૭૩. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 6, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૧૦/૧૧૭/૬ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
મોધમન્નં વિન્દતે અપ્રચેતાઃ સત્યં બ્રવીમિ વધ ઇત્સ તસ્ય । નાર્યમણં પુષ્યતિ નો સખાયં કેવલાધો ભવતિ કેવલાદી ।। (ઋગ્વેદ ૧૦/૧૧૭/૬)
ભાવાર્થઃ કુબુદ્ધિવાળા મનુષ્ય પાસે ધન ભેગું ન થવું જોઈએ. એનાથી તે પોતાના સાથીદારોનું હિત કરતો નથી. જે એકલો તેને ભોગવે છે તે ચોક્કસ ચોર જ છે અને પાપનો ભાગીદાર બને છે.
સંદેશ : ધનથી મનમાં લોભ,મોહ,મદ અને અહંકારની ભાવના પેદા થાય છે. ખૂબ જ બુદ્ધિશાળી લોકો પણ એની જાળમાં ફસાઈ જાય છે, તો પછી કુબુદ્ધિવાળા મનુષ્યોની તો વાત જ શી કરવી ? તેઓ તો ધન પ્રાપ્ત કરીને પાગલ બની જાય છે અને યોગ્ય-અયોગ્યનો વિચાર કર્યા વિના ભોગવિલાસમાં ડૂબી જાય છે. સંસારમાં ચારે બાજુ પાપી બુદ્ધિવાળા અનેક માણસો જોવા મળે છે કે જેમની પાસે અન્ન, ધન તથા બીજી અનેક પ્રકારની ભોગસામગ્રીનો ભંડાર ભરેલો હોય છે. પ્રત્યક્ષ રીતે જોઈએ તો તેઓ ખૂબ જ ધનવાન અને સુખી દેખાય છે, પરંતુ ખરેખર શું એવું હોય છે ખરું ? ના, એવું નથી. બધીય ભોગવસ્તુઓને તેઓ ભોગવી શકતા નથી, પરંતુ એ સામગ્રી જ તેમનો ભોગ લઈ લે છે. આ બધી જ ધનસંપત્તિ હકીકતમાં તો સુંદર અને મનમોહક રૂપધારણ કરીને આવેલા તેમના કાળ સમાન જ છે. પાપી અને કુબુદ્ધિવાળા માણસોની પાસે એકઠી થયેલી ભોગવિલાસની ચીજવસ્તુઓ તેમના મૃત્યુ સમાન છે.
આવો માનવી એ ધનનો સદુપયોગ કરવામાં હંમેશ અસફળ જ રહે છે. બધા જ ધનને તે ખાવાપીવામાં અને ભોગવિલાસમાં બરબાદ કરી નાખેછે. યજ્ઞીય ભાવનાની તેનામાં સંપૂર્ણ ખોટ વરતાય છે. આવો મનુષ્ય એ ધન દ્વારા સંસારના કોઈપણ પ્રાણીનું પોષણ કરતો નથી અને કોઈ પરમાર્થ કાર્ય માટે પણ તે ધનને વાપરી શકતો નથી.
જો આવો મનુષ્ય યજ્ઞ વગેરે કાર્યોમાં, સંસારનાં હિતકારી કાર્યોમાં પોતાના ધનનો ઉપયોગ કરે તો એ જ સંપત્તિ તેના માટે અમૃત સમાન પવિત્ર અને પુણ્યફળ આપનારી બની જાય છે. સમાજમાં ફેલાયેલી ખરાબ પ્રવૃત્તિઓ અને કુરિવાજોનો જન્મ પાપકર્મો દ્વારા કમાયેલા ધન દ્વારા જ થાય છે. એનાથી લોકોમાં ગુનાખોરીની પ્રવૃત્તિઓ પણ વધતી જાય છે. અનાચાર અને દુરાચારને પોષણ મળે છે તથા અરાજકતા ફેલાય છે.
એક્લો જભોગવનાર, બીજાઓને ખવડાવ્યા વગર માત્ર પોતે જ ખાનાર મનુષ્ય પાપનો ભાગીદાર બનેછે. જ્યારે ચારે બાજુએ અસંખ્ય માનવીઓને એક ટંકનું ભોજન પણ પૂરતું ન મળી શકતું હોય, ભૂખ્યા, કપડાં વગરના ઝૂંપડીમાં પડી રહીને પીડા ભોગવી રહ્યા હોય ત્યારે બીજી બાજુ શીરો પૂરીનાં મિષ્ટાન્ન ખાનાર અને ભોગવિલાસનું જીવન જીવનાર માણસથી વધારે મોટો પાપી બીજો કોણ હોઈ શકે? આવા મનુયોને બહારથી જોવામાં આવેતો ખૂબ જ સુખી અને મજામાં હોય તેવા લાગેછે, પરંતુ તેમને ધ્યાનપૂર્વક જોવામાં આવે તો તેઓ માત્ર પોતાનાં પાપોને જ ભોગવે છે અને માત્ર પાપના ભાગીદાર બનેછે. આવા મનુષ્યો પોતાનાં પાપોના પોટલાનો ભાર એકલા જ ઊંચકીને ફરે છે. સંસારમાં જ્યારે તેમને જરૂર પડે ત્યારે કોઈ જ મદદ કરતું નથી અને તે સમાજથી તરછોડાઈને એકાકી જીવન જીવે છે.
શરીર, મન અને આત્માને તૃપ્ત કરનાર સાચું ભોજન (ધન) અને ખૂબ જ ઝડપથી વિનાશ તરફ પહોંચાડી દેનારા પાપયુક્ત ભોજન(ધન) નો ભેદ પારખી શકવાની વિવેકબુદ્ધિ આપણામાં જાણવી જોઈએ. પાપથી પ્રાપ્ત કરેલ શીરોપૂરી ખાવા કરતાં લૂખોસૂકો રોટલો ખાવો કે પછી ભૂખ્યા રહેવું હજારગણું શ્રેષ્ઠ છે.
ધન મોત પણ બની શકે છે અને અમૃત પણ બની શકે છે.
પ્રતિભાવો