૧. યુગઋષિની કલ્પના – એક ઝાંખી
July 5, 2022 Leave a comment
યુગઋષિની કલ્પના – એક ઝાંખી
નવયુગના સર્જનની મહાન ઈશ્વરીય યોજનાને મૂર્તિમંત કરવા યુગઋષિનું અવતરણ થયું. તેમના જીવનનો અને સામર્થ્યનો એકેએક કણ આ દિવ્ય પ્રયોજનમાં જ વપરાયો. હિમાલયમાં રહેલી પોતાની માર્ગદર્શક સત્તાના આદેશ પ્રમાણે સન્ ૧૯૭૧ના જૂન માસમાં મથુરા છોડી હિમાલયમાં અજ્ઞાતવાસ માટે ચાલ્યા ગયા. વંદનીયા માતાજી પણ હરિદ્વારના સપ્તર્ષિ ક્ષેત્રમાં શાંતિકુંજ નામના એક નાના આશ્રમમાં રહેવા લાગ્યાં.
નવસર્જન માટે દિવ્ય ઊર્જાના અવિરત પ્રવાહની વ્યવસ્થા કરી. પૂ. ગુરુદેવ જ્યારે હિમાલયથી પરત આવ્યા ત્યાર પછી શાંતિકુંજને સાધનાસ્થળ બનાવવાની શરૂઆત કરી. નવસર્જન માટે ઉત્કૃષ્ટ પ્રાણચેતના સંપન્ન વ્યક્તિઓને વિકસિત કરવાનો ઉદ્દેશ્ય હતો. તેમણે કહ્યું કે ગાયત્રી યુગશક્તિ છે. આ તથ્ય તરફ લોકોનું ધ્યાન ખેંચવું જોઈએ. બીજી બધી શક્તિપીઠો છે, પણ ગાયત્રી શક્તિપીઠ ક્યાંય નથી. બ્રહ્મવર્ચસથી જ એની શરૂઆત કરી. સન્ ૧૯૭૯ના માર્ચની અખંડ જ્યોતિમાં તેમણે લખ્યું : વસંતપર્વની વિશેષ પ્રેરણા એ છે કે પ્રજ્ઞાવતારના પ્રકાશને ભારતભૂમિનાં તમામ ધર્મક્ષેત્રો સુધી પહોંચાડવા ગાયત્રી તીર્થોની સ્થાપના કરવી જોઈએ. આઘ શંકરાચાર્યને પણ આવી પ્રેરણા થઈ હતી. ગુરુદેવના મતે ભારતમાં ૨૪ ગાયત્રી તીર્થ બનાવવાનાં હતાં. જ્યાં પરંપરાગત વિશેષ તીર્થો આવેલાં છે તેવાં સ્થળોએ જ આ પીઠોની સ્થાપના કરવાની હતી.
ગાયત્રી યુગશક્તિના રૂપે વિકસિત થઈ છે એ બાબતે તેમણે સ્પષ્ટ કર્યું :
“મહાપ્રજ્ઞાના પ્રગટીકરણથી જ અનિચ્છનીયતા દૂર થશે. યુગની સમસ્યાઓ વિચારક્રાંતિથી જ ઉકેલાશે. વેદમાતા, દેવમાતા, વિશ્વમાતા ગાયત્રીનું વ્યાપક અભિયાન આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે આંધી અને તોફાનની જેમ ચાલી રહ્યું છે.’’ (૩/૧) ગાયત્રી મહાવિદ્યાનો આ પ્રચંડ દિવ્યપ્રવાહ કેમ વહી રહ્યો છે ? આ ઉદ્દેશ્યને સ્પષ્ટ કરતાં તેમણે લખ્યું :
“શ્રદ્ધાની અધિષ્ઠાત્રી ગાયત્રી માતાનો પ્રકાશ લોકોના અંતરને સ્પર્શશે તો તમામ સમસ્યાઓનું નિરાકરણ થશે અને અનાસ્થા દૂર થતાં જ સુખશાંતિનું વાતાવરણ બનશે. ઉજ્જવળ ભવિષ્યની શક્યતાઓને મૂર્તિમંત કરવાનો આ જ એકમાત્ર ઉપાય છે.’
“ગાયત્રી વેદમાતા, દેવમાતા, વિશ્વમાતા છે. તેના માધ્યમથી જ સદ્ભાવ, સદાચાર અને સુવ્યવસ્થાનો પાયો નંખાશે. વર્તમાન પરિસ્થિતિઓમાં ઋતંભરા પ્રજ્ઞાની છત્રછાયામાં રહીને જ વ્યક્તિ અને સમગ્ર સમાજનું હિત સાધવું શક્ય બનશે. આદ્યશક્તિ ગાયત્રીની શક્તિ અને પ્રેરણાથી પ્રત્યેક વ્યક્તિને માહિતગાર કરવાનો આ યોગ્ય સમય છે. સ્થળે સ્થળે પ્રજ્ઞાકેન્દ્રો સ્થાપવાનો આ જ ઉદ્દેશ્ય છે.’(૪/૨).
જનજાગૃતિ કેન્દ્ર
યુગઋષિના આહ્વાન પર શક્તિપીઠો તથા ચરણપીઠોના બાંધકામની શૃંખલા ચાલુ થઈ ગઈ. સામાન્ય લોકોની મનોદશા પારખીને તેઓશ્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે આ સ્થળો માત્ર પૂજાનાં સ્થળો નહિ, પણ યુગાંતરીય ચેતનાના વિસ્તાર માટે સશક્ત ઊર્જાસંપન્ન જનજાગૃતિનાં કેન્દ્ર બને. તેમણે લખ્યું.
“ગાયત્રી શક્તિપીઠો અન્ય મંદિરો જેવી જ દેખાશે, પણ પોતાની આસપાસના વિસ્તારોમાં યુગચેતનાનો પ્રવાહ પ્રાણવાન રીતે વહેતો કરી બધાં મંદિરોથી જુદી પડશે. દર્શકો પ્રણામ કરવા મંદિરોમાં પધારે તે તો ઠીક છે, પણ એનાથી વિશેષ જરૂરી એ છે કે શક્તિપીઠો આસપાસના ક્ષેત્રમાં ધર્મધારણાની સ્થાપના કરી તેને પરિપકવ બનાવવાનો પ્રબળ પ્રયત્ન કરે. જનમાનસમાં ધર્મ પ્રત્યે અગાધ શ્રદ્ધાની સાથે આચરણમાં શાલીનતા તથા ઉદારતાનો સમાવેશ કરવાનો ગાયત્રી શક્તિપીઠોનો ઉદ્દેશ્ય છે. યુગપરિવર્તન માટે વ્યક્તિનો દૃષ્ટિકોણ અને ચરિત્ર બદલાવું જોઈએ. ગાયત્રી શક્તિપીઠો આ કામ ચોક્કસ રીતે કરશે. તેમને યુગતીર્થ તરીકે સંબોધવામાં કોઈ અતિશયોક્તિ નથી.’ (૨/૩)
પ્રજ્ઞા સંસ્થાનોની કાર્યયોજના સંદર્ભે તેમણે સમર્થ ગુરુ રામદાસજી દ્વારા સ્થાપિત મહાવીર (હનુમાન) મંદિરોનો દાખલો આપ્યો. કદમાં નાનાં એ મંદિરોએ તેજસ્વી અને સંસ્કૃતિનિષ્ઠ સૈનિકો પેદા કરવામાં તે વખતે અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ લખે છે : “એ યોગ્ય છે કે જે રીતે સમર્થ ગુરુ રામદાસે આખા મહારાષ્ટ્રમાં નાનાં નાનાં મહાવીર મંદિરો બનાવ્યાં હતાં, તે જ રીતે ગામે ગામ પ્રજ્ઞામંદિરો બાંધવામાં આવે. ભલે તે કદમાં નાનાં હોય અને સસ્તાં હોય,પણ તેમાં ધર્મતંત્રની ગરિમા વધારનારા જીવંત કાર્યક્રમો સતત ચાલતા રહેવા જોઈએ.’’(૩/૨)
યુગઋષિનો આ સ્પષ્ટ નિર્દેશ હતો જે એકબાજુ ગાયત્રી મહાવિદ્યાના પ્રચારપ્રસાર તથા શિક્ષણનો ક્રમ ચલાવવામાં આવે, તો બીજી બાજુ વ્યક્તિ, પરિવાર અને સમાજનિર્માણ માટે નિયમિત રૂપે શિક્ષણ – પ્રશિક્ષણનો ક્રમ પણ ચલાવવામાં આવે. આગળ તેઓ લખે છે : “પ્રજ્ઞા સંસ્થાનોમાં ચાલનારા કાર્યક્રમોની રૂપરેખા નક્કી છે. સવારસાંજ સામૂહિક પ્રાર્થના – આરતી. દિવસમાં બે – બે કલાકના ત્રણ (કુલ છ કલાક) તાલીમ વર્ગો, જેમાં નાની ઉંમરનાં બાળકો, પ્રૌઢ વયનાં સ્ત્રીપુરુષો અભ્યાસ કરવાની સગવડ મેળવી શકે. એક વર્ગ શાળાએ જતાં બાળકો માટે ચાલે, એક પ્રૌઢ પુરુષો માટે અને ત્રીજો એક વર્ગ સ્ત્રીઓ માટે ચાલે. દેશમાં રહેલી નિરક્ષરતા અને શિક્ષણ પ્રત્યેના અણગમાને દૂ૨ ક૨વા માટે આ પ્રયોગ ખૂબ ઉપયોગી સાબિત થશે. શરૂઆતમાં આ પ્રવૃત્તિઓ ભલે ધીમી ચાલે, વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય, છતાં નિરંતર ઉત્સાહ વધારતા રહેવાથી કાર્યવિસ્તાર અત્યંત ઝડપથી થતો રહેશે. નિરક્ષરતા દૂર કરવાની જવાબદારી માત્ર સરકાર પર ન નાંખી શકાય. એ તો જનસહયોગથી જ શક્ય બને. આને સફળ બનાવવા પ્રજ્ઞાપીઠ જેવાં ધર્મસંસ્થાનોએ જ નેતૃત્વ સંભાળવું જરૂરી છે.’ (૩/૨)
શક્તિપીઠોને વિચારક્રાંતિનાં કેન્દ્રોના રૂપમાં પ્રતિષ્ઠિત કરી એના માટે જરૂરી વ્યવસ્થા કરવાના પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા :
“શક્તિપીઠ પર સત્સંગભવન તથા પરામર્શ કક્ષ બનશે. સાધના સંદર્ભે કોઈને કોઈ જિજ્ઞાસા હોય તેઓ ત્યાંથી સમાધાન મેળવશે. એ માટે એક અનુભવી વિદ્વાન હંમેશાં ત્યાં હાજ૨ રહેશે. આખો દિવસ સલાહ તથા માર્ગદર્શનનો ક્રમ ચાલુ રહેશે. આ યોજના માટે જ સત્સંગભવન હોવું અનિવાર્ય છે.’’ (૧/૪)
પ્રજ્ઞાપીઠોના દૈનિક કાર્યક્રમમાં દરરોજ રાત્રે કથાપ્રવચન થતાં રહેશે. રામાયણ, ગીતા અને મહાભારત મુખ્ય છે. તે ઉપરાંત ઐતિહાસિક પ્રસંગોના માધ્યમથી આજની તમામ પ્રકારની સમસ્યાઓનાં સમાધાન રજૂ કરવામાં આવશે. (આ લખાતી વખતે પ્રજ્ઞાપુરાણ અસ્તિત્વમાં આવ્યાં ન હતાં, પ્રજ્ઞાપુરાણોને મહત્ત્વ આપવું જરૂરી છે.) હકીકતમાં આ જ ધર્મતંત્ર છે કે જેના આધારે ખરાબ બાબતો પ્રત્યે ધૃણા અને સત્પ્રવૃત્તિઓ માટે ઉત્સાહ ઉત્પન્ન કરી શકાય. કથાપ્રવચન કેટલાં પ્રભાવશાળી હોય છે તે ગમે ત્યાં પ્રયોગ કરીને જાણી શકાય છે.(૩/૩)
પ્રત્યેક પ્રજ્ઞાપીઠમાં સ્લાઈડ પ્રોજેક્ટર, ટેપ રેકોર્ડર જેવાં સાધનો હશે, જેમના દ્વારા આકર્ષક ઢબે યુગસર્જનની બહુમુખી ચેતના ઉત્પન્ન થશે (૩/૪)
સાધનોની વ્યવસ્થા
શક્તિપીઠોનું સંચાલન શ્રદ્ધાળુઓની મહેનત અને તેમનાં અનુદાનોના માધ્યમથી કરવાનું તેમણે બતાવ્યું. શક્તિપીઠો તથા પ્રજ્ઞાપીઠોની સફળતા ત્યાંના પ્રાણવાન સમયદાનીઓ તથા લોકસેવકો પર જ આધારિત રહેશે એ ચોક્કસ છે. આ સંદર્ભે પૂજ્યવર ઇચ્છે છે કે આવા વિરલાઓને શોધી, તેમને વિકસિત કરી તેમના સન્માનજનક બ્રાહ્મણોચિત નિર્વાહની વ્યવસ્થા ક્ષેત્રના શ્રદ્ધાળુઓ દ્વારા પૂરી કરવી જોઈએ. દાનપેટીઓના ધનને જનમાનસના જાગરણ માટે ખર્ચવાની વાત કહી અને તેમણે નિર્દેશ આપ્યો :
“દેવપ્રતિમા પર પૈસા ફેંકવાની મનાઈ રહેશે. કોઈ દર્શક શ્રદ્ધાવશ કંઈક ભેટ આપવા ઇચ્છે તો તરત તેના બદલામાં સાહિત્યપ્રસાદ અથવા સંસ્થાનની રસીદ આપવી. પ્રસાદ સાહિત્યમાં ગાયત્રી ચાલીસા તેમ જ ચિત્ર રાખવાં. શ્રદ્ધાળુઓ એક હાથે દાન આપે અને બીજા હાથે સાહિત્યપ્રસાદ લે એ ક્રમ ચાલુ રહેવો જોઈએ. દાનપેટીઓના ધનનો દુરુપયોગ થવાથી ઝઘડાનાં મૂળ ઊભાં થાય છે. ગાયત્રી શક્તિપીઠો એક નવી પરંપરા સ્થાપિત કરી રહી છે.” (૧/૩-૪)
જે લોકો યુગઋષિની વાત સમજી કોઈ જવાબદારી ઉઠાવવા આગળ આવે છે તેમને જાગૃત આત્મા કહે છે. તેમના સમયદાન તથા અંશદાનથી શક્તિપીઠની પ્રવૃત્તિઓના સંચાલનની વ્યવસ્થા કરવાનું બતાવતાં તેઓ લખે છે :
“યુગનિર્માણ પરિવારના પ્રત્યેક જાગૃત આત્માને કહેવામાં આવી રહ્યું છે કે યુગસર્જન માટે દ૨રોજ એક રૂપિયો અને એક કલાકનો સમય ફાળવવો જોઈએ. આ રીતના સમયદાન અને અંશદાનના આધારે અત્યાર સુધી મિશનની પ્રવૃત્તિઓ આગળ ધપી રહી છે. પ્રજ્ઞાપીઠોનાં મકાન તો ફંડફાળો ભેગો કરી બંધાઈ રહ્યાં છે, પણ પાછળથી દરેક પ્રજ્ઞાસંસ્થાનમાં રહેનાર કાર્યકર્તાઓનો ખર્ચ આ મુઠ્ઠી ફંડથી ચાલશે. પીઠસંસ્થાનોમાં બીજો ખર્ચ પણ થાય છે. સાપ્તાહિક યજ્ઞ, પાણી, વીજળી, સફાઈ, સ્ટેશનરી, વાહનો, બાગબગીચો વગેરેમાં ખર્ચ તો થશે જ, પણ કેટલાક ભાવનાશીલ લોકો પોતાની એક દિવસની કમાણી અથવા ઓછુંવત્તું દાન આપી પૂરો કરતા રહેશે.” (૩/૪-૫)
ઓછામાં ઓછું અનુદાન તેમણે અડધો કપ ચા અને અડધી રોટલીની તે વખતે કિંમતો અનુસાર લખ્યું છે. આજની પરિસ્થિતિઓમાં એ પ્રમાણે આ આંકડો નક્કી કરવો જોઈએ. ભાવના અને ક્ષમતા પ્રમાણે વધારે ફાળો આપવો જોઈએ એવો સ્પષ્ટ સંકેત છે. આ મર્યાદા તો અંશદાન શરૂ કરનારાઓ માટે છે. આગળ જતાં નૈષ્ઠિક સાધકો પોતાની એક દિવસની આવક અથવા આવકના અમુક ટકા આપે તેવી પ્રેરણા આપવામાં આવી છે.
પ્રતિભાવો