૯૯. વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ – ૧/૩૪/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
July 7, 2022 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ – અથર્વવેદ – ૧/૩૪/૩ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ
મધુમન્મે નિક્રમણં મધુમન્યે પરાયણમ્ । વાચા વદોમિ મધુમદ્ ભૂયાસં મધુસંદ્વશઃ ॥ (અથર્વવેદ – ૧/૩૪/૩)
ભાવાર્થ : જેમના વ્યવહાર, ક્રિયા અને વાણીમાં મધુરતા હોય છે તેમને બધા પ્રેમ કરે છે. જેમનો સ્વભાવ મધુર હોય છે તેઓ જ સંસારમાં શુભ કર્મ તથા ઉપકાર કરે છે.
સંદેશ : મધુરતા, મૃદુતા અને નમ્રતા શ્રેષ્ઠ અને શીલવાન પુરુષનાં લક્ષણો છે. તેનાથી વિપરીત હીન પ્રવૃત્તિના લોકો હંમેશાં કઠોર અને કર્કશ બોલનારા હોય છે. ઉદાર મનના પરોપકારી લોકો પણ અત્યંત નમ્ર રહે છે. જેવી રીતે ફળોના ભારથી વૃક્ષ ઝૂકી જાય છે, પાણીથી ભરેલાં વાદળો નીચે આવી જાય છે, એ જ રીતે જે શ્રેષ્ઠ અને પરોપકારી હોય છે તેઓ પોતાના વૈભવનું અભિમાન નથી કરતા અને નમ્રતા ધારણ કરે છે. જેના અંતઃકરણમાં પ્રાણીમાત્ર પ્રત્યે દિવ્ય આત્મીયતાનો ભાવ જાગૃત થાય છે તેનો વ્યવહાર પણ નમ્ર તથા મધુર બની જાય છે. તે હંમેશાં એ જ પ્રયાસ કરે છે કે તેના દ્વારા કોઈનેય દુઃખ ના પહોંચે.
અનેક લોકોની એવી ખોટી ધારણા હોય છે કે કઠોર વર્તાવ અથવા વાણી વધારે પ્રભાવશાળી હોય છે અને તેનાથી તેમની મોટાઈની છાપ પડે છે, પરંતુ જો થોડોક વિચાર કરીએ અને પ્રયોગ કરીને જોઈએ તો ખબર પડશે કે કઠોર વાણીના બદલે મધુર તથા મીઠાં વચનો વધારે પ્રભાવકારી હોય છે. મધુરતામાં અદ્ભુત સામર્થ્ય રહેલું છે. સામર્થ્ય અને આત્મવિશ્વાસની ઊણપના કારણે જ અનેક લોકો કઠોર વચનોનો ઉપયોગ કરે છે તથા પોતાના દોષો બીજાના માથા પર નાખવા માગે છે. અસત્ય અને ભ્રમિત કલ્પના કરનારા લોકો અશ્લીલ તથા કઠોર બોલવામાં આનંદ અને ધન્યતા અનુભવે છે. દુર્ભાગ્યવશ આજે સાહિત્યમાં પણ હલકટતા અને અશ્લીલતાનો સમાવેશ થઈ રહ્યો છે. કઠોર વચનોથી તત્કાળ તો થોડોક પ્રભાવ તો પડી શકે છે, લોકો ભયના માર્યા તેનું પાલન કરે, પરંતુ પીઠ પાછળ બૂરાઈ જ કરે છે. લોકો કઠોર વચનોથી પોતાનું કામ કાઢીને અહંકારથી ફુલાય છે, પરંતુ તેમના સન્માનને એનાથી ઠેસ પહોંચે છે તે વાત તેઓ સમજી શકતા નથી. કેટલીકવાર કઠોર વચનોનો પ્રયોગ જરૂરી હોય છે. બાળકોને, હાથ નીચેના કર્મચારી તથા દુરાચારી વ્યક્તિઓને સન્માર્ગ પર લાવવા માટે કઠોરતાનો જ આશરો લેવો પડે છે, પરંતુ તેનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ.
મૃદુતાનો અર્થ દુર્બળતા નથી થતો. બીજાઓની હા માં હા મેળવવી તથા ખુશામત કરવી તેને મધુરતા ન કહી શકાય. મત અને ફાળો માગતી વખતે લોકોની મધુરતા અને નમ્રતા જોવા જેવી હોય છે, પરંતુ તેમાં કેટલું તથ્ય હોય છે તેને કોઈપણ સમજી શકે છે. ઠગ અને ઢોંગી માણસ પણ ઘણી જ મીઠી ભાષાનો પ્રયોગ કરે છે. શું તેને આપણે સાચી મધુરતા કહી શકીએ ખરા?
સાચી મધુરતા જીભની નહિ, પણ આચરણની હોય છે. મધુરતાનો આદર્શ તો આપણને કૃષ્ણના ચારિત્ર્યમાં જોવા મળે છે. ભલે બાળલીલા હોય કે રાસલીલા, સુદામા સાથે સ્નેહવાર્તા હોય કે યુદ્ધક્ષેત્ર, રાજનૈતિક દાવપેચ હોય કે સુદર્શન ચક્રનો પ્રયોગ, દરેક જગ્યાએ મધુરતા અને કઠોરતાનો સુંદર સમન્વય દેખાય છે. તેમની પ્રત્યેક વાત મધુર છે.
વચનં મધુરં ચરિતં મધુરવસનં મધુરં વિલતં મધુરમ્ । ચલિતં મધુરં ભ્રમિતં મધુરં મધુરાધિપતે રખિલં મધુરમ્ ॥
પ્રતિભાવો