નવા યુગમાં નારીનું સ્થાન | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા

નવા યુગમાં નારીનું સ્થાન

આજે નવનિર્માણનો યુગ છે અને આ નવનિર્માણમાં નારીનો સહયોગ ઈચ્છનીય છે અથવા તો એમ કહીએ કે આવનાર યુગનું નેતૃત્વ નારી કરશે, તો પણ અતિશયોક્તિ નહિ કહેવાય. નવનિર્માણ અને યુગ પરિવર્તન ક્યાંથી અને કેવી રીતે શરૂ થશે અને તેમાં નારીનો શો ફાળો હશે તે વિષયનો અભ્યાસ કરતાં પહેલાં જરા હાલના વિશ્વની સ્થિતિ ઉપર નજર નાજવામાં આવે. ટૂંકમાં, આજનું માનવજીવન જે ભીષણ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે તેનું અનુમાન કરવું પણ ભયંકર છે. આજનું વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, સામાજિક જીવન તથા રાષ્ટ્રીય જીવન એટલું અશાંતિમય અને અભાવગ્રસ્ત બની ગયું છે કે મનુષ્યને એક પળ માટે પણ ચેન નથી. ત્રીજા વિશ્વયુદ્ધના આરે ઊભેલી માનવતા સુરક્ષા અને શાંતિ માટે પોકાર કરી રહી છે. ભૌતિકવાદના નશામાં એક દેશ બીજા દેશને, એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને હડપ કરવા તાકીને બેઠું છે. યુદ્ધલક્ષી શસ્ત્રોની હરીફાઈ તથા વેરની ભાવનાઓએ વિશ્વશાંતિને ભયમાં મૂકી દીધી છે. જીવનમાં જે અનાસ્થા આવી ગઈ છે તેનો કોઈ અંત નથી. જીવનના દરેક ક્ષેત્રમાં આપણે પાછળ પડી ગયા છીએ અને અધઃપતન તરફ જઈ રહ્યા છીએ. સામાજિક ઉદ્ધતાઈ, નૈતિક પતન, રાજકીય બળવા, આંધળું ધાર્મિક અનુકરણ અને અધાર્મિકતા ઉપરાંત નિષ્ઠાનો અભાવ આજના જીવનમાં ધુમ્મસની માફક વ્યાપી ગયાં છે.

આવી પરિસ્થિતિમાં આજે વિશ્વની જે માગણી છે તેને ભારત જ પૂરી કરી શકે તેમ છે અને તે છે શાંતિની, પ્રેમની, સુરક્ષાની તથા સંગઠનની. આજના યુગની સૌથી મોટી માગણી છે નવનિર્માણની. આવી પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન અને ક્રાંતિની તાતી જરૂર છે. આજે આપણે યુગપરિવર્તનના સૈનિક બનીને વિશ્વને શાંતિનો દીપક બતાવીશું. ફરીથી આપણે આપણા ઋષિમુનિઓની પરંપરાને જીવિત કરવી પડશે. ફરીથી ધાર્મિક, સામાજિક, આર્થિક, રાજનૈતિક અને નિષ્ઠાની સ્થાપના કરવાની ભાવના લોકોમાં જગાડવી પડશે. આજે આપણે ભારતીય હોવાના નાતે પ્રત્યેક નરનારીએ દેશના નવનિર્માણમાં હૃદયપૂર્વક જોડાવું પડશે. આ યુગપરિવર્તનકારી આંદોલનમાં ભારતીય નારીની પ્રથમ જવાબદારી છે કે તે આ દિશામાં આગળ વધે. આજની નારી જાગૃત છે. તે સ્વતંત્રતા, ધાર્મિકતા અને મર્યાદાની રક્ષક છે.

આજે ભારતીય નારી દરેક ક્ષેત્રમાં કામ કરી રહી છે. તે યુનિર્માણનું કામ કરવા સુસજ્જ છે. યુગ બદલાઈ રહ્યો છે, પરિસ્થિતિઓનું ઘટનાચક્ર ખૂબ જ ઝડપથી ફરી રહ્યું છે, માનવતાને તરછોડીને કોઈ દેશ કે સમાજ ઉન્નતિ કરી શકતો નથી. પોતાની ફરજો અને અધિકારોના પોષણ માટે ભારતીય નારી મક્કમ બની કાર્યક્ષેત્રમાં ઊતરી રહી છે. નારીશિક્ષણ પૂર્ણ કક્ષાએ ફેલાવવાની તથા વધારવાની સાથોસાથ નારીના સ્વતંત્ર વ્યક્તિત્વને વિકસાવવું પડશે. ગુલામીની અવસ્થામાંથી તેને મુક્ત કરવી પડશે. પુરુષસમાજે સમજવું પડશે કે નારી ઉપભોગ અને વાસનાની વસ્તુ નથી, પરંતુ એક જીવંત જાગૃત આત્મા છે. તેનામાં પ્રાણ છે, માન છે અને સ્વાભિમાનની ભાવના છે. મનુએ એલાન આપ્યું હતું કે, “જ્યાં નારી પૂજાશે ત્યાં ઈશ્વર હશે.” નારી આજે પ્રત્યેક પગલે નવી પ્રેરણા આપશે. તેની અગમ શક્તિને ફરીથી સ્થાપવી પડશે. તે વાત્સલ્યપૂર્ણ મા છે, સ્નેહભરી બહેન છે, પતિવ્રતા પત્ની છે, પરંતુ બીજી તરફ તે ચંડી છે, દુર્ગા છે, મહાકાળી છે. નારી જ વીર પુત્રોને જન્મ આપે છે. ધ્રુવ, પ્રહ્લાદ, અભિમન્યુ, શિવાજી, રાણાપ્રતાપ વગેરેને જન્મ આપનાર માતાઓ ભારતમાં જ થઈ હતી. રણચંડી દુર્ગાની માફક મર્યાદા અને માન માટે ઝઝૂમનારી ક્ષત્રાણીઓ અને ઝાંસીની વીર રાણી અહીંયાં જ થઈ ગઈ, પરંતુ આપણે ભૂલી ગયા તે સતીઓના તેજને, તે વીર પુરુષોની જન્મદાત્રીઓને, તે કુળવધૂઓને અને નારીના તેજને, જે આભૂષણોના ચળકાટમાં, રેશમી વસ્ત્રોમાં આજે અટવાઈ ગયું છે. આ ચતુર્મુખી નિર્માણના સમયમાં નારીઓએ ભૂતકાળમાંથી પ્રેરણા લેવી પડશે. તેમનું આત્મબળ ફરીથી જાગૃત કરવું પડશે. આજની ભણેલી-ગણેલી નારીઓ આર્થિક સ્વતંત્રતા અને પશ્ચિમી સભ્યતાને અપનાવી ભારતીય ગૌરવને દૂષિત ન કરે. તેઓ ઘરેઘરે ફરીને નારીસમાજને તેની ગુપ્તશક્તિઓનું જ્ઞાન આપે. દેશમાં કન્યાકેળવણી માટે છોકરાઓના શિક્ષણ કરતાં પણ વધુ ભાર મૂકવામાં આવે. આ લાગણીવેડાની વાતો નથી, એક સ્વયંસિદ્ધ સત્ય છે. જે નારીઓ ભણેલી હશે, તો પુરુષસમાજ આપમેળે સુધરી જશે. માતાઓ અને પત્નીઓના સંસ્કારોથી પુરુષસમાજ પોતાની મેળે સુસંસ્કારી બની જશે. દેશની માનમર્યાદાની રક્ષા કરનારી નારી જ્યારે નવનિર્માણનો નાદ ફેલાવી દેશે, તો કોઈ શંકા નથી કે આપણા દેશમાં આજે ફરીથી હરિશ્ચંદ્ર, પ્રતાપ, રામ, ભીમ અને અર્જુન પેદા ન થાય.

આજે સમગ્ર નારીજાતિની ફરજ છે કે નિંદનીય વાતાવરણ છોડીને, પરવશ હોવાની ગ્રંથિને ભૂલી જઈને આગળ વધે અને સમાજને સુધારવાનો, નૈતિક ઉત્થાનનો અને ધાર્મિક પુનઃજાગરણનો સંદેશ માનવતાને આપે. પુરુષો સાથે ખભેખભા મિલાવીને ઘરમાં અને બહાર બન્ને ક્ષેત્રમાં નારીએ કામ કરવું પડશે. આજે ભારતમાં જરૂર છે અધ્યાત્મ અને વૈદિક ધર્મના પુનરુત્થાનની તથા ભારતીય ધર્મ અને સંસ્કૃતિના પુનઃસ્થાપનની. જ્યારે ઘર ઘરમાં ફરીથી વેદોની વાણી ગુંજી ઊઠશે ત્યારે ભારત ફરીથી પોતાના પ્રાચીન જગતગુરુના ગૌરવને પ્રાપ્ત કરશે. સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક એમ દરેક ક્ષેત્રમાં નૈતિક શિક્ષણ અને નિષ્ઠાનું પુનઃ સંગઠન કરતાં કરતાં આજની શિક્ષિત નારી જે માર્ગનું નિર્માણ કરશે તે માર્ગ ખૂબ જ સુગમ અને આધ્યાત્મિક હશે. ફરીથી ભારતમાં ઋષિઓની પરંપરા જાગૃત થશે. નારીની માતૃશક્તિના સ્વરૂપમાં પૂજા થશે અને આપણે સમસ્ત વિશ્વને એક મૌલિક પ્રકાશ તેમજ નૂતન સંદેશ આપીશું. નારી જ દરેક ઘરમાં એવું વાતાવરણ ઉત્પન્ન કરી શકે છે, જે ભારતીય સંસ્કૃતિ ઉપર આધારિત હોય. તે આજે સબળા બનીને ચેતના, પ્રેરણા મુક્તિ તથા આધ્યાત્મિકતાની સાક્ષાત્ મૂર્તિ સ્વરૂપે આગળ આવી રહી છે. નારીઓ કુટુંબ અને સમાજમાં
સહયોગ આપશે, તો એક એવું વાતાવરણ બની જશે કે જેમાં ફરીથી દીચિ, કર્ણ અને રામ પેદા થશે. નારીની સબળ પ્રેરણા પુરુષને નવશક્તિથી ભરી દેશે, પરંતુ તેના માટે તેને આત્મબળ, ચરિત્રબળ અને તપબળમાં મહાન બનાવવાની જરૂર છે.

નારી વિશ્વની ચેતના છે, માયા છે, મમતા છે, મોહ અને મુક્તિ છે, પરંતુ સમયે સમયે તેનું અવતરણ જુદા જુદા સ્વરૂપે થાય છે. આજે આપણને એવી ક્ષત્રાણીઓની જરૂર છે કે જે જરૂર પડ્યે રણમેદાનમાં ઊતરી પડે. સાથોસાથ એ પણ ન ભૂલવું જોઈએ કે તેણે કૌટુંબિક અંગથી વિસ્તૃત ક્ષેત્ર તરફ જવાનું છે.

ઘરેણાંઓથી ઢંકાયેલી ભોગવિલાસિનીઓની જરૂર નથી. આજે તો એવી કર્મઠ મહિલાઓની જરૂર છે કે જે પુરુષસમાજ અને સમસ્ત દેશને ભારતની સંસ્કૃતિનો પાવન સંદેશ આપીને દેશમાં, ઘરઘરમાં ફરીથી પ્રેમ, ત્યાગ, બલિદાન, પવિત્રતા તથા મધુરતાનો સંદેશ આપે. અફલાતુન નામના દાર્શનિકે કહ્યું હતું કે ‘સ્ત્રી સ્વર્ગ અને નરક બન્નેનું દ્વાર છે.’’ બસ, આજે હવે ફરીથી નારીજાતિ કટીબદ્ધ બની જાય અને પોતાના બળથી પૃથ્વી ઉપર જ સ્વર્ગનું અવતરણ કરાવે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: