૯. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૧૯/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૧૯/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
તીક્ષ્ણીયાંસઃ પરશોરગ્નેસ્તીક્ષ્ણતરા ઉત । ઇન્દ્રસ્ય વજ્જાત્ તીક્ષ્ણીયાંસો યેષામસ્મિ પુરોહિતઃ ॥ (અથર્વવેદ ૩/૧૯/૪)
ભાવાર્થ : અમે પુરોહિત અમારા યજમાનોને ક્રિયાશીલ, તેજસ્વી, પરોપકારી અને શક્તિશાળી બનાવી રાખીશું. અમે તેમને ક્યારેય અધોગામી થવા દઈશું નહિ.
સંદેશઃ બ્રાહ્મણને સમાજ અને રાષ્ટ્રની બધી જ શક્તિઓનો પ્રેરણાસ્રોત માનવામાં આવે છે. બધા નાગરિકો (તે ક્ષત્રિય હોય, વૈશ્ય કે શુદ્ર હોય) તેમના યજમાન હોય છે. તેમની શારીરિક, માનસિક અને ચારિત્રિક ઉન્નતિની જવાબદારી બ્રાહ્મણો ઉપ૨ રહેલી છે. પ્રત્યેક માણસ કર્મયોગી બને અને કર્તવ્યભાવનાથી સત્કર્મોમાં લાગેલો ૨હે. આશાઓ, તૃષ્ણાઓ, લાલસાઓ અને કામનાઓમાં ફસાઈને અસંયમિત અને અનિયંત્રિત જીવનશૈલી ન અપનાવે. તે હંમેશાં આગળ વધવા, ઉન્નતિ કરવા, ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવા તેમ જ વિકસિત થવાના પુરુષાર્થમાં સ્વાભાવિક રૂપથી લાગેલો રહે. આ પ્રક્રિયામાં પરસ્પરનો સ્વાર્થ ટકરાવો ન જોઈએ. બધાએ એકબીજાને સહયોગ અને સહકાર આપી ઉન્નતિ કરવામાં મદદ કરવી જોઈએ. આ ભાવનામાં વધારો કરવાની જવાબદારી બ્રાહ્મણો ઉપર રહેલી છે.
બ્રાહ્મણે સમાજમાં જ્ઞાન, કર્મ અને ભક્તિની અનેક ધારાઓ પ્રવાહિત થતી રહે તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. વિદ્યા અને શિક્ષણ બધાને સમાન રૂપમાં પ્રાપ્ત થવું જોઈએ. સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી લોકો કુવિચારો અને દુર્ભાવનાઓથી દૂર રહે. સત્ય – અસત્યમાં, નીતિ-અનીતિમાં – તફાવત કરી શકવાની વિવેકબુદ્ધિ દરેક મનુષ્યમાં આવે અને તેઓ હંમેશાં ચારેબાજુ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનાવે એનું ધ્યાન રાખવું જોઈએ.
બ્રાહ્મણોનું કર્તવ્ય છે કે તેઓ સમાજના પ્રત્યેક માણસમાં ભક્તિભાવના જાગૃત કરે. ભક્તિનું તાત્પર્ય ફક્ત પૂજાપાઠનો બાહ્યાચાર નથી, પણ સંસારના કણેકણમાં, રોમેરોમમાં ઈશ્વરીય સત્તાની હાજરીનો દૃઢ વિશ્વાસ જાગૃત કરવાનું છે. આ મહત્ત્વપૂર્ણ તત્ત્વજ્ઞાનને જાણી તથા સમજીને પોતાના આચરણમાં ઉતારવાથી સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ થાય છે.
જ્યારે ભારતવર્ષનો સુવર્ણયુગ હતો ત્યારે બ્રાહ્મણ પોતાનાં આ કર્તવ્યોને પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી નિભાવતો હતો. એ વખતે આ દેશ જગદ્ગુરુ કહેવાતો હતો અને સમગ્ર સંસારને પોતાના જ્ઞાનના પ્રકાશથી અજવાળતો હતો. આજે જે લોકો પોતાને બ્રાહ્મણ કહે છે તેઓ જરા પોતાના અંતરમાં ડોકિયું કરે, પોતે જુએ કે તેમનામાં બ્રાહ્મણત્વનો કેટલો અંશ છે. આ મહાન દેશની આજે જે દુર્દશા થઈ ગઈ છે તેનું મૂળ કારણ બ્રાહ્મણત્વનું પતન છે. મોટાભાગના બ્રાહ્મણોએ તો બ્રાહ્મણત્વને પોતાનો ધંધો બનાવી દીધો છે. તેમનો આ વેપાર ચાલતો રહે તે હેતુથી તેઓ બેચાર ઊલટાસૂલટા મંત્રોનું રટણ કરીને લોકોને મૂર્ખ બનાવે છે અને પોતાનો સ્વાર્થ સાધે છે. જનતા પણ તેમની વાતમાં આવી જઈને મુશ્કેલીમાંથી છૂટવાનો આ જ સરળ માર્ગ છે એમ સમજી લે છે. ક્યારેક તેમની કોઈક વાત સાચી પડી જાય છે તેના આધારે બીજાઓને લૂંટવામાં વધુ સરળતા થઈ જાય છે. જો બ્રાહ્મણ જ આ રીતે પતિત થઈ જશે તો તે બીજાની ઉન્નતિ કેવી રીતે કરી શકશે ?
સાચો બ્રાહ્મણ જ બ્રાહ્મણત્વના આ પતનને રોકી શકશે.
પ્રતિભાવો