ગાયત્રી શક્તિપીઠ પૂજ્ય ગુરુદેવની દ્રષ્ટિ આપણી જવાબદારી આત્મીય નિવેદન
July 4, 2022 Leave a comment
ગાયત્રી શક્તિપીઠ પૂજ્ય ગુરુદેવની દ્રષ્ટિ આપણી જવાબદારી આત્મીય નિવેદન
યુગઋષિએ નવસર્જન માટે જે સૂક્ષ્મ અને સ્થૂળ તાણાવાણા ગૂંથ્યા તેમાં ગાયત્રી શક્તિપીઠો તથા પ્રજ્ઞાપીઠોની સ્થાપનાનું ઘણું મહત્ત્વ છે. ગાયત્રી મહાવિદ્યા અને યજ્ઞવિજ્ઞાનના શુદ્ધ અને સાચા સ્વરૂપને પ્રાણીમાત્રના ઉજ્જવળ ભવિષ્ય જેવા મહાન પ્રયોજન માટે જનજીવનમાં પ્રતિષ્ઠિત કરવાનું જરૂરી જણાયું. આ દરમિયાન સન્ ૧૯૭૯ના વસંતપર્વ પર ચોવીસ ગાયત્રી શક્તિપીઠોની સ્થાપનાનો દિવ્ય સંકલ્પ અવતર્યો. દૈવી પ્રેરણાથી ભરપૂર સંકલ્પે જાગૃત આત્માઓને તરત જ પ્રભાવિત કર્યા અને તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે શક્તિપીઠોના નિર્માણનો ક્રમ તીવ્ર ગતિએ આગળ વધ્યો. દોઢ વર્ષમાં એમની સંખ્યા સેંકડોમાં પહોંચી અને થોડાંક વર્ષોમાં આ સંખ્યા ૨૪૦૦નો આંકડો પાર કરી ગઈ. આ વિસ્તારપ્રક્રિયાને લોકોએ અદ્ભુત તથા અભૂતપૂર્વ માની.
ગાયત્રી શક્તિપીઠોના સંકલ્પનું અવતરણ સન્ ૧૯૭૯માં થયું. તેને ૨૫ વર્ષ પૂરાં થયાં. પચ્ચીસ વર્ષમાં એ અભિયાનમાં યુવાની દેખાવી જોઈએ. યુવાનીનો અર્થ નવસર્જનની ક્ષમતા અને ઉમંગનો ફુવારો છે. જે ઉદ્દેશ્યથી યુગઋષિએ ગાયત્રી શક્તિપીઠો સ્થાપનાની વાત કરી હતી તે હેતુઓ પાર પાડવા જુસ્સાદાર, પરિપકવ અભિયાન શરૂ થવું જરૂરી છે. ગાયત્રી જયંતી ૨૦૦૫થી ગુરુપૂર્ણિમા ૨૦૦૭ સુધીના ૨૫ માસ દરમિયાન શક્તિપીઠોના સંકલ્પની રજતજયંતી ઊજવવાનું નક્કી કર્યું છે. આ દરમિયાન યુગઋષિના આ અભિયાનને એટલું પ્રામાણિક અને પ્રખર બનાવવાનું છે કે જેથી ઉદ્દેશ્યની પૂર્તિ માટે લાંબા સમય સુધી સાચી દિશામાં તે ગતિશીલ રહી શકે. નૈષ્ઠિક, પ્રાણવાન પરિજનો સમક્ષ આ પવિત્ર ઉદ્દેશ્યની પૂર્તિ માટે આ પુસ્તિકા રજૂ કરવામાં આવી છે. આશા રાખવામાં આવે છે કે જાગૃત આત્માઓ આને પોતાના જીવનનો ઉદ્દેશ્ય માની ગતિશીલ બનવાની પ્રેરણા મેળવી એક ઉદાહરણ પૂરું પાડે.
યુગઋષિ દ્વારા આપવામાં આવેલ નિર્દેશો અને નિયમો પ્રમાણે શિસ્તનું પાલન કરવાથી જ શક્તિપીઠો અને પ્રજ્ઞાપીઠોની સાર્થકતા સાબિત થઈ શકે. સન્ ૧૯૭૯-૮૦ની અખંડ જ્યોતિ તથા યુગશક્તિ ગાયત્રી પત્રિકાઓમાં અને વિશેષ રૂપથી સાહિત્યમાં જુદાજુદા તબક્કે જે નિર્દેશો પૂરા કરવાના છે તે આપ્યા છે. જે સક્રિય પરિજનો તે વખતે મિશનમાં જોડાયેલા ન હતા તેઓ આનાથી અજાણ છે. જૂની વાતો ભૂલી જવાય છે. તેથી આ પુસ્તિકામાં અવારનવાર સંદર્ભ સાથે તેમના નિર્દેશોનો ઉલ્લેખ કરવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિઓમાં કેન્દ્ર દ્વારા સંચિત અનુભવોના આધાર પર કેટલાંક વ્યાવહારિક સૂત્રો પણ રજૂ કરવામાં આવ્યાં છે.
સંદર્ભમાં પત્રિકાઓનાં નામ અને મહિનાના નામનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ચાર પુસ્તિકાઓમાંથી પણ સંદર્ભો આપવામાં આવ્યા છે. તે પુસ્તકોનાં નામને બદલે અત્રે નીચે દર્શાવેલ નંબર અને પાન નંબરનો જ ઉલ્લેખ કર્યો છે.(૧) ચોવીસ ગાયત્રી શક્તિપીઠોની સ્થાપના (૨) ગાયત્રી શક્તિપીઠોની સ્થાપના (૩) ગાયત્રી પ્રજ્ઞાપીઠ – સ્વરૂપ અને કાર્યક્રમ (૪) ગાયત્રી ચરણપીઠ – ઉદ્દેશ્ય, સ્વરૂપ અને કાર્યક્રમ. ઉદાહરણોમાં ૨/૩ નો અર્થ એ છે કે ઉપરોક્ત પુસ્તિકાઓમાંથી ક્રમાંક ૨ની પુસ્તિકાનું પાન નં ૩. આ રીતે અન્ય સંદર્ભ દર્શાવવામાં આવ્યા છે.
પ્રતિભાવો