૬૮. વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૧૩/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 6, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – ઋગ્વેદ ૨/૧૩/૧૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
અસ્મભ્યં તદ્વસો દાનાય રાધઃ સમર્થયસ્વ બહુ તે વસવ્યમ્ । તે ઇન્દ્ર યચ્ચિત્રં શ્રવસ્યા અનુ ઘૂબૃહદ્ધદેમ વિદથે સુવીરાઃ ॥ (ઋગ્વેદ ૨/૧૩/૧૩)
ભાવાર્થઃ ન્યાય અને શ્રમયુક્ત કમાણી જ મનુષ્યને સુખ આપે છે, તે નિરંતર વધતી જાય છે તથા મનને હંમેશાં પ્રસન્ન રાખે છે. એનાથી આત્મા નિર્મળ અને પવિત્ર રહે છે, તેના દ્વારા માનવીનું પૌરુષ વધે છે અને તેને સત્કર્મોની પ્રેરણા પ્રાપ્ત થાય છે. ચોરી, છળ અને કપટથી કમાયેલું ધન હંમેશાં દુ:ખ જ આપે છે.
સંદેશ : જીવનમાં ધનના મહત્ત્વને ક્યારેય અવગણી શકાય તેમ નથી. તે મનુષ્ય અને સમાજના વિકાસ માટે જરૂરી છે, પરંતુ તેની સીમા કે મર્યાદા તૂટી જવાના કારણે એ ધનથી અનર્થ થાય છે અને વિકાસ થવાને બદલે તે વિનાશ, શોષણ અને સંઘર્ષોનું કારણ બની જાય છે. જ્યાં સુધી ધન ધર્મની મર્યાદામાં રહે છે ત્યાં સુધી તેને અર્થના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ જ્યારે તે અધર્મનાં કાર્યોમાં વપરાય ત્યારે તે અનર્થ બની જાય છે.
એ સાચું છે કે આજે આપણે ભૌતિક વિકાસના જે પગથિયા સુધી પહોંચ્યા છીએ તે અજોડ છે. એનું મુખ્ય કારણ અને આધાર ધન જ છે. આજે ધનનું જેટલું મહત્ત્વ છે તેટલું ભૂતકાળમાં ન હતું. પ્રાચીનકાળમાં અધ્યાત્મવાદનો પ્રથમ નંબર આવતો હતો અને ધનનો નંબર બીજો હતો. આજે તો બિલકુલ ઊંધું થઈ ગયું છે. લોકો ધન કમાવા પાછળ પાગલની જેમ દોડી રહ્યા છે અને અધ્યાત્મને બિલકુલ ભૂલી ગયા છે. એને આજે પૂજાપાઠનો ઢોંગ અથવા દેખાવ કરવાનો જ.સમય નથી, તો પછી સાચી ઉપાસના અને સાધનાની તો વાત જ શું કરવી ? આજે ભૌતિકવાદ જ સમાજજીવનનું એકમાત્ર તત્ત્વદર્શન બની ગયો છે.
અધ્યાત્મ અને ભૌતિકતા બંને સમાજ માટે જરૂરી છે, પણ એ બંનેમાં સંતુલન અને સમન્વય જળવાય તે જરૂરી છે. પ્રાચીનકાળમાં કેટલાક લોકો અધ્યાત્મને જ સર્વસ્વ માનતા હતા. અધ્યાત્મની એકપક્ષીય પ્રગતિથી સમાજને ક્યારેય નુકસાન થયું નથી. કદાચ મનુષ્ય કેટલીક ભૌતિક સુવિધાઓનો ઉપભોગ કરી શક્યો હોય, પરંતુ આજે ભૌતિકવાદની એકપક્ષીય પ્રગતિથી લોકોનું હિત થવાને બદલે વધારેને વધારે અહિત થતું જાય છે. સમાજમાં જે પણ અવ્યવસ્થા અને અરાજકતા ફેલાઈ છે તેના મૂળમાં આજનો ભૌતિકવાદી દૃષ્ટિકોણ જ કારણભૂત છે. ચોરી, લૂંટફાટ, બેઈમાની, જૂઠ, દગાબાજી વગેરે દ્વારા કમાયેલું ધન મનુષ્યને બધી જ રીતે બરબાદ કરી નાખે છે. સૌથી પહેલાં તો તેની માનસિક શાંતિનો જ નાશ થઈ જાય છે. અનીતિ તથા અન્યાય દ્વારા પ્રાપ્ત કરેલી લક્ષ્મી તેના જીવનનો રસ ચૂસીને તેને કમોર બનાવી દે છે.
આજની આ અર્થવ્યવસ્થા નીતિ અને અનીતિ વચ્ચે ભેદ પારખવા શક્તિમાન નથી તથા યોગ્ય કે અયોગ્ય કોઈપણ રીતે ધનનો સંગ્રહ કરવાની બાબતને જ વધારે મહત્ત્વ આપે છે. બધા જ પ્રકારની સાંસારિક વિપત્તિઓનું મૂળભૂત કારણ એ જ છે. ભૌતિક પ્રગતિની ઉપેક્ષા ન કરી શકાય અને સાથેસાથે આધ્યાત્મિકતાનો પણ ક્યારેય વિરોધ ન જ કરી શકાય.બંનેના સમન્વયથી એક સંતુલિત દૃષ્ટિકોણ પેદા કરવો પડશે. અયોગ્ય રીતે કમાયેલા ધનની નિંદા અને ઘૃણા કરવી પડશે તથા ન્યાયના માર્ગે કમાયેલા ધનની વધુ ને વધુ પ્રશંસા કરવી જોઈએ.
પરિશ્રમ દ્વારા મેળવેલું ધન મનુષ્યને સુખ, શાંતિ અને સંતોષ આપે છે, તેના આત્મબળને વધારે છે અને આત્માને શુદ્ધ, પવિત્ર તથા નિર્મળ બનાવે છે. એનાથી સમાજનું વાતાવરણ દિવ્ય બને છે.
પ્રતિભાવો