૬૯. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૮૯/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 6, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧/૧૮૯/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અન્ને નય સુપથા રાયે અસ્માવિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન્ । યુયોધ્યસ્મજ્જુહુરાણમેનો ભૂયિષ્ઠાં તે નમઉક્તિ વિધેમ ॥ (ઋગ્વેદ ૧/૧૮૯/૧)
ભાવાર્થ: આપણે ખરાબ ટેવોનો સદંતર ત્યાગ કરી હંમેશાં સન્માર્ગે ચાલીને ધનધાન્યની કમાણી કરીએ.
સંદેશ : ‘શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતસ્તતા’ સંસારમાં મનુષ્યની સામે શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ બંને ખુલ્લા છે અને મનુષ્યે જ નિર્ણય કરવાનો છે કે તે કયા માર્ગને અનુસરે. કાં તો તે ઈમાનદારીના સત્યમાર્ગ ઉપર ચાલે, પછી ભલે તે માર્ગ મુશ્કેલીઓથી ભરેલો હોય અથવા તો તે પ્રથમ નજરે પ્રિય લાગનારો માર્ગ પસંદ કરે, પછી ભલે તે અધઃપતન તરફ દોરી જાય.ધન કમાવાની બાબતમાં આ નિર્ણય ક૨વાની ખાસ જરૂર છે. આજે પ્રત્યેક મનુષ્ય બીજા કરતાં વધારે ને વધારે ધન કમાવાની સ્પર્ધામાં લાગેલો છે. આજના ભ્રષ્ટાચારનું આ જ મુખ્ય કારણ છે અને તેને વધુ ને વધુ વેગ મળી રહ્યો છે.
આજે ભૌતિક ધનનો જે મોહ આપણી ઉપર સવાર થઈ ગયો છે તેનું મુખ્ય કારણ છે આપણી ઇચ્છાઓ, જરૂરિયાતો અને માંગ.ઇચ્છાઓની કોઈ મર્યાદા હોતી જ નથી. ઇચ્છા તીવ્ર થવાથી આપણી જરૂરિયાત પણ એની મેળે જ વધી જાય છે અને એના ફળ સ્વરૂપે બીજાનું પડાવી લેવાની વૃત્તિ, લૂંટફાટ વગેરે પરિસ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. આજનો માનવી પોતાની સુવિધાઓ, આસક્તિ, વિલાસિતા અને પ્રતિષ્ઠા માટે કંઈ પણ કરવા તૈયાર છે. બીજાઓને ભલે ગમે તેટલું નુકસાન થાય કે પછી રાષ્ટ્રને ગમે તેટલું નુકસાન થાય એની તેને જરાય પડી નથી. પોતાની જરૂરિયાત કરતાં વધારે ધનસંગ્રહ કરી મનુષ્ય ભોગવિલાસ તરફ દોટ મૂકે છે અને છેવટે અધોગતિની ઊંડી ખાઈમાં ધકેલાઈ જાય છે.
લોકોને એ બાબત સમજાવવામાં આવે કે જે સંપત્તિ કે ધનદોલતના પૂજારી બનીને તમે બેઠા છો તે સંપત્તિ જ તમને દુઃખી કરી રહી છે અને આગળ જતાં આનાથી પણ વધારે દુઃખી કરશે. જો વિવિધ પ્રકારનાં દુઃખ, ઝઘડાઓ અને મુશ્કેલીઓથી બચવું હોય તો મનુષ્ય સૌથી પહેલાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. તત્ત્વજ્ઞાન દ્વારા જ મનુષ્યમાં મનને કાબૂમાં રાખવાનું અને ઇન્દ્રિયોના સંયમ માટેનું આત્મબળ જાગૃત થાય છે. એનાથી જ મનુષ્ય પોતાની ઇચ્છાઓ, વાસનાઓ અને લાલચ ઉપર નિયંત્રણ રાખી શકશે.આ રીતે સાચા તત્ત્વજ્ઞાન દ્વારા મનુષ્ય યોગ્ય પુરુષાર્થ કરીને ઈમાનદારીથી જે ધન કમાય છે તે ધન શુભ ફળ આપનારું હોય છે. ‘પોષમેવ દિવે દિવે’ આ ધન પોષણ કરે છે અને આત્મશક્તિને વધારતું રહે છે. આવું ધન મનને સદાય પ્રસન્નતા આપે છે અને વ્યક્તિત્વનો વિકાસ કરે છે.
અગ્નિની જેમ આપણી પાપવૃત્તિઓને સળગાવી દેવી જોઈએ અને પ્રગતિના માર્ગે આગળ ને આગળ વધતા જવું જોઈએ તથા ધર્મમર્યાદાઓનું પાલન કરીને કમાયેલા ધનથી જ સંતોષ પ્રાપ્ત કરવો જોઈએ.અગ્નિની જ્યોત હંમેશાં ઉપર તરફ જ જાય છે. ગમે તેટલું ભયાનક તોફાન કે પ્રચંડ આંધી આવે, એમ છતાં તે નીચેની તરફ ઝૂકતી નથી, પછી ભલેને તેના અસ્તિત્વનો નાશ કેમ ન થાય. આવી જ રીતે દેઢ આત્મશક્તિ ધરાવનાર મનુષ્યને ભલે પોતાનું અસ્તિત્વ ગુમાવવું પડે, એમ છતાં તે અનીતિ સામે ક્યારેય ઝૂકતો નથી.કોઈપણ પ્રલોભન તેને ઈમાનદારીના માર્ગ પરથી ડગાવી શકતું નથી.
પ્રતિભાવો