૩૨. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
મમાગ્યું વર્યો વિહવેષ્વસ્તુ વયં ત્વેન્ધાનાસ્તન્વં પુષેમ । મહ્યં નમન્તાં પ્રદિશશંચત સ્ત્રસ્ત્વયાધંયક્ષેણ પૃતના જયેમ II(અથર્વવેદ ૫/૩/૧)
ભાવાર્થ : માનવોએ સંઘર્ષથી વિચલિત થવું જોઈએ નહિ. પરમાત્માની ઉપાસના કરતાં કરતાં પોતાના આત્મા અને શરીરને બળવાન અને શક્તિવાન બનાવો, જેથી સંસારમાં કોઈ તેમને પદભ્રષ્ટ કરી શકે નહિ.
સંદેશ : આ સંસારમાં માનવી સમક્ષ વિકટ અને વિચિત્ર સ્થિતિ અવારનવાર ઊભી થાય છે. તે જે કોઈ ન્યાયોચિત કામ કરે છે તેને બીજા લોકો પોતાનાં ખરાબ કામોથી નિષ્ફળ બનાવે છે. તેને હાર ઉપર હાર સહેવી પડે છે આ ખરાબ અવસ્થાને દૂર કરવાનો કોઈ ઉપાય સૂઝતો નથી. ચારેબાજુ ચિંતા, ભય, શોક, ક્રોધ, નિરાશા, ઈર્ષા, તૃષ્ણા અને વાસનાનું સામ્રાજ્ય ફેલાયેલું છે. લોકો પોતાની લાલસાની પૂર્તિમાં ઘેટાંની માફક ઊંડા કૂવામાં પડી રહ્યા છે. તે ષડ્ડપુઓ તેમને પોતાની તરફ ખેંચી રહ્યા છે, પણ સત્ય માર્ગને છોડીને પાપના કીચડમાં કૂદીને આત્મહત્યા કરવી યોગ્ય નથી.
માનવજીવન માત્ર દિવસો પસાર કરવા માટે મળ્યું નથી. તે તો શ્રેષ્ઠ અને મહાન બનવા માટે છે, કોઈક મહાન કામ કરવા માટે છે. જે લોકો શ્રેષ્ઠ મહાપુરુષ બનવા માટે પ્રયત્નશીલ રહે છે તેઓ ધન્ય છે. એના માટે જાગૃત રહીને સતત સંઘર્ષ કરવો પડે છે. મનને મક્કમ કરીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું પડે છે. આદર્શ પુરુષોનું અનુસરણ કરવું પડે છે.
આપણો આદર્શ કોણ છે ? વાસના અને ધનનો લોભી માનવી ન્યાયના માર્ગે પોતાની લોલુપતા પૂરી કરી શકતો નથી ત્યારે અનેક અનૈતિક તથા ખોટા માર્ગોથી સ્વાર્થ પૂરો કરે છે. શું આપણે તેમને આપણો આદર્શબનાવીશું? ના, ક્યારેય નહિ. સાચા આદર્શ પુરુષ તો પરમપિતા પરમેશ્વર છે. તેમનો આદેશ છે કે આપણે હંમેશાં આપણા ધર્મ, કર્તવ્ય અને જવાબદારીને નિભાવીએ. સચ્ચાઈના માર્ગ ઉપર ચાલતાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે તેમનાથી વિચલિત થયા વગર પ્રસન્નતાપૂર્વક પોતાના કામમાં મગ્ન રહેવું જોઈએ. સત્ય માર્ગમાં આવનારી મુશ્કેલીઓથી જે ગભરાતો નથી, તેમને દૂર કરવા પુરુષાર્થ કરે છે તે પરમાત્માની સાચી ઉપાસના કરે છે.
સંઘર્ષ જ જીવન છે. સંસારમાં ચારેબાજુ ફેલાયેલી દુષ્પ્રવૃત્તિઓ સાથે સતત સંઘર્ષ કરતા રહેવું એ જીવનની સાર્થકતા છે. તેમની સામે સમર્પણ કરી દેવું તેને શબની જેમ, લાકડાની જેમ નદીમાં વહી જવા સમાન કહી શકાય. સંઘર્ષથી માનવીની સાત્ત્વિકતા અને સ્વાભિમાન જાગૃત થાય છે. સારી વાતો માટે અત્યધિક પ્રેમ, રુચિ, લાગણી, આસ્થા અને શ્રદ્ધાની ભાવનાઓ બળવત્તર થાય છે. માનવી શ્રેષ્ઠ આદર્શોને પોતાના જીવનનું કેન્દ્રબિંદુ બનાવી લે છે અને તેને અનુરૂપ આચરણ કરે છે. જીવનમાં નાનાંમોટાં સંકટો આવતાં રહે છે. જે તેમનાથી ગભરાતો નથી, વિચલિત થતો નથી, ધૈર્યપૂર્વક લડીને તેમનો સામનો કરે છે તે અગ્નિમાં તપાવેલા સુવર્ણની જેમ કાંતિવાન બની જાય છે અને જીવનમાં સફળતા મેળવે છે. આ મુશ્કેલીઓ આપણા ધૈર્ય, સાહસ અને પરાક્રમની પરીક્ષા લેવા માટે જ આપણા માર્ગમાં આવે છે અને તેમને હરાવવાથી જ પ્રભુકૃપાનું વરદાન આપણને મળે છે.
સંયમ દ્વારા આત્મા અને શરીરને શક્તિવાન અને બળવાન બનાવી જીવનસંઘર્ષમાં કૂદી પડવું તે જ આદર્શ બ્રાહ્મણનું ચિહ્ન છે.
પ્રતિભાવો