૨૫. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૯/૬૩/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૧૯/૬૩/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઉત્ તિષ્ઠ બ્રહ્મણસ્પતે દેવાન યજ્ઞેન બોધય । આયુઃ પ્રાણં પ્રજાં પશૂન્ કીર્તિ યજમાનં ચ વર્ધય ॥ (અથર્વવેદ ૧૯/૬૩/૧)
ભાવાર્થ : બ્રાહ્મણો જાતે સાવધાન થઈને પોતાના યજમાનોને દુષ્કર્મો તરફ જતાં અટકાવે, જેનાથી બધાનું કલ્યાણ થાય અને બધાના આયુષ્ય, પ્રાણ, ધનધાન્ય, કીર્તિ, સુખ અને શાંતિની વૃદ્ધિ થાય.
સંદેશ ; સમાજમાં બધા નાગરિકો જ્ઞાનવાન, શીલવાન, સંસ્કારવાન હોય, ઇન્દ્રિયસંયમ, અર્થસંયમ, સમયસંયમ અને વિચારસંયમનો સતત અભ્યાસ કરતા રહે અને બધે સત્કર્મો તથા સુખશાંતિમાં વૃદ્ધિ થાય. આવો આદર્શનિષ્ઠ સમાજ બનાવવાની જવાબદારી ઋષિઓએ બ્રાહ્મણ વર્ણ ઉપર નાંખી છે.
બ્રાહ્મણોનું અને વિદ્વાનોનું સૌથી પહેલું કર્તવ્ય એ છે કે તેઓ પોતે સાવધાન અને સજાગ રહે. જ્ઞાનવિજ્ઞાનનાં ગૂઢ તત્ત્વોને સમજીને નીતિ અને અનીતિનો ભેદ સમજી સાચી વિધા જાણે. જો તેમને પોતાને જ સાચો માર્ગ મળશે નહિ, તો બીજાને સાચું માર્ગદર્શન કેવી રીતે આપી શકે ? સંસારમાં જીવનના બે માર્ગ છે. કઠોપનિષદમાં તેમને “શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતસ્તતા” કહેવાયું છે. શ્રેય માર્ગ તે છે, જે ક્લ્યાણ કરનારો હોય અને બીજો પ્રેય માર્ગ છે, જે સારું દેખાડનારો હોય, ઇન્દ્રિયસુખ આપનારો હોય. આપણું મન આ પ્રેય માર્ગ તરફ વધારે જાય છે. સ્વાદેન્દ્રિય જાતજાતનાં સ્વાદિષ્ટ ભોજન માગે છે અને સ્વાસ્થ્ય તથા સંયમની મર્યાદાનો નાશ કરે છે. આ રીતે બીજી બધી ઇન્દ્રિયો બાહ્ય સુખસાધનોમાં અટવાયેલી રહે છે અને આત્માપરમાત્માને ભૂલીને માનવી અનેક દુષ્પ્રવૃત્તિઓમાં ફસાય છે. દોષદુર્ગુણોમાં ફસાઈને માનવી એક એવા નશામાં ડૂબી જાય છે કે ઇચ્છા હોવા છતાં તેમની જાળમાંથી પોતાને મુક્ત કરી શકતો નથી. તેનો આત્મા તેને ધિક્કારે છે, પણ તે મોં ફેરવી લઈને ચાસણીમાં પડેલી માખીની જેમ વ્યસનોમાં ફસાયેલો રહે છે. ધીરે ધીરે તેનું મનોબળ તૂટતું જાય છે અને તે જાતે અસહાય અવસ્થામાં આવી જાય છે. તે પોતાના જીવનને બરબાદ કરે છે અને બીજા માણસો માટે પણ નરકનું વાતાવરણ બનાવી દે છે.
એવું નથી કે સાંસારિક બાબતોને સંપૂર્ણ તિલાંજલિ આપીને બધા લોકો વૈરાગી તથા સંન્યાસી થઈ જાય. સંસારવાદ અને અધ્યાત્મવાદ બંને મહત્ત્વપૂર્ણ છે અને જીવનની સફળતા માટે બંનેમાં યોગ્ય સમન્વય હોવો જોઈએ, તો જ લોકોની શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિ શક્ય બને, તો જ દેશમાં સ્વર્ગીય વાતાવરણ બને અને લોકો સ્વસ્થ, દીર્ઘાયુ, પ્રાણવાન, ચારિત્ર્યવાન, સમર્થ અને સુખી થાય, રાષ્ટ્રનો કીર્તિધ્વજ બધે લહેરાય.
બ્રાહ્મણ તે છે, જે તપ, ત્યાગ, સંયમ, જ્ઞાન, ઉદારતા અને લોકહિત જેવી પ્રવૃત્તિઓને પૂરેપૂરી રીતે પોતાનામાં ઉતારે અને એક મજબૂત આધાર ઉપર ઊભો રહે. પછી તે એક વજશીલાની માફક જનમાનસની ધારાને યોગ્ય દિશામાં વાળવા માટે દૃઢતાપૂર્વક અડગ રહે. તે જે પણ ક્ષેત્ર પસંદ કરે, તેમાં પોતાના શ્રેષ્ઠ વ્યક્તિત્વ, ઉચ્ચ આદર્શ અને પ્રચંડ પુરુષાર્થ વડે કરોડો લોકોની અંદરની અસુરતા અને સ્વાર્થપરાયણતાને ઘટાડી તેમને દેવત્વ તરફ આગળ વધારવામાં સફળતા મેળવે.
બ્રાહ્મણનો ધર્મ પોતે સજાગ રહેવું અને બીજાને જાગૃત રાખવા તે છે.
પ્રતિભાવો