૨૦. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૧૯/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૧૯/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
નીચૈ: પદ્યન્તામધરે ભવન્તુ યે નઃ સરિ મધવાન પૃતન્યાન્ । ક્ષિણામિ બ્રહ્મણામિત્રાનુન્તયામિ સ્વાન્હમ્ ॥ (અથર્વવેદ ૩/૧૯/૩)
ભાવાર્થ : હું બ્રાહ્મણ પોતે જ્ઞાનથી પરિપૂર્ણ થઈને મનોનિગ્રહપૂર્વક મારા યજમાનને આગળ વધારવા પ્રયત્ન કરતો રહીશ. તેઓ ખોટાં કર્મો તરફ ન વળે, કોઈનાં હિતોનું અપહરણ ન કરે તેનું ધ્યાન રાખીશ.
સંદેશ : સંસારને ઉન્નતિશીલ બનાવવાની, તેજસ્વી અને વર્ચસ્વી બનાવવાની અને તે અનુસાર સુખસમૃદ્ધિનું વાતાવરણ પેદા કરવાની જવાબદારી બ્રાહ્મણની છે. જે આ જાણે અને સમજે છે તે સાચો વિદ્વાન અને સમાજનિષ્ઠ કહેવાય છે. આવા લોકો સ્વાધ્યાય અને સત્સંગમાં ક્યારેય પ્રમાદ કરતા નથી અને પોતાને મળેલા જ્ઞાનનું સતત દાન કરતાં કરતાં સમાજની ઉન્નતિ માટે તપ અને સાધનામાં લીન રહે છે. સાચી વાતને સમજવી, સમજ્યા પછી તે મેળવવાનો માર્ગ શોધવો, માર્ગ શોધીને તેના ઉપર તપ અને સાધનાની ભાવનાથી ચાલવું, આ માનવીને માનવ બનાવવાનો યોગ્ય માર્ગ છે.
આ માર્ગને અનુસરવા માટે બ્રાહ્મણોનું કર્ત્તવ્ય છે કે તેઓ મનોનિગ્રહ અને ઇન્દ્રિયસંયમ અપનાવે. માનસિક સંતુલન બહુ જરૂરી છે. દુષ્કર્મો તરફ લોકોની પ્રવૃત્તિ વધી રહી છે અને તેમાં ફસાયેલા લોકો સરળતાથી તેમને છોડી શકતા નથી. તેમને સમજાવીને સાચા માર્ગ ઉપર લઈ જવા તે બહુ અઘરું છે અને શ્રમસાધ્ય કામ છે. અજ્ઞાનીઓનો વિરોધ સહન કરવો પડે છે અને ક્યારેક માર પણ ખાવો પડે છે. એવામાં ધીરજપૂર્વક, કોઈ પણ પ્રકારના રાગદ્વેષ વગર વિદ્વાનોએ સમાજમાં સત્પ્રવૃત્તિઓના પ્રચાર અને પ્રસારના કામમાં સતત જોડાયેલા રહેવું જોઈએ. સત્સંગ અને સ્વાધ્યાયના માધ્યમથી પોતાના જ્ઞાનની પ્રખરતા વધારતા રહેવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. જેમ કાચીંડાને જોઈને બીજો કાંચીડો રંગ બદલે છે તે રીતે જ્ઞાની અને સદ્ગુણી માણસના સંસર્ગમાં આવનારા લોકોમાં સજ્ઞાન, સદ્ગુણો અને સત્પ્રવૃત્તિઓની વૃદ્ધિ થાય છે. વિદ્વાન લોકો સતત જ્ઞાનની સાધનામાં મગ્ન રહે છે અને માનવસમાજની વિષમતાઓની, જીવનનિમાર્ણના સિદ્ધાંતોની, આત્મવિદ્યા અને બ્રહ્મવિદ્યાની સઘળી જાણકારી રાખે છે. તેઓ વિદ્યા-અવિદ્યાનો ભેદ સારી રીતે સમજે છે. પોતે શાન પ્રાપ્ત કરીને તેનો લાભ સમાજને આપવાને વાસ્તવિક જીવનોદ્દેશ માને છે. વિદ્વાનોએ સ્વાધ્યાય અને પ્રવચન બંનેનું યોગ્ય ધ્યાન રાખવું જોઈએ. તેના વડે તેઓ પોતે પોતાના જ્ઞાનનો વધારો કરતાં કરતાં પોતાના સંપર્કમાં આવનારા લોકોને સત્યમાર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપવામાં સમર્થ બને છે.
આજકાલ મોટાભાગના માણસો બ્રાહ્મણત્વનો ઢોંગ કરે છે અને લોકોની ધાર્મિક ભાવનાઓને બહેકાવતા જોવા મળે છે. તેનાથી લોકોને કોઈ લાભ થતો નથી, પણ ઊલટાનું અનૈતિકતાનું વાતાવરણ ફૂલેફાલે છે.
બ્રાહ્મણોએ તો લોકોને સાચા અધ્યાત્મનું શિક્ષણ આપવું જોઈએ. સાચું અધ્યાત્મ એ છે કે આપણે પોતાની અંદર જોઈએ, પોતે પોતાને સમજીએ, પોતે પોતાને જાણીએ, પોતાની ભૂલો અંગે વિચાર કરીએ અને પોતાની રહેણીકરણીને ઠીક કરવા માટે પ્રયત્ન કરીએ. આ સાચા અધ્યાત્મવાદીનું લક્ષણ છે.
સમાજમાં વિકૃતિઓ એટલા માટે ઉત્પન્ન થઈ રહી છે કે બ્રાહ્મણો પોતે આ પુનિત કર્તવ્યોને ભૂલી ગયા છે.
પ્રતિભાવો