નારીઓના ઉત્થાનની સમસ્યા | GP-6 નારીની મહાનતા | ગાયત્રી વિદ્યા
June 30, 2022 Leave a comment
નારીઓના ઉત્થાનની સમસ્યા
નારીનું આટલું બધું મહત્ત્વ હોવા છતાં પણ હાલના સમયમાં આપણા દેશની સ્થિતિ આ દૃષ્ટિએ જુદી જ દેખાઈ રહી છે. આપણે એ તો સારી રીતે સમજીએ છીએ કે સામાન્ય રીતે કુટુંબ તથા સમાજમાં સુખી જીવનની સ્થાપનામાં નારીઓનો મોટો હાથ રહેલો છે. યોગ્ય નારીના આગમનથી ઘર દીપી ઊઠે છે અને અયોગ્ય નારીના આગમનથી તે ઘર ક્લેશ અને અશાંતિનો અખાડો બની જાય છે. સામાન્ય રીતે દરેક સ્ત્રી પુરુષની યોગ્યતા અને વિચારોમાં તફાવત રહે જ છે, પરંતુ એ તફાવત એટલો બધો વધી જાય કે વાતવાતમાં એકબીજાની સાથે અણબનાવ વધતો જાય, તો એ ઘરને યુદ્ધનું મેદાન જ સમજવું જોઈએ. ઘણી વખત એવા અનુભવ થયા છે કે આજના વાતાવરણમાં ઊછરેલો યુવક ઈચ્છે છે કે સ્ત્રી નવીન સભ્યતાના પ્રવાહમાં ભળી જાય, પરંતુ પત્ની એવા વાતાવરણમાં ઊછરી ન હોવાથી અને અશિક્ષિત હોવાના લીધે એ વાતને તે માનતી નથી. તેથી એકબીજા સાથે બનતું નથી. ઘણા લોકો સ્ત્રીઓની સાથે જબરદસ્તી પણ કરે છે. તેની પાસે બળજબરીથી મનફાવે તેવું કામ કરાવે છે. તેને તેમ કરવું તો પડે જ છે, પરંતુ તેનું જીવન અંધકારમય બની જાય છે. મન નિર્બળ બની જાય છે, આશા અને ઉત્સાહ ઊડી જાય છે.
આથી બન્નેના વિચારોમાં સામાન્ય રીતે સમાનતા હોવી જરૂરી છે, નહીં તો આખું જીવન ક્લેશમય અને ભારરૂપ બની જાય છે. તેના માટે નારીજાતિમાં શિક્ષણના પ્રચારની ખૂબ જ જરૂરિયાત છે, જેથી તે પોતાનું સારું-ખોટું વિચારી તથા સમજી શકે અને કર્તવ્ય નક્કી કરી શકે. શિક્ષણની જરૂરિયાત જીવનની પ્રત્યેક પળે હોવાથી હાલના શિક્ષણમાં સુધારો કરવાની આવશ્યક્તા જણાય છે. આજની ભણેલી કન્યાઓ બહુ ફેશનપ્રિય થઈ ગઈ છે, તેથી ખર્ચ ખૂબ જ વધી જાય છે. તે ઘર પ્રત્યેની પોતાની ફરજ ભૂલી જાય છે. આથી જે શિક્ષણથી તેસારી ગૃહિણી બને તેવા શિક્ષણની જરૂરિયાત છે. સામાન્ય રીતે આપણે ત્યાં છોકરીનો જન્મ એના પિતા માટે ખૂબ જ દુઃખદ માનવામાં આવે છે, કેમ કે તે પારકું ઘર વસાવે છે. તેના માટે વર ખોળવામાં અને લગ્ન કરાવવામાં તેમ જ દહેજ આપવામાં ઘણી મૂડી ખર્ચવી પડે છે.
ખરેખર દહેજપ્રથા સમાજ માટે અભિશાપ બની ગઈ છે. વરના પિતાને ખુશ કર્યા સિવાય દીકરીનું લગ્ન કરવું મુશ્કેલ બની ગયું છે. તેથી હાલની સમાજવ્યવસ્થામાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. તેને પારકું ઘર વસાવનારી કહી અનાદર કરવો તે સાવ અયોગ્ય છે, કારણ કે આપણા ઘરમાં દીકરાની વહુ આવે છે તે પારકા ઘેરથી આવી હોવા છતાં આપણું ઘર વસાવે છે. આ તો સરખાપણાનો સોદો છે. વિધવા બહેનો પ્રત્યે તો આપણે વધુ સહાનુભૂતિ રાખવી જોઈએ અને તેમને સમાજસેવાને યોગ્ય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે ધારે તો સમાજનું ઘણું કલ્યાણ કરી શકે છે.
પ્રતિભાવો