૩૩. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩૦/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૫/૩૦/૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અનુહૂતઃ પુનરેહિ વિદ્વાનુદયનં પથઃ । આરોહણમાક્રમણે જીવતોજીતોડયનમ્ ॥ (અથર્વવેદ ૫/૩૦/૭)
ભાવાર્થ: મનુષ્ય ! તું હંમેશાં ઊંચે ઊઠ. એ તારો ધર્મ છે. જેમ કીડી વગેરે નાના નાના જીવો ઉપર ચડે છે, તેમ તું પણ ઉન્નતિના ઉપાયો જાણીને હંમેશાં આગળ વધતો રહે.
સંદેશ : સંસારમાં જ્ઞાન અને વિજ્ઞાનની કેટલી બધી ઉન્નતિ થઈ છે ! જાતજાતની સુવિધાઓ આપણને મળી રહે છે, પરંતુ આ વિજ્ઞાનથી સુખશાંતિ મળતી નથી. સુખશાંતિ હંમેશાં સારા માનવીથી ઉત્પન્ન થાય છે અને સારા માનવી બનાવવા તે વિજ્ઞાનની શક્તિ બહારનું કામ છે. સારા માનવી અધ્યાત્મથી બને છે.
આ અધ્યાત્મ, જે માનવીને ઉચ્ચ અને સારો બનાવે છે તે શું છે ? આ છે ઉપાસના, સાધના અને આરાધનાની ત્રિવેણી, જેમાં ડૂબકી મારવાથી માનવીનું જીવન સફળ થાય છે. ઈશ્વરના દિવ્ય ગુણોને પોતાની અંદર ધારણ કરવા તેને ઉપાસના કહેવાય છે . દિવ્ય સિદ્ધાંતોને સામે રાખીને તેમના આધારે પોતાના કર્તવ્યનો નિર્ણય કરવો અને જે કર્તવ્ય ગમતું હોય તેના ઉપર દૃઢ રહેવું, મોટામાં મોટા આકર્ષણ, પ્રલોભનો અથવા આપત્તિનો સામનો કરતા રહીને અડગ રહેવું. સાધના પોતાના મનની કરવાની હોય છે. તપ, બ્રહ્મચર્ય તથા સંયમથી શરીર અને મનને પૂરેપૂરી રીતે પોતાના વશમાં કરી લેવું, નિયંત્રણમાં રાખવું તે સાધના છે. આરાધનાનો અર્થ સેવા છે. હંમેશાં બીજાની ભલાઈનું ધ્યાન રાખવું. પોતાના સ્વાર્થ અને હિતોની પૂર્તિમાં લાગી રહેવું નહિ, પણ સમાજની ઉન્નતિ માટે વિચારવું. બધાની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ માનવી. જે માનવી આ રીતે ધર્માનુસાર આચરણ કરે છેતે હંમેશાં આગળ વધે છે અને સ્વર્ગીય વાતાવરણ બનાવે છે, બધાને માટે સુખશાંતિનો માર્ગ મોકળો કરે છે.
માનવીનું જીવન વિચિત્ર પ્રકારનું જીવન છે. એમાં તે પશુ કરતાં પણ વધારે નીચે જઈ શકે છે અને એટલો ઉપર પણ ઊઠી શકે છે કે દેવો પણ તેનાથી નીચે રહી જાય છે. તમે જાતે નિર્ણય કરો કે તમારે ક્યાં જવું છે ? આ જે માનવયોનિ મળી છે તેમાં પશુ જેવું આચરણ કરવું છે કે પછી દેવત્વનું આચરણ કરવું છે. નીચે પડવું તો બહુ જ સરળ છે, પણ ઉપર ચડવા માટે, જીવનમાં ઉન્નતિ કરવા માટે પ્રબળ પુરુષાર્થની જરૂર પડે છે. માછલીની જેમ નદીના પ્રવાહને ચીરીને સામી દિશામાં તરવાનું સાહસ કરવું પડે છે. માનવીએ જીવનમાં હંમેશાં ઉન્નતિ તરફ આગળ વધવાનું છે. વેદનું સૂચન છે “ઉઘાનં તે પુરુષ નાવયાતનમ્’ હે માનવી ! તારે જીવનમાં ઊંચે ઊઠવાનું છે, નીચે પડવાનું નથી.
જીવનમાં ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધવા માટે પરમેશ્વરના આશ્રયની જરૂર પડે છે. તેમના દૈવી ગુણોનો પોતાના આચરણમાં સમાવેશ કરવો તે એકમાત્ર માર્ગ છે. તેના માટે માનવતાની સાધના કરવાની હોય છે. માનસિક ભાવોની શુદ્ધિ કરવી પડે છે અને આત્મનિરીક્ષણને જીવનનું અંગ બનાવવું પડે છે. તે પછી સજાગતા અને સાવધાનીની જરૂરિયાત પડે છે, જેનાથી તે નિયમોને દૃઢતાપૂર્વક પાળી શકાય. સંસારમાં સૌથી અઘરું કામ માનવીનું નિર્માણ કરવાનું છે. માનવીનું મનુષ્યત્વ તેના માનસિક ભાવોની ઊંચાઈથી પ્રગટ થાય છે.
આ માનવધર્મનું પાલન કરવાથી માણસ માણસ બની શકે છે અને ઈશ્વરીય પ્રયોજનને પૂરું કરી શકાય છે.
પ્રતિભાવો