૨૩. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૨/૧/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૨/૧/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યસ્યાં પૂર્વે પૂર્વજના વિચક્રિરે યસ્યાં દેવા અસુરાનભ્યવર્તયન્ । ગવામશ્વાનાં વયશ્ચ વિષ્ઠા ભગં વર્ચઃ પૃથિવી નો દધાતુ II ( અથર્વવેદ ૧૨/૧/૫)
ભાવાર્થ : જે રાષ્ટ્રનું આપણા પૂર્વજોએ નિર્માણ કર્યું છે અને દુષ્ટોથી રક્ષા કરી છે તેના નિર્માણ માટે આપણે ત્યાગ કરવા અને બલિદાન આપવા તૈયાર રહીએ.
સંદેશ ; ફકત સીમાઓમાં બંધાયેલા ભૂમિના ટુકડાને રાષ્ટ્ર કહેવાતું નથી. એ તો તેમાં નિવાસ કરનારા નાગરિકોના શારીરિક, બૌદ્ધિક તથા આધ્યાત્મિક સ્તર અને ચારિત્ર્ય, આચરણ, વ્યવહાર વગેરેની સમગ્રતાનું નામ છે. માણસોના જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગથી ઉત્પન્ન થતા પાપ અને પુણ્યની ધારાઓનું નામ છે. સમાજમાં છવાયેલી સત્પ્રવૃત્તિઓ અને દુષ્પ્રવૃત્તિઓના આયનામાં રાષ્ટ્રનું પ્રતિબિંબ દેખાય છે.
બહારના શત્રુઓથી અને આંતરિક દુષ્ટો તથા અસમાજિક તત્ત્વોથી રક્ષા કરવા માટે હંમેશાં દેશનું દરેક બાળક જાન હાથમાં લઈને આગળ વધે છે. ભગવાન પણ સમયાંતરે રક્ષા માટે અવતાર લે છે. તેમનું એકમાત્ર લક્ષ્ય પાપનો નાશ કરવો અને પુણ્યની વૃદ્ધિ કરવી એ જ છે. તેના માટે જ્ઞાન, કર્મ, અને ભક્તિ એ ત્રણેનું રહસ્ય સમજવું જરૂરી છે. જેનાથી જીવનની જાણકારી થાય તેને જ્ઞાન કહેવાય. ઇતિહાસ, ભૂગોળ, ગણિત વગેરે શીખવાં તે શિક્ષણ છે, પરંતુ અધ્યાત્મજ્ઞાન એને કહેવાય કે જે જીવનનું લક્ષ્ય બતાવે. આપણે કોણ છીએ ? ક્યાંથી આવ્યા છીએ ? આપણું લક્ષ્ય શું છે ? જ્ઞાન આ બધી વાતોને સમજાવે છે. મળેલું જ્ઞાન જીવનમાં ચરિતાર્થ થાય તેને કર્મ કહેવાય. આપણે ગીતા, ભાગવત,
રામાયણ વગેરેને જાણીએ છીએ, પણ તેમના જ્ઞાનને આપણે ઓરડીમાં બંધ કરી રાખ્યું છે. તેને કર્મમાં ઉતારવું જોઈએ. ત્યારે જ ભગવાનની કૃપા મળે છે. જ્ઞાન અને કર્મને જીવનમાં ઉતારવાને જ સાચી ભક્તિ કહે છે. ફક્ત કર્મકાંડમાં રચ્યાપચ્યા રહેવાને અથવા નિરર્થક પૂજાપાઠ કરવાને ભક્તિ કહેવાતી નથી.
રાષ્ટ્રની રક્ષા માટે આંતરિક અને બાહ્ય બંને પ્રકારના શત્રુઓનો સામનો કરવો પડે છે.મહાભારતના યુદ્ધ વખતે ભગવાન કૃષ્ણે અર્જુનને આ બાબતમાં કેવો સ્પષ્ટ અને સારગર્ભિત ઉપદેશ આપ્યો હતો ! આજે પણ તે પવિત્ર ગીતા સંસારમાં પ્રકાશસ્તંભ(દીવાદાંડી)ની જેમ બધાંને માર્ગદર્શન આપે છે. બંધુ-બાંધવ, સગા-સંબંધી કોઈ રાષ્ટ્રથી મોટા હોતા નથી. રાષ્ટ્રની રક્ષા માટે જો તેમનો વધ કરવો પડે તો તે ધર્માનુકૂળ હશે. ત્યાગ અને બલિદાનની એવી શ્રેષ્ઠ ભાવનાના બળે માનવી પોતાના સ્વાર્થભાવ ઉપર વિજય મેળવીને મનોયોગ દ્વારા રાષ્ટ્રરક્ષાનું યશસ્વી કામ પૂરું કરી શકે છે.
આપણા મનમાં રાષ્ટ્રરક્ષા માટે ત્યાગ અને બલિદાનની ભાવના રહેવી જોઈએ. માયા, મોહ તથા મમતાનો ત્યાગ કરવો જોઈએ, પોતાના સ્વાર્થનું બલિદાન આપવું જોઈએ. આપણે જો રાષ્ટ્રહિતને સર્વોપરી સમજીને પોતાનાં હિતોને પ્રસન્નતાથી છોડવા તત્પર થઈશું તો જ રાષ્ટ્રઋણમાંથી મુક્ત થઈ શકાશે.
વિદ્વાનોએ અબોધ નાગરિકોમાં આ ભાવનાની ફરીથી સ્થાપના કરવી જોઈએ.
પ્રતિભાવો