૧૭. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૦૧/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૦૧/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ઉદ્દબુધ્વધ્વં સમનસઃ સખાયઃ સમગ્નિમિન્ધવં બહવઃ સનીલાઃ । દધિક્રામગ્નિમુષસં ય દવીમિન્દ્રાવતોડવસે નિ હ્વયે વઃ II (ઋગ્વેદ ૧૦/૧૦૧/૧)
ભાવાર્થ : જે સમાજમાં વધુમાં વધુ લોકો એક મન, એક વિચાર અને એક સંકલ્પવાળા હોય છે તે સમાજ ઉન્નતિશીલ હોય છે. ત્યાં લોકો તેજસ્વી હોય છે.
સંદેશ : માનવી એક સામાજિક પ્રાણી છે. તે એકલો રહી શકતો નથી અને કશું કરી શકતો નથી. તેની બધી જ પ્રવૃત્તિઓ બીજાના આચરણની અસર હોય છે. સાંસારિક કામકાજની સફળતા માટે અનેક માણસોએ ભેગા મળીને સહકાર આપવો પડે છે.
દરેક માણસ મન, વચન, કર્મ અને સ્વભાવથી સ્વતંત્ર છે. તે જે ઇચ્છે તે વિચારી શકે છે અને કરી શકે છે, પરંતુ જો ભેગા મળીને, એક જ પ્રકારનું ચિંતન અને મનન કરીને, એક જ સંલ્પની પૂર્તિ માટે કર્મ કરવામાં ન આવે તો સફળતા મળતી નથી. માનવી સમાજનું એક અવિભક્ત અંગ છે. જ્યાં સુધી તે પોતાના સ્વાર્થની વાત વિચારશે ત્યાં સુધી ન તો પોતાનું ભલું કરી શકશે કે ન સમાજનું ભલું કરી શકશે. ઊલટાનું અરાજકતાનું વાતાવરણ બની જશે, પરંતુ જ્યારે તે બધાના હિતમાં પોતાનું હિત સમજશે, પોતાની ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને લાલસાઓ ઉપર સંયમ રાખશે, તો સમાજમાં ચારેબાજુ સુખશાંતિનું વાતાવરણ બની જશે. દરેક માણસ ઉન્નતિના માર્ગે આગળ વધશે તથા તેજસ્વી, ઓજસ્વી અને વર્ચસ્વી બનશે.
સૌથી મહત્ત્વની વાત તો એ છે કે નર અને નારીને એક સમાન માનવાં જોઈએ. નારીને ‘પાંવકી જૂતી’ અથવા ઢોલ, ગમાર, શૂદ્ર, કે પશુ જેવી માનવી જોઈએ નહિ. દેશ અને દુનિયામાં સ્ત્રીઓની પરિસ્થિતિ દયાજનક અને દુખદ છે. પતિપત્ની જો એક મનથી, એક વિચારથી સમાન સ્તરે પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ લે, તો સર્વત્ર સુખશાંતિની વર્ષા થવા લાગશે. દેશ અને સમાજની પ્રગતિ માટે સુયોગ્ય નાગરિકો જોઈએ. આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે માતાપિતા બંને ભેગાં મળીને આ જવાબદારી નિભાવે. ત્યારે જ ‘નર ઔર નારી એક સમાન’ નો નારો સાર્થક થશે. જીવનના વ્યાપક ક્ષેત્રમાં આ પ્રકારના સહયોગ અને સહકારથી પ્રગતિના માર્ગ ઉપર આગળ વધી શકાશે. આ વિચારધારા ખેતી સાથે સંકળાયેલા લોકો, કારખાનાં, કાર્યાલય વગેરે બધાં ક્ષેત્રોમાં જરૂરી છે.
જ્ઞાન,વિજ્ઞાન, તપ, સાધના વગેરે ભલે ગમે તેટલા ઊંચા સ્તરનાં હોય, પરંતુ જો તેમનો હેતુ સમાજની ઉન્નતિ કરવાનો ન હોય, તો સમજી લેવું જોઈએ કે તે બધું નિષ્ફળ જ નહિ, પરંતુ હાનિકા૨ક પણ બનશે. રાવણે સમાજની ઉન્નતિ માટે દરકાર રાખી નહિ અને પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે મન, વિચાર અને સંકલ્પનું સંયોજન કર્યું, પરિણામે તે પોતે, તેનું કુટુંબ, ધનબળ, બુદ્ધિબળ, સૈન્યબળ બધું જ નાશ પામ્યું. આવી દશા ભસ્માસુર અને દુર્યોધનની પણ થઈ હતી.
બ્રાહ્મણોનું એ પરમપુનિત કર્તવ્ય છે કે તેઓ સમાજમાં ફેલાયેલા કુવિચારોનો નાશ કરીને લોકોના મન, વિચાર અને સંકલ્પને સન્માર્ગ તરફ લઈ જાય. વિચારક્રાંતિ અભિયાનનો આ જ ઉદ્દેશ છે અને આ જ સાચું બ્રાહ્મણત્વ છે.
પ્રતિભાવો