૨૬. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૦/૨૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૨૦/૨૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
યત્ર બ્રહ્મ ચ ક્ષત્રં ચ સમયચ્ચૌ ચરતઃ સહ | તંલ્લોકં પુણ્યં પ્રજ્ઞેષં યત્ર દેવાઃ સહાગ્નિના || (યજુર્વેદ ૨૦/૨૫)
ભાવાર્થ : એક બાજુ જ્ઞાન વડે સત્કર્મોને જાગૃત રાખવાં જરૂરી છે, તો બીજી બાજુ શસ્ત્ર વડે દુષ્ટોનો સંહાર કરવો પણ જરૂરી છે. જ્ઞાન અને કર્મના સંયોગથી સર્વાંગસંપૂર્ણ આધ્યાત્મિક જીવન બને છે. બ્રાહ્મણવર્ણનું જ્ઞાન અને ક્ષત્રિયવર્ણનું તેજ જ્યાં સાથે રહેશે, તે સમાજ હંમેશાં આગળ વધતો રહેશે.
સંદેશ : ગીતામાં ભગવાને કહ્યું છે કે સમયાંતરે તે પૃથ્વી ઉપર અવતાર લેતા રહે છે. શા માટે ? “પરિત્રાણાય સાધુનાં, વિનાશાય ચ દુષ્કૃતાં’’ જ તેમનું લક્ષ્ય રહ્યું છે. સંસારમાં સત્કર્મી સાધુ માણસોની રક્ષા કરવી અને દુષ્ટ, દુરાચારી તથા પાપી લોકોનો સંહાર કરવો. સમજાવવાથી વાત બને નહિ, સામ,દામ, દંડ, ભેદ કોઈ પણ રીતે તેમને સીધા રસ્તા ઉપર લાવી શકાય એમ ન હોય, તો તેમનો સંહાર કરવો એ ધર્મ છે. “નિશિયરહીન કરૌં મહિ” જ સંસારને સુખી બનાવવાનો મૂળ મંત્ર છે. એનાથી જ રામરાજ્યની સ્થાપના થઈ.
એ જરૂરી નથી કે પરમાત્મા ધનુષ્યબાણ લઈ અથવા વાંસળી વગાડતા અવતાર લે અને તેઓ ધરતીને પાપી રાક્ષસોથી મુક્ત કરે. તે તો દરેક ક્ષણે દરેક સ્થળે ઉપસ્થિત હોય છે. આપણા શરીરમાં, રોમેરોમમાં, કણેકણમાં, રગેરગમાં તેઓ મોજૂદ છે. તે પરમાત્માનો પવિત્ર અંશ જ આપણો આત્મા છે. આપણે જ તેમના પ્રતિનિધિ છીએ, પ્યારા રાજકુમાર છીએ. તેમની કૃપા અને વરદાન આપણને મળે છે. આપણે આપણી પ્રતિભા અને ક્ષમતાનો સંસારમાં સત્કર્મોના પ્રસાર અને દુષ્કર્મોના નાશ માટે ઉપયોગ કરવો જોઈએ. આ જ સાચો માનવધર્મ છે. જ્ઞાનયોગ અને કર્મયોગની સાધના કરવામાં જ માનવ શરીરની ઉપયોગિતા છે, નહિતર આપણામાં અને પશુમાં શો તફાવત રહે ?
માનવીમાં અને પશુમાં ફક્ત એટલો જ તફાવત છે કે પશુ કોઈ મર્યાદામાં બંધાયેલ નથી, જ્યારે માનવી હજારો મર્યાદાઓ અને નૈતિક નિયમોથી બંધાયેલો છે અને બધી જવાબદારી તેની ઉપર લાદવામાં આવી છે. જવાબદારી અને કર્તવ્યોને પૂરાં કરવા તે તેનો ધર્મ છે. શરીર પ્રત્યે આપણું કર્તવ્ય છે કે આપણે તેને નીરોગી રાખીએ.
મન પ્રત્યે આપણું કર્તવ્ય છે કે તેને સદ્ગુણી બનાવીએ. દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિ પ્રત્યે આપણું કર્તવ્ય છે કે તેમને પણ ઉન્નત બનાવવા માટે પૂરેપૂરું ધ્યાન રાખીએ. લોભ અને મોહની જાળમાંથી પોતાને છોડાવી, પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરવો એ આપણું કર્તવ્ય છે. ભગવાને જે કામ માટે આપણને આ સંસારમાં મોકલ્યા છે, જે કામ માટે માનવયોનિમાં જન્મ આપ્યો છે તે કાર્યોને પૂરાં કરવાનું આપણું કર્તવ્ય છે. આપણા જ્ઞાન અને પ્રતિભાને ઉત્તરોત્તર વધારીને તે અનુસાર શ્રેષ્ઠ આચરણ કરવું તે આપણું પવિત્ર કર્તવ્ય છે. આ જ જ્ઞાનયોગ અને કર્મયોગની સાચી સાધના છે, સાચી ઈશ્વરભક્તિ છે. એ માનવને ગૌરવ આપે છે.
વર્ણવ્યવસ્થામાં ચાર વર્ણોમાં સમાજના ઉત્થાન માટે સંમિલિત રૂપથી કામ કરવાનું વિધાન હતું, જેને આપણે ભૂલી ગયા છીએ. આ જ્ઞાનના અંકુશ વડે સમાજ તેજસ્વી તથા વર્ચસ્વી બને છે, ઉન્નતિ કરે છે અને ફૂલેફાલે છે.
પ્રતિભાવો