નારીઓનો સમાજના વિકાસમાં ફાળો | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા
June 30, 2022 Leave a comment
નારીઓનો સમાજના વિકાસમાં ફાળો
આધુનિક વિદ્વાનોએ સંસારની વિભિન્ન જાતિઓની સભ્યતાની શોધ કરવામાં જે રીતે કામ કર્યું છે તેમાં ‘સ્ત્રીઓની સ્થિતિ’ ને ખાસ ધ્યાનમાં લીધી છે. સંસારમાં એવા દેશ ખૂબ જ ઓછા છે, જ્યાં પ્રાચીન કાળથી સ્ત્રીઓને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું હોય. ઘણા દેશોમાં તો સ્ત્રીઓને કાયમ દાસીનું જ સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ પ્રાચીન ભારતના લોકોએ સમાજનિર્માણમાં સ્ત્રીઓના મહત્ત્વનો અનુભવ જોતાં તેમને એટલું ઉચ્ચ સ્થાન આપ્યું હતું કે તે પૂજાને પાત્ર ગણાતી હતી.
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષ બન્નેને એક ગાડીનાં બે પૈડાં માનવામાં આવતાં. બન્ને પૈડાં સાથોસાથ અને યોગ્ય રીતે ચાલે ત્યારે જીવનરૂપી ગાડી સારી રીતે આગળ વધી શકે છે. આ દૃષ્ટિથી સ્ત્રીને પુરુષની અર્ધાંગિની કહેવામાં આવતી. ‘શતપથ બ્રાહ્મણ’ માં લખ્યું છે કે “પુરુષ પત્નીને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પ્રજોત્પાદન ન થવાથી અપૂર્ણ રહે છે.’’ મહાભારતના આદિપર્વ (૭૦-૪૦)માં લખ્યું છે, “સ્ત્રી પુરુષનું અડધું અંગ અને તેની શ્રેષ્ઠ મિત્ર તથા તારણહાર છે.” મનુ ભગવાને તો સ્પષ્ટ કહ્યું છે કે “જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે.” એ વ્યવસ્થામાં કોઈ બાબતની શક્યતા જ ન હતી કે પુરુષ પોતાની શક્તિનું અભિમાન કરીને સ્ત્રી ઉપર પોતાનો અધિકાર બતાવી શકે. જયારે સ્ત્રી તેનું અડધું અંગ છે ત્યારે અધિકારનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તે બન્ને સરખી જ લાયકાત ધરાવે છે. સ્ત્રી અને પુરુષ એક જ કૌટુંબિક જીવનના બે અલગ સૂત્રધાર છે. કૌટુંબિક જીવનમાં બે પ્રકારની જવાબદારીઓ રહે છે. એક ઘરની અંદરની અને બીજી ઘરની બહારની. તેમાંથી એકનું સંચાલન ખાસ કરીને સ્ત્રી દ્વારા થાય છે અને બીજીનું પુરુષ દ્વારા. કુટુંબના ઉત્કર્ષ માટે બન્ને સૂત્રધારોએ સંયુક્ત રીતે સંચાલન કરવું જરૂરી છે. જો બન્નેમાંથી કોઈ એકમાં પણ ખોટ રહે તો જીવન દુઃખમય બની જાય છે.
સ્ત્રી અને પુરુષના ભેગા રહેવાથી જ કૌટુંબિક જીવનના શ્રીગણેશ થાય છે. જેમ જેમ સંતાનો વધે છે અથવા અન્ય રીતે કુટુંબના સભ્યોની સંખ્યા વધવા લાગે છે, તેમ તેમ તેમનું આંતરિક જીવન પણ વિકસિત થવા લાગે છે. આ જીવનનો સંબંધ સંપૂર્ણ રીતે સ્ત્રી સાથે જ રહે છે. જૂના જમાનામાં તેને જ કુટુંબના નાના-મોટા સૌ સભ્યોની ચિંતા કરવી પડતી હતી. તેણે પોતાના ઘરને સ્વચ્છ-સજાવેલું રાખવું પડતું હતું, ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી અને અતિથિના સત્કારની જવાબદારી નિભાવવી પડતી હતી. તેણે પોતાના સંતાનનું પાલનપોષણ કરી તેમને સારા નાગરિક બનાવાનો પ્રયત્ન પણ કરવો પડતો હતો. માટે જ તેને ગૃહિણીના હોદ્દા ઉપર બેસાડવામાં આવી હતી. મહાભારતના શાંતિપર્વ(૧૪૪-૬૬)માં લખ્યું છે, “ઘર,ઘર નથી, પણ ગૃહિણી જ ઘર કહેવાય છે.” પ્રાચીન સામાજિક જીવનમાં ગૃહિણીનું પદ અત્યંત અગત્યનું હતું, કેમ કે તે સમયે કૌટુંબિક જીવન સ્વાવલંબનના સિદ્ધાંત ઉપર ટકેલું હતું. એટલા માટે સ્ત્રીને ઉપર લખેલાં કામો ઉપરાંત સૂતર કાંતવું, કપડાં સીવવાં, ગાયો દોહવી તથા ખેતી સંબંધી ઘણાં કામોની પણ જવાબદારી ઉઠાવવી પડતી હતી. જો સ્ત્રી ઘરનાં આ બધાં કામોની જવાબદારી પોતાના ઉપર ન લે તો સમજી શકાય છે કે પુરુષને કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
કુદરતે ગૃહિણીપદ ઉપરાંત સ્ત્રીને માતૃપદને યોગ્ય બનાવી છે. ‘માતા’ શબ્દ તો કૌટુંબિક જીવન માટે જાણે અમૃતનો ભંડાર છે. માતા કુટુંબ માટે ત્યાગ, તપ અને પ્રેમની ત્રિવેણી જ છે. માતા અને પુત્રનો પરસ્પર પ્રેમ રહે તેનાથી કૌટુંબિક જીવન વધુ સુખી બને છે. માતા સમાજસેવાના સારામાં સારા આદર્શોની સાક્ષાત મૂર્તિ જ છે. પોતાનાં બાળકોના પાલનપોષણમાં તે બધાં દુઃખોને હસી હસીને વેઠે છે. પ્રાચીન ભારતમાં માતાનો મહિમા સૌથી વધુ ગણાતો હતો. સૂત્ર તથા સ્મૃતિ ગ્રંથોમાં આ બાબતમાં ઘણુંબધું લખવામાં આવ્યું છે.
સ્ત્રીને ઉપરોક્ત બે હોદ્દા ઉપરાંત એક વધુ હોદ્દો મળતો હતો અને તે હતો પુરુષની સહચારિણીનો. ગૃહિણી અને માતાની જવાબદારીઓથી તેનું જીવન નીરસ ન થઈ જાય અને ઘરબહારની ઝંઝટોમાં ફસાઈને તેના પતિનું જીવન પણ કડવું ન થઈ જાય, તે માટે પોતાના પતિની સહચારિણી બનીને તેને જીવનના સાચા સુખનો આનંદ આપતી હતી. પ્રકૃતિએ તેને જ સૌંદર્ય અને માધુર્ય આપ્યાં છે. તેણે પોતાના પ્રયત્નોથી લલિતકળામાં નિપુણ થઈને જીવનનાં દુઃખોને ભૂલવામાં સક્ષમતા મેળવી હતી. તેનું સૌંદર્ય અને મીઠાશયુક્ત પ્રેમ જ તેના અંગેઅંગમાંથી ટપકતાં હતાં. તે તેના પતિની દિવસભરની ચિંતાઓ અને ઝંઝટોને દૂર કરવામાં સમર્થ હતી. લગ્ન સમયે જે વેદમંત્રો બોલવામાં આવતા હતા તેમાં સ્ત્રીના ગૃહિણી, માતા અને સહચારિણીના હોદ્દાનો ઉલ્લેખ છે. આ ભાવો પહેલેથી જ વહુના મન ઉપર અંકિત કરવામાં આવતા હતા, જેનાથી નવા જીવનમાં પ્રવેશ કરતાં પહેલાં તે પોતાની જવાબદારીઓને સારી રીતે સમજી લે. લગ્ન સ્ત્રી અને પુરુષને આજીવન બંધનમાં બાંધી લેતું હતું.
પ્રતિભાવો