૮. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૧૦૩/૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૭/૧૦૩/૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
બ્રાહ્મણાસઃ સોમિનો વાચમકત બ્રહ્મ કૃણ્વન્તઃ પરિવત્સરીણમ્ । અધ્વર્યવો ઘર્મિણઃ સિષ્વિદાના આવિર્ભવન્તિ ગુહ્યા ન કે ચિત્ ॥ (ઋગ્વેદ ૭/૧૦૩/૮)
ભાવાર્થ : બ્રાહ્મણ તે છે જે શાંત, તપસ્વી અને યજનશીલ હોય. જેમ વર્ષ દરમિયાન ચાલતા સોમયુક્ત યજ્ઞમાં સ્તોતા મંત્રયુક્ત ધ્વનિ કરે છે તેવો અવાજ તો દેડકાં પણ કરે છે. જેઓ સ્વયં જ્ઞાનવાન હોય તેઓ જ ભૂલા પડેલા લોકોને જ્ઞાન આપી સન્માર્ગે લઈ જાય છે. એવા માણસોને જ બ્રાહ્મણ કહેવાય છે. તેમણે સંસારમાં આગળ આવીને લોકો ઉપર ઉપકાર કરવો જોઈએ.
સંદેશ ; આપણા ઋષિઓ અને મનીષીઓએ કર્મને ધ્યાનમાં : રાખીને વર્ણવ્યવસ્થા બનાવી હતી અને ચારે વર્ણોમાં બ્રાહ્મણને સૌથી વધુ જવાબદારી સોંપી હતી. તેમને સમગ્ર સંસારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાની જવાબદારી સોંપી હતી. આપણું દુર્ભાગ્ય છે કે આજે આ વર્ણવ્યવસ્થા કર્મ પ્રમાણે નહિ, પણ જન્મ પ્રમાણે માનવામાં આવે છે. ફક્ત બ્રાહ્મણના કુળમાં જન્મ લેનારા જ બ્રાહ્મણ કહેવાય છે, ભલે પછી ‘કાળા અક્ષર ભેંસ બરાબર’ કેમ ન હોય અથવા પછી ચોર, બદમાશ, લંપટ, દુરાચારી, કુટિલ કે કપટી હોય.
બ્રાહ્મણ તો તેને જ કહેવાય, જે તેજસ્વી, શાની, પવિત્ર અને સંયમી હોય. તેને પુરોહિત પણ કહેવાય છે. “અગ્નિ ઋષિઃ પવમાનઃ પાંચજન્ય પુરોહિતઃ” તેનું કર્તવ્ય છે કે તે વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરે, સંયમી અને યજ્ઞીય જીવન જીવે તથા લોકશિક્ષણ અને ધર્મોપદેશનું પ્રશંસનીય કામ કરતો રહે. જે વ્યક્તિ વિદ્વાન હોય, જ્ઞાનવાન હોય, પણ તે વિદ્યાનો ઉપયોગ ફક્ત પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે જ કરે છે, બીજાને જ્ઞાનદાન આપતો નથી તે બ્રાહ્મણ કહેવડાવવાને યોગ્ય નથી.
બ્રાહ્મણનો સ્વભાવ સૌમ્ય, શાંત, સહનશીલ અને સંયમી હોવો જોઈએ. શારીરિક અને માનસિક તપથી તે એટલો બળવાન બની ગયો હોય છે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ તે સતત પોતાના કામમાં મગ્ન રહે છે. આળસ અને પ્રમાદમાં ફસાતો નથી. માનસિક તપ વડે તેણે માયા, મોહ, મમતા, ક્રોધ, કુવિચારો તથા કુસંગમાંથી છુટકારો મેળવી લીધો હોય છે. પોતાની જરૂરિયાતોને મર્યાદિત કરીને તે થોડીક વસ્તુઓથી પોતાનું કામ ચલાવી શકે છે અને દરેક વખતે યજ્ઞીય ભાવથી પરોપકાર માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા તૈયાર રહે છે. પરમપિતા પરમેશ્વરે માનવયોનિને એ જવાબદારી સોંપી છે અને તે પૂરી કરવા માટે ઋષિઓએ બ્રાહ્મણવર્ણની સ્થાપના કરી હતી.
બ્રાહ્મણનો સૌથી મોટો શત્રુ અહંકાર છે. તેઓ જ્ઞાનવાન હોવાથી તથા બધા લોકો પાસેથી સન્માન મળતું હોવાથી તેઓ પોતાને બીજાઓથી ઊંચા માને છે. કામ,ક્રોધ, લોભ,મોહ અને અહંકારમાં સૌથી મોટો વિકાર અહંકાર છે. તેનાથી મનમાં ભાવાત્મક ક્ષુદ્રતાનો જન્મ થાય છે. તેના મનમાં એવા ખરાબ વિચાર આવવા લાગે છે કે કોઈ ગુણવિશેષ અથવા વસ્તુવિશેષની પ્રાપ્તિમાં તે બીજાથી આગળ છે. અહંકાર આવી જવાના કારણે તેનું બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય છે.
આપણો ધર્મ છે કે આપણે બ્રાહ્મણ બનીએ અને પોતાના બ્રાહ્મણત્વનું રક્ષણ અને પોષણ પણ કરીએ.
પ્રતિભાવો