દરેક પરિસ્થિતિમાં આગળ વધો | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા
July 1, 2022 Leave a comment
દરેક પરિસ્થિતિમાં આગળ વધો
ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.
માનવજીવન ઉન્નતિ કરવા માટે મળ્યું છે. આમ તે સમગ્ર સંસારમાં સિંહ, હાથી, સાપ વગેરે માનવી કરતાં કેટલાયગણાં શક્તિશાળી પ્રાણીઓ હયાત છે, પણ પોતાનું બૂરું, ભલું લાભ નુકસાન વિચારવાની વિવેકબુદ્ધિ વાપરી ઉન્નતિના માર્ગે આગળ ધપવાની સગવડતો માત્ર માનવીને જ મળી છે. સંસારનાં બધાં જ પ્રાણીઓ કુદરત દ્વારા નિર્મિત એક નાનકડાં જૂથમાં જિંદગી વિતાવે છે. આ વિશેષતા માત્ર માનવીમાં જ છે, જેનાથી તે ઈચ્છાનુસાર નવા નવા રસ્તા શોધી અગમ્ય સ્થળો એ પહોંચે છે અને મહત્ત્વનાં કાર્યો કરે છે. જે લોકો માનવયોનિ મેળવીને પણ ઉન્નતિના માર્ગે આગળ વધી શક્યા નથી તેઓ હકીકતે અભાગિયા છે.
જો મને અમુક સગવડ મળી હોત તો હું આમ કરત” ની વાતો કરનારને શેખચલ્લી જ માનવો જોઈએ. પોતાની નાલાયકીને પોતાના નસીબ કે પરમાત્મા પર ઠોકી બેસાડી પોતે નિર્દોષ બનવા માગે છે. મને અમુક અમુક સગવડ મળી હોત તો અમુક કાર્ય કરત” એ ખોટી માગણી છે. આવી વાતો કરનારને એ પરિસ્થિતિ મળી જાય, છતાં પણ તે ફરી બીજી કોઈ વાતનો અભાવ વરતાશે, જે લોકોને ધન, વિદ્યા, મિત્ર, પદ, હોદો વગેરે મળ્યાં હોય છે એમાંના મોટા ભાગનાનું જીવન ખૂબ જ અસ્તવ્યસ્ત અને અસંતુષ્ટ જ હોય છે. ધન સંપત્તિ હોવા છતાં તેમના આનંદમાં વૃદ્ધિ ન થઈ, પણ ઊલટાની તે ધનસંપત્તિ જંજાળ બની ગઈ. સર્ષવિદ્યા જાણતો નથી તેની પાસે વધારે સાપ ભેગા થઈ જાય, તો તે ખતરનાક સાબિત થાય. જેને જીવનકળાનું જ્ઞાન નથી તેને ગરીબી કે અભાવની પરિસ્થિતિઓમાં પણ થોડોક આનંદ તો મળે છે, પણ જો તે સંપન્ન બની જાય તો ધનદોલતનો દુરુપયોગ કરી પોતાને માટે વધુ આફતો વહોરી શકે છે.
જો આપની પાસે આજેમનપસંદ વસ્તુઓ નથી, તો નિરાશ થવાની કોઈ જરૂર નથી. જે કંઈતૂટેલીફૂટેલી સામગ્રી છે તેનાથી તમારું કૌશલ્ય પ્રદર્શિત કરવાનું શરૂ કરો. જ્યારે ચારે બાજુએ ઘોર અંધકાર છવાયેલો હોય છે ત્યારે એક નાનો શો દીવો પોતાના પ્રકાશથી લોકોનું રોકાઈ રહેલું કામ શરૂ કરાવે છે. હજારો રૂપિયાની કિંમતની વસ્તુઓ એમ ને એમ પડી હોય છે અને આ નજીવી કિંમતનો દીપક પ્રકાશવાન હોવાથી પોતાની મહત્તાનો પરિચય કરાવે છે, લોકોનો પ્રિય બને છે, પ્રશંસા મેળવે છે અને પોતાની હયાતીને ધન્ય બનાવે છે. શું દીપક એવાં રોદણાં રડે છે કે મારી પાસે આટલા ડબ્બા કેરોસીન કેતેલ હોત તો વધારે ખૂબ જ મોટો પ્રકાશ આપત ! દીપક પાસે કર્મહીન નાલાયકોની જેમ શેખચલ્લીના વિચાર કરવાની નવરાશ જ નથી. તે તો પોતાની મહત્તાનો પરિચય આપી દે છે. બેશક, એનું કામ નાનું છે, પણ એ નગણ્યતામાં પણ સૂર્ય ચંદ્રના ચમકવા જેટલી જ સફળતાનો અંશ છે. જો આંતરિક સંતોષ, ધર્મ, પરોપકાર દૃષ્ટિથી તુલના કરવામાં આવે તો દીપક અને સૂર્ય-ચંદ્રનું કાર્ય એક સરખું જ છે, બંનેનું મહત્ત્વ સરખું છે, બંનેની સફળતા એક સરખી છે.
સાચી વાત તો એ છે કે અભાવની સ્થિતિમાં રહી, મુશ્કેલીઓમાં ઊછરેલી, સાધનહીન વ્યક્તિઓ જ સંસારના નેતા, મહાત્મા તથા મહાપુરુષ બની છે અને તે જ સફળ જીવન જીવી શકી છે. વિપરીત પરિસ્થિતિઓ સાથે ટકરાવાથી તેમની આંતરિકપ્રતિભા જાગૃત થાય છે અને સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય છે. પથ્થર સાથે ઘસાઈને જ ચપુ તેજ ધારવાળું બને છે અને પોતાના કામમાં વધુ ઉપયોગી સાબિત થાય છે, તેવી રીતે વિપરીત પરિસ્થિતિઓ સામે ટકરાવવાથી મનુષ્યનો સ્વભાવ તથા અનુભવ તીક્ષ્ણ બને છે, તે આગળ વધવામાં સફળ થાય છે. આની વિરુદ્ધ, જે લોકો અમીર અને સાધનસંપન્ન ઘરોમાં જન્મે છે તેમને જીવન જરૂરિયાત માટે સંઘર્ષ કરવો પડતો નથી. લાડ, પ્યાર તથા એશઆરામને લીધે તેમની પ્રતિભા નિખરતી નથી, પણ બંધિયાર પાણીની જેમ સડી જાય છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે અમીરનાં છોકરાં પોતાના જીવનમાં નિષ્ફળ જાય છે, જ્યારે ગરીબોનાં છોકરાં આગળ વધી ચમકે છે. પ્રાચીનકાળના રાજા, જાગીરદારો પોતાના પુત્રોને અભાવગ્રસ્ત જીવન દ્વારા શિસ્ત અને કઠોરતાના પાઠ ભણાવવા માટે જ ઋષિઓના આશ્રમમાં મૂકતા હતા.
મારું આ બધું કહેવાનું તાત્પર્ય એ નથી કે અમીરી કોઈ ખરાબ ચીજ છે અને તેમનાં ઘરોમાં જન્મેલા બાળકો માટે ઉન્નતિના દરવાજા બંધ થઈ જાય છે. જ્યાં સાધનસામગ્રી છે ત્યાં તો ઝડપી ઉન્નતિ થવી જોઈએ. સુથાર પાસે શ્રેષ્ઠ લાકડું તથા ઉત્તમ ઓજાર હોય તો તે ઉત્તમ ફર્નિચર તૈયાર કરે એ હકીકત જ છે. મારો કહેવાનો અર્થ એ છે કે જો “જિંદગી જીવવાની કળા” આવડતી હોય તો અભાવ, મુશ્કેલી કે વિપરીત પરિસ્થિતિ કોઈ અવરોધ ઊભો કરી શકતી નથી. ગરીબી અને મુશ્કેલીઓમાં જ્યાં સાધનોની ખોટ હોય છે ત્યાં બીજી બાજુ પ્રતિભાને ચમકાવવાનો સારો ગુણ પણ હોય છે. અમીરીમાં સાધનોની છૂટ હોઈ લાડ, પ્યાર તથા એશઆરામને લીધે પ્રતિભા રૂંધાઈ જવાનો મોટો અવગુણ પણ છે. જે જીવન જીવવાનું જાણે છે તે ચાહે અમીર હોય કે ગરીબ, પરિસ્થિતિઓ સાનુકૂળ હોય કે પ્રતિકૂળ, ગમે તેવી મુશ્કેલીઓ હોય છતાં દરેક સ્થિતિમાં તે અનુકૂળતા જ પેદા કરી શકે છે અને ઉન્નતિ, સફળતા તથા આનંદ મેળવી શકે છે.
આનંદમય જીવન જીવવા ધન, વિદ્યા, સહયોગ, સ્વાથ્ય વગેરેની જરૂર છે, પણ એમ ન સમજવું જોઈએ કે આ બધાને લીધે જ આનંદમય જીવન જીવી શકાય છે. સારું સાહિત્ય લખવા કાગળ અને પેનની જરૂર છે જ, પણ આ બંને ભેગાં મળે એટલે કંઈ સાહિત્ય રચાઈ ન જાય. લેખકની બુદ્ધિપ્રતિભા જ શ્રેષ્ઠ સાહિત્ય રચનામાં મુખ્ય ભાગ ભજવે છે. કાગળ અને પેન તે ગૌણ બાબત છે. જેનામાં સાહિત્ય રચનાની શક્તિ છે તેનું કામ રોકાઈ નહિ જાય, પેન અને કાગળ તે ઘણી સરળતાથી એકત્ર કરી લેશે. આજ દિન સુધી એવો કોઈ કિસ્સો બન્યો નથી, જેમાં કોઈ લેખકે એમ કહ્યું હોય કે શું કરું, મારી પાસે કાગળનહતો. જો હોત તો મેં શ્રેષ્ઠ ગ્રંથ લખી નાખ્યો હોત, તો તેની વાત કોણ માનશે? કાગળ કે પેન એ કોઈ અપ્રાપ્ય કે દુર્લભ વસ્તુ નથી, જે કોઈ લેખકને ન મળી શકે. એક કહેવત છે, “નાચવું નહિ ત્યારે આંગણું વાંકું નાચતાં આવડતું નથી એ છુપાવવા નાચનાર કહે છે કે “શું કરું? મારે નાચવું તો ઘણું છે પણ આ આંગણું વાંકુંચૂકું છે ને!” આંગણું ગમે તેવું વાંકુંચૂકું હોય, છતાં જેને નાચવું જ હોય તેને કોઈ અડચણ નડતી નથી. આ રીતે જીવનવિદ્યા જાણે છે તેને સાધનોના અભાવ કેવિપરીત પરિસ્થિતિઓ અંગે ફરિયાદ કરવાની જરૂર હોતી નથી. સાધનો વગર પ્રગતિ થઈ જ ન શકે એવું હોતું નથી.
હોશિયાર પુરુષ વિષમ સ્થિતિમાં પણ અનુકૂળતા શોધી લે છે, ઝેરને અમૃત બનાવી દે છે. સોમલ, ઝરકચોળુ, ગુગળ, હરતાલ વગેરેમાંથી પણ ધતૂરા લોકો રોગનાશક તથા તાકાત આપનારાં રસાયણો શોધી કાઢે છે. રેતીમાંથી યે ચાંદી અને કોલસામાંથી હીરા કાઢે છે, ધરતીનાં કઠણ પડોને ખોદી ઠંડું પાણી મેળવી શકે છે, ઘૂઘવતા સમુદ્રના પેટાળમાં જઈ મોતી લઈ આવે છે.દષ્ટિફેલાવી જુઓ, તમારી ચારે બાજુએ એવા કલાકારો પડેલા જણાશે કે જે તુચ્છ વસ્તુઓમાંથી મહત્ત્વની વસ્તુઓ બનાવે છે. એવા વીર પુરુષોની ખોટ નથી, જેમણે વજ જેવી કઠણ પરિસ્થિતિઓમાં ઝંપલાવી વિજયમાળા પહેરી હોય. જો આપની ઈચ્છા સહેજ બળવત્તર હોય તો આપ પણ આ કલાકારો તથા વીર પુરુષોની કક્ષામાં આજની જોડાઈને આજની વિપરીત પરિસ્થિતિઓને અનુકૂળ બનાવી શકો છો. આપની બધી ફરિયાદો, ચિંતા તથા મજબૂરી સરળતાથી સંતોષ, આશા અને સમર્થતામાં ફેરવાઈ શકે છે.
પ્રતિભાવો