૨૭. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૫/૪૪/૧૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૫/૪૪/૧૪ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યો જાગાર તમૃચઃ કામયન્તે, યો જાગાર તમુ સામાનિ યન્તિ । યો જાગાર તમયં સોમ આહ, તવાહમસ્મિ સખ્યે ન્યોકાઃ ॥ (ઋગ્વેદ ૫/૪૪/૧૪)
ભાવાર્થ : જે જાગૃત છે અને આળસ તથા પ્રમાદથી હંમેશાં સાવધાન રહે છે તેમને આ સંસારમાં જ્ઞાન અને વિજ્ઞાન મળે છે. તેમને શાંતિ મળે છે. તેઓ મહાપુરુષ કહેવાય છે.
સંદેશ : “ઉત્તિષ્ઠત, જાગ્રત પ્રાપ્ય વરાન્તિબોધત” ઊઠો, જાગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહિ. સ્વામી વિવેકાનંદનો આ મૂળમંત્ર છે. એક ભજન છે. “ઊઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહા જો સોવત હૈ” અહીં સૂચન છે કે ઊઠો અને જાગો, ત્યારે જ કશુંક મળશે, નહિ તો આ માનવજીવન વ્યર્થ જશે. માનવ પહેલાં જાગે છે, પછી પથારીમાંથી ઊઠે છે. પણ શું આપણે ખરેખર જાગેલા છીએ ? આપણી ઉપર અજ્ઞાન, આળસ, પ્રમાદ અને તમોગુણનો જે નશો છવાયેલો છે તેના લીધે આપણી આંખો હજુ પણ બિડાયેલી છે. પછી આપણે જાગૃત કયાં છીએ ? ૫૨મ જાગૃત તો પરમેશ્વર છે. આપણે આપણી શક્તિ પ્રમાણે એમની જેમ હંમેશાં જાગૃત રહીશું. સદા સાવધાન અને કટિબદ્ધ રહીશું. આપણાં કર્તવ્યોનું પાલન ક૨વામાં ક્યારેય આળસ કરીશું નહિ. “કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. ” ની ભાવનાથી હંમેશાં કાર્ય પ્રત્યે સમર્પિત રહીશું, ઉદ્યમી રહીશું, પ્રમાદ કરીશું નહિ, આ રીતે મહાવરો કરતા રહેવાથી આપણે પરમેશ્વરના ગુણોને પોતાનામાં ધારણ કરી શકીશું. આ સંસાર જાગૃત લોકો માટે બનેલો છે. તેઓ આળસરહિત થઈને પોતાના પુરુષાર્થથી સાચું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સમર્થ હોય છે.
જ્ઞાનવિજ્ઞાનથી બધાનાં સુખશાંતિ માટે અનેક વસ્તુઓનું નિર્માણ થાય છે. સુખ, શ્રેય, ઐશ્વર્ય બધું તેમને મળે છે. સંસારની બધી સગવડો તેમને સહજતાથી મળે છે. આળસુ લોકો સુખસગવડોની પાછળ ભાગતા ફરે છે. લાલચ અને ઇચ્છાઓ તો કરે છે, પણ તેમના હાથમાં કશું આવતું નથી. તેઓ તામસિકતાના નશામાં પડી રહે છે, સાત્ત્વિકતાનું અમૃત તેમને મળતું નથી. આળસથી વધુ ઘાતક અને વધુ નજીકનો શત્રુ બીજો કોઈ નથી. આળસ અને પ્રમાદનો ત્યાગ કરી લોકો જ્યાં સુધી ઉદ્યમશીલતાનો માર્ગ અપનાવશે નહિ ત્યાં સુધી સ્થાયી પ્રગતિ શક્ય નથી. પરમાત્માની કૃપા મેળવવા માટે આપણે તેમનાં ચરણોમાં આપણા ઉઘમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમનાં પુષ્પો ચઢાવીશું. જેઓ પોતે પુરુષાર્થ કરે છે તેમને જ ભગવાન મદદ કરે છે . વેદની સ્પષ્ટ ઘોષણા છે “ન ઋતે શ્રાન્તસ્ય સખ્યાયદેવાઃ ।”
આજે સ્થિતિ અત્યંત વિષમ થતી જાય છે. નાનાં નાનાં બાળકો અને વિદ્યાર્થીઓ પોતાનો સમય નકામી વાતોમાં પસાર કરે છે, અશ્લીલ અને નિરર્થક સાહિત્યને રસપૂર્વક વાંચે છે અને પોતાના વિચારોને ખરાબ કરે છે. એટલું જ નહિ, ડૉક્ટર, શિક્ષક, વેપારી, ખેડૂત, મજૂર, અધિકા૨ી બધામાં કામચોરી અને આળસનો રોગ તીવ્ર વેગે ફેલાતો જાય છે.
સમાજમાંથી આળસરૂપી રાક્ષસને ભગાડવો તે બ્રાહ્મણોનું મુખ્ય કર્તવ્ય છે.
પ્રતિભાવો