૧૧. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૩૯/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૩૯/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
શચીભિર્નઃ શચીવસૂ દિવા નક્તં દશસ્યતમ્ | મા વાં રાતિરુપ દસત્કદા ચનાસ્મદ્રાતિઃ કદાચન ॥ (ઋગ્વેદ ૧/૧૩૯/૫)
ભાવાર્થ : આ સંસારમાં શિક્ષક અને ઉપદેશક હંમેશાં સારી શિક્ષણયુકત વાણીથી લોકોને સદાચારનું શિક્ષણ આપ્યા કરે, જેથી કોઈની ઉદારતા નાશ પામે નહિ.
સંદેશ : બ્રાહ્મણને ભગવાનનો પ્રતિનિધિ કહેવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે લોભી, લાલચુ, લંપટ તથા ગમે તેવા બ્રાહ્મણને ‘બ્રાહ્મણ દેવતા’” કહેવાય. સાચો બ્રાહ્મણ દેવતાઓની જેમ રાષ્ટ્રના બધા નાગરિકોને જ્ઞાનવાન, શક્તિવાન, શીલવાન અને તેજવાન બનાવે છે. કોઈ પણ જગ્યાએ અજ્ઞાન, કુરિવાજો, કુવિચારો અને કુસંસ્કારોનો પ્રકોપ દેખાતો હોય ત્યાં પ્રાણના ભોગે પણ તેમનો નાશ કરવા પ્રયત્નશીલ રહે છે. નિઃસ્વાર્થભાવથી સમાજના ચતુર્મુખી વિકાસને જ પોતાના જીવનનું ધ્યેય સમજે છે.
શિક્ષક, ઉપદેશક, પરિવ્રાજક વગેરે બ્રાહ્મણ જેવી ઉચ્ચતમ શ્રેણીના માણસો હતા. તેઓ ઉપાસના અને સાધનાથી મેળવેલ જ્ઞાન જનતામાં વહેંચીને આનંદિત થતા હતા. પરમપિતા પરમેશ્વરે બનાવેલા આ સંસારના દરેક પ્રાણીની ઉન્નતિને તેઓ ઈશ્વરીય આદેશ માનીને તેમાં તન, મન અને ધનથી લાગી રહેતા હતા. રાષ્ટ્રનો કીર્તિધ્વજ હંમેશાં ફરકતો હતો.
પરંતુ આજે પરિસ્થિતિ ઊલટી થઈ ગઈ છે. શિક્ષકગણ પોતાનાં કર્તવ્યો તરફ જરા પણ ધ્યાન આપતો નથી. સાચું જ્ઞાન આપવાને બદલે વિદ્યાર્થીઓને જાતજાતના ખરાબ સંસ્કાર શીખવીને ખોટા રસ્તે વાળી દે છે. ઉપદેશક, પરિવ્રાજક, ધર્માચાર્ય, મઠાધીશ વગેરે ભોળી જનતાને ભરમાવીને તેમની ભાવનાઓને બહેકાવવામાં લાગ્યા રહે છે. જાતજાતના નકલી ભગવાન અને અવતારના ચમત્કારો બતાવીને બીવડાવે છે અને ધર્મની આડમાં પોતાનું ધાર્યું કરી લે છે. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે દેશમાં મોટી સંખ્યામાં માણસો સ્વાર્થી, દગાબાજ અને લુચ્ચા થઈ ગયા છે. તેમની સંવેદના મરી પરવારી છે, ઉદારતા નાશ પામી છે. તેમનું જીવન પશુઓથી પણ હલકી કક્ષાનું બની ગયું છે. દેવતા બનવાનું તો બાજુ ઉપર રહ્યું, પરંતુ તેઓ માનવી પણ રહ્યા નથી, દાનવ બની ગયા છે, અસુર બની ગયા છે, રાક્ષસ બની ગયા છે.
શું પરમાત્માએ એટલા માટે માનવીને આટલું સર્વગુણસંપન્ન શરીર આપ્યું છે, બુદ્ધિ આપી છે કે તે બીજાને અયોગ્ય શિક્ષણ આપી પતનના માર્ગે લઈ જાય ? ખરેખર એવું નથી. વેદોએ તો માનવજાતિને સૂર્ય સમાન જીવન જીવવાનો આદેશ આપ્યો છે. જેમ સૂર્ય ઉદય પામીને ઉપર તરફ આગળ વધે છે તેમ માનવીએ પણ હંમેશાં ઉન્નતિના માર્ગે આગળ વધવું જોઈએ. એટલું જ નહિ, સૂર્ય સંસારને પ્રકાશ આપે છે, શક્તિ આપે છે, તેવી જ રીતે બીજાને જ્ઞાનનો પ્રકાશ આપવો જોઈએ. સત્પ્રેરણા અને સાચી સલાહથી બીજાનો માર્ગ ઉજાળવો જોઈએ, જીવનશક્તિ પ્રદાન કરવી જોઈએ, તેમને પુરુષાર્થ અને સમયપાલનનું શિક્ષણ આપવું જોઈએ. સૂર્ય જેમ સંસારની ગંદકીને પોતાના તાપથી નષ્ટ કરી દે છે તેવી રીતે બધાના દોષદુર્ગુણોને દૂર કરીને સદ્ગુણોની સ્થાપનાનો પ્રયાસ કરવો જોઈએ. જનતાને વેદનો આ આદેશ છે. માનવી પાસે સર્વશક્તિમાન પરમેશ્વરની આ જ અપેક્ષા છે.
વિદ્વાનો અને બ્રાહ્મણો પાસે પરમ પિતાને આનાથી પણ વધુ મોટી અપેક્ષા છે. પ્રત્યેક જ્ઞાનવાન માણસે વેદના આ નિર્દેશને હૃદયંગમ કરીને સાચા બ્રાહ્મણ બનવું જોઈએ.
પ્રતિભાવો