાભ અને ભય બતાવવા છતાં પણ રાખી શકાતી નથી.
નર અને નારીના સહયોગથી સૃષ્ટિની શરૂઆતના સમયે કુટુંબો બન્યાં અને સમાજની રચના માટે વ્યવસ્થા કરનારાએ એટલું ધ્યાન રાખ્યું છે કે તે બન્ને સહયોગી તથા એકબીજા માટે વધુ મદદરૂપ બને. એકબીજાને પરાધીન બનાવવાનો અનૈતિક પ્રયાસ ન કરે. આ દૃષ્ટિકોણને લક્ષમાં રાખીને તે મુજબ સમાજની રચના થઈ છે. નર અને નારી લાખો કરોડો વર્ષો સુધી એકબીજાના સહાયક મિત્ર બનીને સ્વચ્છાએ એકબીજાને મદદ કરી જીવન પસાર કરતાં રહ્યાં. આનાથી તંદુરસ્ત સમાજનો વિકાસ થયો. ઉન્નતિ, પ્રગતિ, પ્રસન્નતા અને સુખશાંતિની ભેટ પણ આ જ વ્યવસ્થાએ આપી છે.
વિશ્વના, ખાસ કરીને ભારતના પ્રાચીન ઈતિહાસ ઉપર નજર કરવાથી એ સ્પષ્ટ થાય છે કે સ્ત્રીએ પુરુષની સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું છે અને જીવનની અનેક સમસ્યાઓને હલ કરવામાં જ્ઞાન અને વિજ્ઞાનની મહત્ત્વની પ્રગતિમાં મોટો ફાળો આપ્યો છે. એકબીજાને પોતાની અપેક્ષા કરતાં વધુ આદરણીય સમજીને અને આત્મીય સંબંધોને દિવસે દિવસે વધારે મજબૂત બનાવીને બધી જ દૃષ્ટિએ એક્બીજા ઉપર કોઈ હક્ક જમાવવાનો પ્રયત્ન કર્યો નથી. આમ સ્વસ્થ વિકાસ અને સાચા પ્રેમભાવનો માર્ગ પણ આથી વિશેષ બીજો કોઈ ન હતો. ભારતીય ઈતિહાસનાં પાનાં પર નર અને નારી નિષ્કપટ બાળકોની માફક કિલ્લોલ કરતાં કરતાં એકબીજા સાથે રમતાં-કૂદતાં દેખાય છે. દુનિયાના મોટા ભાગનો વિકાસ આ જ મંગલમય ભાવનાઓથી થયો છે.
દેવો, ઋષિઓ અને રાજાઓથી માંડીને સામાન્ય ગૃહસ્થો અને ગરીબોના જીવનમાં નર અને નારીની એકતા અને સમતા એવી ગુંથાયેલી છે, જેનો નિર્ણય કરવો અઘરો છે કે આ બન્નેમાંથી કોને અગ્રીમ માનવું. દેવવર્ગમાં લક્ષ્મી, દુર્ગા, સરસ્વતી વગેરેનાં નામ જે સ્થાને છે તેઓ કોઈ પુરુષ દેવતાઓથી કોઈ પણ રીતે ઊતરતાં નથી. દેવતાઓ સાથે પણ નારી અસાધારણ રૂપથી ગુંથાઈ ગઈ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર વગેરે દેવોને જુઓ તો તેમની ધર્મપત્નીઓ તેમની સમકક્ષ જ કાર્ય અને જવાબદારી સંભાળતી જોવા મળે છે. સીતા અને રાધાને રામ અને કૃષ્ણના જીવનમાંથી અલગ કરી શકાય નહીં. અનસૂયા, અરુંધતી, ગાર્ગી, મૈત્રેયી, શતરૂપા, અહલ્યા, મદાલસા વગેરે ઋષિપત્નીઓનું મહત્ત્વ પણ તેમના પતિઓ જેવું જ છે. ગાંધારી, સાવિત્રી, શેખ્યા વગેરે અસંખ્ય નારીઓ યોગ્યતા અને મહાનતાની દૃષ્ટિએ તેમના પતિઓથી કોઈ પણ રીતે પાછળ ન હતી. વૈદિક સમયમાં ઋષિઓની માફક ઋષિકાઓનું યજ્ઞમાં યોગ્ય સ્થાન હતું. યજ્ઞમાં નારીની અનિવાર્ય જરૂરિયાત માનવામાં આવી છે.
નર અને નારી સરખી રીતે પોતાનો વિકાસ કરતાં આગળ વધ્યાં છે અને સંસારને આગળ વધાર્યો છે. ભારતીય સંસ્કૃતિનું તમામ તત્ત્વજ્ઞાન અને ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે પુરુષે કદી પણ એવો પ્રયત્ન નથી કર્યો કે નારીને પોતાનાથી પછાત, દુર્બળ તથા અવિકસિત માનીને તેનાં સાધનોનું શોષણ કરીને તેને સામાન્ય સમજી, મનફાવે તે રીતે ચાલવા માટે વિવશ અને પરાધીન બનાવી હોય. જો આવું જ હોત તો ઈતિહાસનાં પાનાં જુદી જ રીતે લખવામાં આવ્યાં હોત. જગતગુરુ કહેવડાવવાનું, વિશ્વનું નેતૃત્વ કરવાનું અને વિશ્વમાં બધે જ આશા અને પ્રકાશનાં કિરણો ફેલાવવાનું જે શ્રેય ભારતને મળ્યું તેવું કદી પણ બન્યું ન હોત.
આજે ભારતવર્ષમાં સ્ત્રીજાતિનું સામાજિક સ્થાન ખૂબ જ પાછળ છે. તેના વ્યક્તિત્વને એટલું અવિકસિત બનાવી દેવામાં આવ્યું છે કે તે બધી રીતે પરાવલંબી અને અપંગ બની ગઈ છે. રસોઈ અને પ્રજનન આ બંને કાર્યોને બાદ કરતાં બીજા કોઈ ક્ષેત્રમાં તેની કોઈ ઉપયોગિતા રહી નથી. શહેરોમાં હવે કન્યાઓને લોકો એટલે ભણાવે છે કે ભણેલા ગણેલા છોકરાઓ સાથે તેમનું લગ્ન કરવામાં અનુકૂળતા રહે. લગ્ન થતાં જ તેનો અભ્યાસ પૂરો થઈ જાય છે અને પછી જીવનભર વધુ આગળનો અભ્યાસ તો ઠીક, પરંતુ જે કંઈ ભણી હતી તેનો ઉપયોગ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવતો નથી. આર્થિક રીતે નારી કાયમ પરાવલંબી છે. જ્યારે તે વિધવા બને કે તેવી કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે તેને વારસામાં કોઈ સંપત્તિ મળતી નથી અને તેથી છોકરાંઓનું પાલનપોષણ કરવું અઘરું બની જાય છે. જો સંતાન ન થાય, તો પણ તેને બિચારીને ઘરના સૌનો કોપ સહેવો પડે છે. ઘણી વખત તો આ અપરાધના લીધે પતિદેવ બીજું લગ્ન કરી લે છે અને સધવા હોવા છતાં તેને વિધવા જેવું દુઃખ ભોગવવું પડે છે. આ રીતે ઘરના પાંજરામાં કેદ તથા બહારની પરિસ્થિતિથી તે કાયમ માટે અપરિચિત હોવાના કારણે તેને એટલું પણ જ્ઞાન નથી હોતું કે જીવન જીવવા માટે જરૂરી સમસ્યાઓ તે કઈ રીતે હલ કરી શકે. જીવનને સફળ અથવા સારું બનાવનાર કોઈક કાર્ય કરવું તેના માટે અશક્ય બની જાય છે.
આવી વિકટ પરિસ્થિતિ આજે નારી માટે એક દુર્ભાગ્ય જ બની ગઈ છે. તે વ્યક્તિગત કે સામૂહિક જીવનના વિકાસમાં પોતાની શક્તિ, સામર્થ્ય અને પ્રતિભાનો કોઈ ઉપયોગ કરી શકતી નથી. મુશ્કેલી આવે ત્યારે પોતાનું અને પોતાનાં બાળકોના ગૌરવશાળી જીવનનું રક્ષણ કરી શકતી નથી. તેના ઉપર એક મોટું લાંછન એ છે કે તેને ચારિત્ર્યની દૃષ્ટિએ કાયમ માટે અવિશ્વસનીય માનવામાં આવે છે. તેના ઉપર હંમેશાં ચોકીદાર રાખવામાં આવે છે. પોતાની દીકરીઓ, બહેનો અને માતાઓ પ્રત્યે આવી અવિશ્વાસની ભાવના રાખવી તે પુરુષોની પોતાની નૈતિક નિર્બળતાનું ચિહ્ન છે. સ્ત્રી ઉપર પોતાનું પ્રભુત્વ જમાવવા જતાં તે પોતે જ ખુલ્લો પડી જાય છે. પોતાના દુર્ગુણને બીજામાં જોવાવાળી કહેવત “ચોરની દાઢીમાં તણખલું” મુજબ તે પોતાની ચારિત્ર્યહીનતાનું દોષારોપણ નારી પર કરે છે. ખરેખર સ્ત્રી પુરુષની સરખામણીમાં સ્વાભાવિક રીતે અનેકગણી ચારિત્ર્યવાન હોય છે.
નારી ઉપર અનેક પ્રકારનાં બંધનો લાદી તેને શિક્ષણ, તંદુરસ્તી, ધન કમાવું, સામાજિક જ્ઞાન, લોકસેવા વગેરે લાયકાતોથી વંચિત રાખવી એક એવી બૂરાઈ છે કે જેના લીધે અડધા રાષ્ટ્રને લકવો થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અવિકસિત, પરાધીન અને અયોગ્ય નારીનો ભાર પુરુષે સહન કરવો પડે છે, જેના કારણે તેનો પોતાનો વિકાસ પણ અટકી જાય છે. જો નારીને સભ્ય બનાવવામાં આવે તો તે પુરુષ માટે ભારરૂપ ન રહે અને તેની તંદુરસ્તી, આર્થિક વ્યવસ્થા તથા બાળકોના વિકાસથી માંડીને અનેક કામોમાં પણ સહાયક બનીને ઉન્નતિના અનેક દરવાજા ખોલી શકે છે. તેને પડદામાં બંધ રાખીને પુરુષ એવું વિચારે છે કે આ રીતે તેને વ્યભિચારથી રોકી શકાશે . તેનો અર્થ એ થાય કે નારી એટલી પતિત છે કે કડક બંધનો વગર તે સદાચારિણી રહી શકતી નથી. આ માન્યતા ભારતીય નારીનું મોટું અપમાન છે અને તે આદર્શો તથા ભાવનાઓથી પૂર્ણ વિરુદ્ધ છે કે જે અનાદિકાળથી ભારતીય સંસ્કૃતિમાં નારી પ્રત્યે રાખવામાં આવે છે.
અનેક નારીઓ એવી છે, જેમની પાસે પૂરતો સમય છે, પરંતુ તેમને તક આપવામાં આવતી નથી, જેમાં તે પોતાના જીવનને કંઈક વિશેષ બનાવી શકે. વિધવાઓ અને ત્યક્તાઓ ઘરના લોકો માટે એક બોજો બને છે, પરંતુ તેમને શિક્ષણ, લોકસેવા વગેરે કોઈ પણ ક્ષેત્રમાં જવા દેવા માટે સમાજ બંધનો ઢીલાં કરતો નથી. તેમને તક આપવામાં આવે તો પોતાના સમયનો સદુપયોગ કરીને પોતાના વ્યક્તિગત જીવનમાં તે ભારે ઉત્કર્ષ કરીને નારીરત્નોની શ્રેણીમાં પહોંચી શકે છે અને પોતાની લાયકાતથી સંસારને એવો જ લાભ આપી શકે કે જેવો અનેક નરરત્નો, મહાપુરુષો આપે છે.ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનની પુનિત ગાથામાં મહિલાઓની ન્યાયી માગણીઓ સાંભળવી જોઈએ. નારી ઈચ્છે છે કે તેનાં બંધનો ઢીલાં કરવામાં આવે, જેથી ચોકીદાર વગર પણ તેને સદાચારિણી રહી શકવા જેટલી વિશ્વાસુ માની શકાય. તેના શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે, જેથી તે મનુષ્યતાની જવાબદારીને સમજી શકે. તેને તમામ જાણકારી મેળવવા દેવી જોઈએ, જેથી તે પુરુષની મુશ્કેલીઓ ઉકેલવામાં અને ઉન્નતિની દિશામાં મદદરૂપ બની શકે. તેને સમર્થ બનવા દેવી જોઈએ, જેથી તે પોતાના કુટુંબની આર્થિક સ્થિરતામાં સહાયક બની શકે. બદલાતા યુગમાં નારીને એક જીવતી લાશ જેવી સ્થિતિમાં રાખવાના કારણે તે અસંતુષ્ટ છે. તે આગળ વધીને રાષ્ટ્રનિર્માણ અને સમાજમાં કંઈક સહયોગ આપવા માગે છે. ભારતીય સંસ્કૃતિમાં એની આ સહજ અપેક્ષાઓ પ્રત્યે પૂરતી સહાનુભૂતિ રાખવામાં આવે છે. હાલના સંજોગોમાં નારીની બિનજરૂરી પરાધીનતા એક દૂષણ છે.
પ્રતિભાવો