૧૮. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૯૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૯૧/૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
સમાની વ આકૂતિઃ સમાના હૃદયાનિ વઃ । સમાનમસ્તુ વો મનો યથા વ: સુસહાસતિ । (ઋગ્વેદ ૧૦/૧૯૧/૪)
ભાવાર્થ : અમારું હૃદય, મન અને સંકલ્પ એક જ હોય, જેનાથી અમારું સંગઠન ક્યારેય બગડે નહિ.
સંદેશ : સંગઠન, સહયોગ અને મૈત્રીભાવ સ્વસ્થ સમાજનાં આવશ્યક અંગો છે. સમાજમાં દરેક પ્રકારના માણસો હોય છે. મૂર્ખ વિદ્વાન, રોગી–સ્વસ્થ, નાસ્તિક-આસ્તિક, ભોગી-ત્યાગી વગેરે પરસ્પર વિરોધી પ્રકૃતિના માણસો ચારેબાજુ દેખાય છે. દરેક માણસનો દૃષ્ટિકોણ, વિચાર, અનુભવ, અભ્યાસ, જ્ઞાન, સ્વાર્થ, રુચિ અને સંસ્કાર જુદા જુદા હોય છે. એટલે બધા એકસરખું વિચારી શકતા નથી. તેથી એ જરૂરી છે કે દરેક માણસ બીજા પ્રત્યે સહિષ્ણુ અને ઉદાર બને. મતભેદ રાખનારને મૂર્ખ, અજ્ઞાની, દુરાગ્રહી, દુષ્ટ અથવા વિરોધી માની લેવો યોગ્ય નથી. સહિષ્ણુતા જ સંગઠનનો પ્રાણ છે. તેના આધારે સમાજમાં બધાનાં હૃદય, મન અને સંકલ્પ એક જ દિશામાં ચાલે છે અને દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થાય છે.
અસહિષ્ણુતાથી સમાજમાં ઠગાઈ, વિશ્વાસઘાત, ક્રોધ, વેરઝેર વગેરે બૂરાઈઓ જન્મે છે અને અરાજકતાનું વાતાવરણ બની જાય છે. સમાજમાં ચારે બાજુ દાદાગીરી, ગુંડાગીરી, લુચ્ચાઈ તથા પ્રપંચનો ભય ફેલાય છે. જનજીવન અસુરક્ષિત અને અશાંત થઈ જાય છે. આજે બધે જ આવું જોવા મળે છે.
સંગઠનનો અત્યંત સુંદર આદર્શ આપણને ભગવાન શિવશંકરના જીવનમાં જોવા મળે છે. આંધળા, લંગડા, કોઢવાળા, રોગી બધાને એકસરખા માનીને પોતાની સાથે રાખવાનું તેમનામાં સામર્થ્ય હતું. સર્પ જેવા બીજાને ડસીને તેનું અહિત કરવાની ખરાબ ભાવનાથી ઘેરાયેલા લોકોને તેમણે પોતાના વશમાં રાખ્યા હતા અને પોતાના ગળાનો હાર બનાવ્યા હતા. આ રીતે વિવિધ અને વિપરીત પ્રકૃતિના માણસોને એક સૂત્રમાં બાંધી સમાજ માટે ઉપયોગી બનાવવાનો સંકલ્પ તેમણે ચરિતાર્થ કર્યો હતો. પોતે નગ્ન રહ્યા, ભસ્મ લગાવતા રહ્યા, પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખી, બધાના ક્લ્યાણાર્થે વિષ પીધું અને સાથે સાથે સમાજના દરેક વર્ગમાં સહયોગ, સહકાર અને સહિષ્ણુતાની ભાવનાની સ્થાપના કરી.
સમાજ અને કુટુંબની સર્વતોમુખી પ્રગતિ માટે એ જરૂરી છે કે લોકો બીજાના વિચારોને મહત્ત્વ આપે, સારી વાતોને માને અને ખોટી વાતોનો પ્રતિકાર કરે. પોતાના સન્માન અને સહિષ્ણુતામાં સંગઠનની શક્તિ સમાયેલી છે.
આપણે જોઈએ છીએ કે ચોર, ડાકુ, બદમાશ વગેરે પોતાનું સંગઠન કેટલું મજબૂત રાખે છે. કોઈ પણ પ્રકારનો મતભેદ કરતા નથી અને એકે કહી દીધું તેનું બીજા બધા જીવનપર્યંત પાલન કરે છે. તેનું કારણ એ હોય છે કે તેમને પોતાના નેતાનો ભય રહે છે. જો તેઓ વિરોધ કરે, અસહયોગ કરે, તો સરદાર જાનથી મારી નાખે છે. આપણે પોતાના નેતાને, સરદારને બિલકુલ ભૂલી ગયા છીએ. આપણા નેતા અને સરદાર છે સર્વશક્તિમાન પરમેશ્વર. તે દંડ કરી શકે છે અને કરે પણ ખરા. આ હકીક્તને ભૂલી જવાથી સંસારમાં ઘણી બૂરાઈઓ પેદા થાય છે અને ફૂલેફાલે છે.
આપણા વિદ્વાનોમાં અને સમજદારોમાં બ્રાહ્મણત્વની ઓછપ આવવાથી જ આ પરિણામ આવ્યું છે.
પ્રતિભાવો