૨. જાગૃત તીર્થોનો વિકાસ, યુગઋષિની કલ્પના – એક ઝાંખી
July 6, 2022 Leave a comment
જાગૃત તીર્થોનો વિકાસ, યુગઋષિની કલ્પના – એક ઝાંખી
અધ્યાત્મ આધારિત સામાજિક પુનર્નિર્માણને સાથે રાખીને પૂ. ગુરુદેવનું નવસર્જન અભિયાન ચાલે છે. બાળકોને ભણાવવા શાળા, કસરત માટે વ્યાયામશાળા વગેરેની જરૂર પડે છે. અધ્યાત્મને જીવનધારામાં ભેળવવા માટે તેવા જ વાતાવરણની જરૂર પડે છે. આ ઉદ્દેશ્યથી પૂ. ગુરુદેવે જાગૃત તીર્થોના રૂપમાં શક્તિપીઠો તથા પ્રજ્ઞાપીઠોની સ્થાપનાની યોજનાને આગળ વધારી.
તીર્થો બનાવવા પાછળ માત્ર આત્મક્યાણનાં સાધના કેન્દ્રો બનાવવાનો જ ઉદ્દેશ્ય ન હતો. તેની સાથે સાથે જનકલ્યાણની પ્રવૃત્તિઓ જોરશોરથી ચલાવી યુગતીર્થના રૂપમાં વિકાસ કરવાની ભાવના હતી. તેમણે લખ્યું :
“ગાયત્રી શક્તિપીઠો કાર્યરત થતાં જ નૈષ્ઠિક, બૌદ્ધિક અને સામાજિક પરિવર્તનના રચનાત્મક પ્રયત્નો ચાલવા લાગશે તો નવનિર્માણનું સ્વપ્ન સાકાર થવામાં વાર લાગશે નહિ. સ્વસ્થ શરીર, સ્વચ્છ મન અને સભ્ય સમાજની ; વ્યક્તિ, પરિવાર અને સમાજના ઉત્કર્ષની; નૈતિક અને સાંસ્કૃતિક પુનરુત્થાનની ઘણી કામનાઓ, ધારણાઓ અને યોજનાઓ અગાઉ બનાવી છે. ગાયત્રી શક્તિપીઠોનું નિર્માણ આ બધાનો અમલ કરવાનો મુખ્ય આધાર બનશે. ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે પ્રજ્ઞાવતારની કર્મભૂમિના રૂપમાં શક્તિપીઠો અસાધારણ ભાગ ભજવશે.’(૨/૧૬)
વિસ્તારની કલ્પના :
પૂજ્યવરે વારંવાર કહ્યું છે કે ભારત ધર્મપ્રેમી, અધ્યાત્મપ્રેમી દેશ છે. કોઈ મહત્ત્વપૂર્ણ પરિવર્તન માટે તેને આધ્યાત્મિક તથા ધાર્મિક પુટ આપવો જરૂરી છે. એટલા માટે શક્તિપીઠોને તેને અનુરૂપ બનાવવાની તથા વિકસિત કરવાની યોજના બનાવી છે. ભણતર અને સાધનોની અછત પડશે તેવું પણ તેઓ જાણતા હતા. તેથી સામાન્ય વ્યક્તિના જ્ઞાન અને કૌશલ્યના આધાર પર યોજનાને આગળ ધપાવવા જણાવ્યું.
“આપણો દેશ ધર્મપરંપરાથી સમૃદ્ધ હોવા છતાં સાધનહીન ગામડાંમાં ફેલાયેલો છે. શિક્ષણ અને આર્થિક સાધનોની ખોટ છે. આવા વખતે સમય ગુમાવ્યા વિના યોજના અમલમાં મૂકવી હોય તો સ્થાનિક, સસ્તાં અને સામાન્ય કુશળતાથી બનતાં ધર્મસંસ્થાનો બનાવવાં પડશે. શ્રદ્ધા અને સર્જનની જરૂરિયાતો પૂરી કરવા, આ નિર્માણક્રિયાને સમયનો પોકાર કરી શકાય.” (૩/૬).
મર્યાદિત સાધનોથી તૈયાર થયેલાં સંસ્થાનોમાં વધારે લોકોને બોલાવીને તાલીમ આપવી શક્ય નથી. એટલા માટે શક્તિપીઠો સાથે સંલગ્ન પ્રજ્ઞા કેન્દ્રો જુદી જુદી જગ્યાએ ઊભાં કરી તમામ લોકોને આ દિવ્ય યોજનાથી લાભાન્વિત કરવાની રૂપરેખા એમણે રજૂ કરી.
આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે પ્રત્યેક શક્તિપીઠ પર સક્ષમ, સેવાભાવી, યોગ્ય પરિવ્રાજકોની ટોળી નવયુગના સંતોના રૂપમાં રાખવાની વાત તેમણે જણાવી.
સમગ્ર ક્રાંતિનાં શક્તિકેન્દ્રો
યુગઋષિએ પ્રથમ ચરણમાં આ કેન્દ્રોને જનસંપર્ક કરવા તથા વધારવા પર ભાર મૂક્યો, ધીમેધીમે ઉદ્દેશ્યને અનુરૂપ વિસ્તારવાની વાતનો સ્પષ્ટ સંકેત આપ્યો. તેઓ લખે છે :
“હાલ પૂરતું આ શક્તિપીઠોની સ્થાપના જનસંપર્ક કેન્દ્રોના રૂપમાં થઈ રહી છે. એટલા માટે વસ્તીવાળા વિસ્તારોમાં આ સંસ્થાનો બને તો સામાન્ય લોકોની અવરજવર સ્વાભાવિક રીતે રહ્યા કરે. થોડા સમય બાદ આની પૂર્તિ રૂપે એવા આશ્રમો પણ બનશે, જ્યાં તીર્થયાત્રીઓને રહેવા તથા સૂવાની સગવડ હોય તથા તેમને સાધના કરવાનો, માર્ગદર્શન પ્રાપ્ત કરવાનો લાભ પણ મળતો રહે.” (૧/૨-૩).
શક્તિપીઠો અને તેમને સંલગ્ન આશ્રમોના માધ્યમથી સર્જનશીલ માનસ અને કુશળ વ્યક્તિત્વવાળી વ્યક્તિઓને સંગઠિત અને વિકસિત થવાની પ્રેરણા આપી શકાય. વિકાસની સાથોસાથ આવી વ્યક્તિઓને સામાજિક ઉત્કર્ષની તમામ પ્રવૃત્તિઓમાં ભાગીદાર બનાવવી પણ જરૂરી છે. તેમણે જણાવ્યું :
“કામ કરવાની આ શરૂઆતની કાર્યપદ્ધતિ છે. વિરાટ અને દીર્ઘદૃષ્ટિપૂર્ણ બનાવેલી યોજનાને સાકાર કરવાનું મુખ્ય કાર્ય જનસંપર્ક વધતાં હાથ ધરવામાં આવશે. રચનાત્મક કાર્યોમાં પ્રૌઢ શિક્ષણ, ગૃહઉદ્યોગો, જાગૃતિ, શ્રમદાન, સ્વચ્છતા અભિયાન, સહકારિતા, નાની બચત યોજના જેવાં કેટલાંય શુભકાર્યોનાં બીજ વાવી તેમનો વિકાસ કરવાનો છે. સુધારાત્મક કાર્યક્રમોમાં વ્યસન નાબૂદી, અસ્પૃશ્યતા, લાજપ્રથા, લગ્નમાં થતા ખોટા ખર્ચા, દહેજ, બારમું, અંધવિશ્વાસ, ભેળસેળ, લાંચરુશવત, છળ, આક્રમણ, વસ્તીવધારો વગેરેના વિરોધમાં વાતાવરણ બનાવવાનો કાર્યક્રમ મુખ્ય છે. આ સામાજિક પ્રશ્નો અને જરૂરિયાતોની વાત થઈ. ભવિષ્યનિર્માણ માટે આત્મિક શ્રેષ્ઠતા તથા ભૌતિક સમૃદ્ધિ વધારવા, હળીમળીને ખાવા, સંપીને રહેવા જેવી પરંપરાઓ શરૂ કરવી જરૂરી છે. આ માટે એવાં સાધનો તથા સરંજામ એકઠાં કરવાં પડશે, જેનાથી સમગ્ર વિશ્વની જનતાને એકતા, શુચિતા અને ક્ષમતાના સૂત્રમાં બાંધી શકાય.” (૩/૪)
નવસર્જનનાં કાર્યો પ્રભાવશાળી રીતે ચલાવી શકનારા અગ્રદૂતો તૈયાર કરવાની પ્રક્રિયાને પૂજ્ય ગુરુદેવે મહત્ત્વની માની છે. જો આ ઉદ્દેશ્યો આપણે પૂરા ન કરી શકીએ તો કર્ત્તવ્યોની કસોટીમાં આપણે નપાસ થયા જ ગણાઈએ.
સમર્થ તંત્રઃ
તેમણે વારંવાર ઉલ્લેખ કર્યો છે કે મહાન કાર્યો માટેવિરાટ સંગઠન શક્તિની જરૂર પડે છે. એટલા માટે શક્તિપીઠોને સ્વતંત્ર સંસ્થાનના રૂપમાં નહિ, પણ એક વ્યાપક તંત્રના શક્તિશાળી અંગના રૂપમાં તૈયાર કરવાની વાત કહી છે. શક્તિપીઠોને કાયદાકીય રીતે સ્વતંત્ર રહેવા છતાં તેના નીતિનિયમો શાંતિકુંજ હસ્તક તેની દેખરેખમાં રાખવાનું નક્કી કર્યું. જેવી રીતે લશ્કરમાં હોય છે એવું જ એક સમર્થ વિકેન્દ્રિત તંત્ર તેઓ ઇચ્છતા હતા. કેટલું વિરાટ અને ગરિમામય લક્ષ્ય તેમણે રાખ્યું હતું એ તો આ વાક્ય પરથી સ્પષ્ટ થાય છે :
“આગળના તબક્કામાં દેશને, આખા વિશ્વને મંડળોમાં વહેંચી દઈ પ્રત્યેક મંડળ માટે એક શક્તિપીઠની રચનાની કાર્યવાહી ચાલશે. પ્રાચીનકાળમાં મંડલેશ્વર, મંડલાધીશ કે ક્ષેત્રાધિકારીઓ હતા. નવા યુગમાં વ્યક્તિની મહત્તાને ઘટાડીને તેના બદલે તીર્થોના સંગઠનને પ્રતિષ્ઠિત કરવામાં આવી રહ્યું છે. આ ગાયત્રી શક્તિપીઠો જ આગામી દિવસોમાં પોતાના ક્ષેત્રના મંડલાધીશો તો નહિ, પણ મંડલસેવકના રૂપમાં ધર્મને પુનર્જીવિત કરવાની મહાન ભૂમિકા નિભાવશે.”(૧/૨).
કેટલું વિરાટ, ગરિમામય પણ વિનમ્ર તંત્ર તેઓ ચાહતા હતા ! આપણે આ તથ્ય સમજીને તેમના આદેશોને આપણી નિષ્ઠાના બળે પૂરા કરવા માટે કમર કસવી જોઈએ.
ઉપરની લીટીઓમાં શક્તિપીઠોની દિવ્ય કલ્પના તથા યોજનાની વિચારધારાના સંદર્ભમાં યુગઋષિના નિર્દેશોની સંક્ષિપ્ત ઝલક જ બતાવવામાં આવી છે. તેમના વિચારોની વિશેષ ચોખવટ આગળનાં પૃષ્ઠોમાં કરવામાં આવી રહી છે.
પ્રતિભાવો