ધૈર્ય એક મહત્ત્વનો ગુણ છે | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા
July 1, 2022 Leave a comment
ધૈર્ય એક મહત્ત્વનો ગુણ છે
ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.
આ સંસારમાં તો વિપરીત પરિસ્થિતિઓ કે મુશ્કેલીઓ સ્વાભાવિક રીતે જ આવવાની. જ્યારે આપણે કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોઈએ ત્યારે તો અનેક મુસીબતોનો સામનો કરવો પડશે એમ અનિવાર્યપણે સમજવું જોઈએ. કેટલીયે વ્યક્તિઓ આવા જ ભયથી કોઈ ભારે કામ હાથમાં લેતી જ નથી. બનવા જોગ છે કે આમ કરવાથી તેઓ જીવનમાં મોટી આપત્તિઓથી બચી શકે, પણ તેઓ કોઈ પ્રકારની પ્રગતિ કે ઉન્નતિ પણ કરી શકતા નથી. એક તત્ત્વદર્શીની નજરે તેઓનું જીવન કીડીમંકોડા કરતાં સહેજે ય ચડિયાતું નથી.
જેણે શરીર ધારણ કર્યું છે તેણે સુખદુઃખ બંનેનો અનુભવ કરવો જ પડશે. પ્રાણીઓને કાયમ દુઃખ કે સુખ પ્રાપ્ત થતું નથી. જો આ વાત સાચી જ હોય તો દુઃખમાં વધારે ઉદ્વિગ્ન રહેવાનો અર્થ ખરો? દુઃખ સુખ શરીર સાથે જોડાયેલાં જ છે. આપણે ધીરજ રાખી સુખ અને દુ:ખ નિહાળવાં જોઈએ. જેઓ આ રહસ્યને પામ્યા છે તથા ધીરજ ધારણ કરી છે તેઓ જ આ સંસારમાં સુખી ગણાય. ધીરજની પરીક્ષા સુખ કરતાં દુઃખમાં જ વધારે થાય છે. દુઃખોની ભયંકરતા જોઈ વિહવળ બની જવું એ પ્રાણીઓનો સ્વભાવ છે, પરંતુ જેઓ આવા સમયે પણ ડગતા નથી, સ્થિતપ્રજ્ઞ રહે છે તે પુરુષસિંહ’ ધીરજવાન કહેવાય છે. આપણે અધીરા કેમ બનીએ છીએ? આનું એકમાત્ર કારણ આપણા હૃદયની નબળાઈ જ છે, બીજું કંઈ નહિ. બધાં એ હકીકત જાણે જ છે કે આ સૃષ્ટિમાં બ્રહ્માજીથી માંડીને નાનકડાં કીડી મકોડા સુધીના જીવોમાંથી કોઈપણ જીવ સંપૂર્ણ રીતે સુખી પેદા થયો નથી. બધાને કોઈ ને કોઈ પ્રકારનું દુઃખ આવે જ છે, છતાં દુઃખ આવતાં માનવી વ્યાકુળ થઈ જતો હોય તો તે તેની નબળાઈનહિતો બીજું શું છે?
મહામાનવોના માથે શીંગડાં ઊગેલાં હોતાં નથી. તેઓ પણ આપણી જેમ જ બે હાથ અને બે પગવાળા સાડા પાંચ ફૂટ લાંબા માનવીઓ જ છે, છતાં તેમનાં એ વિશેષતા છે કે આપણી જેમ તેઓ દુઃખ આવી પડતાં અધીરા થતા નથી. દુઃખોને પ્રારબ્ધ સમજી ખુશીથી પ્રસન્નવદને સહન કરી લે છે. જો દુઃખોથી ડરી જાત તો પાંડવો કૌરવોના ગુલામ જ બન્યા હોત, મોરધ્વજ પુત્રના શોકમાં દુઃખી થઈ મરી ગયો હોત, હરિશ્ચંદ્ર રાજા રાજલાભમાં પોતાનાં વચનોમાંથી ફરી ગયા હોત, શ્રી રામચંદ્રજી જંગલનાં દુઃખોની ભયાનકતાથી ગભરાઈ અયોધ્યાયમાં જ રહી ગયા હોત, શિબી રાજાએ શરીરનાં અંગો કપાવવાના દુઃખથી ડરી જઈ કબૂતર બાજને હવાલે કરી દીધું હોત, તો આ બધાંના નામ અત્યાર સુધી કોણ જાણી શક્યું હોત? તેઓ પણ અસંખ્ય માનવોની જેમ કાળના પ્રવાહમાં નાશ પામ્યા હોત ! પણ તેમનાં નામ માત્ર તેમની ધીરજને લીધે આજે પણ જીવંત છે.
આપણા પ્રિયજનના વિયોગથી આપણે અધીરા થઈ જઈએ છીએ કારણ કે તે આપણને છોડીને જતો રહ્યો છે. આ માટે અધીરા બનવાથી કેવી રીતે કામ ચાલશે? શું તે આપણી અધીરાઈ જોઈ પાછો આવશે? જો ન આવે તો આપણી અધીરાઈ નકામી જ છે. જેણે જન્મ ધારણ કર્યો છે તેણે એક દિવસ તો મરવાનું જ છે. સમગ્ર સૃષ્ટિના પિતા બ્રહ્માજી છે, ચરાચર સૃષ્ટિ તેમના વડે જ ઉત્પન્ન થઈ છે. તેમનું આયુષ્ય સમાપ્ત થતાં તેઓ પણ નહિ રહે, કારણ કે તેઓ ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયા છે. એટલે મહાપ્રલય વખતે તેઓ વિષ્ણુના શરીરમાં જ સમાઈ જાય છે. જન્મનારનો નાશ થાય જ છે એ અટલ સિદ્ધાંત જાણતા હોવા છતાં, આપણે પ્રિયજનના મૃત્યુ બદલ શોક શા માટે કરીએ છીએ? તે મરવાનો તો હતો જ, આજે નહિ તો કાલે, કાલે નહિ તો પરમ દિવસે. કોઈ શાશ્વત રહ્યું નથી, તો પછી પ્રિયજન ક્યાંથી શાશ્વત રહેવાનો છે? જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા. એક દિવસ તમારે પણ જવાનું જ છે, બાકી દિવસો છે તે દરમિયાન એ ગુણોના ભંડાર, કરુણાસાગરનું ચિંતન કરતાં કરતાં ધીરજથી વિતાવો.
શરીરમાં બીમારી આવી પડતાં જ આપણે બાવરા થઈ જઈએ છીએ. આ રીતની વ્યાકુળતા બતાવ્ય કોઈ રોગમુક્ત થયું છે? આ શરીર દુઃખદર્દીનું ઘર છે. લિંગભેદ, ઉંમર, કર્મફળ વગેરે સાથે લઈને જ શરીર ઉત્પન્ન થયું છે. પૂર્વજન્મનાં જે કર્મફળ છે તે તો ભોગવવાં જ પડશે.
દાન, પુણ્ય, જપ, તપ વગેરે અવશ્ય કરવાં જોઈએ. કર્મફળ પૂરું થવાનું કારણ આ દાન, તપ, પુણ્ય કે દવા હોઈ શકે છે. વિના કારણે કોઈ કામ થઈ શકતું નથી. તમને શી ખબર કે તમારી વ્યાધિ, તમારું દુઃખ, દૂર થવાનું કારણ શું હતું? એટલે આપણાં શાસ્ત્રોએ બતાવેલા ઉપાયો પણ કરવા જ જોઈએ. સાથે સાથે ધીરજ પણ ધરવી જોઈએ. ધીરજથી તમે વ્યાધિઓના ચક્રમાંથી સુખરૂપે છટકી શકશો.
જીવનજરૂરી વસ્તુઓ જ્યારે મળતી નથી ત્યારે આપણે અધીરા થઈ જઈએ છીએ. આવતી કાલે ભોજન માટે અન્ન નથી, પત્નીની સાડી ફાટીને સાવ ચીંથરું થઈ ગઈ છે, બાળક ભયંકર બીમારીમાં પટકાયો છે, તેમ છતાં દવાદારૂની કોઈ સગવડ થઈ નથી. શું કરું? ક્યાં જાઉં? આવા વિચારોમાં વિહવળ બની જઈ રાતની રાત રડીને પૂરી કરીએ છીએ અને આપણી આંખો પણ સૂઝી જાય છે. આવું કરવાથી ન તો કાલ માટે અનાજ આવી શકે છે ન તો સ્ત્રી માટે નવી સાડી આવી શકે છે, કે બાળકની તબીયત પણ સુધરી જતી નથી. આપણે એમ ન વિચારવું જોઈએ કે માત્ર આપણા પર જ આવાં દુઃખ આવી પડે છે. આફતોનો શિકાર કોને બનવું પડ્યું નથી? ત્રણે ભુવનના નાથ ઈન્દ્ર બ્રહ્મહત્યાના ડરથી વર્ષો સુધી અંધારામાં પડ્યા રહ્યા. ચક્રવર્તી મહારાજા હરિશ્ચંદ્ર ચંડાળને ત્યાં નોકરી કરતાં સ્મશાને પડી રહ્યા, તેમની પત્ની પોતાના એના એક બાળકને અગ્નિદાહદેવા કફન પણ ન મેળવી શકી.
જગતના આદિ કારણ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને ૧૪ વર્ષ સુધી ઘોર જંગલોમાં રહેવું પડ્યું. તેઓ પોતાના પિતા ચક્રવર્તીમહારાજા દશરથને મુઠ્ઠીભર લોટનું પિંડદાન પણ ન કરી શક્યા અને જંગલી ફળોથી જ પિંડદાન કરવું પડ્યું. કોઈપણ શરીરધારી એવો નથી, જેણે મુસીબતોનાં કડવાં ફળોનો સ્વાદ ચાખ્યો ન હોય. અનિવાર્ય કર્મફળના સ્વાદથી બધા જ પરિચિત છે, તો પછી આપણે અધીરા શા માટે બનીએ છીએ? આપણી આ અધીરાઈથી આપણાં પત્ની, બાળકો પણ દુઃખી થશે. એટલે આપણે ધીરજ ધરી શા માટે તેઓને આશ્વાસન ન આપીએ? જે થવાનું છે તે થશે જ. બસ, વિવેકી અને અવિવેકીમાં આટલો જ ફરક હોય છે. વૃદ્ધત્વ, માંદગી અને મુશ્કેલીઓ બંને પ્રકારના લોકોને આવે જ છે, પણ વિવેકી તેને અનિવાર્ય માની ધીરજથી સહી લે છે અને અજ્ઞાની વિદ્વવળ બની મુશ્કેલીઓ વધાર્યા જ કરે છે. મહાત્મા કબીરજીએ આ સંદર્ભે ખૂબ જ સચોટ વાત કરી છે:
જ્ઞાની કાટે જ્ઞાનસે, અજ્ઞાની કાટે સેવા મૌત, બુઢાપા, આપદા, સબ કાહૂકો હોય
જે ધીરજનો સહારો નથી લેતો, તે ગરીબ થઈ જાય છે અને ઓશિયાળો બની જાય છે. આનાથી તે વધુદુઃખી થાય છે. સંસારમાં ઓશિયાળા બનવું, બીજા પાસે યાચના કરવી, આજીજી કરવી તેનાથી મોટું દુ:ખ કયું છે? એટલા માટે ધીરજ ધારણ કરવી જોઈએ અને વિપત્તિનાં મૂળ શોધી તેમનો નાશ કરવો જોઈએ. તેમ જ સગવડ વધારવાના સાચા પ્રયત્નો કરવા જોઈએ. જેટલી શક્તિ અધીર બની દુઃખી થવામાં વપરાય છે તેનાથી અડધી શક્તિ પણ પ્રયત્ન કરવામાં ખર્ચીએ તો આપણી મોટાભાગની મુશ્કેલીઓ દૂર થઈ જાય.
પ્રતિભાવો