૨૧. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૧૯/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૧૯/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
બ્રહ્મગવી પચ્યમાના યાવત્ સાભિવિજડ્ગંહે । તેજો રાષ્ટ્રસ્ય નિહન્તિ ન વીરો જાયતે વૃષા ॥ ॥ (અથર્વવેદ ૫/૧૯/૪)
ભાવાર્થ: જ્યાં બ્રહ્મદેવતાઓ અને વેદવિદ્યાનો સતત અનાદર થાય છે તે રાજ્ય નષ્ટ થઈ જાય છે. ત્યાં કોઈ તેજસ્વી અને વીર હોતું નથી.
સંદેશ : બ્રાહ્મણ કોને કહેવાય ? ઋષિ કોને કહેવાય ? જે સંસારમાં બધાને સંસ્કારવાન બનાવવાનું કામ કરે તેને કહેવાય. ફક્ત પૂજાપાઠ કરવાથી અથવા કર્મકાંડનો ઢોંગ કરવાથી સમાજને લાભ થતો નથી. એવા બ્રાહ્મણોનો પોતાનો વેપાર ચાલે છે, સુખસુવિધા અને ધનદોલતનો ઢગલો થાય છે, પણ તેનાથી કોઈ આધ્યાત્મિક લાભ મળતો નથી અને સમાજમાં સુખસમૃદ્ધિ આવતાં નથી. પહેલાં બાળકોએ પચ્ચીસ વર્ષ સુધી ગુરુના આશ્રમમાં સાત્ત્વિક વાતાવરણમાં રહીને વિદ્યા ગ્રહણ કરવી પડતી હતી. તેનાથી જ્ઞાનવાન, સદાચારી અને કર્તવ્યપરાયણ નાગરિકોનું નિર્માણ થતું હતું. દુર્યોધન અને રાવણ જેવા થોડાક અપવાદ હતા.
ઋષિઓ શિક્ષણ અને સંસ્કાર જનહિ, પરંતુ સમય અને પરિસ્થિતિ અનુસાર રાજ્યની નીતિ પણ નક્કી કરતા હતા. તેઓ ઢોલ પીટતા ન હતા. જેવો સમય આવ્યો તેવાં જ કામ કર્યાં. સમસ્યાનું મૂલ્યાંકન કરવું અને તેનો ઉકેલ મેળવવો એ તેમનું મુખ્ય કામ હતું. તેમની પાસેથી સલાહસૂચન મેળવ્યા વિના રાજ્યમાં કોઈ કામ થતું ન હતું. ચાણક્ય નાલંદા વિશ્વવિદ્યાલયના કુલપતિ હતા. ત્યાં સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. એની સાથે સાથે ચાણક્ય ચંદ્રગુપ્તના મંત્રી પણ હતા. તેઓ રાજ્ય ચલાવતા હતા. રાજા બધું કામ ગુરુની આજ્ઞા લઈને કરતા હતા. ધર્મતંત્ર હંમેશાં રાજતંત્રને માર્ગદર્શન આપતું હતું. ધર્મનો અંકુશ રહેવાથી રાજતંત્ર નિકુંશ આચરણ કરી શકતું ન હતું અને સમાજમાં અરાજકતા તથા ભ્રષ્ટતા ઘૂસવાની હિંમત કરી શકતી ન હતી. ધર્મનો વાસ્તવિક અર્થ છે કર્તવ્યપાલન. જ્યારે રાજ્યસત્તાનાં મૂળ ધર્મની ફળદ્રૂપ જમીનમાં ઊંડે સુધી જઈને કસ ખેંચે છે ત્યારે તેમાં યશ અને કીર્તિનાં સુગંધિત પુષ્પો ખીલી ઊઠે છે.
આજે રાજ્યોની શિક્ષણનીતિ એવી છે કે તેનાથી લોકોની નૈતિક અને આધ્યાત્મિક પ્રગતિ શક્ય નથી. વૈદિક સાહિત્ય અને સગ્રંથોના વાંચન તથા અભ્યાસને પ્રોત્સાહન અપાતું નથી. નૈતિક શિક્ષણ તો બધી સ્કૂલોમાં બંધ કરી દેવામાં આવ્યું છે. પહેલાં નિત્યકર્મોની જેમ દરરોજ થોડોક સમય નિયમિત રૂપથી વેદાધ્યયન કરવાની પરંપરા હતી. એક બે મંત્રો અથવા શ્લોકોનો સ્વાધ્યાય, તેમની વ્યાખ્યા ઉપર ચિંતન, મનન, સત્સંગ, ગોષ્ઠિ વગેરેનો ક્રમ ચાલતો હતો આ પ્રકારના જ્ઞાનવાન અને ચારિત્ર્યવાન માણસોને રાજ્યાશ્રય મળતો હતો અને સમાજમાં પ્રતિષ્ઠા મળતી હતી. તેનાથી યોગ્ય, રાષ્ટ્રભક્ત અને ઉત્તમ ચારિત્ર્યવાળા નાગરિકોની વૃદ્ધિ થતી હતી અને દુર્ગુણી, દુરાચારી તથા દુર્વ્યસની માણસની ઉપેક્ષા અને તિરસ્કાર થતો હતો, તેમને દંડ મળતો હતો. રાજ્યનો યશ અને કીર્તિ વધતાં હતાં.
બ્રાહ્મણત્વની સાર્થકતા ત્યારે જ છે કે જ્યારે જ્ઞાનવાન, ચારિત્ર્યવાન અને નિષ્ઠાવાન વ્યક્તિઓને યોગ્ય પ્રોત્સાહન, સંરક્ષણ અને સન્માન મળે છે. આપણા બધાનું એ પુનિત કર્તવ્ય છે કે વેદવિદ્યાના વિદ્વાનોનો અનાદર ન થવા દઈએ.
પ્રતિભાવો