મુશ્કેલીઓની ચિંતા ના કરો | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા
July 1, 2022 Leave a comment
મુશ્કેલીઓની ચિંતા ના કરો
ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.
કેટલાય લોકો આપત્તિઓથી એટલા બધા ભયભીત રહે છે કે જાતજાતની સાચી-ખોટી વિટંબણાઓની કલ્પના કરી પોતાનું જીવન ત્રાસમય બનાવી દે છે. જો વિચારપૂર્વક સમજવા માગીએ તો ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ અને ભવિષ્યના ડર કે ભય માટે વ્યાકુળ થવું નિરર્થક છે, પરંતુ આવી વ્યક્તિઓ સામાન્ય રીતે વર્તમાનને અવગણીને ભૂતકાળની ઘટનાઓનાં જ રોદણાં રોયા કરે છે અથવા ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓની કલ્પના કરીને ડર્યા કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ બુદ્ધિના દેવાળાનો અને ડરપોકપણાનો જ પરિચય આપે છે. જૂની કે નવી, કોઈ પણ આપત્તિ માટે ચિંતા કરવી બધી રીતે નુકસાનકરાક છે. આમાં આપણી મોટા ભાગની શક્તિ વેડફાઈ જાય છે અને આપણે આપણી સમક્ષ ઊભેલી વર્તમાન સમસ્યાઓ ઉકેલવામાં પણ નિષ્ફળ જઈએ છીએ.
મનમાં ઘર કરી ગયેલી દુઃખદ યાદો અને ડરામણા ભવિષ્યની આશંકાથી ઉત્પન, માનવમાત્રનું સત્યાનાશ વાળનાર, તેની માનસિક, શારીરિક તેમજ આધ્યાત્મિક શક્તિઓનો નાશ કરનાર દુષ્ટ મનોવિકાર, ચિંતા જ છે. એકવાર આ માનસિક રોગના રોગી બની ગયા બાદ માનવી એમાંથી ઘણી મુશ્કેલીથી છુટકારો મેળવી શકે છે, કારણ કે વધુ સમય રહેવાથી આ કલ્પનાઓ ગુપ્ત મનમાં જટિલ માનસિક ભાવનાગ્રંથિની જેમ પડી રહે છે. આ કેન્દ્રમાંથી જ આપણી શારીરિક અને માનસિક ક્રિયાઓનું સંચાલન થાય છે. ટેવ પડી જવાથી ચિંતા નિરાશાનું રૂપ ધારણ કરી લે છે. આવી વ્યક્તિ નિરાશાવાદી બની જાય છે. તેનું સંપૂર્ણ જીવન નીરસ, નિરુત્સાહી અને અસફળતાઓથી જ ભરેલું હોય છે.
ચિંતાનો પ્રભાવચેપીરોગના જેવો ઝેરી હોય છે. જ્યારે આપણે ચિંતાતુર્વ્યક્તિના સંપર્કમાં રહીએ છીએ ત્યારે આપણે પણ એ નિરાશાનું તત્ત્વ ખેંચી લઈ આપણું જીવન પણ નિરુત્સાહી બનાવી દઈએ છીએ. કેટલીય વ્યક્તિઓ કહ્યા કરે છે, “ભાઈ ! હવે હું થાકી ગયો છું. કંટાળી ગયો છું. હવે પરમાત્મા મને બચાવી લે તો સારું.” તેઓ એવાં રોદણાં જ રોયા કરે છે. “હું ઘણો અભાગિયો છું, ગ્રહો અવળા છે, હું ગરીબ છું, હું તનતોડ મહેનત કરું છું, પણ ભાગ્ય સાથ આપતું નથી.” આવી ચિંતા કરનાર વ્યક્તિ એમ નથી જાણતી કે આ રીતે રોદણાં રડવાથી આપણે આપણા હાથ વડે જ ભાગ્યને નંદવી રહ્યા છીએ, ઉન્નતિ રૂપી ચાંદને કાળાં વાદળોથી ઢાંકી દઈએ છીએ.
એક સુપ્રસિદ્ધ વિદ્વાનનું કથન છે, “આપના જીવનમાં અનેક પ્રકારની દુઃખદ, કડવી તથા મનને ખૂંચતી યાદો દબાઈને પડી છે. તેમાં કેટલાય પ્રકારની બેવકૂફી, અશિષ્ટતા, મૂર્ખતાભર્યા કાર્યો
ભરેલાં હોય છે. આપના મનમંદિરના દરવાજા તેમના માટે બંધ કરી દો. તેમની દુઃખભરી પીડા, વેદના તથા હાહાકારનો કાળો પડછાયો વર્તમાન જીવન પર ન પડવા દો. મનના ઓરડામાં આ લાશોને, ભૂતકાળનાં મડદાંને દફનાવી દો. આવી જ રીતે મનનો એ ઓરડો પણ બંધ કરી દો, જેમાં ભવિષ્ય માટેનો ખોટો ભય, શંકાઓ તથા નિરાશાભરી કલ્પનાઓ ભરેલી છે. આ નહિ જન્મેલા ભવિષ્યને પણ મનની ઓરડીમાં દફનાવી દો. તમે માત્ર આજની ચિંતા કરો. મદમસ્ત, ઉલ્લાસપૂર્ણ “આજ આપની અમૂલ્ય સંપત્તિ છે. તે તમારી પાસે છે. તે આપનો મિત્ર છે. “આજ” ને ઓળખો, તેની સાથે ખૂબ રમો, કૂદો, મસ્ત રહો અને તેને વધુને વધુ આનંદમય બનાવો. “આજ” જીવિત ચીજ છે. “આજમાં એ શક્તિ છે, જે દુઃખદ ભૂતકાળને ધરબી દઈ ભવિષ્યના અંધકારના ખોટા ભયનો નાશ કરી શકે છે.”
આ કથનનો અર્થ એવો નથી કે ભવિષ્ય માટે કોઈ યોજના જન બનાવવી કે કંઈ વિચારવું જ નહિ. અર્થ એટલો જ છે કે આવનારી કાલ માટે વ્યર્થ ચિંતા કરવાથી આપણો હેતુ સરશે નહિ, પણ પોતાની સમગ્ર બુદ્ધિ, કુશળતા, તર્ક અને ઉત્સાહથી આજના કાર્યને સર્વોત્તમ બનાવવા સંનિષ્ઠ પ્રયત્નો કરવાથી આ હેતુ પાર પડશે.
જો આપણે “આજ” નું કામ કર્તવ્ય સમજી સંપૂર્ણ એકાગ્રતા અને લગનથી પૂરું કરીએ, તો આપણે “કાલ” ની ચિંતા કરવાની જરૂર નહિ રહે. આ રીતે તમે ઉજ્વળ ભવિષ્ય બનાવી શકો છો.
ખ્રિસ્તી ધર્મમાં એક પ્રાર્થના આવે છે, જેનો થોડોક અંશ આ પ્રમાણે છે, “હે પ્રભુ! મને આજનું ભોજન આપો! મારી આજ સમૃદ્ધ બનાવો” યાદ રાખો કે આ પ્રાર્થનાનો સ્પષ્ટ અર્થ એ છે કે આજે મને ભોજન, આનંદ તથા સમૃદ્ધિ આપો. આમાં ન તો વીતી ગયેલ કાલ બાબતે ફરિયાદ છે કે ન તો આવનારી કાલ માટે યાચના કેડર છે. આ પ્રાર્થના “આજ”(વર્તમાન) નું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. જો આપણે આજને આદર્શ બનાવીએ, તેનો વધુને વધુ આનંદ લૂંટીએ તો આપણું ભવિષ્યનું જીવન જાતે જ ઉન્નત બનશે.
હજારો વર્ષ પૂર્વે એક ગરીબ તત્ત્વવેત્તા એવા વેરાન પર્વતીય પ્રદેશમાં ફરતા હતા, જ્યાં લોકોનો જીવનનિર્વાહ ઘણી મુશ્કેલીઓથી થતો હતો. એક દિવસ એમણે સ્થાનિક નિવાસીઓને એકઠા કર્યા અને નાનકડું પ્રવચન આપતાં જણાવ્યું, “કાલની ચિંતામાં રત આત્માઓ! કાલની ચિંતા, ભય અને અંધકારમાં સોનેરી વર્તમાનને શા માટે હોમી રહ્યા છો? કાલ તેની જાતે પોતાની ચિંતા કરશે. જો તમે “આજ” સર્વોત્તમ આનંદ, સંતોષ અને આદર્શ રીતે પૂરી કરશો તો તે શ્રેષ્ઠ જ છે. પરમેશ્વર જાતે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયત્નોમાં રત છે.”
મહાપુરુષ ઈસુએ કહ્યું છે, “કાલની ચિંતા ન કરો,”પરંતુ આનો વાસ્તવિક અર્થ ઘણા ઓછા લોકો જાણે છે. કાલની ચિંતા ન કરો! તમે કહેશો કે એકઈરીતે શક્ય છે? અમારે કુટુંબ છે, એમાં બાળકોનું શિક્ષણ, કપડાં, ભોજનનિર્વાહની મૂંઝવણો છે, થોડાં વર્ષોમાં બધાંને પરણાવવાનાં છે, પૈસા એકઠા કર્યા વિના કેવી રીતે કામ ચાલશે? અમારે વીમા પોલીસીમાં પૈસા રોકવા જોઈએ ! આજે નોકરી પર છીએ, કાલે તે છૂટી પણ જાય! આજે તંદુરસ્ત છીએ, કાલે બીમાર પડીએ તો કઈ રીતે કામ થાય? ઘડપણમાં અમારું શું થશે?
આ પ્રકારની વાતો ઠીક છે. એક વિચારશીલ મગજમાં આવા વિચાર આવવા જોઈએ. મારો મત છે કે તમે “કાલ’ને શક્તિશાળી બનાવવા, યોગ્ય, સ્વસ્થ અને આર્થિક રીતે સંપન્ન બનવા માટે નવી યોજનાઓનો અમલ કરો. ભાવિ જીવન માટે શક્ય એટલી બધી જ તૈયારી કરો, પરિશ્રમ, વેપાર, મિલનસાર સ્વભાવ વગેરેથી સમજમાં આપનું સ્થાન બનાવો, પણ ચિંતા ન કરો. યોજના બનાવી દૂરદર્શિતાનો પરિચય આપી તેને પૂરી કરવી એ એક વાત છે અને ચિંતા કરવી એ બીજી વાત છે. ચિંતાથી હાથમાં શું આવશે? ઊલટું જે રહી સહી તાકાત અને માનસિક સ્વસ્થતા છે તે પણ નાશ પામશે. ચિંતા તમારા ઉત્સાહ, શક્તિ અને આનંદને પાંગળાં બનાવી દેશે. જે મુશ્કેલીઓ અથવા અવરોધોને તમે તમારી પોતાની શક્તિથી સરળતાથી જીતી શકતા હતા તે તમને પહાડ જેવાં મોટાં દેખાશે. ચિંતા આપની સામે એક એવો અંધકાર ઉત્પન્ન કરશે, જેનાથી પરમાત્માએ આપના અંગ પ્રત્યંગમાં છુપાવેલા ગૂઢ શક્તિ કેન્દ્રનું આપને જ્ઞાન જ નહિ થાય.
યુદ્ધ, બીમારી, દેવાળું કે દુઃખદ મૃત્યુના અંધકારમય રુદનમાં, શુભચિંતન અને અશુભ ચિંતનમાં માત્ર આ જ ફરક છે, કાર્યકારણનાં ફળોને તર્કની કસોટીએ ચકાસે તે વિચાર શુભ વિચાર છે તે દૂરનું જુએ છે અને કેવા કાર્યથી ભવિષ્યમાં કેવું ફળ મળશે તેનો ક્યાસ કાઢી ભાવિ ઉન્નતિની યોજનાઓ બનાવે છે. સર્જનાત્મક વિચાર ભવિષ્યનિર્માણમાં જૂની ભૂલની સજાના કડવા અનુભવો અને સંસારની અડચણોને ધ્યાનમાં રાખીને આપની ઉન્નતિ માટે યોજનાઓ આપી શકે છે. શુભ ચિંતનમાં છુપાયેલા સાંસારિક અનુભવોના બળે ઉત્સાહ અને આશાના ફુવારા ઊડે છે. કાર્યનિષ્ઠા અને સાહસનું બળ જન્મે છે. આ જ શક્તિ અને કૌશલ્યનો પવિત્ર યોગ છે. કામથી ગભરાઈને નાસી જવાનો નહિ, પણ કોયડાઓ ઉકેલી અપૂર્વ સહનશક્તિનો પરિચય આપવાનું વિધાન છે.
ખરાબ વિચારધારાની શરૂઆત જ ડર અને ગભરાટથી થાય છે. મુશ્કેલીઓ આવી રહી છે, આપણે ન કરેલું કામ કરવું પડશે, પૈસા તથા સાધનો આપણી પાસે નથી, શું કરવું? આવી ફાલતુ કપોલકલ્પનાઓ શક્તિ અને ઉત્સાહનો નાશ કરી દે છે. માનસિક સંતુલન નાશ પામે છે. ઈચ્છાશક્તિ અને મનોબળ પાછલી ભૂલોની યાદથી અને દુઃખદ અનુભવોથી નાશ પામે છે પશ્ચાત્તાપ અને આત્મગ્લાનિના અંધકારમાં આવી વ્યક્તિ પોતાની રહીસહી શક્તિ પણ ગુમાવી દે છે. આ ખરાબ કલ્પનાઓ ચિંતા જેવી રાક્ષસીનાં જ સંતાનો છે.
આજકાલ પાગલો માટેના દવાખાનામાં માનસિક રોગના એવા દરદીઓ આવે છે, જેમાંના મોટાભાગના ચિતાના ભારને લીધે જ મગજ ગુમાવી બેઠા હોય છે. તેમના મનમાં વીતેલા જીવનના ભયાનક, દુર્ઘટનાપૂર્ણ ભૂતકાળનો હૃદયદ્રાવક હાહાકાર, કલ્પના અને મૂંગું રુદન હોય છે. પ્રિયજનના મૃત્યુનો આઘાત પીડાયુક્ત અને અસહ્ય વેદનાભર્યો હોય છે. હજારો લાખો રૂપિયાના નુકસાનનું દુઃખ હોય છે. સમાજ દ્વારા થયેલી માનહાનિની પીડા હોય છે. સમાજ, અધિકારીઓ, જડ રૂઢિઓ કે પોલીસ દ્વારા આચરાયેલા અત્યાચાર વિરુદ્ધનો વિદ્રોહ હોય છે. કેટલાય એવા જડતથા નિરાશાવાદી થઈ ગયા હોય છે, જાણે કે તેમના આનંદનું ઝરણું સુકાઈ ન ગયું હોય! આ અનુભવોના આધારે તેઓ ભવિષ્યના ભયથી ઉત્પન્ન દુષ્ટ પ્રવૃત્તિઓના શિકાર બને છે. પોતાની પ્રતિકૂળતાના ખરાબ વિચારો તેમના અંતઃકરણની ઉત્તમમાં ઉત્તમ યોજનાઓને ક્ષણભરમાં ધૂળમાં મેળવી દે છે. તેઓ માનવીની માનસિક શક્તિઓનો નાશ કરી ચિંતામાં ફસાવી દેનાર ભયંકર મહારાક્ષસ છે. ચિંતા એ ભયનું પ્રથમ સંતાન છે. આ યાદો અને અંધકારમય ભવિષ્યનાં ડરામણાં સ્વપ્નોનું વંદયુદ્ધ માનસિક રોગોના રૂપમાં પ્રગટ થાય છે. કોઈને ન કહેવાય અને ન સહેવાય તેવી આશંકાઓ, ખરાબ ચિંતાઓ તથા ખરાબ કલ્પનાઓ માનસિક રોગોના રૂપમાં પ્રગટ થઈને જ રહે છે.
પ્રતિભાવો