૭૦. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૨૪/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 6, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ ૩/૨૪/૫ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
શતહસ્ત સમાહર સહસ્રહસ્ત સં કિર । કૃતસ્ય કાર્યસ્ય ચેહ સ્ફાતિ સમાવહ ॥ (અથર્વવેદ ૩/૨૪/૫)
ભાવાર્થ : હે મનુષ્યો ! તમે તમારા ઉચ્ચ વ્યવસાય તથા બીજાઓની સલાહ દ્વારા સેંકડો હાથથી ખૂબ જ ધન કમાઓ અને હજારો હાથ દ્વારા તે ધનને ઉત્તમ કાર્યો માટે વાપરતા રહો. તેનાથી હંમેશાં તમારી પ્રગતિ થશે.
સંદેશ : ધન કમાવાના મહત્ત્વનો સ્વીકાર વેદોએ પણ કર્યો છે. મનુષ્ય કમાવા માટે માત્ર પોતાના જ બે હાથનો ઉપયોગ ન કરે, પરંતુ સમાજના અન્ય વર્ગોનો પણ સહયોગ લઈને સેંકડો હાથ દ્વારા કમાય. તેણે પોતાની બધી જ પ્રતિભા, ક્ષમતા તથા પુરુષાર્થનો વધારેમાં વધારે ધન કમાવામાં ઉપયોગ કરવો જોઈએ.
પરંતુ આ બધું કોના માટે કરવામાં આવે? શું માત્ર આપણા વ્યક્તિગત ઉપભોગ માટે જ? ના, ક્યારેય નહિ, સંસારમાં જે ધનસંપત્તિ છે તે બધી જ પ્રજાપતિની છે, પરમપિતા પરમેશ્વરની છે. આપણા વ્યવસાય તથા પુરુષાર્થ દ્વારા જે કંઈ આપણને પ્રાપ્ત થાય છે તે ભગવાનનું જ છે. ભગવાને જ પોતાની કૃપા આપણી ઉપર વરસાવી છે અને આપણને ટ્રસ્ટી તરીકે નીમ્યા છે. આપણે જરૂરિયાત પૂરતું જ ધન પોતાને માટે લેવું જોઈએ. તેનાથી વધારે લેવાનો આપણને કોઈજ અધિકાર નથી. તે બધું ધન આપણે સમાજના ઉપયોગ માટે વાપરવું જોઈએ. હજાર હાથ દ્વારા તેને જનકલ્યાણનાં શ્રેષ્ઠ કાર્યોમાં વાપરી દેવું જોઈએ. કમાયેલું ધન આપણને માત્ર થોડા સમય માટે જ લાભ પહોંચાડે છે, પરંતુ તેનું દાન કરવાથી આપણને જે યશ કે કીર્તિ પ્રાપ્ત થાય છે તે જન્મજન્માંતરો સુધી આપણને સુખ આપે છે. જે રીતે ખેતરમાં વાવેલું એક બીજ હજાર દાણાના રૂપમાં આપણને પ્રાપ્ત થાય છે, તે જ રીતે શુભ કાર્ય માટે કરવામાં આવેલું દાન અનેકગણું વધીને કીર્તિ અને સૌભાગ્ય આપતું રહે છે.
શાસ્ત્રોમાં ધનનો ઉપયોગ કરવાની બાબતમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે “ધર્માય યશસેડર્થાય આત્મને સ્વજનાય ચ’” જે ધન ઈમાનદારીપૂર્વક કમાયા છીએ તેને પાંચ ભાગમાં વહેંચી દેવું જોઈએ. એક ભાગ ધર્મ માટે, બીજો ભાગ કીર્તિ માટે, ત્રીજો ભાગ સંપત્તિ પ્રાપ્ત કરવા ધંધાર્થે, ચોથો ભાગ પોતાના માટેતથા પાંચમો ભાગ સ્વજનોને સંસ્કારી અને સુયોગ્ય બનાવવા માટે અલગ રાખવો જરૂરી છે. ધર્મ માટે કરેલા દાનનો અર્થ છે ગુપ્ત- દાન. કોઈને એનો ખ્યાલ પણ ન આવે એ રીતે શુભ કાર્ય માટે કોઈ યોગ્ય પાત્રને એ આપી દેવું જોઈએ. પ્રતિષ્ઠા માટે દાન કરવું એનો અર્થ એ છે કે કોઈ હૉસ્પિટલ બનાવવી, ધર્મશાળા બનાવવી, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી, વૃક્ષોનો ઉછેર કરવો વગેરે શુભ હેતુઓ માટે ધનનું દાન કરવું. કોઈ દુર્ઘટના અથવા દૈવી પ્રકોપ સમયે સંપૂર્ણ મન લગાવી પૂર્ણ સહયોગ દ્વારા લોકોની સેવા સહાયતા કરવી જોઈએ. ત્રીજો ભાગ છે સંપત્તિ મેળવવા ધનનો ઉપયોગ કરવો અર્થાત્ એ સંપત્તિને પોતાના કામધંધામાં, વ્યાપારમાં અથવા તો પછી ખેતીવાડીમાં વાપરવી જોઈએ. ધનનો ચોથો ભાગ પોતાને માટે અને પાંચમો ભાગ આપણા સ્વજનો કે સગાસંબંધીઓ માટે વાપરવો જોઈએ. આ રીતે જ આપણે આપણાં ભોજન, કપડાં અને રહેઠાણની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરીને સુખસુવિધાનાં સાધનો પણ પ્રાપ્ત કરીએ.
શાસ્ત્રોએ દાનને સૌથી વધારે મહત્ત્વ આપ્યું છે. એના દ્વારા જ પરમાત્માના આશીર્વાદ કે વરદાનની આપણી ઉપર સતત વર્ષા થતી રહે છે. દાનથી બધાં પ્રાણીઓ વશીભૂત થઈ જાય છે અને શત્રુતાનો પણ નાશ થાય છે. ધન, જ્ઞાન, શક્તિ, આનંદ, જે પણ શક્ય હોય તે બીજાઓને પણ વહેંચતા રહો.માનવીની પાસે આપવા જેવું કેટલું બધું છે ! તેની પાસે પ્રેમનો અગાધ સાગર છે, હાસ્યનાં પુષ્પો છે. એ બધું પણ વહેંચો, પોતે પ્રસન્ન થાઓ અને બીજાઓને પણ પ્રસન્ન કરતા જાઓ.
મનુષ્ય ઈમાનદારી અને પુરુષાર્થ દ્વારા શક્ય હોય એટલું કમાવું જોઈએ અને સત્કાર્યોમાં તેનો ઉપયોગ કરવો જોઈએ.
પ્રતિભાવો