૩૦. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩/૪૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 4, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩/૪૭ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અકન્ કર્મ કર્મકૃતઃ સહ વાચા મયોભુવા । દેવેભ્યઃ કર્મ કુત્વાસ્તં પ્રેત સચાભુવઃ II ( યજુર્વેદ ૩/૪૭)
ભાવાર્થ : આળસનો ત્યાગ કરી પુરુષાર્થી બનો. મૂર્ખતાનો ત્યાગ કરી વેદજ્ઞાન મેળવો. મધુર બોલો અને એકબીજાને મદદ કરો. આથી આ લોકનું અને પરલોકનું સુખ મળશે.
સંદેશઃ વેદોમાં જ્ઞાન અને વિજ્ઞાનનો અખૂટ ભંડાર ભરેલો છે. વેદજ્ઞાનથી આપણું ભલું થાય છે. વેદોથી આપણને સંસારનાં ગૂઢતમ તત્ત્વોનું જ્ઞાન મળે છે. મેળવેલ જ્ઞાનના સદુપયોગનો માર્ગ પણ દેખાય છે. અજ્ઞાન અને ખોટા સંસ્કારોથી છુટકારો મેળવવો, ખોટા માર્ગે ગયેલાને સાચા માર્ગપર લાવવાનો પ્રયત્ન કરવો અને સદ્નાનનો ફેલાવો કરવો એ માનવધર્મ છે. મોટા ભાગે તો માણસ પોતાના સ્વાર્થ, લાલસાઓ અને કામનાઓને પૂરી કરવાની મૂર્ખતામાં વ્યસ્ત રહે છે. તે યોગ્ય – અયોગ્યનું ધ્યાન રાખતો નથી અને નીચતાની પરાકાષ્ઠા સુધી પહોંચી જાય છે.
આપણે હંમેશાં જેના ઉપર સજ્જનો ચાલે છે એ માર્ગ ઉપર ચાલવું જોઈએ. “ૐૐદેવાનામપિ પન્થાનગન્મ.” આપણે બધા પરસ્પર સજ્જનતાનો વ્યવહાર કરીએ. સજ્જનતાનો વ્યવહાર ઉદારતા, સહાયતા અને પ્રેમથી પરિપૂર્ણ થાય છે. આ દેવોપમ વ્યવહાર છે. આપણે એવો વ્યવહાર કરવો જોઈએ. વેદજ્ઞાનથી બધાને ઉન્નતિનો માર્ગ મળવો જોઈએ. એક્બીજા સાથે મધુર વાણી બોલવી જોઈએ. તેનાથી તકરાર ઘટે છે અને પ્રેમ વધે છે. જેણે મધ જેવી મીઠી અને ઘી જેવી લાભદાયક વાણીનું મહત્ત્વ સમજી લીધું છે તે સર્વત્ર સફળ થાય છે. આપણે ક્યારેય કોઈને ખોટા રસ્તા ઉપર જવાની સલાહ આપવી જોઈએ નહિ. બધાના હિતનું ધ્યાન રાખીને કામ કરવું જોઈએ. જીવન નાશવંત છે તેનો એ અર્થ નથી કે સમયનો નાશ કરીએ, આળસમાં અને નકામી વાતોમાં તેને બરબાદ કરીએ. માનવીએ પ્રેરણા લેવી જોઈએ કે તે સમયનો સારી રીતે ઉપયોગ કરે, તેને અમૂલ્ય સમજીને વેડફવા ન દે. સમય જ્યારે યોગ્ય રીતે વપરાય ત્યારે તે બચી શકે છે. પરમાત્માએ સમયરૂપી ધન આપવામાં કોઈ પ્રકા૨નો પક્ષપાત કર્યો નથી. નિર્ધન, ધનવાન, મૂર્ખ, જ્ઞાની, સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધો બધાને આ સંપત્તિ એકસરખી આપી છે. આ સમયને ઘટાડી શકાતો નથી કે વધારી શકાતો નથી, પણ આળસ અથવા મૂર્ખતામાં આપણે આ સમયને નષ્ટ કરી શકીએ છીએ અને તેનો સદુપયોગ કરીને એક જ જીવનકાળમાં એટલું બધું કામ કરી શકીએ છીએ, જે સેંકડો માણસો દ્વારા પણ થઈ શકે નહિ.
નિષ્ક્રિયતા જડતાનું લક્ષણ છે, મૃત્યુનું લક્ષણ છે. એટલે આળસુ, મુર્ખ, અજ્ઞાની તથા દરિદ્ર લોકો નિષ્ક્રિય અને મરેલા જેવા હોય છે. જ્ઞાની વ્યક્તિ શાંત અને સંતુલિત વૃત્તિની હોય છે અને જીવનની એકે એક પ્રતનો સદુપયોગ કરે છે.
આળસુ અને કાયર માણસ કદાપિ આનંદ મેળવી શકતો નથી. જ્ઞાની અને પુરુષાર્થી જ શ્રેય મેળવી શકે છે. તેઓ આત્મિક પરમાનંદને મેળવે છે. તેઓ જીવનમાં દરેક પ્રકારનું સુખ અને સંતોષ મેળવે છે.
પ્રતિભાવો