મુશ્કેલીઓ આપણી ઉન્નતિમાં મદદરૂપ બને છે | GP-5 સંકટમાં ધૈર્ય | ગાયત્રી વિદ્યા
July 1, 2022 Leave a comment
મુશ્કેલીઓ આપણી ઉન્નતિમાં મદદરૂપ બને છે
સામાન્ય લોકો દુઃખોને દુર્ભાગ્ય સમજે છે. જે લોકોએ પૈસેટકે સુખી કુટુંબોમાં જન્મ લીધો હોય છે તેઓ નજીવી અડચણોથી પણ ગભરાઈ જાય છે અને પોતાની બધી ઈચ્છાઓ, બધી આવશ્યકતાઓ કોઈ જાતની અડચણ વિના જ પૂરી થવી જોઈએ એવી આશા રાખે છે.અન્ય લોકો પણ એમને ભાગ્યશાળી ગણે છે, પરંતુ હકીકત કંઈક જુદી છે. જે લોકોએ ક્યારેય જીવનની ચડતીપડતી જોઈનથી તેઓ ઘણી રીતે કાચા રહી જાય છે. એટલે ભગવાને સુખસુવિધાની દુનિયા બનાવી છે દુઃખો અને મુશ્કેલીઓની દુનિયા પણ બનાવી જ છે. તેમનો અનુભવ થયા વિના માનવી અધૂરો રહી જાય છે અને તેનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી.
ભગવાનને કરુણાસાગર, દયાસિંધુ કહેવામાં આવે છે. તેમના વરદાન તથા ઉપકારનો કોઈ અંત નથી. સામાન્ય જીવોને જો પોતાના બાળકો પર અપાર મમતા હોય તો પરમાત્માને પોતાનાં બાળકો પર કેટલી મમતા હશે તેની કલ્પના પણ કરી શકાય નહિ. ચિત્રકાર પોતાના ચિત્રને, માળી પોતાના બાગને, શિલ્પી પોતાની બનાવેલી કૃતિને, ખેડૂત પોતાના ખેતરને, ભરવાડ પોતાનાં ઘેટાંને યોગ્ય, પુષ્ટ અને ખુશખુશાલ જોઈને આનંદિત થાય છે, તો પરમાત્મા પોતાની સર્વશ્રેષ્ઠ રચના એવા માનવીને સારી સ્થિતિમાં રાખવા માટે કેમ રાજી ન હોય? આપણે સતત ઉન્નતિ કરતા રહીએ, સુખી બનીએ એવા પ્રયત્નો પરમાત્મા ચોક્કસ કરે છે. તેની દયા અને કરુણા આપણા પર સતત વરસતી રહે છે.
આમ છતાં સામાન્ય માનવી દુઃખી હોય છે. તેને અનેક પ્રકારનાં દુઃખ તથા અભાવ સતાવ્યા કરે છે. ભય, પીડા, વિયોગ, ત્રાસ, અન્યાય તથા અભાવથી ત્રાહિમામ્ પોકારી ગયેલા કેટલાય લોકો દયનીય દશામાં દુ:ખસાગરમાં ગોથાં ખાતા જોવા મળે છે. કોઈ કોઈના પર તો એવી ભયંકર આફતો આવે છે કે જોનારાનાં હૃદય પણ કંપી ઊઠે છે. આવા સમયે “પરમાત્મા દયાળુ છે” એ સનાતન સત્ય પર શંકા જાય છે. કેટલીયે વાર દુઃખોને દૈવીકોપ તથા કુદરતની નિષ્ફરતા માનવામાં આવે છે, પણ વસ્તુસ્થિતિ આવી નથી. પરમાત્મા એક ક્ષણભર પણ દયાહીન રહી શકે નહિ. જેને આપણે દુઃખ સમજીએ છીએ તે પણ એક પ્રકારની તેની દયા જ છે.
મા’ પોતાના બાળકને અત્યંત પ્રેમ કરે છે અને તેને સુખી કરવા માટે પોતાનાથી બનતું બધું કરી છૂટે છે, છતાં તેનાં ઘણાં કાર્યો એવાં હોય છે કે જે બાળકને પસંદ આવતાં નથી. બાળક કોઈ સ્વાદિષ્ટ ભોજન વધારે ને વધારે ખાવા માગતો હોય, પણ માતા જાણે છે કે વધારે ખાવાથી બાળક બીમાર પડશે, એટલા માટે બાળકના રડવા કકળવા પર, ધમપછાડા કરવા પર ધ્યાન આપ્યા સિવાય, બાળકને માત્ર જરૂરી પ્રમાણમાં જ ખાવાનું આપે છે. અગ્નિ, ચપ્પ જેવાં સાધનો, ફટાકડા વગેરેથી બાળકને દૂર રાખે છે. જો બાળક આવાં સાધનો સાથે રમવા માગે તો પણ તેને બળજબરીથી રોકવામાં આવે છે. ઘરનાં પાળેલાં પશુઓ સાથે પણ તેને રમવા દેવામાં આવતો નથી. બાળક બારીમાંથી કે અગાસીમાંથી બહાર ડોકું કાઢી જોવા માગે તો પણ તેની એ સ્વતંત્રતાને તાત્કાલિક રોકવામાં આવે છે. કોઈ અજુગતું કામ કર્યું હોય તો તમાચો પણ મારવામાં આવે છે અને તેને ડરાવવા માટે ઊઠબેસ કરાવવામાં આવે છે, તડકામાં ઊભો રાખવામાં આવે છે, કોઈ ઓરડી કે બાથરૂમમાં, સંડાસમાં પૂરી દેવામાં આવે છે. બાળક માંદું પડ્યું હોય તો માતા તેને બળજબરીથી કડવી દવા પિવડાવે છે અને તેની વેદનાની ચિંતા કર્યા વિના ઈજેક્શન અપાવવા કે નાનુંમોટું ઓપરેશન કરાવવા – પણ કઠણ છાતી રાખીને તૈયાર થઈ જાય છે.
બાળક સમજે છે કે મા કઠોર છે, મને અમુક વસ્તુ આપતી નથી, રમવા દેતી નથી અને મને દુઃખ પડતું હોય ત્યારે મદદ પણ કરતી નથી. પોતાની અલ્પબુદ્ધિને લીધે તે માતા પ્રત્યે પોતાના મનમાં ખરાબ ભાવ લાવી શકે છે. કઠોરતાનો આરોપ લગાવી શકે છે, પણ તેની આ માન્યતા ચોક્કસ ખોટી છે. જો તે માના હૃદયને ઓળખી શકતો હોય તો તેને ખાતરી થાત કે તેમાં કેટલી અપાર કરુણા ભરેલી છે! વાત્સલ્ય કેવું હિલોળા લઈ રહ્યું છે! જ તેનામાં આ વાત્સલ્ય ન હોત તો બાળકના દુઃખના સમયે, પીડાના સમયે પણ પોતાની છાતી કઠણ રાખી શકત?
માતાના લાડના બે પ્રકાર હોય છે– એક, જેનાથી બાળક ખુશ થાય છે. જ્યારે બાળકને ચોકલેટ, ટોફી, રમકડાં તથા પહેરવા માટે સારાં કપડાં આપવામાં આવે છે, ફરવા લઈ જવાય છે અથવા કોઈ જાદુગર કે મદારી બતાવવા લઈ જવાય છે ત્યારે બાળક ખુશ થાય છે અને વિચારે છે કે મારી મા ઘણી સારી છે. જ્યારે એ જ માતા આંખમાં મેશ આંજવા બાળકનો હાથ જબરદસ્તીથી પકડી રાખે છે, બળજબરીથી સ્નાન કરાવે છે, ધમકાવી શાળાએ જવા વિવશ કરે છે ત્યારે બાળકને એ જમાતા ગમતી નથી. બાળક એમ સમજતું નથી કે માતા મારી સાથે કોઈવાર મધુર અને કોઈવાર કઠોર વર્તન કેમ રાખે છે?તે માતાના વાત્સલ્ય પર શંકા લાવે છે, હકીકત જાણનાર જાણે છે કે માતા બાળક પર માત્ર ઉપકાર જ કરતી હોય છે. મધુર તથા કઠોર બંને વિરોધી વર્તનમાં પણ માત્ર વાત્સલ્ય જ ભરેલું હોય છે. પરમાત્માની કૃપા પણ ઉપરોક્ત બે રીતે જ વરસતી હોય છે. બંનેમાં આપણું હિત અને પરમાત્માનું વાત્સલ્ય જ ભરેલું હોય છે. આપણી અજ્ઞાનતા આ વસ્તુસ્થિતિને ઓળખવા દેતી નથી, પણ જ્યારે ભગવાનની કૃપા અવતરે, હૃદયમાં બુદ્ધિનો પ્રકાશ થાય છે ત્યારે જ હકીક્તો જાણી શકીએ છીએ. કઠોર અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ પણ એકનોખા પ્રકારની ભેટ જેવી છે. તેમનાથી ભયભીત થવાનું અથવા દુઃખી થવાનું કોઈ કારણ રહેતું નથી.
સુખથી માનવીને ઘણા લાભ મળે છે, ચિત્ત પ્રસન્ન રહે છે. ઈન્દ્રિયો તૃપ્ત થાય છે, મનમાં ઉત્સાહ રહે છે અને પ્રગતિ કરવાનાં સાધનો મળ્યા કરે છે. ઈચ્છાઓ પૂરી કરવાની સગવડ રહે છે, મિત્રો વધી જાય છે, સાહસ વધે છે તથા માન અને પ્રતિષ્ઠાની તકો આવી પડે છે. દુ:ખના લાભ પણ ઓછા થતા નથી. દુઃખથી છૂટકારો મેળવવા મનના બધા ભાગો એકદમ સતેજ બની ઉપાય શોધવા માંડે છે, શરીર પણ આળસ છોડી કાર્યરત બની જાય છે. ઘોડાને શ્રેષ્ઠ ચાલ શીખવનારો તેને ચાબુક ફટકારે છે; જેનાથી ઘોડો સતેજ બની ઝડપથી ચાલે છે, લગામના ઈશારે ઉત્તમ ચાલ ચાલવાની ટેવ પાડવામાં આવે છે, દુઃખ એક પ્રકારનો ચાબુક છે, જે આપણી શિથિલ પડી ગયેલી શારીરિક અને માનસિક શક્તિઓને એકદમ ઢંઢોળી ક્રિયાશીલ બનાવે છે અને સાથે જ નૈતિકતાનું શિક્ષણ આપી યોગ્ય ચાલ શિખવાડે છે.
ફોલ્લો ફૂટી જવાથી અંદર ભરાઈ રહેલું પરુ બહાર નીકળી જાય છે, મળવિસર્જન થવાથી, પેટ-આંતરડામાં એકત્ર થયેલો મળ નીકળી જાય છે. ઉપવાસ કરવાથી જઠરને લગતી ખરાબી દૂર થઈ જાય છે. દુ:ખ આવી પડવાથી સંચિત પાપનો નાશ થઈ જાય છે અને આંતરચેતના અણીશુદ્ધ, નિર્મળ અને હલકી બની જાય છે. સોનાને અગ્નિમાં તપાવવાથી તેની સાથે ચોંટેલા દૂષિત પદાર્થો બળી જાય છે અને શુદ્ધ સોનું પ્રત્યક્ષ થાય છે. માનવીની કેટલીય ખરાબ ટેવો, દૂષિત ભાવનાઓ અને વિચારો પોતે કોઈ મુસીબતમાં ન આવી પડે ત્યાં સુધી છૂટતી નથી. કુદરતની એક લપડાક ખાય ત્યારે જ તેને ભાન આવે છે અને ત્યારે જ તે સુધરી શકે છે. જે જ્ઞાન મોટા મોટા ઉપદેશો પ્રવચનો કે કથાઓ સાંભળવાથી મળતું નથી તે દુઃખોની એક ઠોકર ખાવાથી ઘણી સારી રીતે હૃદયંગમ કરી શકાય છે. આમ ઘણીવારકાળનો એકાદ વિકરાળ પંજો હાર જ્ઞાની ગુરુઓથી પણ મહાન શિક્ષણ આપી જાય છે.
સુખમાં જેમ અનેક સારી બાબતો છે, તેવી રીતે એક ઘણી ખરાબ બાબત પણ છે. માનવી એ સુખસાધનોનો ઉપયોગ સત્કાર્યોમાં કરવાના બદલે મોજમજા ઉડાવવામાં, અભિમાનમાં ચકચૂર થવામાં અને સુખના સાધનો વધુને વધુ ભેગાં કરવાના ખરાબ ચક્રમાં ફસાય છે. પોતાના સમયનો મોટો ભાગ તુચ્છ સ્વાર્થમાં જ વેડફે છે અને પરમાર્થ બાબતે સાવ દુર્લક્ષ્ય સેવે છે.
આ અધોગતિનીદશામાંથી પોતાના પુત્રને બચાવવા માટે પરમાત્મા તેની પાસેથી ધનસંપત્તિ ઝૂંટવી લે છે. અભ્યાસ માટે ગલ્લાતલ્લાં કરનાર, માત્ર રમકડાંમાં જ રસમય થઈ ગયેલ બાળકનાં રમકડાં માતા ઝુંટવી લઈ સંતાડી દે છે, તેવી જ રીતે પરમાત્મા ધન, સંપત્તિ, સંતાન, પત્ની, વૈભવ વગેરે રમકડાં ઝૂંટવી લઈ આપણને પ્રેરણા આપે છે કે આ રમકડાંની રમતો કરતાં ઘણાં અગત્યનાં કામ આપણા માટે પડ્યાં છે, “રમવાનું છોડી નિશાળે જા” નું શિક્ષણ આપવામાં કેટલીકવાર નુકસાન, મુશ્કેલીઓ તથા દુઃખનું આયોજન પરમાત્મા કરે છે.
કેટલાયે ઉચ્ચ આત્માઓ તપ રૂપી દુઃખને પોતાનો પરમ મિત્ર અને વિશ્વકલ્યાણનું મૂળ સમજી સ્વેચ્છાએ છાતીએ લગાડે છે. આનાથી તેઓની કીર્તિ અજરઅમર થઈ જાય છે અને તેમના એ તપનો અગ્નિ, યુગયુગાંતરો સુધી લોકોને પ્રેરણાનો પ્રકાશ આપે છે. હરિશ્ચંદ્ર, પ્રલાદ, શિબિ, મોરધ્વજ, દધીચિ, પ્રતાપ, શિવાજી, ભાગીરથ, ગૌતમ બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત, મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે મહામાનવોએ જે દુઃખો સહન કર્યા હતાં તે સ્વેચ્છાપૂર્વક કર્યા હતા. જો તેમણે એ પોતાની ગતિવિધિઓમાં થોડોક ફરક કર્યો હોત તે એ બધાં દુઃખોમાંથી આસાનીથી છૂટી શક્યા હોત, પરંતુ તેમણે જોયું કે એ દુઃખોની સરખામણીમાં તે દ્વારા મળતા લાભો ઘણા વિશેષ છે એટલે તેમણે પોતાના કઠોર માર્ગ પર દઢતાપૂર્વક ચાલવા માંડ્યું. બીજા લોકોને એવો ખ્યાલ હોય છે કે આ મહામાનવો ઘણાં દુઃખો વેઠી રહ્યા છે, પણ જો તેઓ એમની મનોભૂમિ સમજે તો ખ્યાલ આવે કે તેમનો અંતરાત્મા આ બધાં દુઃખો સહન કરવા છતાં પ્રસન્નતા જ અનુભવે છે.
ભગવાન જેને પોતાના શરણમાં લે છે, જેને બંધનમુક્ત કરવા માગે છે તેને અનિવાર્ય કર્મભોગો જલદી જલદી ભોગવાવીને ઋણમુક્ત બનાવે છે, જેથી ભવિષ્યમાં કોઈ બંધન ન રહે અને પોતાના ભક્ત ફરીવાર જન્મમરણના ચક્રમાં ફસાવું ન પડે. એક તરફ વિપત્તિ દ્વારા પ્રાધ્ધભોગ પૂરા થઈ જાય છે, તો બીજી બાજુ તેની આંતરિક પવિત્રતા ખૂબ વધી જાય છે. આમ બંને તરફના લાભથી તે ખૂબ ઝડપે પરમ લક્ષ્ય તરફ પ્રગતિ કરે છે. તપસ્વી લોકો આવાં કષ્ટ પ્રયત્નપૂર્વક પોતાના પર આવવા દે છે, જેથી પોતાની લક્ષ્ય પ્રાપ્તિ જલદી થઈ શકે.
સામાન્ય રીતે અનેક સગુણોના વિકાસ માટે પરમાત્મા ક્યારેક ક્યારેક આપણને કેટલાય કડવા અનુભવ કરાવે છે. પુત્ર પુત્રીનું અવસાન થતાં તેના શોકમાં “વાત્સલ્યનું” તત્ત્વ એકદમ વધી જાય છે, જેને લીધે પિતા બીજાં બાળકો પર વધુ પ્રેમ કરવાનું શીખી જાય છે. જેની પ્રથમ પત્ની ગુજરી જાય છે તે પોતાની બીજી પત્નીને વધુ સારી રીતે રાખે છે, કારણ કે પ્રથમ પત્નીના મોતથી જે શોક મનમાં પ્રગટ થયો હોય તે દાંપત્યકર્તવ્યો પ્રત્યે તેને સજાગ કરી દે છે. એકનો વિયોગ તેને ખોવાયેલી વસ્તુનું મહત્ત્વ સમજાવી દે છે. ધનસંપત્તિ ગુમાવ્યા પછી માનવી ધનનો સદુપયોગ કરવાનું શીખી જાય છે. બીમાર પડતા માનવી સ્વાથ્ય સંવર્ધન અને સંયમિત આહારવિહારનું મહત્ત્વ સમજી જાય છે ગાળ દેનારને તમાચો પડતાં જ અક્કલ આવી જાય છે કે ગાળ દેવી એ ખરાબ ગુણ છે. જેને અત્યાચાર સહન કરવો પડ્યો છે તે જાણે છે કે જો બીજા પર હું જુલમ કરું તો તેને કેટલું દુઃખ થાય? આપણે જ્યારે મુસીબતમાં હોઈએ છીએ ત્યારે, બીજા આગળ સહાય માટે વીલા મોએ, દીન આંખોથી જ્યારે તાકી રહીએ છીએ અને હાથ લાંબો કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે બીજા દુઃખીઓને મદદ કરવી એ આપણા માટે કેટલું જરૂરી કર્તવ્ય છે?
પ્રતિભાવો