૫. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૮૬/૧૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૮૬/૧૦ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ગૃહતા ગુહ્યં તમો વિ યાત વિશ્વમત્રિણમ્ । જ્યોતિષ્મર્તા યદુશ્મસિ II (ઋગ્વેદ ૧/૮૬/૧૦)
ભાવાર્થ : હે ઈશ્વર ! અમે અંધારી ગુફામાં પડ્યા છીએ. આ ઘોર અંધકારમાં ખાઈ જનારા અનેક રાક્ષસો અમને સતાવી રહ્યા છે. આ અંધકારનો નાશ કરીને અમને પ્રકાશનું દાન આપો, જેનાથી આ શત્રુઓથી અમારો છુટકારો થાય.
સંદેશ : આ મંત્રમાં ઈશ્વરને સાધારણ અંધકાર દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવી નથી, જેને એક દીપક સળગાવવાથી અથવા વીજળીનું બટન દબાવવાથી દૂર કરી શકાય. અહીં તાત્પર્ય અજ્ઞાનરૂપી અંધકાર સાથે છે. આપણે ચારેયબાજુથી અજ્ઞાનથી ઘેરાયેલાં છીએ. એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, સ્વાર્થ વગેરે આપણા આત્માને પતનની ખાઈમાં નાખવા માટે પ્રયત્નશીલ હોય છે. આપણે પોતાનું કે સંસારનું ભલું કરી શકતા નથી.
ભગવાને આપણા પાછલા જન્મનાં પુણ્યકર્મોના ફળસ્વરૂપે આપણને આ મનુષ્યશરીર આપ્યું, “બડે ભાગ માનુષ તન પાવા.” આ શરીર એટલા માટે આપ્યું છે કે પ્રભુએ આ સંસારરૂપી સુંદર બગીચો બનાવ્યો છે તેને આપણે માળીની માફક વધુ સુંદર બનાવીએ, પરંતુ અજ્ઞાનવશ આપણે તેના તરફ જોવા જ ઇચ્છતા નથી અને પોતાના નીચ અને હલકા સ્વાર્થોની પૂર્તિમાં જ લાગ્યા રહીએ છીએ. નિરંતર લોભ, મોહ અને કામની પૂર્તિ કરવા તાણાવાણા વણીએ છીએ અને તેમાં અડચણ આવતાં ક્રોધ કરીએ છીએ. પુત્રૈષણા, લોકૈષણા અને વિન્નૈષણા સિવાય આપણને બીજું કાંઈ દેખાતું જ નથી. સંસારમાં જે કાંઈ છે તે બધું મને મળવું જોઈએ. બીજા ભૂખ્યા મરે તેની મને કોઈ ચિંતા નથી. સ્વાર્થપૂર્તિ માટે આપણે આંધળા થઈ જઈએ છીએ. આપણી ચારેબાજુ એટલી ઊંચી દીવાલ ઊભી કરી લઈએ છીએ કે પરમાત્માનો દિવ્યપ્રકાશ આપણા સુધી પહોંચી શકતો નથી.
આપણો આત્મા પંચકોશોની અંધારી ગુફામાં પડ્યો પડ્યો ચીસો પાડે છે, પણ આપણને તેનો અવાજ સંભળાતો નથી. તે દિવ્ય પ્રકાશથી જ આપણે આપણા આત્માને જોઈ શકીએ છીએ, તેનો અવાજ સાંભળી શકીએ છીએ અને આત્મા તથા ૫રમાત્માના મિલનના દિવ્ય આલોકને ચારેબાજુ ફેલાવી શકીએ છીએ. આત્મજ્યોતિના પ્રકાશની આગળ હજારો સૂર્યની જ્યોતિ પણ ફીક્કી પડી જાય છે. “તમસો મા જ્યોતિર્ગમય, અસતો મા સદ્ગમય” અજ્ઞાનનું અંધારું જતું રહેતાં સત્યની જ્યોતિ મારા જીવનને પ્રકાશિત કરે. “મૃત્યોર્મા અમૃતમ્ ગમય” આપણે મૃત્યુથી અમરતા તરફ આગળ વધીએ. સત્યજ્ઞાનની પ્રાપ્તિ થવાથી જ માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરનારા રાક્ષસોને ઓળખવા શક્ય બને છે. ત્યારે ખબર પડે છે કે જેમને આપણે પોતાના હિતેચ્છુ સમજીએ છીએ તેઓ આપણી ઘોર ખોદતા રહે છે અને જેમને શત્રુ માનતા હતા તેઓ જ ખરા મિત્ર છે.
ભારતીય જીવનપદ્ધતિનો આ સાર છે. ભારતીય શાસ્ત્રો અને વિદ્યાનું આ જ લક્ષ્ય છે. અંતઃકરણમાં પરમ જ્ઞાનને પ્રગટાવીને તેના પ્રકાશથી જીવનભર માર્ગદર્શન મળતું રહે એવી અહીં પૂરી વ્યવસ્થા છે. ચિત્તમાં જ્ઞાનનો ઉદય થવાથી બધાં કર્મો તે પ્રમાણે જ થાય છે અને માનવી સરળતાથી આત્મોન્નતિના માર્ગ ઉ૫૨ આગળ વધે છે.
અજ્ઞાનનું અંધારું દૂર થતાં જ જીવનલક્ષ્યની પ્રાપ્તિ શક્ય બને છે.
પ્રતિભાવો