૭૨. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 6, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૧ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
ન વા ઉ દેવાઃ ક્ષુધમિદ્વધં દદુરુતાશિતમુપ ગચ્છન્તિ મૃત્યવઃ । ઉતો રયિ: પૃણતો નોપ દસ્યત્થુતાપૃણન્મરર્ડિતારં ન વિન્દતે (ઋગ્વેદ ૧૦/૧૧૭/૧)
ભાવાર્થ : ધનની ઉપયોગિતા દુઃખીઓનો અભાવ દૂર ક૨વામાં છે. એટલા માટે તે કાર્ય હંમેશાં ચાલુ રાખવું જોઈએ. કૃપણ, કંજૂસ તથા સંગ્રહવૃત્તિવાળા મનુષ્યો હંમેશાં દુ:ખી થાય છે. ધનની સંઘરાખોરી ભય અને શંકા પેદા કરે છે. આથી પોતાની જરૂરિયાતોમાંથી બચેલું ધન સમાજને અર્પણ કરવું જોઈએ.
સંદેશ : ૫રમેશ્વરે મનુષ્યને ભૂખ નહિ, પરંતુ તેના રૂપમાં મોત જ આપી દીધું છે. દરેક પળે બસ ભૂખ, ભૂખ અને ભૂખ જ. ન જાણે કેટલાય પ્રકારની ભૂખ તેને સતાવે છે. માત્ર પેટ ભરવા માટે ભોજનની ભૂખ નહિ, પરંતુ ધનસંપત્તિની ભૂખ. પદ અને પ્રતિષ્ઠાની ભૂખ, ઇન્દ્રિયોની ભૂખ, અહંકારની ભૂખ, તેની આ બધી ભૂખ ક્યારેય તૃપ્ત થતી નથી. સંસારમાં જે કંઈ છે તેના પર એ પોતાનો કબજો જમાવવા માટે વ્યાકુળ ૨હે છે. આવી સંગ્રહની વૃત્તિ રાખનાર હંમેશાં કષ્ટ ભોગવે છે. ધન કમાવામાં, કમાયા પછી તેને વધારવામાં, ત્યાર બાદ તેનું રક્ષણ કરવામાં અને વાપરવામાં, તેનો નાશ કરવામાં અને ઉપભોગ કરવામાં મનુષ્યને ઘણો બધો પરિશ્રમ કરવો પડે છે. તેને દરેક પ્રકારનો ભય, ચિંતા અને ભ્રમ રહે છે. ધન કમાવામાં દુઃખ, કમાયા પછી સાચવવામાં દુઃખ, ધનનો નાશ થઈ જાય તો દુ:ખ, વળી ખર્ચાઈ જાય તો પણ દુઃખ, આમ દરેક રીતે એ દુઃખનું જ કારણ બને છે.
ધનની સાર્થકતા તેના સંગ્રહમાં નથી, પણ સદુપયોગમાં છે. પોતાની જરૂરિયાતો સંતોષાઈ જાય પછી બાકીનું ધન સમાજને સમર્પિત કરી દેવું જોઈએ. ત્યાગ કરીને ભોગવવું એ વેદનો આદેશ છે. પહેલાં બીજાઓને ખવડાવી પછી પોતે ખાઓ. જેની પાસે છે તેમણે જરૂરિયાતવાળા લોકોને આપી દેવું જોઈએ. આપણે એકલા જ નથી, પરંતુ આપણું જીવન સમગ્ર જનસમુદાય સાથે જોડાયેલું છે. આપણી ઉ૫૨ સમાજનું અને રાષ્ટ્રનું ઋણ છે, જે આપણે ચૂકવવાનું છે. જો આપણે આ તત્ત્વને સમજી લઈશું તો પછી આપણા મનમાંથી એવો ભય દૂર થઈ જશે કે બીજાઓને દાન આપવાથી આપણું ધન ઓછું થઈ જાય છે. આપણે જે પાત્રને ધન આપીએ છીએ તે આપણો જ અંશ છે – આત્મવત્ સર્વભૂતેષુ. તે દાનથી જે જરૂરિયાત પૂરી થાય છે તેના દ્વારા આપણી પ્રગતિ થાય છે અને એ છેવટે આપણા વ્યક્તિગત સુખને વધારે છે તથા ધનની પણ વૃદ્ધિ કરે છે. જે મનુષ્ય બીજાઓને જરૂરિયાતના સમયે મદદ કરે છે તેને પણ જરૂર પડે ત્યારે ઉદારતાપૂર્વક ઈશ્વરીય મદદ મળે છે.
કૃપણ અને કંજૂસ મનુષ્યો હંમેશાં સમાજથી તરછોડાઈને એકાકી જીવન ગાળે છે. તેમનો ન તો કોઈ મિત્ર હોય છે કે ન કોઈ તેમને મદદ કરવા તૈયારી થાય છે. મનુષ્ય ધનના સંગ્રહથી લિપ્ત રહે છે, ધન જીવન માટે એટલું બધું જરૂરી નથી. વાસ્તવમાં જ્ઞાન, બળ, સુખ, પ્રેમ વગેરે વધારે જરૂરી છે. સંસારમાં ભૂખ્યા લોકોનું અને જેમનાં પેટ ભરેલાં છે તેમનું પણ સમય આવ્યે મૃત્યુ થાય છે જ. દાન આપનાર અને ન આપનાર બંનેનું મૃત્યુ થાય છે, પરંતુ તે બંને વચ્ચે તફાવત માત્ર એટલો જ છે કે દાન આપનારને અમૂલ્ય સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેનું ધન ક્યારેય ઓછું થતું નથી. જ્યારે દાન ન આપનાર મનુષ્ય આ બધી જ બાબતોથી વંચિત રહીને દુઃખી અને જીવતા મડદા જેવું સંકુચિત જીવન જીવે છે.
દાન તેઓ જ આપી શકે છે કે જેમનામાં પવિત્ર આત્મબળ હોય છે.
પ્રતિભાવો