૩૫. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૮/૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૮/૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઉત્ ક્રામાતઃ પુરુષ ભાવ પત્થા મૃત્યોઃ પડવીશમવમજ્જમાનઃ । મા ચ્છિત્થા અસ્માલ્લોકાદગ્ને: સૂર્યસ્ય સંદૃશઃ ॥ (અથર્વવેદ ૮/૧/૪)
ભાવાર્થ : હે મનુષ્યો ! તમારે વર્તમાન અવસ્થાથી જ સંતુષ્ટ થઈ જવું જોઈએ નહિ. તમારે આગળ વધવાનું છે અને શરીર તથા આત્મબળ વડે પુરુષાર્થ કરવાનો છે.
સંદેશ ; પ્રગતિની શું કોઈ મર્યાદા હોય છે ? સંસારમાં કેટલું જ્ઞાન વિજ્ઞાન છે એ કોઈ જાણી શક્યું છે? વેદનાં ગૂઢ રહસ્યોની ભાળ કોઈ મેળવી શક્યું છે ? માનવી આજે પણ સંસારનાં રહસ્યો શોધવામાં પડ્યો છે.
પ્રગતિનો, ઉન્નતિનો આ આધાર છે – ઊઠો, ચાલો, પડો, ફરી ઊઠો, આગળ વધો, વારંવાર આ કરતા રહો, સતત ઉદ્યમી રહો, હિંમત હારો નહિ, ધીમે ધીમે શિખર ઉપર પહોંચી જવાશે. નિષ્ફળતાથી ગભરાશો નહિ. એનાથી ફક્ત એટલું જ જાણી શકાય છે કે સફળતાનો પ્રયાસ પૂરા મનથી થયો નથી. ફરી બમણા ઉત્સાહથી જોડાઈ જાઓ.
આ બધું શું ફક્ત કહેવાથી થઈ જાય છે ? શરીરબળ અને આત્મબળના અભાવે શું આ શક્ય બનશે? ના. આ માટે તો તપ,સંયમ તથા બ્રહ્મચર્યથી શરીરને એટલું તંદુરસ્ત બનાવવું પડશે કે તે બધી સાંસારિક મુશ્કેલીઓને સરળતાથી ઝીલી શકે. ગાંધીજીએ પોતાનું શરીર એવું લોખંડ જેવું બનાવ્યું હતું કે ઈંગ્લેંડની ઠંડી તેમના ખુલ્લા શરીરને પ્રભાવિત કરી શકી ન હતી. શરીર પરનું નિયંત્રણ જ સંયમની સાધનાને સરળ કરી નાખે છે. ઇન્દ્રિયોને વશમાં કરવાનું આ પહેલું પગથિયું છે. તેનાથી આત્મબળ વધે છે. મનનો ઘોડો અહીંતહીં ભટકતો નથી. મહાન બનવા માટે આત્મશક્તિ અત્યંત જરૂરી છે. તેનાથી બીજાં બધાં બળ મેળવી શકાય છે. ધનબળ અને બુદ્ધિબળથી લૌકિક પ્રગતિ શક્ય છે, ભૌતિક સુવિધાઓ મળે છે, પરંતુ આત્મબળથી ઘણુંબધું મળી જાય છે.જેનું આત્મબળ મજબૂત હોય તે જીવનના આદર્શો અને સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારે છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે છે.
આપણે સૂર્યદેવતાને આપણો આદર્શ બનાવવો જોઈએ.સૂર્ય દરેક પળે, દરેક ક્ષણે સતત પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. સંસાર માટે પોતાના સમગ્ર જીવનનો ત્યાગ કરી દેવા માટે તૈયાર રહે છે. બધાને પ્રકાશ, તાપ અને ઊર્જાની સહાયતા કરતો રહીને સંસારની ગંદકીને સૂકવીને નષ્ટ કરવાના કામમાં પૂર્ણ આત્મબળથી સંલગ્ન છે. લગાતાર પુરુષાર્થના રસ્તા ઉપર આગળ વધવા છતાં ઊભા રહેવાનું નામ લેતો નથી. એને પોતાનો કોઈ સ્વાર્થ નથી. જીવનમાં સફળતાનું આ રહસ્ય છે.
“નર યદિ પ્રયાસ કરે તો નરસે નારાયણ બન જાયે” આપણા ઋષિઓ અને વિદ્વાનોએ સમગ્ર સંસારને આ આશ્વાસન અને માર્ગદર્શન આપ્યું છે, પણ આ પ્રયાસ કેવી રીતે કરી શકાય ? તેનું આધારભૂત તત્ત્વ કયું છે ? દેવત્વના ગુણને પોતાના આચરણમાં ઉતારવાના પ્રયત્નોમાં આપણે ક્યારેય ઢીલ કરવી જોઈએ નહિ. તેનાથી નરમાંથી નારાયણ બનવામાં સફળતા મળી શકે છે.
સૂર્યની જેમ સતત પ્રયત્નશીલ રહેવામાં જ જીવન છે. આ જ બ્રાહ્મણનો ધર્મ છે.
પ્રતિભાવો