૧૩. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૦૧/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૦૧/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
નિરાહાવાકૃણોતન સં વરત્રા દધાતન | સિંચામહા અવતમુદ્રિણં વયં સુષેકમનુપક્ષિતમ્ ॥ (ઋગ્વેદ ૧૦/૧૦૧/૫)
ભાવાર્થ : ખેડૂત ભૂમિના આધારે પેટનું પાલન કરનારો હોય છે, એટલે સમાજમાં તેને શ્રેષ્ઠ સ્થાન મળવું જોઈએ. શિક્ષિત લોકો જ સારા ખેડૂતો થઈ શકે છે.
સંદેશ : પરમેશ્વર દરેક પ્રાણીનો જન્મ થતા પહેલાં જ તેનું પેટ ભરવાની વ્યવસ્થા કરી દે છે. સૌથી પહેલાં તો તેને તેની માતાનું દૂધ મળે છે. જીવનપર્યંત માનવીઓનાં પેટ ભરવા માટે અન્ન પેદા કરવા ભગવાને ખેડૂતને પોતાના પ્રતિનિધિના રૂપમાં નિયુક્ત કર્યો છે. આ ખેડૂત જ આપણો અન્નદાતા પરમેશ્વર છે. તેઓ ફક્ત ઘઉં, ચણા, ચોખા, દાળ વગેરેની જ પેદાશ કરતા નથી, પણ જાતજાતનાં પૌષ્ટિક ફળો, વનસ્પતિઓ, ઔષધિઓ, જડીબુટ્ટીઓ વગેરે પણ ઉત્પન્ન કરે છે. તેમના શ્રમથી પશુઓને યોગ્ય આહાર મળે છે અને આપણે માટે તેઓ ઘી, દૂધની નદીઓ વહેવડાવે છે. ખેડૂત જ પોતાના તપ અને સાધનાથી આપણા માટે અન્ન, ફળ, ઔષધિ, જળ, વાયુ, પશુધન અને સુખસંપત્તિની સહાય ધરતીમાતા પાસેથી મેળવે છે. તે આપણી પ્રાણશક્તિ છે, જીવનનો આધાર છે, પ્રજાપાલક છે. તેનું સ્થાન ભગવાનથી ઓછું નથી. તેના સહયોગ વગર સંસારનું કોઈ પણ કામ થઈ શકતું નથી. “ભૂખે ભજન ન હોય ગોપાલા.”
આ ખેડૂતને સમાજમાં સર્વશ્રેષ્ઠ સ્થાન મળવું જોઈએ. રાજા જનકે જાતે ખેતરમાં હળ ચલાવીને ખેડૂતની ગરિમા વધારી હતી, પણ આજની વ્યવસ્થામાં સૌથી વધુ શોષણ ખેડૂતનું જ થઈ રહ્યું છે. રાજનેતા, અધિકારી, વેપારી વગેરે સંસારનાં બધાં સુખસગવડોને પોતાના જ બજામાં રાખવાનો પ્રયત્ન કરે છે અને ભારે મહેનત કરવા છતાં ખેડૂત પોતાનું પેટ પણ ભરી શકતો નથી. આવું શાથી થઈ રહ્યું છે ? શું આપણે મર્યાદાઓનું તથા નાગરિક કર્તવ્યોનું પાલન કરવામાં અનિચ્છા પ્રદર્શિત કરીએ છીએ ? સાચું તો એ છે કે આજે આપણા વિચારો ખરાબ થઈ ગયા છે. સ્વાર્થ, માયા, મોહ, લોભ વગેરેના પડદાની આડશમાં આપણને કશું દેખાતું નથી.
બ્રાહ્મણ જાતે જ સ્વાર્થમાં આંધળો થઈને પતિત થઈ ગયો છે. તે સમાજને જાગૃત કરીને તેને કર્તવ્યનિષ્ઠ બનાવવાની પોતાની મહાન જવાબદારીને ભૂલી ગયો છે. તેનાથી ખેડૂતની પણ દુર્દશા થઈ રહી છે. તે પણ ચારે બાજુ રહેલાં ભૌતિક સાધનોથી ભ્રમિત થઈને તેમની પાછળ આંધળી દોટ મૂકવાની લાલસા રાખતો થઈ ગયો છે. તે બીજાની દેખાદેખીથી શ્રમ તરફથી વિમુખ થવા લાગ્યો છે અને નબળો તથા કામચોર થતો જાય છે. તેની પ્રતિભા કુંઠિત થતી જાય છે. તે પોતાના વિવેકનો ઉપયોગ યોગ્ય રીતે કરતો નથી. આથી તેના શરીર, મન અને બુદ્ધિની સક્રિયતા અને પ્રખરતામાં ઓટ આવવા લાગી છે. પોતાના ખોટા ચિંતન અને અવિચારી નિર્ણયોને લીધે તેમને દરેક રીતે નુકસાન, નિરાશા અને હતાશાનો સામનો કરવો પડે છે.
આનું મૂળ કારણ છે – ખેડૂતોમાં શિક્ષણનો અભાવ. એકબીજાને સહકાર આપવો, એક્બીજાના અનુભવનો લાભ ઉઠાવવો અને પ્રાકૃતિક સાધનોનો સમૂહમાં સદુપયોગ કરવો વગેરે ઉત્તમ ખેતીના મુખ્ય આધારો છે. વરસાદના પાણીને નકામું વહી જતું અટકાવીને અને તેનો યોગ્ય રીતે સંગ્રહ કરીને ધરતીને લીલીછમ રાખવા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે.
બ્રાહ્મણોનું અને વિદ્વાનોનું આ કર્તવ્ય છે કે તેઓ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપે.
પ્રતિભાવો