૧૬. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૬/૨૮/૩, અથર્વવેદ ૪/૨૧/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૬/૨૮/૩, અથર્વવેદ ૪/૨૧/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ન તા નશન્તિ ન દભાતિ તસ્કરો નાસામામિત્રો વ્યથિરા દધર્ષતિ । દેવાંશ્ચ યાભિર્યજતે દદાતિ ચ જ્યોગિતાભિઃ સચતે ગોપતિઃસહ ॥ (ઋગ્વેદ ૬/૨૮/૩, અથર્વવેદ ૪/૨૧/૩)
ભાવાર્થ : જ્ઞાનદાન સંસારનું સર્વશ્રેષ્ઠ દાન છે, કારણ કે ચોર તેને ચોરી શકતો નથી, કોઈ તેનો નાશ કરી શકતું નથી. તે સતત વધતું રહે છે અને લાખો લોકોને સ્થાયી સુખ આપે છે.
સંદેશ : માનવી જેટલો સમજદાર છે તેનાથી વધુ તે અણસમજુ છે. પરમાત્માએ માનવીને એવું સુંદર મગજ આપ્યું છે, સમજવાની, વિચારવાની અને ચિંતનમનન કરવાની એવી શક્તિ આપી છે કે આજે તે જાદુઈ પટારા જેવું કૉમ્પ્યુટર બનાવી શક્યો છે, અનેક પ્રકારની શોધખોળોથી સુખસાધનોનો ઢગ ખડકી દીધો છે અને ક્યાંય અટકવાનું નામ લેતો નથી, પરંતુ જ્ઞાનનો સદુપયોગ કરવાની વિવેકબુદ્ધિ બહુ થોડા લોકોમાં હોય છે. મોટાભાગના લોકો અણસમજુ છે અને જે થોડા ઘણા સમજદાર છે તેમાંથી પણ મોટાભાગના ચિંતન અને ચારિત્ર્યની ભ્રષ્ટતા, આળસ અને પ્રમાદ તથા કુવિચારોના દુરાગ્રહમાં બૂરી રીતે ફસાયેલા છે.
વિદ્વાનોનું એ કર્તવ્ય છે કે અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા સમાજને જ્ઞાનના પ્રકાશથી સાચો માર્ગ બતાવે. કોઈને રૂપિયાપૈસા, કપડાંલત્તાં કે ખાવાનુંપીવાનું આપવું એ બરાબર છે, પણ તેનો પ્રભાવ ક્ષણિક હોય છે. આ એક સ્થાયી સંપત્તિ છે. મનુષ્ય તેનો લાભ જીવનપર્યંત મેળવે છે અને સાથેસાથે સંપત્તિમાં પણ વૃદ્ધિ થતી જાય છે. જ્ઞાનનું દાન સર્વશ્રેષ્ઠ દાન છે. તેનાથી માનવીને સાચો માર્ગ મળે છે.
સૌથી પહેલું જ્ઞાન માતાના ખોળામાંથી મળે છે. માતાના સ્નેહ, મમતા અને વાત્સલ્યથી લદાયેલ બાળક તેના આદેશને તરત જ માને છે. જો માતાઓ પોતાની જવાબદારીને સારી રીતે નિભાવે તો તેઓ બાળકોના મનમાં સારા વિચારો જગાડવાની સાથે સાથે સામાજિક કુરિવાજો પ્રત્યે વિદ્રોહનાં બીજ રોપી શકે છે અને દેશને સ્વસ્થ, વિચારશીલ અને વિદ્વાન નાગરિક આપી શકે છે. મહર્ષિ અરવિંદે શિક્ષણની પૂર્ણતા માટે પાંચ પાસાંઓ ઉપર ભાર મૂક્યો હતો. તેનો સંબંધ માનવીની પાંચ મુખ્ય ક્રિયાઓ સાથે છે – ભૌતિક, પ્રાણિક, માનસિક, આત્મિક અને આધ્યાત્મિક. શિક્ષણનાં આ પાંચેય પાસાં પરસ્પર એકબીજાનાં પૂરક છે અને જીવનના અંતકાળ સુધી માનવીના વ્યક્તિત્વને પૂર્ણતા આપે છે. આ પ્રકારના જ્ઞાનથી સદ્ગુણોમાં વધારો થાય છે અને આચારવિચારના નિયંત્રણની સ્થાયી વ્યવસ્થા બને છે તેમ જ મહામાનવ બનવાનો માર્ગ મોકળો થાય છે.
જ્ઞાનથી માનવીની સમજદારી વધે છે. જો સમજદારી વધશે તો તેની અંદર ઈમાનદારી વધશે, ઈમાનદારી વધશે તો માનવીમાં જવાબદારી આવશે અને જવાબદારી વધશે તો બહાદુરી આવશે. ચારેય વસ્તુઓ એક્બીજા સાથે જોડાયેલી છે. તેમના દ્વારા માનવીમાં એવી શક્તિ ઉત્પન્ન થશે કે તે અનીતિ સામે બાથ ભીડે, દુષ્પ્રવૃત્તિઓ, કુરિવાજો, કુસંસ્કારો અને કુવિચારોનો સમૂળગો નાશ કરવા માટે જીવન ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય અને એક સ્વસ્થ તથા ઉન્નત સમાજના નિર્માણમાં આગળ પડતી ભૂમિકા ભજવે.
જેબીજાઓને વિદ્વાન, સુશીલ અને સદાચારી બનાવવા માટે શાનદાન કરે છે તે જ સાચો બ્રાહ્મણ છે.
પ્રતિભાવો