૭. નમ્રતા જ સભ્યતાનું ચિહ્ન છે
July 2, 2022 Leave a comment
નમ્રતા જ સભ્યતાનું ચિહ્ન છે
નમ્રતા, નૈતિક અને આધ્યાત્મિક ક્ષેત્રની એ ભાવના છે, જે બધા મનુષ્યોમાં, બધાં પ્રાણીઓમાં રહી, શાશ્વત સત્ય સાથે ઇશ્વર સાથે સંબંધ કરાવે છે. આ રીતે જીવનના લક્ષ્યની ઠીક ઠીક પ્રાપ્તિ કરાવે છે. જગતમાં એ શાશ્વત ચેતનાનું, ઇશ્વરનું દર્શન કરીને મનુષ્યનું મસ્તક શ્રદ્ધાથી ઝૂકી જાય છે, એ ભાવવિભોર થઈ ઉઠે છે –
“સિયારામ મય સબ જગ જાની કરહું પ્રણામ જોરિ જુગ પાની”
ઘટ ઘટ વાસી, પરમ સત્ય રામનાં દર્શન કરી, સંતો, ઋષિઓએ એને મસ્તક નમાવ્યું. સર્વત્ર વ્યાપ્ત શાશ્વત ઇશ્વરની અનુભૂતિ કરવી અને એનો સ્વીકાર કરવો, મહત્વ આપવું એ જ નમ્રતાનો અર્થ છે.
આત્મવિશ્વાસ, શક્તિ, સદ્ભાવના, સાહસ, ગંભીરતા એ વિનમ્રતાનાં બીજાં રૂપ છે. જ્યાં અનંત શક્તિની ઉપસ્થિતિ હોય છે ત્યાં શાશ્વત સત્યની અનુભૂતિ હોય છે.
નમ્રતામાં શક્તિપ્રિયતા અને પદલોલુપતાનું કોઇ સ્થાન નથી. કેમકે એ અવગુણો પોતાનામાં જ સ્વાર્થયુક્ત સંકીર્ણ છે જ્યારે નમ્રતામાં સૌની પાછળ પોતાને ગણવાનો મહત્વપૂર્ણ આદર્શ છે. જે અનુચિત શક્તિ વૃદ્ધિ કરશે, જે પોતાની પદલોલુપતાને ચાહશે એ બીજાઓને પોતાના લાભ માટે ચડશે, બીજાનું શોષણ કરશે અને વિભિન્ન ખોટાં કાર્યો કરશે, એનો નમ્રતા સાથે મેળ મળતો નથી. એટલે સ્વાર્થનું નમ્રતામાં કોઇ સ્થાન નથી. એમાં એકમાત્ર પરમાર્થની જ ગતિ છે.
એક હોય છે હૃદયહીન નમ્રતા, જેમાં અભિમાની મનુષ્ય પોતાની મોટપ ટકાવી રાખવા અથવા વધારવા માટે જૂઠી નમ્રતાનો સ્વાંગ રચે છે. આવી દેખાડાની નમ્રતાનું બજાર આજકાલ બહુ ગરમ છે. સ્વાર્થી પદલોલુપ અભિમાની વ્યક્તિઓએ નમ્રતાને પણ પોતાના સાધનોમાંનું એક બનાવી લીધું છે. આવી બનાવટી નમ્રતા બહુ ખતરનાક છે. આનાથી સરળ પ્રકૃતિ, સીધા સ્વભાવના લોકો કાયમ છેતરાઇ જાય છે.
મિથ્યા ભાવુકતા, આત્મિવિશ્વાસની ઉણપ અને હીનભાવ યુક્ત ગંભીર વિનમ્રતા પણ નમ્રતા નથી. એનાથી દૂર રહેવું જોઇએ. વિનોબા ભાવેએ કહ્યું છે, “સંસારમાં બે પ્રકારનાં પાપ છે. એની ગરદન ઘમંડથી, અભિમાનથી જરૂરતથી વધારે તણાયેલી છે અને બીજાની દીનતા, દુર્બળતાથી જરૂરતથી વધારે ઝૂકેલી છે. આ બંને પાપ જ છે. એક ઉન્મત્ત છે, બીજો દબાયેલ દુર્બળ ગર્દન સીધી પણ હોય અને લચીલી પણ પરંતુ ન ઝૂકેલી હોય કે ન તણાયેલી. આ સ્થિતિ નમ્રતામાં સમાયેલી છે. અભિમાન માટે તો ત્યાં કોઇ ગુંજાઈશ જ નથી. નમ્રતામાં દબાયેલા હોવાનો ભાવ એટલા માટે નથી કે એમાં શાશ્વત સત્ય, ઈશ્વરની ઉપસ્થિતિનો ભાવ રહે છે, જેના સામર્થ્યના બળે ગરદન સીધી રહે છે અને લચીલી પણ. કેમકે એ સર્વત્ર ઇશ્વરદર્શન કરી એનો સ્વીકાર કરતી એના સામર્થ્ય સામે નતમસ્તક બને છે, પરંતુ એ દીનતાથી ઝૂકેલી હોતી નથી, બલકે બધામાં રહેલા ઈશ્વરપ્રતિ આદર, સન્માન અને વિનયથી ઝૂકેલી હોય છે.
સૌમાં ઇશ્વરની ઉપસ્થિતિ જોઇને એને નમન કરવાની સાથોસાથ મનુષ્ય સૌની સેવા માટે કટિબદ્ધ થાય છે. નમ્રતા માનસિક ભાવ છે. એનું બાહ્ય, સક્રિય રૂપ સેવા છે. સૌની સેવા આધ્યાત્મિક એકતા અને સમતાનો મૂળ આધાર છે. જ્યાં-જ્યાં આધ્યાત્મિક અનુભૂતિ ઇશ્વરીય તત્વનાં દર્શન થશે, ત્યાંત્યાં મનુષ્ય સેવા માટે પોતાને પ્રસ્તુત કરશે. સેવાનો મૂળ આધાર છે – કોઈ વ્યક્તિ કે પદાર્થમાં ઉત્કૃષ્ટતા, શાશ્વત તત્ત્વ અથવા કોઈ પણ પ્રકારની વિશેષતાનું દર્શન કરવું અને સાથે જ એનો જીવનમાં સ્વીકાર કરવો.
આત્મસુધારની પ્રથમ આવશ્યકતા છે પોતાના દોષોનો સ્વીકાર કરવો, જે નમ્રતાથી જ સંભવ છે. અભિમાની વ્યક્તિ પોતાના દોષોનો કદી સ્વીકાર કરતો નથી. પરિણામે એના દોષોની જટીલતા વધતી જ જાય છે. નમ્રતા મનુષ્યને એની ખરી સ્થિતિનું જ્ઞાન કરાવે છે. પીતાની સ્થિતિનું જ્ઞાન, પોતાના દોષોની સ્વીકૃતિ, મનુષ્યને આત્મસુધાર માટે પર્યાપ્ત સામર્થ્ય પ્રદાન કરે છે. મહાત્મા ગાંધી જે નમ્રતાના એક મોટા ઉપાસક હતા, લખ્યું છે –
“ઊંચામાં ઊંચાં વૃક્ષ પણ આકાશને સ્પર્શી શકતાં નથી. મહાનતમ મનુષ્ય પણ જ્યાં સુધી એ શરીરના બંધનમાં છે, દોષપૂર્ણ જ છે. કોઈ મનુષ્ય નિર્દોષ નથી, ઇશ્વરભક્ત પણ નહીં, પરંતુ જેઓ પોતાના દોષોને જાણે છે અને પોતાની જાતને સુધારવા માટે સદૈવ તૈયાર રહે છે એ કારણે તેઓ ઈશ્વરના ભક્ત અને મહાન પુરુષ કહેવડાવવાના અને નિર્દોષ હોવાના અધિકારી બને છે. ”
એટલું જ નહીં ગાંધીજીએ ફરી આગળ બધાની સાથે પોતાની સરખામણી કરતાં લખ્યું છે, “મેં એવું જ દુષિત થઇ જનારું શરીરનું વસ્ત્ર પહેર્યું છે જેવું મારા દુર્બળતમ સાથી મનુષ્યોએ પહેર્યું છે અને હું એવી જ રીતે ભૂલો કરી શકું છું જેવી રીતે અન્ય કોઈ”
નમ્રતા મનુષ્યને એના નિજ સ્વરૂપનું, દોષોનું, સ્થિતિનું જ્ઞાન કરાવે છે, એનો સ્વીકાર કરે છે અને સુધરવાની પ્રેરણા પણ આપે છે. મનુષ્યના સુધરવાનો ઉન્નતિનો આ જ મૂળ આધાર છે. જ્યાં અભિમાનને કારણે પોતાના દોષોની સ્વીકૃતિ નથી, પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન નથી, ત્યાં સુધારનો કોઈ માર્ગ નથી, સિવાય કે મનુષ્ય પોતાના દોષોને વધુ જટિલ બનાવે.
નમ્રતાનો અર્થ આળસ, સુસ્તી, હીનતાનો ભાવ નહીં, નમ્રતા પ્રબળ તીવ્રતમ પુરૂષાર્થ છે. એવો પુરુષાર્થ જે સૌના કલ્યાણ માટે હોય છે. નમ્રતાનો પુરુષાર્થ કોઈ આક્રમણકારી સિકંદર, નેપોલિયન, ડાકુ કે સેનાપતિનો ઉદ્દંડ, સંકીર્ણ પુરુષાર્થ નથી એ છે સાર્વભૌમિક પુરુષાર્થ જેની સામે કોઈ સત્તા નથી મહાત્મા બુદ્ધની નમ્રતાના પ્રબળ પુરુષાર્થે અંગુલિમાલ જેવા ખુંખાર ડાકુને પણ ભિક્ષુ બનાવી દીધો. એમણે પોતાના પ્રબળ પુરુષાર્થથી યુગની ગતિને જ બદલી નાખી. પ્રબળ પુરુષાર્થ હતો ઈસા મસીહનો જેણે એ સમયના સશકત, રૂઢિવાદી, સામ્રાજયશાહી, અંધવિશ્વાસ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને લોકોને એક નવી દિશા પ્રદાન કરી. સિકંદર પોતાના સ્વાભાવિક મૃત્યુ પર પણ રોતાં રોતાં જ મર્યો હતો. મોટા મોટા શૂરવીરોએ મૃત્યુ વખતે આંસુ વહાવ્યાં છે, પરંતુ એક હતો નમ્રતાનો પૂજારી ઇસા મસીહ જેણે કાંટાઓનો તાજ પહેર્યો હતો. ક્રોસ પર ચડાવ્યો છતાં પણ વિરોધીઓનાં પાપ માફ કરવાની ભગવાનને પ્રાર્થના કરી હતી.
નમ્રતાની મહાન શક્તિ હતી મહર્ષિ વશિષ્ઠમાં, જેમણે વિશ્વામિત્ર જેવા અભિમાની, પોતાના બાળકોના હત્યારાનું પણ હૃદય બદલ્યું હતું અને એમણે એમને મહર્ષિ બનાવી દીધા
નમ્રતા એક પ્રબળ પુરુષાર્થ છે સૌના હિત માટે, જેમાં અન્યાયીને ખતમ કરવાની નહીં બલકે એના અત્યાચાર સહન કરી એને જીતીને એને સુધારવાનું ઠોસ વિજ્ઞાન છે. આ ભૂલ સુધારવાનું એક સાધન છે જેમાં બીજાને કષ્ટ ન આપીને સ્વંય કષ્ટ સહન કરવાની ક્ષમતા છે. હિંસાત્મક પ્રયાસ કે દંડ વ્યક્તિ પર આક્ર્મણ કરે છે, બૂરાઈ પર નહીં, પરંતુ દોષ અને અવગુણ્ણ પણ ધોવાઈ જાય છે. મહાત્મા ગાંધીએ નમ્રતાની શક્તિ અને એના પ્રબળ પુરુષાર્થથી બ્રિટન જેવા શક્તિશાળી રાષ્ટ્રને ભારત છોડવા માટે વિવશ કરી દીધું. દુર્બળ કોશ ? એ જે પોતાનાં સીમિત શરીર, સાધન, વૈભવ, ઐશ્ચર્યને પોતાની શક્તિનો આધાર માને છે. કેમકે આ પ્રકારની શક્તિનો દાયરો સીમિત છે, સંકીર્ણ છે, દેશકાળ પાત્રની સીમામાં મર્યાદિત છે.
શક્તિશાળી કોણ? એ જે વિશ્વાત્મા સાથે અનંતશક્તિના કેન્દ્ર સાથે જોડાયેલો છે અને નમ્રતાથી જ શાશ્વત ઇશ્વરની અનુભૂતિ સંભવ છે. વિશ્વાત્મા સાથે સંબંધિત વ્યક્તિ બાહ્ય સાધનોના અભાવમાં પણ અનંત શક્તિશાળી છે, એનો વિજય નિશ્ચિત છે એ જ પુરુષાર્થી છે.
બધા સંઘર્ષ, લડાઈ, ઝઘડા, રાગદ્વેષ, ક્યાં એ કારણે જ છે કે અભિમાનગ્રસ્ત મનુષ્ય પોતાની જાતને સૌથી આગળ જોવાનો પ્રયત્ન કરે છે અને બીજાને પાછળ. આ આગળ પાછળના સંઘર્ષથી જ આ વિષયુક્ત વાતો ફૂટી નીકળે છે, પરંતુ નમ્રતા આનો ત્યાગ કરે છે. નમ્રતાનો નિયમ છે, બધા જીવોના અંતે પોતાની ગણતરી કરવી, પહેલાં નહીં. પોતે પ્રથમ આ તો અભિમાનીનો નિયમ છે. જ્યારે મનુષ્ય માત્ર બધાને આગળ સ્થાન આપી પોતાની ગણતરી પછી કરવા લાગશે ત્યારે બધા સંઘર્ષ સમાપ્ત થઈ જશે.
મોટાઈનો આ નિયમ પણ છે કે જે વ્યક્તિ મોટો બનવાની કોશિશ કરશે એ સૌથી નાનો બનતો જોવા મળશે.
નમ્રતાનો અર્થ છે અહંકારનું બંધન તોડી નાખવું. વિશ્વાત્મા સાથે એકતા સ્થાપિત થવી, આ રીતે નમ્રતા મુક્તિનું સરળ સાધન છે. નમ્રતાથી જ આત્મસમર્પણની વૃત્તિ પેદા થાય છે. ગીતામાં લાંબો લાંબો ઉપદેશ આપ્યા પછી પણ ભગવાન કૃષ્ણને અર્જુનને આ જ કહેવું પડયું. “સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્ર જ । અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુન્ય॥“
બધા ધર્મોને છોડીને કે અર્જુન ! તું મારા શરણમાં આવ હું તને બધાં પાપોથી મુક્ત કરી દઇશ” અને આ પણ “યોગક્ષેમ વહામ્યહમ્” નમ્રતાનો અર્થ છે – વિશ્વત્માની અનુભૂતિ અને એના માટે આત્મસમર્પણનો ભાવ. આને પરિણામે જીવનમાં મુક્તિ પ્રાપ્ત કરવાનું સંભવ છે. આત્મસમર્પણ અર્થાત્ પૂર્ણરૂપે અભિમાનનો ત્યાગ, નમ્રતાની પરિપૂર્ણ પસંદગી.
નમ્રતા અને એનાં કાર્યો સ્વયં સજજનતાનાં પ્રચારક છે. આ એક સાર્વભૌમિક નિયમ હોવાથી સ્વયં સ્પષ્ટ છે. નમ્રતાયુક્ત કાર્યો વિરોધીઓને શાંત કરે છે અને અનુયાયિઓની સંખ્યા વધારે છે. મહાત્મા બુદ્ધના સંપર્કમાં જે આવતા તે તેમના થઈ જતા હતા. એમણે કોઈ પ્રેસ વિજ્ઞાપનના પ્લેટફોર્મની ચિંતા કરી ન હતી. એમના સંપર્કથી જે લોકો એમના અનુયાયી બન્યા એ એમની નમ્રતાનું આકર્ષણ હતું. એમના પિતા રાજા હોવા છતાં પણ એમના કોઇ અનુયાયી થયા નહીં. મોટા મોટા સમ્રાટ, વૈભવશાળી વ્યક્તિઓને લોકો મહત્ત્વ આપતા નથી, પરંતુ નમ્રતાયુક્ત મહાન આત્માઓ માટે લોકો પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરવા તૈયાર થઈ જાય છે.
પ્રતિભાવો