૨૮. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૨/૧૮, અથર્વવેદ ૨૦/૧૮/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૮/૨/૧૮, અથર્વવેદ ૨૦/૧૮/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઇચ્છન્તિ દેવાઃ સુન્વન્તં ન સ્વપ્નાય સ્પૃહયન્તિ । યન્તિ પ્રમાદમતંદ્રા : ॥ (ઋગ્વેદ ૮/૨/૧૮, અથર્વવેદ ૨૦/૧૮/૩)
ભાવાર્થ : આળસુ લોકો હંમેશાં દુઃખ પ્રાપ્ત કરે છે, એટલે આપણે બધાએ કર્મનિષ્ઠ અને ઉદ્યમી બનવું જોઈએ.
સંદેશ ; આળસ માનવીનો સાચો શત્રુ છે. તે આપણને પાપના માર્ગે લઈ જાય છે. સુસ્તી અને આળસથી વશીભૂત થઈને આપણે અનેક પાપકર્મોમાં ફસાઈ જઈએ છીએ. કેટલાક લોકો અત્યંત લાભકારી યોજનાઓ શરૂ કરીને કેવળ આળસને વશ થઈને અધવચ્ચે છોડી દે છે. બીજાથી પાછા પડવાથી નિરાશ થઈ જાય છે અને આત્મકલ્યાણથી વંચિત રહી જાય છે. પરમાત્મા પણ આળસુ અને પ્રમાદી વ્યક્તિને પ્રેમ કરતા નથી. તેમનો પ્રેમ તો ઉદ્યમી અને પુરુષાર્થીને મળે છે.
આ સંસાર યજ્ઞમય છે. અહીં દરેક માણસે દરેક પળે પોતાના શ્રમની આહુતિ આપવી પડે છે. આ કર્મનિષ્ઠ હોવાનું તાત્પર્ય છે. સંસારને ઉચ્ચ, સારો અને પવિત્ર બનાવવામાં જે કર્મો સહાયતા અને સહયોગ આપે છે તે શુભકાર્ય કહેવાય છે. શ્રમ અને સહયોગ શુભકર્મ કહેવાય છે. શ્રમ અને ઉદ્યમ કરવામાં જે આળસ કરે છે તેને પરમેશ્વર ચેતવણી આપે છે, ઠોકર મારે છે અને દંડ પણ કરે છે. આપણે હંમેશાં સાવધાન રહીને શ્રમ અને પુરુષાર્થમાં લાગેલા રહેવું જોઈએ. કોઈ પણ કાર્યને નાનુંસમજીને તેની ઉપેક્ષા કે અવહેલના કરવી જોઈએ નહિ. મોટાભાગના માણસો આ પ્રકારની મૂર્ખતામાં ફસાયેલા રહે છે. તેનાથી તેમના અહંભાવમાં વૃદ્ધિ થાય છે, જે તેમની કાર્યક્ષમતાનો નાશ કરે છે. જે નિઃસ્વાર્થ ભાવથી શુભકર્મોમાં સતત લાગેલો રહે છે તે કર્મયોગી કહેવાય છે. આપણી ઇચ્છા બહુ હોય છે, પણ કશું કરતા નથી. ઇન્દ્રિયસંયમ, સમયસંયમ તથા અર્થસંયમના અભાવમાં માનવી કર્મનિષ્ઠ થઈ શકતો નથી. તે મુખ્ય માર્ગથી ભૂલો પડી જાય છે અને અસફળ રહે છે તથા દુઃખી થાય છે. જે લોકો પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે છે, સમયનો સદુપયોગ કરે છે, અર્થનો અનર્થ કરવાની છૂટ આપતા નથી તેઓ ઐશ્વર્યવાન હોય છે. પરમાત્માનો પ્રેમ મેળવવા માટે આળસનો ત્યાગ કરી કર્મનિષ્ઠ બનવું એ સાચી ઉપાસના છે.
માનવીને અને રાષ્ટ્રને ઉન્નતિશીલ બનાવવાના કેટલાક માપદંડ છે. આ જે જરૂરી ગુણો છે તેમને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં “દૈવી સંપદા” કહ્યા છે. એ જીવનમૂલ્યો છે. તેમનામાં માનવજીવનને મૂલ્યવાન બનાવવાની ક્ષમતા હોય છે.
સંસારમાં જેટલા મહાપુરુષો થયા છે તેમણે અસીમ કર્મઠતા અને નિષ્ઠાની સાથે પોતાના જીવનની એકે એક પળ સમાજના ઉત્થાન માટે સમર્પિત કરી છે. રામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ દયાનંદ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી, ડૉક્ટર હેડગેવાર વગેરે અનેક મહાપુરુષોના જીવનમાં આપણને તેમની શ્રેષ્ઠ ઉદ્યમશીલતાનાં દર્શન થાય છે. તેઓમાંથી કોઈએ એક ક્ષણ માટે પણ આળસ કરી હોય તેવું જોવા મળ્યું નથી. તેમના માટે તો “આરામ હરામ હૈ” નો મૂળમંત્ર જ સર્વસ્વ છે. એવા માણસોને આપણા જીવનના આદર્શ પુરુષ બનાવીને આપણે સંસારમાં સફળતા મેળવી શકીએ છીએ.
આપણું એ કર્તવ્ય છે કે આપણે પોતે આળસનો ત્યાગ કરીએ અને બીજાઓને પણ આ રાક્ષસમાંથી મુક્તિ અપાવીએ.
પ્રતિભાવો