૧૦. હસો અને જીવનને મધુર બનાવો

હસો અને જીવનને મધુર બનાવો
પ્રસિદ્ધ ચિકિત્સાશાસ્ત્રી ડો. સેમ્પસન પાસે એક દરદી લાવવામાં આવ્યો. એની સ્થિતિ બહુ ગંભીર હતી. ઘરવાળાઓને એના બચવાની કોઈ આશા નહોતી. ડોક્ટર ચિકિત્સા કરતાં પહેલાં રોગી સાથે વાત કરવા લાગ્યા. એમણે બહુ રસપૂર્વક અને હસીને રોગીને એની સ્થિતિ વિશે પૂછ્યું ડોકટરનો હાસ્ય અને સ્મિતભર્યા વ્યવહારથી રોગીના ચહેરા પર સ્મિતની રેખાઓ ઉઠી આવી. ડો. સેમ્પસને ઉપસ્થિત લોકોને કહ્યું ચિંતાની કોઈ વાત નથી, રોગી સારો થઈ જશે કેમકે હજી એનામાં હસવાની ક્ષમતા બચી છે અને થોડા સમયની સારવાર પછી જ એ રોગી સાજો થઈ ગયો. ડો. સેમ્પસન રોગીનાં દવાદારૂ તેમજ સારવાર કરતાં પણ વધુ એમના મનોરંજન, હાસ્ય, ખુશી, સ્મિતપૂર્ણ વ્યવહારને મહત્વપૂર્ણ સમજતા હતા અને એમની આ પદ્ધતિ દવાઓ કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ સિદ્ધ થતી હતી.

દાર્શનિક બાયરને લખ્યું છે, જ્યારે પણ શક્ય હોય ત્યારે હસો, આ એક સસ્તી દવા છે હસવું એ માનવજીવનનું ઉજ્જવળ પાસું છે.” કેબીબોરે લખ્યું છે, “હાસ્ય યૌવનનો આનંદ છે. હાસ્ય યૌવનનો શૃંગાર અને સૌંદર્ય છે. જે વ્યક્તિ આ સૌંદર્ય અને શૃંગારને ધારણ કરતો નથી એનું યૌવન પણ ટક્યું નથી.” સ્ટર્ને ક્લુ છે, “મને વિશ્વાસ છે કે દરેક વખતે જયારે કોઈ વ્યક્તિ હસે છે તો એની સાથે સાથે પોતાના જીવનમાં વૃદ્ધિ કરે છે.” ડો. વિલિયમે પોતાના પ્રયોગને આધારે સિદ્ધ કર્યું છે, “જોરથી હસવાથી, સદૈવ પ્રસન્નચિત રહેવાથી મનુષ્યનું પાચનતંત્ર નીવ્ર બને છે. સ્નાયુઓમાં રક્તક્નોની વૃદ્ધિ થાય છે શરીર તાજુ થાય છે અને સ્વાસ્થ્ય વધે છે.
ખડખડાટ હસવું, હાસ્ય વિનોદ, સ્મિત મનુષ્યના સ્વાસ્થ્યને ઠીક કરવાની અચૂક દવા છે. શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ હસવું એક મહત્વપૂર્ણ સાધન છે. હાસ્ય જીવનની સૌરભ છે. પોતાની મેળે જ્યારે કોઈ કળી ખીલી ઊઠે છે ત્યારે એનું સૌંદર્ય જોવા જેવું હોય છે ઉદાસીનોનું મન પણ એ તરફ આકર્ષિત થઈ જાય છે. જીવનમાં ત્રાસથી દાઝેલા મનુષ્ય માટે પણ કેટલીક ક્ષણો નવજીવનનું પ્રેરણા કેન્દ્ર બની જાય છે. બાલ સહજ મલકમલક, હાસ્ય-વિનોદના સંપર્કમાં આવીને નિરાશ, નીરસ વ્યક્તિઓમાં પણ જીવનની નવ-સ્ફૂરણા જાગી ઉઠે છે. સાથીઓના હાસ્ય-વિનોદમય ટહુકાઓ વચ્ચેના સમયમાં મનુષ્ય પોતાનાં દુ:ખ તેમજ વિષાદની અનુભૂતિઓને ગાયબ કરી દે છે.
પ્રસિદ્ધ દાર્શનિક ઇમર્સને ક્યું છે, “વસ્તુત: હાસ્ય એક ચતુર ખેડૂત છે જે માનવ જીવનપ્રથાના કાંટા, ઝાડીઝાંખરાંને ઉખેડીને અલગ કરે છે અને સદ્ગુણોનાં સુગંધિત વૃક્ષ વાવી દે છે. જેના લીધે આપણી જીવનયાત્રા એક પર્વોત્સવ બની જાય છે.” મનોવિજ્ઞાનીઓ અને શરીરવિધા વિશારદોએ પોતાના પ્રયોગ, શોધ તેમજ અનુભવોને આધારે સિદ્ધ કર્યું છે કે ઈર્ષ્યા, તેમ, ક્રોધ, ઉત્તેજના, ભય, ચિંતા વગેરે મનોવિકારો અને શારીરિક ગડબડોમાંથી મનુષ્યના શરીરમાં જે વિષ પેદા થઈ જાય છે એના શોધન માટે હાસ્ય એક અનુભવેલો પ્રયોગ છે.
ખડખડાટ હસવાથી મનુષ્યના સ્નાયુનો તેમજ માનસિક તંત્રનો તણાવ આશ્ચર્યજનક રીતે દૂર થઈ જાય છે. હસવાથી છાતી અને પેટની નસો, માંસપેશીઓ વિશેષ પ્રભાવિત થાય છે. પોતાનો પાચકરસ પર્યાપ્ત રૂપમાં છોડે છે અને સક્રિય બની જાય છે. ફેફસાઓમાં રક્તની ગતિ ઝડપથી થવા લાગે છે. શરીરમાં જીવનતત્ત્વ સક્રિય થઈને સ્વાસ્થ્યને પુષ્ટ બનાવે છે.
જીવનમાં આવનારી મુશ્કેલીઓ, હેરાનગતિઓ અને સમસ્યાઓના ભારથી થનારી થકાવટ તેમજ ખિન્નતા માનસિક અસમતુલન હાસ્યવિનોદના સંપર્કમાં આવતાં જ ગાયબ થઈ જાય છે. હાસ્યપ્રધાન વ્યક્તિ જીવનની મોટી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો સારી રીતે કરી શકે છે. મહાપુરુષોના ભારે કાર્યભાર તેમજ સંઘર્ષપૂર્ણ જીવનની સફળતાનું રહસ્ય એમના હસતા રહેવામાં મુસ્કુરાહટભર્યા જીવન દર્શનમાં રહેલું છે. જેમણે મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, તિલક, વિવેકાનંદ, દયાનંદ વગેરે મહાપુરુષોના સંપર્કનો લાભ પ્રાપ્ત કર્યો છે અથવા એમના જીવનનું અધ્યયન કર્યું છે, તેઓ જાણે છે કે મહાપુરુષો કેટલા વિનોદી સ્વભાવના હોય છે. એમાંય એમના સંઘર્ષમય, કર્તવ્યપ્રધાન, કઠોર જીવનની સફળતાનો મંત્ર સમાયેલો હોય છે. હાસ્ય વિનોદમાં જીવનની ભારે મુશ્કેલીઓ પણ સરળ અને સુગમ બની જાય છે. પ્રસિદ્ધ જાપાની વિચારક યોન નગોચીએ લખ્યું છે, “જ્યારે જીવનની હરિયાળી સૂકાઈ જાય, પક્ષીઓનો ક્લરવ મૌન થઈ જાય, સૂર્ય ગ્રહણની કાળી છાયા તળે ઢંકાઈ જાય, પ્રગાઢ મિત્ર અને આત્મીય લોકો કંટકપૂર્ણ જીવન પથ પર મૂકીને ચાલ્યા જાય અને સૃષ્ટિની બધી નારાજગી મારા નસીબ પર વરસવા તત્પર હોય એવા સમયે મારા પ્રભુ ! મારા પર એટલો અનુગ્રહ અવશ્ય કરજે કે મારા હોઠો પર હાસ્યની ઉજળી રેખા રેલાઇ જાય.”
એમાં કોઈ શંકા નથી કે હાસ્ય અને રમતના સંપર્કથી મુશ્કેલીઓ પરેશાનીઓ નિશ્ચિત રૂપે હલ થઇ જાય છે. જેઓ હસી શકતા નથી, સદૈવ ગંભીર અને વિચારમાં અટવાયેલા રહે છે, માનસિક રોગોથી પીડાતા થઈ જાય છે. જીવનના સંધર્ષો અને મુશ્કેલીઓમાં જ તેઓ ડૂબી જાય છે, એનાથી ઉગરી શકતા નથી. જોવામાં આવે છે કે સ્ત્રીઓ પુરુષોની અપેક્ષાએ શારીરિક, માનસિક રોગોથી ઓછી પીડાતી હોય છે કેમકે એમનામાં હાસ્યવિનોદની વૃત્તિ અધિક હોય છે. સ્ત્રીઓ પોતાને જ નહીં, પરંતુ પુરુષોને પણ જીવનની નિરાશા અને તાણમાંથી બચાવે છે. આ રીતે બાળકો પણ શારીરિક, માનસિક દૃષ્ટિએ સ્વસ્થ મનોરંજનનો ત્યાગ કરતાં નથી. જે જેટલી હસતાં, રમતાં જીંદગી વિતાવશે એ એટલો જ સ્વસ્થ અને માનસિક પ્રસન્નતાથી સભર રહેશે. ક્વીન્દ્ર રવીન્દ્રે કહ્યું છે, “જ્યારે હું સ્વયં હસુ છું ત્યારે મારો ભાર હલકો થઈ જાય છે.” મહાત્મા ગાંધીએ કહ્યું છે, “હાસ્ય મનની ગાંઠો ખૂબ સરળતાથી ખોલી નાખે છે. મારા જ મનની નહીં તમારા મનની પણ.” જયોર્જ બર્નાડ શો એ લખ્યું છે, “હાસ્યના ટહુકાઓથી યૌવનનાં પુષ્પ ખીલે છે. સદા યુવાન અને તંદુરસ્ત બનેલા રહેવા માટે ખૂબ હસો.”
હાસ્ય વિનોદનો આ લાભ એ વાત પર નિર્ભર એ છે કે એની પૃષ્ઠભૂમિ પૂર્ણરૂપે શુદ્ધ, મુક્ત અને સહજ હોય. સર્વોત્કૃષ્ટ અવસ્થામાં હાસ્ય આંતરિક પ્રસન્નતા, આત્માના સ્ફૂરણની અભિવ્યક્તિ છે. કોઈ પ્રિયજનને મળવાથી થતી આનંદની અનુભૂતિ, કોઇ પ્રિય અવસરે થનારો હર્ષનો અતિરેક, કોઈ મધુર, હૃદયસ્પર્શી, આહ્લાદકારી ભાવનાઓની પ્રબળતાથી ઉત્પન્ન હૃદયનાં સ્પંદન, આત્માના સ્ફૂરણ બાહ્યપટલ પર હાસ્ય, મલકાટ, પ્રસન્નતા, પ્રફુલ્લતાના રૂપમાં અભિવ્યક્ત થાય છે. જેવી રીતે વિષાદ, દુઃખ, શોકની પ્રબળતા હૃદયના બંધનને તોડીને બુદ્ધિ, વિચાર, વિવેકમાંથી નીકળીને રુદન, વિલાપ અશ્રુધારાના રૂપમાં અભિવ્યક્ત થાય છે એવી જ રીતે ઉક્ત સ્થિતિમાં મનુષ્યની પ્રસન્નતા, હાસ્ય, ખુશીની ધારા પ્રવાહિત થઈ ઉઠે છે. આવશ્યકતા એ વાતની છે કે આપણે એ પરિસ્થિતિ, ભાવનાઓ, વિચારોમાં હંમેશાં ડૂબેલા રહીએ જેથી પ્રસન્નતા, ખુશીની ધારા નિરંતર વહેતી રહે.
બીજી સ્થિતિમાં મનુષ્યના હાસ્ય-વિનોદનો આધાર હોય છે, બીજાનું પતન, હાનિ, નુકસાન વગેરે કોઇનું પગ લપસવાથી સડક પર પડી જવું, કોઈનું નુકસાન થવું, ભૂલચૂક કરી બેસવું વગેરે આ પ્રકારના લોકો હાસ્ય-વિનોદનો આધાર બને છે, પરંતુ આ તામસિક હાસ્ય છે. બીજાનાં અપમાન, હાનિ પર પ્રસન્ન થઈને પોતાના અહંકારને તુષ્ટ કરવાની પ્રવૃત્તિ અસ્વાભાવિક અને અયોગ્ય છે. એ મનુષ્યને લાભને બદલે હાનિ પહોંચાડે છે. બીજાને ચીડાવીને, ખિન્ન કરીને, બીજાનો ઉપહાસ કરીને કરવામાં આવતો હાસ્ય – વિનોદ મનુષ્ય માટે ભારે વિપત્તિનું કારણ બની જાય છે. દ્રૌપદીએ દુર્યોધન લપસી પડયો તો તેનો ઉપહાસ કર્યો. નારદ મોહ આખ્યાન અનુસાર શિવગણોએ નારદને ચેતવણી આપવા છતાં એમની ઠેકડી ઉડાડી, યાદવોએ પોતાના કુલગુરુનો ઉપહાસ કર્યો હતો, પરંતુ દ્રૌપદી, શિવગણો તથા યાદવોને આ રીતના હાસ્ય વિનોદનું જ મૂલ્ય જીવનમાં ચૂકવવું પડયું તે સર્વવિદિત છે.
ઘણા લોકો પોતાના દોષો ખરાબીઓને છુપાવવા માટે પણ ખોટું ખોટું હસવાનો, મલકવાનો સ્વાંગ અપનાવે છે. બીજા ઉપર પ્રભાવ પડવા ખોટું ખોટું હસે છે. ધણા લોકો અકારણ જ સમયે-કસમયે વાતાવરણનું ધ્યાન રાખ્યા વિના ફૂવડની જેમ હસે છે, ન કોઇ શિષ્ટાચારનું ધ્યાન રાખે છે કે ન તો સારા-માઠા અવસરનું.
આ બધી સ્થિતિમાં હાસ્ય ત્યાજ્ય તેમજ ઘૃણાસ્પદ છે. આ પ્રકારનું હાસ્ય આસુરી પ્રવૃત્તિઓનું પોષક છે. જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિનું કારણ બને છે. મનુષ્યના સ્વસ્થ સમતુલન વિકાસ માર્ગમાં બાધક બને છે. મનુષ્યનું મૂલ્ય ઓછું કરે છે. આ પ્રકારના હાસ્ય વિનોદી સર્વથા બચવું જોઈએ અને સહજ મુક્ત ભાવથી સાત્ત્વિક હાસ્ય વિનોદનો આધાર લેવો જોઈએ જેથી પોતાની જાતને અને બીજાને પ્રસન્નતા મળે. આપણે એવું હાસ્ય રેલવવું જોઈએ જેનાથી રોતલના ચહેરા પર પણ સ્મિત આવી જાય, દુ:ખીઓનાં મન પ્રસન્નતાથી ભરાઈ જાય, પોતાની અને ધરતીની વ્યથા, ભાર, ક્લેશ, શિથિલતા દૂર થાય એવું હાસ્ય હસવું જોઇએ. ખરેખર આવું ‘સાત્વિક હાસ્ય મનુષ્યનાં ચિરત્રની બહુ મોટી સંપત્તિ છે. એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પ્રત્યેક શ્રેયાર્થીએ કરવો આવશ્યક છે. એનાથી જીવનયાત્રા મધુમય બનશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: