૧૫. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૫/૫/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૫/૫/૨ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
નરાશંસઃ સુષૂદતીમં યજ્ઞમદાભ્યઃ । કવિર્હિ મધુહસ્ત્ય ॥ (ઋગ્વેદ ૫/૫/૨)
ભાવાર્થ : વિદ્વાન પુરુષો ઇચ્છે છે કે તેઓ સત્ય અને જ્ઞાનના સદુપદેશથી લોકોને એવા સુખી બનાવે, જેમ ગાય પોતાના દૂધથી પોતાના પાલકને સુખી બનાવે છે.
સંદેશ મધ્યકાલીન અંધકારયુગમાં કોણ જાણે કેવી રીતે આપણે ધર્મ, અધ્યાત્મ, દર્શન, આત્મજ્ઞાન, બ્રહ્મવિદ્યા, સાધના, સ્વાધ્યાય વગેરેના એવા અર્થ કરી નાખ્યા કે જેનાથી સમાજને ઊંધી દિશા મળી. પ્રાચીનકાળમાં, વૈદિક યુગમાં, રામરાજ્યમાં, મૌર્ય અને ગુપ્તકાળમાં આપણો દેશ જગદ્ગુરુ હતો. તે વખતે શાસ્ત્રોમાંથી પ્રેરણા લઈને આપણે લૌકિક અને આધ્યાત્મિક ઉત્કર્ષ કરતા ગયા, તે શાસ્ત્રોના અર્થના અનર્થ કરવાથી સંસારમાં આજે આપણે એક ભિખારીની સ્થિતિમાં પહોંચી ગયા છીએ.
શિક્ષણ ફક્ત ભૌતિક હેતુઓ પૂરા કરે છે. જીવનનું વાસ્તવિક લક્ષ્ય મેળવવા માટે, સુખશાંતિભર્યું જીવન જીવવા માટે માણસે જ્ઞાનવાન, સદાચારી અને કર્તવ્યપરાયણ બનવું જોઈએ. આ સાચી વિદ્યા છે. ઋષિઓએ વિદ્યા અને શિક્ષણ એ બંને કાર્યોને પોતાના હાથમાં લીધાં અને સત્ય તથા જ્ઞાનના સદુપદેશથી જીવનરથને સ૨ળ બનાવ્યો. આ જ્ઞાનના અભાવથી જ સમાજમાં દોષો વધ્યા હતા. જે રીતે શરીરમાંથી બધું લોહી નીકળી જાય તો પ્રાણ નીકળી જાય છે, એ રીતે ચેતનામાંથી સત્ય અને જ્ઞાન નીકળી જવાથી માનવી નિષ્પ્રાણ મૃતક જેવો થઈ જાય છે.
ઋષિ તેને કહે છે, બ્રાહ્મણ તેને કહે છે, જે સમાજ અને સંસ્કૃતિનું દુઃખદર્દ સમજે છે, સત્ય અને જ્ઞાનના સદુપદેશથી સમાજની વિકૃતિઓને દૂર કરે છે. પરશુરામે એવા સમયે માળાને ખૂંટી ઉપર લટકાવી દીધી અને હાથમાં ફરસી લીધી હતી. ગુરુ ગોવિંદસિંહે ‘એક હાથમાં માળા અને બીજા હાથમાં ભાલો’ નો નારો આપ્યો હતો. તેમણે કહ્યું કે આ મુક્તિનો માર્ગ છે. તેમણે શીખોના માથા ઉપર માળા બંધાવી દીધી અને કહ્યું “તલવાર ચલાવો, રાષ્ટ્ર તથા સંસ્કૃતિની રક્ષા કરો.” આ સાચા ઋષિનો ધર્મ છે.
શિક્ષણ માનવીના વિકાસની એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. તેનો હેતુ માનવીનો ઊર્ધ્વગામી વિકાસ કરવાનો છે. તે તેના સંપૂર્ણ વ્યક્તિત્વને વિકસિત કરે છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “જે શિક્ષણ સામાન્ય માણસને જીવનસંગ્રામમાં સમર્થ બનાવી શકતું નથી, જે મનુષ્યમાં ચારિત્ર્યબળ, પરહિતની ભાવના તથા સિંહના જેવું સાહસ પેદા કરી શકતું નથી તે શું શિક્ષણ છે ? જે શિક્ષણ વડે જીવનમાં પોતાના પગ ઉપર ઊભા રહી શકાય તે જ સાચું શિક્ષણ છે.” વાસ્તવમાં આપણને એવા શિક્ષણની જરૂર છે, જેનાથી ચારિત્ર્યનું નિર્માણ થાય, માનવીની માનસિક શક્તિ વધે અને તે સ્વાભિમાની તથા સ્વાવલંબી બને.
આપણા વિદ્વાનો અને બ્રાહ્મણોએ ભારતના પ્રાચીન ગૌરવ અને પોતાની સંસ્કૃતિના ગૌરવનું પુનરુત્થાન કરવા માટે જનસ્તરે કે વ્યક્તિગત રૂપે, જે રીતે શક્ય હોય તે રીતે શિક્ષણના સાર્થક સ્વરૂપને પુનર્જીવિત કરવા માટે ખાસ પ્રયત્ન કરવો જોઈએ. આ “અસતો મા સદ્ગમય ’ની મૂળ ભાવના છે. આ શિક્ષકોનો અને ઉપદેશકોનો સાચો ધર્મ છે.
વિદ્વાનો અને બ્રાહ્મણોએ આ માર્ગ ઉપર ચાલીને સમાજને સુખી બનાવવાની જવાબદારી નિભાવવાની છે.
પ્રતિભાવો