૧૨. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૪/૩૧/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૪/૩૧/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ત્વયા મન્યો સરથમારુજન્તો હર્ષમાણા હૃષિતાસો મરુત્વન્ I તિગ્મેષવ આયુધા સંશિશાના ઉપ પ્ર યન્તુ નરો અગ્નિરૂપાઃ ॥ (અથર્વવેદ ૪/૩૧/૧)
ભાવાર્થ : આપણા સૈનિકો બળવાન બને, શત્રુનાશની યોગ્યતા રાખે અને હંમેશાં પ્રસન્ન રહે. તેમનાં શસ્ત્રો બૂઠાં ન હોય. રાષ્ટ્રની રક્ષા માટે તેઓ પોતાના હિતને હોમી દેવા માટે સદાય તત્પર રહે.
સંદેશ : સૈનિકો રાષ્ટ્રની અસ્મિતા અને ગૌરવ માટેના સજાગ પહેરેદારો છે. તેઓ બહારના શત્રુઓથી દેશની રક્ષા કરતા રહીને આંતરિક સુરક્ષા અને શાંતિનું વાતાવરણ જાળવી રાખે છે. સૈનિકોએ ખૂબ બળવાન બનવું અને દરેક પ્રકારના શત્રુઓનો નાશ કરી શકવાની વિપુલ ક્ષમતાથી પરિપૂર્ણ હોવું ખૂબ જ જરૂરી છે.
પણ શું આ બધું ફક્ત કહેવાથી જ શક્ય બનશે ? દેશમાં ચારેબાજુ અરાજકતા ફેલાઈ હોય, લૂંટફાટ, ભ્રષ્ટાચાર, ચોરી, અનીતિ તથા દુરાચારનું તાંડવ ચાલતું હોય એવી પરિસ્થિતિમાં શું એ શક્ય છે કે સૈનિક શિસ્તબદ્ધ રહીને નિષ્ઠાપૂર્વક દેશની રક્ષા પૂરા મનોયોગથી કરી શકે? ના, આ અશક્ય છે. સૈનિક એકલો હોતો નથી. તેની પાછળ તેનું કુંટુંબ, ખેતી, વેપાર વગેરે બધું હોય છે. જ્યારે તે પૂરી રીતે નિશ્ચિત હશે કે આ બધું સુરક્ષિત છે, તેને માનસન્માન મળશે, દેશવાસીઓ સુખદુઃખમાં તેની દરેક રીતે સંભાળ રાખશે ત્યારે તે નિશ્ચિંત થઈને દેશની રક્ષા માટે પોતાના પ્રાણ હથેળીમાં રાખીને યુદ્ધભૂમિમાં લડવા માટે કૂદી શકશે. યુદ્ધકુશળતા અને યુદ્ધમેદાનના જ્ઞાનની સાથે તેની આંતરિક પ્રસન્નતા જ તેનાં શસ્ત્રોને ધારદાર કરવામાં સક્ષમ બને છે તથા તેના સ્વાભિમાનને જગાડે છે. સ્વાભિમાન અર્થાત્ કોઈ સારી બાબત માટે ખૂબ રુચિ, પ્રેમ, લાગણી અને શ્રદ્ધા હોવાં. સ્વાભિમાની માણસ જ કોઈ શ્રેષ્ઠ વાત સાથે એકરૂપ થઈને તેને પોતાના જીવનનું કેન્દ્રબિંદુ બનાવી શકે છે અને લક્ષ્ય સાધવા માટે તદનુસાર આચરણ કરી શકે છે. સ્વાભિમાનની પ્રેરકશક્તિ જ સૈનિકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રરક્ષાનો અગ્નિ પ્રજવલિત કરવામાં સમર્થ હોય છે. તેમનામાં ત્યાગ અને બલિદાનની ભાવના જાગૃત કરે છે. તેઓ પૂરી નિષ્ઠાથી, લાગણીથી અને મનોબળથી શત્રુની સેનાને ગાજરમૂળાની જેમ કાપીને ફેંકી દેવાનો પુરુષાર્થ કરવામાં સમર્થ હોય છે. તેમનાં તેજ અને પૌરુષને જોઈને શત્રુ પોતે જ હતોત્સાહ થઈ જાય છે.
બ્રાહ્મણો અને સમગ્ર સમાજ ઉપર એ જવાબદારી છે કે તેઓ આ વાતોનું ધ્યાન રાખે. ચાણક્ય જેવા તેજસ્વી અને દૂરંદેશી માણસ જ સમાજની શાંતિ અને સુરક્ષાને કોઈ પણ ખામી વગરની રાખી શકે છે. આજની વિષમ પરિસ્થિતિઓમાં લોકોના વિચારોને બદલી નાખીને તેમની સમજદારીનો વિકાસ કરવાની તાતી જરૂર છે. ત્યારે જ શસ્ત્રો અને સાધનોથી સુસજ્જિત વીરોની શિસ્તબદ્ધ ટુકડી પ્રચંડ શૌર્ય અને અદમ્ય સાહસનું પ્રદર્શન કરી શકશે, તેમનો ઉત્સાહ અને કર્મનિષ્ઠા જાગૃત થશે તથા રાષ્ટ્ર ઐશ્વર્યવાન બનશે.
આજના શિક્ષિત લોકોએ આ બધું સમજવું જોઈએ અને સ્વાર્થપરાયણતાનો ત્યાગ કરીને સાચા બ્રાહ્મણનો ધર્મ નિભાવવો જોઈએ.
પ્રતિભાવો