૭. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૧૯/૯ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
તેજોઽસિ તેજો મયિ ધેહિ । વીર્ય મસિ વીર્ય મયિ ધેહિ । બલમિસ બલં મયિ ધેહિ । ઓજોડસ્યોજો મયિ ધેહિ । મન્યુરસિ મન્યું મયિ ધેહિ । સહોઽસ સહો મય ધેહિ II (યજુર્વેદ ૧૯/૯)
ભાવાર્થ : હે પરમેશ્વર ! આપ તેજસ્વરૂપ છો, મને તેજ આપો. આપ વીર્યવાન છો, મને પરાક્રમી બનાવો. આપ બળવાન છો, મને બળ આપો. આપ ઓજસ્વી છો, મને ઓજસ્વી બનાવો. આપ દુષ્ટોને ભસ્મ કરો છો, મને પણ તે શક્તિ આપો. સાથેસાથે આપ સહનશીલ પણ છો, મને પણ એવો સહનશીલ બનાવો.
સંદેશ : પરમેશ્વર કોને કહે છે ? તે કોઈ માનવ નથી. આપણે તેમને સાકાર માની લીધા છે. ભગવાન ખરેખર તો આદર્શોનું નામ છે, સિદ્ધાંતોનું નામ છે, શ્રેષ્ઠતા, સદ્ગુણો અને સત્પ્રયાસોના સમૂહનું નામ છે. ઈશ્વરના અનેક ગુણોમાંથી આપણા જીવનમાં જે અત્યંત જરૂરી છે તેમને પોતાનામાં ધારણ કરવાની પ્રાર્થના કરવામાં આવી છે.
સૌથી મહત્ત્વપૂર્ણ છે તેજસ્વિતા. તે આત્મશક્તિનો વિકાસ કરે છે અને સાંસારિક પ્રલોભનોનો નાશ કરવા માટેના પરાક્રમમાં જોડે છે. તેજસ્વિતા ઉંમરમાં નહિ, પણ વૃત્તિમાં હોય છે. તે બાહ્ય નહિ, પણ આંતરિક હોય છે. તે ઉપરથી નહિ, પણ સ્વભાવમાં સમાયેલી હોય છે. તેનાથી મુખમંડળ ઉપર તેજ આવે છે. બીજી જરૂરી વસ્તુ છે શારીરિક બળ. ભગવાને આ શરીર એટલા માટે આપ્યું છે કે આપણે સો વર્ષ સુધી જીવતા રહીને સંસારમાં પરોપકારનાં કામ કરી શકીએ.“જીવેમ શરદઃ શતમ્” આ ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણે વીર્યવાન બનીએ, આપણે તેજસ્વી બનીએ, સ્વસ્થ રહીએ અને બળવાન બનીએ. સંયમથી, યોગ્ય આહાર-વિહારથી આ શક્ય
બને છે. આ ત્રણેના આવવાથી આત્મિક તેજ જાગૃત થાય છે અને માનવી ઓજસ્વી બને છે. તેજ,વીર્ય, બળ અને ઓજથી ભરલો માનવી સંસારમાં બધું જ કરી શકે છે. મોટામાં મોટી મુશ્કેલીઓ પણ તેનો માર્ગ રોકી શકતી નથી. તે જે પણ સંકલ્પ કરે છે તે જરૂર પૂરો થાય છે. તે જે કાંઈ કરે છે તેનો બીજા ઉપર પ્રભાવ પડે છે. તેની વાત ઉડાડી દેવાનું સાહસ કોઈ કરી શકતું નથી.
પણ એટલાથી કામ ચાલી શકે નહિ. દુષ્ટોનાં પાપકર્મોના નાશ માટે શક્તિ જોઈએ. આપણી અંદર અન્યાયના નિકંદન માટે સ્વાભાવિક અગ્નિ હંમેશાં જલતો હોય છે. તેની સાથે જ આપણા આત્મામાં અસીમ સહનશક્તિ જાગૃત થવી જોઈએ, જેનાથી આપણે ગમેતેવી મુશ્કેલીઓમાં સદૈવ હસતા રહીએ અને સત્યના માર્ગમાંથી સહેજ પણ ડગીએ નહિ. ગમે તેટલી અસહ્ય વિપત્તિઓ આવે, છતાં પણ આપણે ધૈર્યપૂર્વક તેમનું નિરાકરણ કરીને સફળતાના માર્ગે આગળ વધતા જઈશું.
આનું નામ જીવન જીવવાની કળા છે. એનાથી માનવી માનવ બને છે. જ્યારે તે સાચો માનવી બની જાય ત્યારે તેનો એ ધર્મ છે કે તે પોતાના પરિવાર અને સમાજને પણ માનવ બનાવવાના પ્રયત્નો કરે. સળગતો દીવો જ ઓલવાયેલા દીવાને સળગાવી શકે છે. માનવીનું કર્તવ્ય છે કે તે તેજસ્વી, ઓજસ્વી અને વર્ચસ્વી બને; ધૈર્યવાન, વીર્યવાન અને શક્તિવાન બને તથા બીજાને તે માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપે.
આમાં જ માનવજીવનની સફળતા છે.
પ્રતિભાવો