૨૪. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૨/૧/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૨/૧/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યાં રક્ષન્ત્યસ્વપ્ના વિશ્વદાનીં દેવા ભૂમિં પૃથિવીમપ્રમાદમ્ । સા નો મધુ પ્રિયં દુહામથો ઉક્ષતુ વર્ચસા ॥ (અથર્વવેદ ૧૨/૧/૭)
ભાવાર્થ : રાષ્ટ્રના નિર્માણ માટે આપણે બધા નાગરિકો કર્મશીલ અને જાગૃત થઈએ. જે દેશમાં આળસુ અને પ્રમાદી માણસો હોય છે તે દેશ ગુલામ થઈ જાય છે.
સંદેશઃ રાષ્ટ્રની ઉન્નતિ માટે આધ્યાત્મિક, ચારિત્રિક, સાંસ્કૃતિક, આર્થિક, ઔદ્યોગિક એમ બધાં ક્ષેત્રોમાં પ્રગતિ થવી જરૂરી છે. ત્યારે જ એક સ્વસ્થ, સબળ અને સમર્થ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. એક જમાનામાં ભારત રાષ્ટ્ર જગદગુરુ કહેવાતું હતું. વર્ણવ્યવસ્થાની સ્વસ્થ પરંપરાને અનુરૂપ બધા નાગરિકો જાગૃત રહીને સતત કર્મશીલ રહેતા હતા. તેઓ પોતાની ઉન્નતિ કરતા હતા અને રાષ્ટ્રનો પણ ચોમુખી વિકાસ કરતા હતા.
કાળાંતરે આપણા નાગરિકોને આળસ અને પ્રમાદે ઘેરવાનું શરૂ કર્યું એના પરિણામે અનેક દુષ્પ્રવૃત્તિઓ પેદા થવા માંડી .આળસ જ બધાં પાપોનું મૂળ છે. પરમેશ્વર પણ ચેતન અને ઉદ્યમી માણસને પ્રેમ કરે છે, આળસુ અને પ્રમાદીને નહિ. જે પુરુષાર્થ કરવામાં તત્પર રહે છે તેને સહાય કરવામાં પરમાત્મા પણ પાછા રહેતા નથી. આળસુ માણસ ભાગ્યના ભરોસે બેસી રહે છે અને તેથી તે હંમેશાં ગરીબ જ રહેછે. “સહોરુરોહ રોહિતઃ” જેઓ પ્રયત્નશીલ હોય તેમની જ ઉન્નતિ થાય છે. બળવાન, કર્તવ્યપરાયણ, ઈમાનદાર અને સમર્થ માણસોને જ જીવનનો લાભ મળે છે. આળસુ, પ્રમાદી, ભીરુ અને શંકાશીલ માનવી ઉન્નતિ કરી શકતો નથી. રાષ્ટ્રનિર્માણનો આ મંત્ર છે. આજે સ્થિતિ ઊલટી થતી જાય છે. વૈજ્ઞાનિક પ્રગતિથી સુખસગવડો જેટલી વધી રહી છે તેટલો જ માનવી આળસુ થતો જાય છે. શ્રમમાં મન લગાવતો નથી. ઉપરથી નીચે સુધી બધા એ ચક્કરમાં પડ્યા છે કે કશુંય કર્યા વગર વધુમાં વધુ ધનસંપત્તિ કેવી રીતે મળે. જે લોકો થોડોક પુરુષાર્થ કરે છે તેઓ બધા એવા જ પાપપૂર્ણ હેતુની પૂર્તિ માટે કરે છે. પરિણામે સમાજમાં ચોરી, લૂંટફાટ, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, અપહરણ વગેરે વધતાં જાય છે. રોજ નવી દુષ્પ્રવૃત્તિઓ જન્મ લે છે.
પહેલાં આચાર્યોનો ઉપદેશ અને રાજદંડ બંને રાષ્ટ્રના ઉત્થાન માટે લોકોને જાગૃત રાખતા હતા. અત્યારે તેઓ પોતે જ સ્વાર્થમાં આંધળા થઈને ભ્રષ્ટ આચરણ કરવા લાગ્યા છે. આચાર્યો અને રાજનેતાઓ આજે એટલા નીચા સ્તરે ઊતરી ગયા છે કે દેશને ફરીથી ગુલામીનું વિષપાન કરવા માટે મજબૂર કરી રહ્યા છે. પહેલાં દેશ ફક્ત રાજનૈતિક ગુલામીનો શિકાર હતો, પણ આજે તે સાંસ્કૃતિક અને આર્થિક ગુલામી તરફ ધકેલાઈ રહ્યો છે. જનતાને તેની પ્રાચીન ગૌરવમયી સંસ્કૃતિથી વિમુખ કરીને એક એવી અપસંસ્કૃતિની મોહજાળમાં ફસાવી દેવામાં આવી રહી છે કે જેના કારણે તેઓ પોતાની ધરતીના સંસ્કાર જ ભૂલી રહ્યા છે. ભૌતિકવાદી વિચારસરણી ધરાવતો વર્ગ તો પોતાની સંસ્કૃતિનો સ્વીકાર કરવામાં નાનમ સમજે છે અને ખાનપાન, રહેણીકરણી, બોલચાલ દરેક બાબતમાં પશ્ચિમની નકલ કરવામાં ગર્વ અનુભવે છે. પરિણામે તેઓ નથી ઘરના રહેતા કે નથી ઘાટના રહેતા.
વિદ્વાનોએ અને બ્રાહ્મણોએ જાતે સજાગ થઈને નાગરિકોને સાચી દિશામાં કર્મશીલ બનવાની પ્રેરણા આપવી જોઈએ.
પ્રતિભાવો