૩૪. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૬/૧૯/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૬/૧૯/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
પવમાનઃ પુનાતુ મા ક્રત્વે દક્ષાય જીવસે । અધો અરિષ્ટતાતયે ॥ (અથર્વવેદ ૬/૧૯/૨)
ભાવાર્થ : હે પરમાત્મા ! મારા હૃદયમાં ભક્તિભાવ અને કર્મણ્યતાનો વિકાસ થાય. મને આરોગ્ય અને જીવન મળે, મને બધી બાજુથી પવિત્ર બનાવો.
સંદેશ ; માનવીએ બહારથી અને અંદરથી પવિત્ર રહેવું જોઈએ કેમ કે પવિત્રતામાં જ પ્રસન્નતા રહેલી છે. પવિત્રતામાં મનની પ્રસન્નતા, શીતળતા, શાંતિ, નિશ્ચિંતતા, પ્રતિષ્ઠા અને સચ્ચાઈ રહેલાં હોય છે. ચૈતન્ય, સજાગતા, સુરુચિ, સાત્ત્વિકતા, સ્વચ્છતા, સાદાઈ અને સુવ્યવસ્થામાં સૌંદર્ય છે તેને પવિત્રતા કહે છે.
પવિત્રતા એક આધ્યાત્મિક ગુણ છે. આત્મા સ્વાભાવિક રીતે પવિત્ર અને સુંદર છે એટલે આત્મપરાયણ માનવીના વિચાર, વ્યવહાર અને વસ્તુઓ હંમેશાં સ્વચ્છ અને સુંદર હોય છે.
માનવીએ હંમેશાં બાહ્ય અને આંતરિક સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. અંદરની પવિત્રતાથી તે શ્રેષ્ઠ, શાલીન, સજ્જન અને સુસંસ્કારી બને છે. માનસિક પવિત્રતા માનવીને તપસ્વી, સંયમી અને નિયમિત જીવન તરફ પ્રેરિત કરે છે, જેનાથી તેને સ્વાસ્થ્ય, આરોગ્ય અને દીર્ઘાયુનું વરદાન મળે છે. ઇન્દ્રિયો શક્તિશાળી અને સબળ હોય છે. ઇન્દ્રિયોનું સંચાલન મન વડે થાય છે. આ મન ખરીખોટી ઇચ્છાઓ અને અભિલાષાઓ કર્યા કરે છે અને શરીરને પ્રભાવિત કરે છે.
શારીરિક અને માનસિક પવિત્રતાની સાથે આધ્યાત્મિક પવિત્રતા જરૂરી છે, કારણ કે તેના વગર માનવજીવનનું મુખ્ય લક્ષ્ય એવી આત્મોન્નતિ થઈ શકતી નથી. આધ્યાત્મિક પવિત્રતાથી સાચો પ્રેમ, ભક્તિ, દયા, ઉદારતા તથા પરોપકારની ભાવના જાગૃત થાય છે અને દેવત્વનો વિકાસ થાય છે. લોકોમાં સામાન્ય રીતે તમોગુણ અને રજોગુણ મુખ્ય છે. આધ્યાત્મિક સાધના સતોગુણનો વિકાસ કરે છે. સતોગુણી બુદ્ધિ માનવીને જીવંત અને પ્રાણવાન બનાવે છે. સત્સંગ, સ્વાધ્યાય, સેવા, સંયમ અને સાધનાથી પ્રેરિત કરીને યશસ્વી બનાવે છે.
શાસ્ત્રોએ એ વાત સ્પષ્ટ રૂપે કહી છે કે જન્મથી આપણે બધા શૂદ્ર છીએ. કોઈ પણ જન્મજાત બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ બનવા માટે આત્મબળ, તપબળ, નૈતિકબળ અને ધર્માચરણની જરૂર પડે છે. જો કોઈ માણસમાં આ બધા ગુણ ન હોય તો તે બ્રાહ્મણકુળમાં જન્મ લીધો હોવા છતાં શૂદ્રથી પણ નીચી કક્ષાનો છે.આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે મન બદલાઈ જાય, માનવીનું ચરિત્ર બદલાઈ જાય. ફકત બહારની ટાપટીપથી કશું થતું નથી. ઢોંગ અને આડંબર આપણા સૌથી મોટા શત્રુ છે. બહાર કંઈક અને અંદર કંઈક રાખવાથી સફળતા મળતી નથી. જેની કથની અને કરણીમાં અંતર ન હોય તેમના હૃદયમાં ભક્તિ અને કર્મણ્યતાના ભાવ જાગૃત થાય છે. એવા લોકો જીવનમાં દરેક કામમાં સફળતા મેળવે છે અને પોતાના સંપર્કમાં આવનારાને સન્માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપે છે. તેઓ પોતાની પ્રતિભા અને ક્ષમતા વડે લોકોના મનની તામસી અને રાજસી વૃત્તિઓને દૂર કરીને તેમનામાં સાત્ત્વિકતાનાં બીજ વાવે છે અને તેમના જીવનને શુદ્ધ અને પવિત્ર બનાવી દે છે.
શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પવિત્રતાથી જીવનોદેશની પ્રાપ્તિ શક્ય છે.
પ્રતિભાવો