મુશ્કેલીઓ નિવારવાનાં કેટલાંક સોનેરી સુત્રો | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા
July 1, 2022 Leave a comment
ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર “તુર્ ‘ આફતોમાં અને આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.
મુશ્કેલીઓ નિવારવાનાં કેટલાંક સોનેરી સુત્રો
મુશ્કેલીઓથી ગભરાશો નહિ, વિપત્તિ કડવી તો હોય છે, પણ યાદ રાખો કે કરિયાતું અને લીમડા જેવી કડવી વનસ્પતિથી જ તાવનો નાશ થઈ શરીર નિર્મળ બને છે. – વિપત્તિમાં ક્યારે પણ નિરાશ ન થાઓ. યાદ રાખો, અનાજ પકવી સંસારને સુખી કરનાર વરસાદ કાળાં વાદળોમાંથી જ વરસે છે.
હકીકતમાં જેઓ વિપત્તિથી ડરે છે તેને જ તે વધારે દુઃખ આપે છે. જેનું મન દઢ હોય, સંસારની અનિત્યતાનો અનુભવ કરતું હોય અને જે દરેક વાતમાં ભગવાનની દયા માનીને નીડર રહેતો હોય તેના માટે વિપત્તિ ફૂલોની પથારી સમાન છે.
જેમ રસ્તામાં દૂરથી પહાડ જોઈને પથિક ગભરાઈ જાય કે હું કઈ રીતે આ પહાડ ઓળંગી શકીશ? પણ નજીક પહોંચતાં, પહાડ ઓળંગવાની શરૂઆત કરતાં તે પાર કરવો એટલો અઘરો લાગતો નથી. આ જ હાલતવિપત્તિઓની છે. માનવી દૂરથી તેમને જોઈને ગભરાઈ જાય છે અને દુઃખી થાય છે, પણ જ્યારે વિપત્તિઓ ખરેખર આવી પડે છે ત્યારે ધીરજ ધરવાથી નજીવું નુકસાન કરીને તેઓ જતી રહે છે.
જેમ શિલ્પી દ્વારા ઘડાયા વિના મૂર્તિ સુંદર બની શકતી નથી તેવી રીતે વિપત્તિઓથી ઘડાયા વિના માનવીનું હૃદય સુંદર બનતું નથી.
વિપત્તિ પ્રેમની કસોટી છે. વિપત્તિમાં આવી પડેલા ભાઈભાંઓ પ્રત્યે તમારો પ્રેમ વધે અને તે આપને નિરભિમાની બનાવી આદર ભાવથી તેમની સેવા કરવા મજબૂર કરી દે તો સમજજો કે તમારો પ્રેમ સાચો છે. આ રીતે તમારા પર વિપત્તિ આવી પડતાં તમારા ભાઈભાંડુ અને મિત્રોના પ્રેમની પરીક્ષા થઈ શકે છે.
કાળાં વાદળોના અંધકારમાં જ વીજળીનો ચમકારો છુપાયેલો રહે છે. વિપત્તિ એટલે દુઃખ પછી સુખ, નિરાશા પછી આશા અને પાનખર પછી વસંત એ સૃષ્ટિનો નિયમ છે.
યાદ રાખો કે જ્યાં સુધી સુખના એકધાર્યા રસને વિપત્તિનો ઊંડો આઘાત નથી લાગતો ત્યાં સુધી જીવનના યથાર્થ સત્યનો પરિચય થતો નથી.
પ્રતિભાવો