૨૨. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૧૯/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૧૯/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઉગ્રો રાજા મન્યમાનો બ્રાહ્મણં યો જિધત્સતિ । પરા તત્ સિચ્યતે રાષ્ટ્ર બ્રાહ્મણો યત્ર જીયતે ॥ ( અથર્વવેદ ૫/૧૯/૬)
ભાવાર્થ : જે રાષ્ટ્રમાં બ્રાહ્મણોને અને વેદવેત્તાઓને સતાવવામાં આવે છે તે રાજ્ય જ્ઞાનહીન થઈને નાશ પામે છે.
સંદેશ : બ્રાહ્મણની, ઋષિની નજર ખૂબ તેજ અને ધારદાર હોય છે. તેમની આંખો દૂર દૂર જુએ છે. તેઓ દીર્ઘદ્રષ્ટા હોય છે, સમયની નાડને પારખે છે અને સમાજના દોષદુર્ગુણોને દૂર કરવાના પ્રયાસ કરે છે. દેશમાં બધા નાગરિકો ચારિત્ર્યવાન, સંસ્કારવાન તથા જ્ઞાનવાન બને તેને માટે તેઓ સતત સંઘર્ષ કરતા રહે છે. એક સૂર્ય સમસ્ત અંધકારનો નાશ કરે છે, એ જ રીતે તેમના વડે ફેલાવેલું જ્ઞાન સમાજમાં ફેલાયેલા અજ્ઞાનનો, કુરિવાજોનો તથા કુવિચારોનો નાશ કરી નાખે છે. દુરાચારીની શક્તિની સરખામણીમાં સદાચારીની શક્તિ ખૂબ વધારે હોય છે. આજની સમસ્યા છે – અચિંત્ય ચિંતન અને ભ્રષ્ટ આચરણ. સાચા બ્રાહ્મણ તથા વિદ્વાન જ તેને બદલવામાં સમર્થ થઈ શકે છે.
સમાજે એવા યોગ્ય માણસોનું સન્માન કરવું જોઈએ, તેમનો આભાર માનવો જોઈએ. નારદજી તે ઋષિપરંપરાના પ્રતિનિધિ હતા. તેઓ દરેક પ્રકારનું કષ્ટ સહન કરીને સમાજમાં ફેલાયેલી સમસ્યાઓ અને કુરિવાજોનું નિવારણ કરવામાં નિરંતર લાગ્યા રહેતા હતા. બધે તેમનું સન્માન થતું હતું. ભગવાનના દરબારમાં જ નહિ, પરંતુ તેમના અંતઃ પુરમાં પણ તેઓ કોઈ પણ રોકટોક વગર જઈ શકતા હતા. રામરાજ્યમાં દેવત્વનો ઉત્કર્ષ એનાથી જ શક્ય બન્યો હતો.
શ્રેષ્ઠ રાષ્ટ્રવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા ‘નિંદક નિયરે રાખીએ” ની ભાવના પર આધારિત હતી. યોગ્ય અને વિદ્વાન માણસો બીજા લોકોને તેમના દોષદુર્ગુણોથી સતર્ક કરીને તેમને સન્માર્ગે ચાલવાનો પ્રકાશ આપતા હતા. તેમને હંમેશાં સન્માનને પાત્ર માનવામાં આવતા.
આજે ધર્મની, રાષ્ટ્રીયતાની, જ્ઞાનની, સદાચારની કોઈ વાત કરે છે, તો તેને ઉતારી પાડીને અપમાનિત કરવામાં આવે છે. તેનું એ પરિણામ આવ્યું છે કે ચારેબાજુ અજ્ઞાનનું વાતાવરણ ફેલાઈ ગયું છે. લોકોની સત્ય અને અસત્યનો ભેદ કરવાની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ હોય એવું લાગે છે અને રાષ્ટ્ર ફરી ગુલામીના માર્ગે આગળ વધીને નષ્ટ થવાની સ્થિતિમાં આવી ગયું છે.
ઈમાનદાર અને સત્યનિષ્ઠ માણસો શોધ્યા જડતા નથી. જે છે તેમને દરેક રીતે ઉપેક્ષા, ઉપહાસ અને અપમાન સહન કરવાં પડે છે. પરિણામે લોકોનું સ્વાભિમાન નષ્ટ થાય છે અને સ્વાર્થપૂર્તિ માટે તેઓ કોઈ પણ હદે જવા માટે તૈયાર થઈ જાય છે. ‘યથા રાજા તથા પ્રજા’ ની કહેવત સાચી પડતી લાગે છે. ભ્રષ્ટાચાર અને ગોટાળાની ચર્ચા સર્વત્ર થાય છે. દેખાદેખીથી દરેક માણસ ભ્રષ્ટ આચરણને જ સફળતાનો સાચો માર્ગ સમજી બેઠો છે. આ કારણે દેશમાં ચારેબાજુ અજ્ઞાન અને અરાજકતા ફેલાઈ રહ્યાં છે અને વિદેશી શક્તિઓ દરેક રીતે આપણી આ કુપ્રવૃત્તિનો લાભ ઉઠાવીને આ ‘સોનેકી ચીડિયા’ ને પોતાની જાળમાં ફસાવવાની ચાલ ચાલી રહી છે.
હજુ પણ સમય છે કે આપણે ચેતી જઈએ અને સાચા રાષ્ટ્રીય વિદ્વાનો અને વેદવેત્તાઓએ બતાવેલા માર્ગનું અનુસરણ કરતા રહીને રાષ્ટ્રના અને પોતાના સ્વાભિમાનની રક્ષા કરીએ અને દેશને નષ્ટ થતો બચાવીએ.
રાષ્ટ્રહિતમાં બ્રાહ્મણોનો આ જ ધર્મ છે.
પ્રતિભાવો